બેસ્કી, કૉન્સ્તાન્ત્સો

January, 2000

બેસ્કી, કૉન્સ્તાન્ત્સો (જ. 1680, કાસ્તિગ્લિયોન, ઇટાલી; અ. 1746, અંબલક્કડ, જિ. તિન્નવેલ્લી) : તમિળ ભાષાને સમૃદ્ધ કરનાર એક ઇટાલિયન મિશનરી અને વિદ્વાન. તેમનું આખું નામ કૉન્સ્તાન્ત્સો જૂઝેપ્પે એઉઝેબ્યો બેસ્કી હતું. તેઓ ખ્રિસ્તી મિશનરી તરીકે તમિળનાડુમાં નિમાયા હતા. તમિળનાડુના તિન્નવેલ્લી જિલ્લાનું વુડકન કુલય તેમનું કેન્દ્ર હતું. ત્યાં રહીને તેમણે સંસ્કૃત તેમજ તમિળ ભાષા આત્મસાત્ કરી અને ‘વીર મામુનિવર’ના તમિળ તખલ્લુસથી મૌલિક લખાણો લખવાં શરૂ કર્યાં. તેમણે તમિળ ભાષામાં મહાકાવ્ય રચવામાં પ્રવીણતા મેળવી હતી.

તેમણે 1726માં ‘તેંબાવણિ’ નામનું મધુર પદવાળું મહાકાવ્ય લખ્યું તેમજ જૂના અને નવા કરારના બાઇબલના પ્રસંગોનું 30 સર્ગમાં સરળ, સુબોધ અને સરસ રીતે ચિત્રાંકન કર્યું. તેનાં 3,617 કડવાંમાં તમિળ ભાષાના વિવિધ છંદોની ગૂંથણી કરી છે. આ મહાકાવ્યનું શબ્દચાતુર્ય, કલ્પના, છંદવૈવિધ્ય, આબેહૂબ વર્ણન તથા અન્ય કાવ્યગુણોને કારણે વિશેષ મહત્વ છે.

તેમણે 4 ભાગમાં ‘ચતુરગરાદિ’ નામનો તમિળ ભાષાનો શબ્દકોશ રચ્યો છે. તમિળ વ્યાકરણ સંબંધી 2 ગ્રંથો પણ તેમણે રચ્યા છે. તેમાંનો એક લૅટિન ભાષા અને બીજો તમિળ ભાષામાં રચ્યો છે. પારંપરિક સૂત્રપદ્ધતિમાં રચેલ તમિળ વ્યાકરણનો ગ્રંથ ‘તોન્નુબ વિળક્કમ’ 1730માં પ્રગટ કરાયો હતો. તમિળ ગદ્યના આરંભના ગણાતા ‘ઓળુક્કમ’ અને ‘અવિવેક પરિપૂરણ ગુરુકથૈ’ એ 2 ગ્રંથોની રચના તેમણે કરી હતી. ‘વેદિયર ઓળુક્કમ’માં ખ્રિસ્તી ધર્મ-પ્રચારની આચારસંહિતા દર્શાવી છે. ‘અવિવેક પરિપૂરણ ગુરુકથૈ’માં ગુરુઓની અજ્ઞાનતા અને તેમનાં દુષ્કૃત્યોનું નિરૂપણ છે. તેમની શૈલી વિનોદી હોવાથી આબાલવૃદ્ધ સૌ વાચકોમાં તેઓ વધુ લોકપ્રિય બન્યા હતા.

તેમણે પ્રખ્યાત તમિળ શિષ્ટ કાવ્ય ‘તિરુક્કુરળ’ના પ્રથમ બે ભાગનો લેટિનમાં અનુવાદ કર્યો. તેમના બીજા ઉલ્લેખનીય ગ્રંથો છે : ‘જ્ઞાન ઉણર્ત્તુલુ’ અને ‘વેદ વિળક્કમ્’ જે ખ્રિસ્તી ધર્મપ્રચાર-અર્થે લખવામાં આવ્યા છે. તેમના અન્ય તમિળ ગ્રંથોમાં ‘તિરુક્કોવળુર કળંબગમ્’ અને ‘અડેક્કલ માલૈ’નો સમાવેશ થાય છે. તમિળ વ્યાકરણને લગતા લૅટિનમાં લખેલા 2 ગ્રંથો ‘ગ્રામેટિકા લૅટિનો-ટિમુલિકા’ નામે 1728 અને 1738માં પ્રકાશિત થયેલા. આ ઉપરાંત તેમણે તમિળ-લૅટિન કોશ, તમિળ-ફ્રેંચ કોશ અને પૉર્ટુગીઝ-લૅટિન-તમિળ કોશ પણ રચ્યા છે.

બળદેવભાઈ કનીજિયા