બિશ્વાસ, છબિ (જ. 1900; અ. 1962) : બંગાળના ફિલ્મ-અભિનેતા. સત્યજિત રાયની બે ફિલ્મો ‘જલસાઘર’ અને ‘કાંચનજંઘા’એ તેમને આંતરરરાષ્ટ્રીય નામના અપાવી. ફિલ્મોમાં કામ કરતાં પહેલાં તેમણે તખ્તાથી કારકિર્દીનો આરંભ કર્યો હતો. તખ્તા ઉપર ‘દેવદાસ’, ‘કાશીનાથ’ અને ‘સિરાજ-ઉદ્-દૌલા’ની ભૂમિકાઓ સફળતાથી નિભાવેલી. ત્યારબાદ તેમણે સફળતાપૂર્વક ચરિત્ર-ભૂમિકાઓ ભજવી. સત્યજિત રાયની ‘દેવી’ ફિલ્મમાં તેમણે ભજવેલી સસરાની અને તપન સિંહાની ‘કાબુલીવાલા’ ફિલ્મમાં કાબુલીવાળાની ભૂમિકાઓ યાદગાર બની ગઈ. તેમણે અભિનય ઉપરાંત ‘પ્રતિકાર’ (1944) અને ‘જર જેઠા ઘર’ (1949) ફિલ્મોમાં દિગ્દર્શન પણ સંભાળ્યું હતું.

પીયૂષ વ્યાસ