બિસાતે રક્સ (1966) : ઉર્દૂ કવિ મખદૂમ મોહિયુદ્દીન(1908–1969)નો કાવ્યસંગ્રહ. કવિનાં ઉત્તમ કાવ્યો આ સંગ્રહમાં ગ્રંથસ્થ થયાં હોઈ આ કાવ્યસંગ્રહ પ્રતિનિધિરૂપ બન્યો છે. તેમની ગણના ક્રાંતિકારી કે પ્રયોગવીર તરીકે થતી હોવા છતાં તે કોઈ કહેવાતા આંદોલન કે ઝુંબેશ કે વાદના પુરસ્કર્તા નથી; કારણ કે તેમના રાજકીય ઉદ્દેશો કે વિચારસરણી તેમની સૂક્ષ્મ સંવેદનાની ઉપરવટ જઈ શકતાં નથી. તેમની રાજકીય વિચારસરણીની ઉગ્રતા છતાં તેમનાં કાવ્યોનું પ્રધાન લક્ષણ ઊર્મિવત્તા છે. તેમનાં ક્રાંતિગીતોમાં સ્ટૅલિન, નેહરુ અને ઇકબાલની તેમજ ચીન અને મૉસ્કોની પ્રશંસા છે. જીવન, પ્રણય વગેરે ભાવો માટે તેમણે ખૂબ ઉત્કટતાથી કાવ્યો કર્યાં છે. તેમનાં કાવ્યો દુન્યવી વાતાવરણનાં, ઉષ્માસભર, તીવ્ર સંવેદનાથી છલકતાં, કલ્પનોથી ધબકતાં તથા સ્મૃતિજગતને ઢંઢોળનારાં છે. નઝ્મ તથા ગઝલ એ બંને પર તેમને સરખી ફાવટ છે. ગમે તેવી સામાન્ય વાત કહેવામાં પણ તે કાવ્યબાનીનું ગૌરવ તથા સૌંદર્ય જાળવી રાખે છે. તેમની અભિવ્યક્તિ સંયત અને લાઘવયુક્ત છતાં અર્થવાહી છે. આ શૈલી-વિશેષતાના કારણે જ તે તેમની પેઢીના કવિઓથી નોખા તરી આવે છે.

આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીનો 1969ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી