બેકન, રૉજર [જ. 1214 (?), ઇલ્ચેસ્ટર, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1292, ઑક્સફર્ડ (?)] : અંગ્રેજ ફિલસૂફ, કીમિયાગર (alchemist) અને વિજ્ઞાનમાં પ્રાયોગિક પદ્ધતિઓના સમર્થક. મધ્યયુગમાં વિજ્ઞાનના વિકાસમાં ફાળો આપનાર એક અગ્રગણ્ય વ્યક્તિ તરીકે તેમની ગણના થાય છે. તેઓ પ્રાયોગિક વિજ્ઞાનના સ્થાપક અને ભૌતિકશાસ્ત્રમાં પ્રકાશિકી(optics)ના અભ્યાસમાં શરૂઆતના સંશોધકો પૈકીના એક તરીકે જાણીતા છે. પંદરમી અને સોળમી સદીમાં વિજ્ઞાનમાં જે ક્રાંતિ આવી તેનો પાયો નાખવામાં તેઓ મદદરૂપ થયા હતા.

પૈસાપાત્ર કુટુંબના સભ્ય બેકને ઑક્સફર્ડમાં રૉબર્ટ ગ્રોઝતિસ્ટના હાથ નીચે અને પછીથી પૅરિસમાં ગણિત, ખગોળ, પ્રકાશિકી, કીમિયાગરી અને ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમને ચતુર્વિદ્યા(quadrivium) (ભૂમિતિ, ગણિત, સંગીત અને ખગોળશાસ્ત્ર)માં શરૂઆતથી જ તાલીમ મળી હતી. 1230માં તેમણે ઑક્સફર્ડ છોડ્યું અને યુનિવર્સિટી ઑવ્ પૅરિસમાં શિક્ષણકાર્ય શરૂ કર્યું. ત્યાં જ તેમને એમ.એ.ની પદવી પ્રાપ્ત થયેલી (ઘણું કરીને 1241 પછી). 1247ના અરસામાં નાદુરસ્ત તબિયતને કારણે તેમણે અધ્યાપન છોડી દીધું અને ઑક્સફર્ડ પાછા આવ્યા અને દસેક વર્ષ ગણિત, ટૅકનૉલૉજી અને વિશેષ કરીને પ્રકાશિકીના અભ્યાસમાં ગાળ્યાં.

1257ના અરસામાં તેઓ સંત ફ્રાન્સિસના સંપ્રદાયમાં સાધુ તરીકે જોડાયા અને પૅરિસના મઠમાં મુકામ કર્યો. તે સમયની શૈક્ષણિક પ્રથાના તીખા આલોચક હોઈ તેમણે વિજ્ઞાનમાં સુધારા માટેની પદ્ધતિની એક યોજના વિચારી અને પોપ ક્લેમન્ટ-IVની વિનંતીથી તેમની સમક્ષ પોતાના વિચારો ‘opus majus’ (great અથવા longer work)માં વિશ્વકોશ રૂપે રજૂ કર્યા (1267); પરંતુ નામદાર પોપને આ વિશાળ ગ્રંથને વાંચવાનો સમય નહિ હોય તેમ માનીને તેમણે પછીના વર્ષે પોતાના વિચારો ‘opus minus’ (lesser work) રૂપે અને ત્યારબાદ ‘opus tertium’ (third work) (post script, તાજા કલમ) રૂપે રજૂ કર્યા હતા. તેવામાં (1268માં) પોપનું અવસાન થતાં બેકન ઉપર બિનરૂઢિવાદી (unorthodox) હોવાનો આરોપ મુકાયો અને 1278માં તેમને જેલની સજા થઈ. 1292માં તેઓ મુક્ત થયા અને બે વર્ષ બાદ અવસાન પામ્યા.

બેકનનાં મોટાભાગનાં લખાણો જ્ઞાનના અપૂર્ણ વિશ્વકોશ જેવાં છે. તેમની વિશિષ્ટ ફિલસૂફી ‘opus majus’માં વ્યક્ત થયેલી છે. તેમનો મૂળ સિદ્ધાંત મધ્યયુગીન હતો – સઘળું ડહાપણ સાક્ષાત્કાર(revelation)ના ત્રણ માર્ગો દ્વારા ઉદભવે છે : ધર્મગ્રંથો(scripture)માંનાં લખાણો, કુદરતની દૃશ્યમાન કૃતિઓ અને આત્માની આંતરિક પ્રદીપ્તિ (interior illumination).

બેકનની ખ્યાતિ વિજ્ઞાનમાં પ્રાયોગિક પદ્ધતિના ઉપયોગ માટેની તેમની વાક્પટુતાભરી દલીલોને આભારી છે. તેમનાં લખાણો ઊંડાણથી તપાસતાં લાગે છે કે આધુનિક ખ્યાલો પ્રમાણે પ્રાયોગિક પદ્ધતિ ઉપર તેમની પૂરી પકડ ન હતી, પણ તેમણે જોયું કે વિજ્ઞાનના વિકાસ માટે પ્રયોગ અને ગાણિતિક અભિગમ જરૂરી છે.

બંદૂકનો દારૂ બનાવવાની રીત વર્ણવનાર તેઓ પ્રથમ યુરોપિયન હતા; પણ તે તેમણે શોધેલો નહિ. તેમણે મેઘધનુષ્યના ઉદભવ, આંખની રચના, ચાક્ષુષ તંત્રિકાઓ(optic nerves)નાં વર્ણન પણ કરેલાં છે. ઊડતાં યંત્રો (વિમાનો), યાંત્રિક વહાણો અને વાહનોની કલ્પના પણ તેમણે કરેલી. અધ્યાત્મવિદ્યા(theology)ને તેઓ જ્ઞાનના સર્વોચ્ચ ક્ષેત્ર તરીકે ગણતા હતા. પણ તેમના સ્વભાવને કારણે પોતાના સહકાર્યકરો સાથે તેઓ સંઘર્ષમાં આવતા હતા.

તેમણે 1268ના અરસામાં ‘જનરલ પ્રિન્સિપલ્સ ઑવ્ નૅચરલ ફિલૉસૉફી’ અને ‘જનરલ પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથમૅટિકલ સાયન્સ’ જેવા ગ્રંથો લખેલા. 1272માં ‘કૉમ્પિન્ડિયમ ઑવ્ ફિલૉસૉફી’ નામનો ગ્રંથ તૈયાર કરેલો. તેમના અવસાનના થોડા સમય પહેલાં ‘કૉમ્પિન્ડિયમ ઑવ્ થિયૉલૉજિકલ સ્ટડીઝ’ નામનો ગ્રંથ તેમણે પૂરો કરેલો.

જ. દા. તલાટી