બીડ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક, તાલુકા-મથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 18° 28´થી 19° 27´ ઉ. અ. અને 74° 54´થી 76° 57´ પૂ. રે. વચ્ચેનો 10,693 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જાલના, ઈશાન અને પૂર્વ તરફ પરભણી અને લાતુર, અગ્નિ અને દક્ષિણે લાતુર, ઓસ્માનાબાદ તથા અહમદનગર, નૈર્ઋત્ય, પશ્ચિમ અને વાયવ્યમાં અહમદનગર તથા વાયવ્ય તરફ અંશત: ઔરંગાબાદ જિલ્લો આવેલા છે. બાલાઘાટ ઉચ્ચપ્રદેશની બંદસુરા નદીએ કોરી કાઢેલા બીલ નામથી ઓળખાતા પ્રદેશમાં તેમજ જિલ્લાની મધ્યમાં બીડ નગર વસેલું છે. વળી ઈરાની શબ્દ ‘ભીર’(ભીડ)નો અર્થ પાણી થાય છે. અહીં વિપુલ પ્રમાણમાં મળતો ભૂગર્ભીય જળપુરવઠો આ નામની યથાર્થતા પુરવાર કરી આપે છે.

બીડ જિલ્લો (મહારાષ્ટ્)

ભૂપૃષ્ઠ, જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ મોટાભાગે દખ્ખણના લાવાના ઉચ્ચપ્રદેશીય ટ્રૅપ ખડકોથી બનેલું છે. અહીંના મુખ્ય ખડકો બૅસાલ્ટ અને ડૉલેરાઇટ છે. મોસમી ફેરફાર ધરાવતી અહીંની અયનવૃત્તીય આબોહવાની અસર હેઠળ આ ખડકોએ ઘણે ઠેકાણે લોહસમૃદ્ધ લૅટેરાઇટનું છિદ્રાળુ આવરણ તૈયાર કરેલું છે. જિલ્લાના મોટાભાગમાં આ ખડકોમાંથી કપાસની કાળી માટીની ફળદ્રૂપ જમીનો બનેલી છે. બાકીના ભાગોમાં જમીનો હલકી, છીછરી કે પથરાળ અને અસમતળ છે. ફળદ્રૂપ જમીનોમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લાની કુલ ભૂમિના માત્ર 1.35 % ભાગમાં જંગલો આવેલાં છે, આ પૈકી પટોડા અને અશ્તી તાલુકાઓમાં જંગલોનું પ્રમાણ વિશેષ છે. આ જંગલોમાંથી ઇંધન, લાકડાં અને ઘાસ મળે છે. જિલ્લાની ઉત્તર તરફ ગોદાવરી, દક્ષિણ સીમા પર માંજરા અને નૈર્ઋત્ય તરફ સીના નદીઓ આવેલી છે. ગોદાવરીની શાખાનદીઓમાં લેન્ડી, અમૃતા, સિંધફણા, સરસ્વતી, ગુણવતી અને વેનગંગાનો સમાવેશ થાય છે.

ખેતી-પશુપાલન : અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જિલ્લાના મુખ્ય પાક કપાસ, જુવાર, બાજરી અને ઘઉં છે. જિલ્લાના કુલ ગ્રામીણ વિસ્તારનો 91 % ભાગ ખેતીના ઉપયોગમાં લેવાય છે. ગોદાવરી નદીને બાદ કરતાં બાકીની બધી નદીઓ મુદતી છે, તેથી ખેડાણ-વિસ્તાર કરતાં સિંચાઈપ્રાપ્ત વિસ્તાર ઘણો ઓછો છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. નદીઓ અને તળાવોમાં મત્સ્ય-ઉછેરની પ્રવૃત્તિ ચાલે છે. જિલ્લાની જળભરપૂર રહેતી કાયમી નદીઓની લંબાઈ 160 કિમી. જેટલી છે, જ્યાં વિવિધ પ્રકારની માછલીઓ થાય છે. અહીં પિયત ખેતી થઈ શકે તે માટે સરકારે ગોદાવરી નદીયોજનાનું આયોજન કર્યું છે.

ઉદ્યોગો-વેપાર : અહીં કોઈ પણ પ્રકારના મોટા પાયા પરના ઉદ્યોગો નથી; પરંતુ પૌંઆ, સૂરજમુખી તેલ, ઊનના ધાબળા, સિંગતેલ અને વીજળીના ગોળા બનાવવાના નાના પાયા પરના એકમો ચાલે છે. આ જિલ્લામાંથી જુવાર, બાજરી, સિંગતેલની નિકાસ થાય છે, જ્યારે ખાંડ, તેલીબિયાં, કેરોસીન, કાપડ અને ઘઉંની આયાત થાય છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લાનાં 7 નગરો અને 55 % ગામડાં રેલ તથા બસમાર્ગોથી જોડાયેલાં છે. 40% ગામડાંઓમાં પાકા રસ્તા છે. જિલ્લામથક બીડ ખાતે આવેલા ગણેશમંદિરમાંથી મળેલા એક લેખમાં અહીં જૂના વખતમાં રક્ષણ-દીવાલ, મંદિરો અને સુંદર ઇમારતો જેવી જાહોજલાલી હતી તેનો ઉલ્લેખ જોવા મળે છે. જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલું અંબેજોગાઈ (તાલુકો અને તાલુકામથક) શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. સંતકવિ દેશો પંત અહીં રહેલા. અહીં જ મરણ પામેલા. કેદારેશ્વરના પ્રાચીન મંદિર માટે જાણીતું ધર્મપુરી ગામ આ તાલુકામાં આવેલું છે. ઇતિહાસખ્યાત અહલ્યાબાઈ હોળકર જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા અશ્તી ખાતે જન્મેલાં. અશ્તીમાં મુસ્લિમ ઓલિયા હજરત શાહ બુખારીની દરગાહ આવેલી છે. આ જિલ્લામાં આવેલું ધારેશ્વરનું મંદિર જૈન મંદિર હોવાનું કહેવાય છે. તેનો લંબચોરસ સભામંડપ 24 પાષાણ-સ્તંભો પર આધારિત છે. સ્તંભો પર દેવ-દેવીઓ અને તીર્થંકરોની મૂર્તિઓ કોતરેલી છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા કૈજ તાલુકાનું કૈજ ગામ સ્વામી રામદાસના અનુયાયી સ્વામી ઉદ્ધવની સમાધિ માટે જાણીતું છે. પાલી ગામમાં જમણે ગણેશ અને ડાબે પાર્વતી સહિતની ત્રિશૂળધારી શંકરની મૂર્તિ જોવાલાયક છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગો પૈકીનું વૈજનાથ જ્યોતિર્લિંગ અહીં પરલી ખાતે આવેલું છે. જિલ્લાભરમાં  જુદે જુદે ઠેકાણે વારતહેવારે મેળાઓ ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 18,22,072 જેટલી છે. તે પૈકી 9,37,410 પુરુષો અને 8,84,662 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 14,95,104 અને 3,26,968 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિંદુઓ : 15,34,930; મુસ્લિમ : 1,99,717; ખ્રિસ્તી : 715; શીખ : 273; બૌદ્ધ : 78,770; જૈન : 6,685; અન્યધર્મી : 226 તથા અનિર્ણીત ધર્મવાળા 756 છે. જિલ્લામાં મુખ્યત્વે મરાઠી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષિતોનું પ્રમાણ 7,19,512 જેટલું છે; તે પૈકી 4,92,580 પુરુષો અને 2,26,932 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 5,33,958 અને 1,85,554 જેટલું છે. જિલ્લાનાં આશરે 40 % ગામડાંઓમાં તેમજ મુખ્ય નગરોમાં સ્થાનભેદે શિક્ષણના જુદા જુદા તબક્કાઓની સગવડ છે. જિલ્લાભરમાં થઈને વિવિધ વિદ્યાશાખાઓની 23 જેટલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત એક કે બીજા પ્રકારની તબીબી સેવાઓ નજીકનાં નગરોમાંથી ગામડાંઓને મળી રહે તે પ્રમાણે ગોઠવાયેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકાઓમાં તેમજ 7 સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 7 નગરો અને 1,280 (11 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લાનો પ્રાગૈતિહાસિક અહેવાલ ઉપલબ્ધ નથી. પ્રાચીન કાળમાં આર્યો જ્યારે ઉત્તરમાંથી દક્ષિણમાં ગયા ત્યારે તેમણે સામ્રાજ્યો સ્થાપેલાં. આ સામ્રાજ્યો પર શરૂઆતમાં હિંદુઓની, પછીથી મધ્યયુગમાં મુસ્લિમોની અને છેલ્લે બ્રિટિશ હકૂમત રહેલી. બીડ આ પૈકીનું જ એક સામ્રાજ્ય હતું.

1905માં આજના કૈજ તાલુકાને અંબા તાલુકામાં ભેળવી દેવામાં આવેલો અને તેનું નામ મોમિનાબાદ રાખવામાં આવેલું. 1906થી 1948 દરમિયાન જિલ્લાની સરહદોમાં ખાસ ફેરફારો થયેલા નહિ. 1950માં અહમદનગર જિલ્લાનાં 26 ગામો બીડમાં મુકાયેલાં અને તેના બદલામાં પટોડા અને અશ્તી તાલુકાઓનાં 21 ગામો અહમદનગર જિલ્લામાં મુકાયેલાં.

જિલ્લાનો 25 % વિસ્તાર જાગીરી હકૂમત હેઠળ હતો. આજનો પટોડા તાલુકો નિઝામની માલિકીનો હતો તે ‘સર્ફ-યે-ખાસ’ કહેવાતો. 1949માં દેશી રાજ્યોની વિલીનીકરણની પ્રક્રિયામાં તે નાબૂદ થયો. 1950માં અહીંના બધા જ તાલુકાઓની પુનર્રચના થયેલી, તે વખતે કૈજને તાલુકામથક રાખીને તેનો નવો તાલુકો બનાવાયેલો અને ત્યારે સર્ફ-યે-ખાસ પટોડા તાલુકામાં મુકાયો. 1956ની રાજ્યપુનર્રચના વખતે આ આખો જિલ્લો હૈદરાબાદમાંથી ઉઠાવીને તત્કાલીન મુંબઈ રાજ્યમાં મૂકવામાં આવેલો. પછીથી 1960માં તેને મહારાષ્ટ્ર રાજ્યમાં મૂકવામાં આવેલો છે. 1962માં મોમિનાબાદ તાલુકાનું તથા તાલુકામથકનું નામ અંબોજાગાઈ રાખવામાં આવેલું છે. તે પછીથી અહીં સીમાવર્તી કોઈ ફેરફારો થયેલા નથી.

બીડ (નગર) : ભૌગોલિક સ્થાન : 19° 0´ ઉ. અ. અને 75° 45´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી આશરે 600 મીટરની ઊંચાઈ પર બાલાઘાટ હારમાળામાં આવેલું છે. તે સમુદ્રકિનારાથી દૂર પૂર્વમાં તેમજ સહ્યાદ્રિના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું હોવાથી ત્યાં વરસાદની અછત વરતાય છે. પ્રાદેશિક ઢોળાવની ર્દષ્ટિએ જોતાં મંજેરા (માંજરા) નદીનું મૂળ બીડની પશ્ચિમે આવેલું છે, આ ઉપરાંત તેની નજીકમાં ઉત્તરે સિંધફણા નદીનું મૂળ પણ છે.

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઘણા લોકો જીવનનિર્વાહ માટે અહમદનગર ખાતે આવેલી ફૅક્ટરીઓમાં પણ રોજગારી અર્થે જાય છે. બીડ ઉત્તરમાં જાલના, પૂર્વમાં નાંદેડ તથા પશ્ચિમમાં અહમદનગર અને ધોન્ડ નગરો સાથે પાકા રસ્તાઓથી સંકળાયેલું છે. દક્ષિણ તરફ ઓસ્માનાબાદ અને લાતુર નગરો આવેલાં છે. બીડની વસ્તી 1,12,351 (1991) જેટલી છે.

બીડનગર ભીર (Bhir) કે ભીડ તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન સમયમાં તે ચંપાવતીનગર તરીકે જાણીતું હતું. ઇતિહાસકારોના મત મુજબ અહીં ચાલુક્ય અને યાદવવંશી હિન્દુ રાજાઓનું રાજ્ય હતું. તુગલુક વંશના સુલતાનોએ ચૌદમી સદીમાં આ રાજ્ય જીતી લીધું હતું. પછીથી અંગ્રેજોએ પોતાનું શાસન જમાવ્યું હતું.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી