બૉનર, જેમ્સ ફ્રેડરિક (જ. 1910, આન્સલે, એન. ઈ.) : જૈવરસાયણવિજ્ઞાની અને દેહધર્મવિજ્ઞાની. તેમણે 1934–35 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાના માનાર્હ ફેલો તરીકે સેવા આપી અને ત્યારપછી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાં 1936થી 1981 સુધી કાર્યરત રહ્યા. તેમણે જીવવિજ્ઞાનનું એક અત્યંત ક્રાંતિકારી મધ્યસ્થ સૂત્ર (central dogma) આપ્યું.

આમ, પ્રોટીનસંશ્લેષણની પ્રક્રિયામાં DNA (Deoxyribonucleic acid) મુખ્ય નિર્ણાયક છે, તેમ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું.

અલગીકૃત રંગસૂત્રના જૈવરાસાયણિક વિશ્લેષણ મુજબ તેમાં DNA 36 %, હિસ્ટોન પ્રોટીન 37 %; RNA 10 %; નૉનહિસ્ટોન કે એસિડિક પ્રોટીન 10 % અને RNA પૉલિમરેઝ અને અન્ય ઉત્સેચકો 6 %થી 7 % હોય છે. તેમના મંતવ્ય મુજબ, રંગસૂત્રો ઉપર આવેલાં જનીનોના કાર્યનું નિયમન હિસ્ટોન પ્રોટીનો કે એસિડિક પ્રોટીનો દ્વારા થાય છે. હિસ્ટોનરહિત DNA અન્ય પદાર્થ સાથે જોડાઈ એક ક્રિયાશીલ સંયોજનનું નિર્માણ કરે છે. રંગસૂત્ર પર વસેલાં આ હિસ્ટોન કે એસિડિક પ્રોટીનો વારંવાર ક્રિયાશીલતા આણી કે નિષ્ક્રિયતા સર્જી જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે અને પ્રોટીન અથવા ઉત્સેચકો સર્જવા કે ન સર્જવાનો DNAને આદેશ આપે છે.

જીવંત કોષોમાં પ્રોટીનનું ઉત્પાદન નિયમિત માત્રામાં નિશ્ચિત તબક્કે થાય અને આવશ્યકતા મુજબ તેનું ઉત્પાદન શરૂ થાય કે બંધ થાય તે પ્રક્રિયાની સમજૂતી અવરોધક (repressor) જનીનની કાર્યપદ્ધતિ (ઑવેરોન પરિકલ્પના) દ્વારા પ્રાપ્ત થાય છે. આ વિચારધારાને અભૂતપૂર્વ સ્વીકૃતિ સાંપડી અને ‘હિસ્ટોન-જનીન નિરોધ’ પરિકલ્પના (histone gene supression hypothesis) તરીકે જાણીતી બની; પરંતુ હિસ્ટોન કે એસિડિક પ્રોટીનોને ખસેડવાનું કે લાવવાનું કાર્ય કયો અણુ કરે છે તે અજ્ઞાત રહ્યું. આ કાર્ય માટે જવાબદાર અત્યંત નાનો અણુ કોષરસમાં આવેલો હશે, તેટલું જ સમર્થન મળ્યું.

કાર્લ સી. હેમ્નર સાથેનાં તેમનાં સંશોધનોએ (1930) દર્શાવ્યું કે પુષ્પોદભવની પ્રક્રિયા દિવસ(પ્રકાશ)ની લંબાઈ ઉપર આધારિત હોય છે. તેમણે સપુષ્પ વનસ્પતિઓને લઘુરાત્રી (short night) વનસ્પતિઓ અને દીર્ઘરાત્રી (long night) વનસ્પતિઓમાં વર્ગીકૃત કરી.

ચંદ્રકુમાર કાન્તિલાલ શાહ