બૅસોવ, નિકોલાઈ (જ. 1922, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : રશિયાના વિખ્યાત પદાર્થવિજ્ઞાની. મેઝર અને લેઝરની શોધથી તેઓ ભારે નામના પામ્યા.

નિકોલાઈ બૅસોવ

1958થી ’73 દરમિયાન મૉસ્કોના લૅબેડેવ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે નાયબ નિયામક તરીકે કામગીરી બજાવી. 1973માં તેઓ એ સંસ્થાના નિયામક નિમાયા.

તેમના સંશોધનકાર્યના પરિપાકરૂપે 1955માં મેઝર જેવું મહત્વનું સાધન વિકસાવવાની ભૂમિકા મળી રહી. મેઝર એ રેડિયોના સૂક્ષ્મ તરંગોને મોટા બનાવનારું સાધન છે. આ શોધ બદલ 1964માં તેઓ પદાર્થવિજ્ઞાનના નોબેલ પુરસ્કાર માટે સહભાગી બન્યા. 1958માં તેમણે લેઝર જેવા ઉપકરણની શોધ કરી. લેઝર એ પ્રકાશનાં તીવ્ર અને ઘનિષ્ઠ કિરણ પેદા કરનારું ઉપકરણ છે.

મહેશ ચોકસી