બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ

January, 2000

બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ (સ્થા. 1946) : શરીરવિજ્ઞાન અને તબીબી વિદ્યાને લગતું ગુજરાતનું એકમાત્ર વિશાળ અને વૈવિધ્યપૂર્ણ સંગ્રહાલય. બી. જે. મેડિકલ કૉલેજની સ્થાપના સાથે જ શરીરચનાશાસ્ત્ર (anatomy) સંગ્રહાલયની શરૂઆત થઈ હતી. ડૉ. બર્વે, ડૉ. છત્રપતિ અને ડૉ. ભટ્ટના પ્રયત્નો બાદ સંગ્રહાલયની યોજનાને મૂર્ત સ્વરૂપ મળ્યું. 1,124 ચોમી. વિસ્તારમાં આ સંગ્રહાલય ફેલાયેલું છે. અહીં શરીરરચનાશાસ્ત્ર, રોગનિદાનશાસ્ત્ર (pathology) ચેતાષ્ક-શરીરવિજ્ઞાન અને ફૉરેન્સિક મેડિસિન વિભાગોનાં પોતપોતાનાં સંગ્રહાલયો છે. સંગ્રહમાં ગર્ભવિજ્ઞાન (embryology), તુલનાત્મક શરીર-રચના-વિજ્ઞાન, ચેતા-શરીરતંત્ર-વિજ્ઞાન (neuroanatomy) તેમજ સકળ શરીરરચનાશાસ્ત્ર (gross anatomy) જેવા વિભાગોમાં જુદા જુદા વિષયોના 800 નમૂનાઓ પ્રદર્શિત છે.

આ સંગ્રહાલય ગુજરાતની શાળાઓ, હોમિયોપથી કૉલેજ તથા ડેન્ટલ કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ માટે ઉપયોગી છે. સંગ્રહાલય જાહેર જનતા માટે નથી. વિજ્ઞાન-વિષયોના વિદ્યાર્થીઓ પૂર્વસંમતિ બાદ અભ્યાસાર્થે તેની મુલાકાતે આવી શકે છે. રોજેરોજ તેનો ઉપયોગ ફક્ત મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ જ કરે છે. આ સંગ્રહાલય તબીબી વિદ્યાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસ્થાની ગરજ સારે છે.

સોનલ મણિયાર