બૅલે : આયોજનબદ્ધ સમૂહનૃત્યનો પાશ્ચાત્ય પ્રકાર. તેમાં સંગીતના સથવારે સુયોજિત નૃત્યગતિ વડે નર્તકો કોઈ કથાનકની રજૂઆત કરે છે અથવા કોઈ અમૂર્ત ખ્યાલનો વિકાસ પ્રસ્તુત કરે છે. ગીતકાવ્યપ્રધાન (lyric) રંગભૂમિનું જ તે વિસ્તૃત સ્વરૂપ લેખાય છે.

તેનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે અને તેમાં સતત સંશોધન-સુધારણા તથા ભજવણી-પ્રક્રિયાની દસ્તાવેજી સામગ્રી સચવાયેલી છે. ઑપેરા અને બૅલે – એ બંને કલા-સ્વરૂપોનો ઇતિહાસ ઘણી વાર એકબીજાં સાથે જોડાઈ જાય છે. ઑપેરાની જેમ બૅલે પણ યુરોપીય પરંપરાનો કલાપ્રકાર છે તેમજ નર્તકો, મૂક અભિનેતાઓ, નૃત્યનિયોજકો, સંગીતકારો તથા વેશભૂષા અને રંગ-સજાવટના ડિઝાઇન-નિષ્ણાતો એ સર્વે કલાકાર-કસબીઓના સંવાદી સહયોગના આદર્શની  ર્દષ્ટિએ તે રેનેસાંની લાક્ષણિકતા ધરાવે  છે. રાષ્ટ્રવ્યાપી કલા-મંડળીઓ અથવા રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના ધરાવતી ખાનગી કલા-સંસ્થાઓની સ્થાપનાના પરિણામે તેમજ સરકારી સહાય, પરોપકારી અભિગમ ધરાવતાં નાણાકીય ભંડોળ અને નવો પાંગરેલો પ્રજાકીય ઉત્સાહ – એમ વિવિધ પરિબળોનું પીઠબળ સાંપડવાથી, બીજા વિશ્વયુદ્ધ પછી બૅલેના નૃત્યપ્રકાર વિશે એક આગવો પુનરુત્થાન-યુગ વિશ્વભરમાં આરંભાયો.

બૅલેનાં મૂળ પંદરમી, સોળમી અને સત્તરમી સદીના ઇટાલીના અને ફ્રાન્સના લોકોત્સવોમાં મળે છે; જેમ કે, પરેડ, માસ્ક, પેજન્ટ તથા અશ્ર્વારોહણના ખેલપ્રયોગો. ‘બૅલો’ (નૃત્ય) અને ‘બૅલરે’ (નૃત્ય કરવું) – એ બે શબ્દો રૂપે આ નૃત્યપ્રકારના સંદર્ભમાં મળે છે. નાટ્યાત્મક ભજવણીના ઝોક અને અભિગમના પરિણામે ઇટાલીમાં ‘બૅલેટો’ નામના કલાપ્રકારનો વિકાસ થયો. વિશાળ ર્દશ્યાત્મક ભજવણી રૂપે રજૂ થતો આ કલાપ્રકાર કલાકો કે ક્યારેક દિવસો સુધી ચાલ્યા કરે છે અને તેમાં નૃત્ય, કંઠસ્થ કાવ્યોનું ગાન, ગીતો તેમજ ભવ્ય ર્દશ્ય-સજાવટનો કલાત્મક અને પ્રભાવક સુમેળ સધાયો હોય છે. કોઈક દંતકથારૂપ સામગ્રીની આસપાસ વણી લેવાયેલી આવા ‘બૅલેટો’ની રજૂઆત સ્થાનિક રાજદરબારનાં પુરુષો તથા બાળકો મુખવટા તેમજ સુશોભિત પોશાક પહેરીને કરતાં. આવી ભજવણી મોટા ખંડમાં કે ટેનિસ કૉર્ટ પર રજૂ થતી. (આધુનિક શૈલીનાં થિયેટર છેક સોળમી સદીના ઉત્તરાર્ધ સુધી બંધાયાં ન હતાં).

ફ્રાન્સના રાજવી હેન્રી બીજાએ 1533માં કૅથરિન સાથે લગ્ન કર્યાં ત્યારે પોતાની સાથે તેઓ ઇટાલીનો બૅલેટોનો કલાપ્રકાર પણ ફ્રાન્સમાં લેતા આવ્યા; ફ્રાન્સમાં તે બૅલે બનીને ભજવાતું થયું. કૅથરિને પોતે 1573માં આવું બૅલે ફ્રાન્સમાં રજૂ કર્યું. લૂઈ ચૌદમા કલાપ્રવૃત્તિના આશ્રયદાતા હોવા ઉપરાંત કૉર્ટ એટલે કે દરબારી બૅલેના નિપુણ નર્તક હતા. તેમણે એકૅડેમી રૉયલ દ ડાન્સની 1661માં સ્થાપના કરી અને તેના પરિણામે આ કલાસ્વરૂપનો પૂર્ણ વિકાસ થયો. તેમના નૃત્યગુરુ પિયર બૉચેમ્પે નૃત્યપદાવલિનું પ્રશિષ્ટ બૅલે ટેક્નિક અનુસાર નિયમબદ્ધ સ્વરૂપે આલેખન કર્યું; એટલું જ નહિ, સંખ્યાબંધ બૅલેનું તેમજ મૉલિયરના સહયોગમાં પુષ્કળ કૉમેડિઝ-બૅલે એટલે કે માત્ર બોલીને ભજવી બતાવવાની હાસ્યનાટિકાઓનું જહેમતપૂર્વક સંશોધન કર્યું. બૉચેમ્પ તથા બેપટિસ્ટ લ્યૂલીની આ ગાળાની શ્રેષ્ઠ-સફળ રજૂઆત તે ‘ટ્રાયમ્ફ દ લ’ ઍમર’ (1861); તેમાં લ’ ફૉન્તેન જેવી નૃત્યાંગનાએ નૃત્ય-અભિનય આપ્યો; બૅલેના નૃત્યપ્રકારમાં વ્યવસાયી ધોરણે નૃત્ય કરનાર તે સર્વપ્રથમ ફ્રેન્ચ મહિલા હતાં. ફ્રેન્ચ પ્રજાનો નૃત્ય-અનુરાગ પૅરિસ-ઑપેરા નિમિત્તે સ્થાયી સ્થાન પામ્યો અને બૅલે ટેક્નિકની પરિભાષા ત્યારપછી ફ્રેન્ચ ભાષામાં સુનિશ્ચિત થઈ. અઢારમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં શાળાઓ, થિયેટરો, અવેતન કલાકારો-કસબીઓ તેમજ કલા-ક્ષેત્રના પ્રતિસ્પર્ધી ભજવણીકારો માટે બૅલેની નૃત્યપ્રવૃત્તિ વ્યવસાયરૂપ બની ગઈ. મેરી સૅલી તથા મેરી કૅમરગો જેવી બે નૃત્યાંગનાઓએ રંગભૂમિ પરના વેશપરિધાનમાં સુધારા પ્રયોજી તથા નૃત્યની ટેક્નિકમાં નજાકત પ્રયોજીને બહોળી નામના પ્રાપ્ત કરી. આ સદીના નૃત્ય-થિયેટરની પ્રમુખ પ્રગતિશીલ શૈલી તે બૅલે દ’ઍક્શન. વીરરસપ્રધાન વિષયવસ્તુ ધરાવતા માઇમ તથા નૃત્યશૈલી દ્વારા અભિવ્યક્ત થતા વૃત્તાંતને વણી લેતી એક નવતર રજૂઆતનો આ પ્રયોગાત્મક પ્રકાર છે. ઇંગ્લૅન્ડના જૉન વીવર, વિયેનાના ફ્રાન્ઝ હિલ્વરડિંગ, ઇટાલીના ગૅસ્પર્ડો અગિયોલિની તથા ફ્રાન્સના જ્યાં જ્યૉર્જ નૉવરે જેવા નૃત્ય-નિયોજકોએ આ નૃત્યપ્રકારનો યુરોપભરમાં અને છેક રશિયામાં પ્રસાર-પ્રચાર કર્યો. નૉવરેએ એકલાએ જ 150 જેટલાં બૅલેનું સર્જન કર્યું તેમજ ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રિયા, ઇટાલી તથા જર્મનીમાં પણ કામગીરી બજાવી. તેમણે લખેલું ‘લેટર્સ ઑન ધ ડાન્સ’ (1760) આજે પણ વંચાતું રહ્યું છે. રંગભૂમિ પરની ઘટનામયતા (action) નિમિત્તે પ્રગટેલા અભિનવ કથાત્મક વાસ્તવવાદને પરિણામે છેવટે બૅલેમાંથી માસ્કને વિદાય મળી.

બૅલે નૃત્યના ક્રમાનુવર્તી તાલ આધારિત અંગ-મરોડ

સાથી નૃત્યકારની સહાયથી લેવાતો ઉન્નત પરંતુ સુગમ ઉછાળ (કૂદકો)

અઢારમી સદીના અંતે અને ઓગણીસમી સદીના પ્રારંભે બૅલેમાં પ્રત્યક્ષ શક્યતાઓ વિશેષ ઊપસી અને વિકસી, એટલે જ કદાચ એ ગાળાની કેટલીક બૅલે કૃતિઓ આજે પણ રસપૂર્વક ભજવાય-જોવાય છે. 1789માં લખાયેલા અને વિશ્વભરમાં નિયમિત ભજવાતા રહેલા એક સૌથી જૂના ફ્રેન્ચ બૅલેમાં ખેડૂતવર્ગનાં પાત્રો તથા પ્રસંગોચિત ગ્રામીણ નૃત્યો વણી લેવાયાં છે અને એ રીતે તેમાં 1830ના અને ’40ના દાયકાની રોમૅન્ટિક બૅલે પ્રવૃત્તિની લાક્ષણિકતાઓનું પૂર્વદર્શન થાય છે. રોમૅન્ટિક બૅલેની ઝુંબેશમાં જે ટૅકનિકલ સુધારા પ્રયોજાયા તેના પ્રણેતા હતા ઇટાલીના બૅલેના સમર્થ નિષ્ણાતો સાલ્વાતૉર વિકાનો અને કાર્લો બ્લાસિસ તેમજ ફ્રેન્ચ નિષ્ણાત ચાર્લ્સ દિદલૉત. તેમણે મહિલાનર્તકો માટે ‘પૉઇન્ટ’ ટૅકનિક એટલે કે બુઠ્ઠો અગ્રભાગ ધરાવતાં પગરખાંની શૈલીનો પ્રચાર પ્રારંભ્યો.

ફ્રેન્ચ બૅલે ઉપરાંત બીજી મહત્વની યુરોપિયન બૅલે-શૈલી તે ડેનિશ શૈલી, જોકે તે વખતે તે ઓછી જાણીતી બની હતી. બૉર્નવિલની નૃત્યશૈલીની વિશેષતા તે ચપળતા પરત્વે મુકાયેલો ટૅકનિકલ ભાર તેમજ નૃત્ય-પદાવલીની ગતિનું અનપેક્ષિત સંક્રમણ. જોકે તેમનો આ શૈલી-વારસો આંતરરાષ્ટ્રીય બૅલેની કલા-ભાષામાં અને પ્રણાલીમાં પૂરેપૂરો આત્મસાત્ થયો નથી. તેમની મહત્વની બૅલે રચનાઓમાં ‘ધ કૉન્ઝર્વેટિવ’, ‘નૅપોલી’ તથા ‘ધ ગાર્ડ્ઝ ઍટ ઍમેગર’ મુખ્ય છે.

રશિયામાં ઝાર રાજકર્તાઓનું વલણ યુરોપના રાજદરબારોનું આનંદભાવે અનુકરણ કરવા તરફ હતું અને તેના પરિણામે આખીય અઢારમી સદી દરમિયાન, નૃત્ય-ગુરુઓ, નૃત્ય-નિયોજકો તથા નર્તકોની રશિયામાં જાણે આયાત કરવા તરફ પ્રમુખ ઝોક રહ્યો. ફ્રેન્ચ બૅલેના સમર્થ નિષ્ણાત દિદલૉત તથા સ્વીડિશ વિશારદ ક્રિશ્ચિયન જૉન્સને પોતાની અનોખી કલાને પિટ્સબર્ગ(હવે લેનિનગ્રાડ)માં પ્રચલિત કરી.  જોકે ‘રશિયન ક્લાસિકલ સ્કૂલ ઑવ્ ડાન્સ’ની સ્થાપનાનું ભગીરથ કાર્ય પાર પાડવાનો યશ મળે છે તે તો ‘ઇમ્પીરિયલ સ્કૂલ ઍન્ડ મૅરિન્સકી (હવે કિરૉવ) બૅલે’ના મુખ્ય બૅલેગુરુ મૉરિસ પેપિતા નામના ફ્રેન્ચ કસબીને. પેપિતાએ ‘ધ સ્લીપિંગ બ્યૂટી’ (1890) તથા ‘સ્વાન લેક’ (પ્રથમ ભાગ, 1877) જેવી બૅલે કૃતિઓમાં રશિયાની થિયેટર-કલાની પાશ્ચાત્ય પરિકલ્પના મૂર્તિમંત કરી છે. તેમનાં લોકપ્રિય બનેલાં તમામ બૅલેમાં ‘ધ નટ ક્રૅકર’ સૌથી વારંવાર ભજવાતું બૅલે મનાયું છે.

અમેરિકાની થિયૅટ્રિકલ નૃત્યશૈલીના પ્રારંભનો પ્રભાવ રશિયન બૅલે પરત્વે ઝિલાયો તે ઇસાડૉરા ડંકન જેવાં નૃત્યાંગના અને નૃત્યનિયોજકની કામગીરી મારફત. વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં ઇસાડોરાએ નૃત્ય-રજૂઆત માટે ન પ્રયોજાયેલી ગંભીર શૈલીની સંગીતરચનાઓ(concert score)ના સાથમાં નૃત્ય કરવાનું અને હળવા રંગની ગ્રીક વેશભૂષા પહેરવાનું અપનાવીને અવનત થતા જતા ફ્રેન્ચ બૅલે તેમજ તેની ફળશ્રુતિરૂપ અમેરિકન અને યુરોપિયન બૅલે સામે બંડખોરી આદરી અને ‘મુક્ત નૃત્ય’(free dance)ના ઉદયની જાણે ઘોષણા પોકારી અને ખુલ્લા પગે નર્તન કરવાની પોતાની શૈલીનો પ્રબળ પુરસ્કાર કર્યો. તેમની શૈલીનો પ્રભાવ અમેરિકન કરતાં વિશેષ તો રશિયાના મિખાઇલ ફૉકિન જેવા નિપુણ નૃત્યનિયોજક મારફત વિશેષ ઝિલાયો. સર્જી ડિઘિલેવ જેવા નૃત્ય-સંચાલકના પ્રમુખ નૃત્યનિયોજક તરીકે ફૉકિન જ્યારે 1909માં ફ્રેન્ચ રાજધાનીમાં ‘બૅલેટ્સ રુશિઝ દ સર્જી ડિઘિલેવે’નો પ્રારંભ થયો ત્યારે પૅરિસ તથા સમગ્ર યુરોપને જીતી લીધું. પછીનાં 20 વર્ષ સુધી ડિઘિલેવની કંપનીએ વિશ્વના બૅલે – જગતમાં શાસન કર્યું. તેમને સાથ હતો સૌથી મહાન નૃત્ય-નિયોજક ફૉકિનનો; લાલિત્યપૂર્ણ અભિગમ પરત્વેની દક્ષતા તથા નૃત્ય-માઇમની સુસંગત પ્રભાવકતાને પરિણામે ફૉકિને રંગભૂમિ પૂરતી એક અભિનવ નિયોજનશૈલી પ્રયોજી હતી. સંખ્યાબંધ નામી નર્તકો-નૃત્યાંગનાઓ ડિઘિલેવની કંપની સાથે સંકળાયેલાં હતાં; તેમાં મુખ્ય તે ઍડૉલ્ફ બૉમ, ઍલેક્ઝાન્ડ્રા ડૅનિલૉવા, ઍન્ટન ડૉલિન, ઍલિસિયા માર્કોવા તથા ઑલ્ગા સ્પેસિત્સેવા. વિખ્યાત રશિયન બૅલેરીના અના પાવલૉવાએ જોકે ડિઘિલેવની કંપનીમાં થોડોક જ વખત કામ કર્યું; તેમણે પોતાનું નૃત્યવૃંદ સ્થાપી વિશ્વભરમાં પ્રવાસ કર્યો અને વિશાળ પ્રેક્ષક-સમુદાયમાં પ્રશિષ્ટ નૃત્યશૈલી વિશે સૂઝ-સમજ કેળવતાં રહ્યાં.

વિખ્યાત નૃત્યાંગના માર્ગો ફૉન્તેન દ્વારા ભાવપૂર્ણ મુદ્રા વડે શ્રદ્ધાંજલિ-અર્પણ કરવાનો બેલે નૃત્યનો અભિનવ પ્રયોગ

ડિઘિલેવના સમયથી મહત્વના સહયોગની પરંપરાનો જન્મ થયો. વાસ્લેવ નિજિન્સ્કી, તેમનાં બહેન બ્રૉનિસ્લૅવા નિજિન્સ્કી, લિયોનિદ મૅસિની તથા જ્યૉર્જ બૅલૅન્શિન જેવાં વિશ્વવિખ્યાત નૃત્યનિયોજકોને ડિઘિલેવનું પ્રોત્સાહન તથા પીઠબળ સાંપડ્યું હતું. આધુનિક ફ્રેન્ચ કલાશૈલીના ફર્નાડ લેગર, જ્યૉર્જ બ્રૅક, પાબ્લો પિકાસો તેમજ હાંરી માતિસ જેવા સમર્થ ચિત્રકારોનો પણ ડિઘિલેવને અનોખો સહયોગ સાંપડ્યો હતો. વીસમી સદીના સૌથી મહાન સંગીતનિયોજક સ્ટ્રેવિન્સ્કીએ ‘બૅલે રુશિઝ’થી જ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1929માં ડિઘિલેવના અવસાન પછી, રાષ્ટ્રીય સ્તરની સંખ્યાબંધ બૅલે કંપનીઓ અસ્તિત્વમાં આવી; એમાંથી કેટલીક તો તેમના અગાઉના સહ-કાર્યકરોએ સ્થાપી હતી.

નામી નૃત્યનિયોજકોના પ્રયાસો છતાં ફ્રેન્ચ બૅલેની શૈલી-પરંપરામાં વીસમી સદી દરમિયાન કોઈ રેનેસાંનો ઉદભવ થયો નહિ. ‘ધ રૉયલ ડેનિશ બૅલે’ બૉર્નોવિલની ભૂતકાળની સમૃદ્ધ રચનાઓ પર મદાર રાખીને કાર્ય કરે છે અને તેની એકૅડેમીમાંથી મહાન નર્તકો તૈયાર થતા રહ્યા છે. બૉલ્શૉઇ બૅલે ઑવ્ મૉસ્કો સાથે સંલગ્ન રશિયન કલાશાળાઓ તથા લેનિનગ્રાડ કિરૉવ બૅલેમાંથી અનેક મહાન નર્તકો બહાર પડ્યાં. જોકે સોવિયેત રાજકારણે નૃત્યનિયોજન વિશે વૈચારિક અભિનવતાના વિકાસને મર્યાદિત બનાવી દીધો.

કૅનેડામાં 3 બૅલે-મંડળીઓ પ્રમુખ છે અને તે પ્રસંગોપાત્ત અમેરિકાનો પ્રવાસ કરે છે. અમેરિકાભરમાં પણ 3 બૅલે-મંડળીઓ સવિશેષ સક્રિય છે. પશ્ચિમી ગોળાર્ધમાં સૌથી મોટી બૅલે એકૅડેમી તે સ્કૂલ ઑવ્ અમેરિકન બૅલે અને તેની સ્થાપના 1934માં થઈ હતી. તે ન્યૂયૉર્ક સિટી બૅલેની સત્તાવાર કલાશાળા છે. એ સંસ્થાના નામી નૃત્યનિયોજક બૅલેન્શિને પોતાનાં સંખ્યાબંધ બૅલે દ્વારા નૃત્યશૈલીના પ્રશિષ્ટતાવાદ તેમજ બૅલે ટૅકનિકના ખ્યાલને પુનર્જીવિત કર્યો. સ્ટ્રૅવિન્સ્કી સાથેના તેમના સહયોગમાં સંગીતલક્ષી સૂક્ષ્મતા પરત્વેની સંવેદનગ્રાહિતાના નમૂનારૂપ બૅલેનિર્માણ આવિષ્કાર પામ્યું. બૅલેન્શિનના બૅલે-સમૂહને પરિણામે તે વીસમી સદીના પૂર્વાર્ધમાં બૅલેના સૌથી વધુ પ્રભાવક નૃત્યનિયોજક લેખાયા છે.

આવી પ્રમુખ નૃત્ય-મંડળીઓ ઉપરાંત સમગ્ર અમેરિકામાં 600 ઉપરાંત બૅલે તથા નૃત્ય-તાલીમની શાળાઓ અને તેને માટેનાં ભજવણીજૂથો પોતપોતાની રીતે કાર્યરત છે અને પશ્ચિમી જગતની નૃત્ય-મંડળીઓ માટે તાલીમબદ્ધ અને દક્ષ નર્તકો મેળવવાના સ્રોતરૂપ છે.

મહેશ ચોકસી