બિશિ, પ્રમથનાથ (જ. 1901; અ. 1985) : બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર. શાળા અને કૉલેજનું શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથનાં  ચેતના અને પરિવેશને તેમની જ ભૂમિકામાં આત્મસાત કરવાની જેમને ઉત્તમ તકો સાંપડેલી એવા લેખકોમાંના એક. બિશિની આરંભની કવિતામાં કેટલાંક સૉનેટ છે, જે પહેલાં ‘બંગશ્રી’માં પ્રકટ થયાં હતાં અને પછી 3 નાના સંગ્રહો  – ‘પ્રાચીન આસામી હઈતે’ (1934), ‘વિદ્યાસુંદર’ (1934) અને ‘પ્રાચીન ગીતિકા હઈતે’(1937)માં. બિશિની અસાધારણ સંવેદના અને ઉષ્માસભર કવિતા તે પછીના ‘અકુંતલા’ (1946)’ ‘યુક્તવેણી’ (1948) અને ‘ઉત્તરમેઘ’ (1953) સંગ્રહોમાં મળે છે. બિશિએ કેટલીક લાંબી વાર્તાઓ અને નવલકથાઓ પણ લખી છે ‘પદ્મા’ (1935), ‘જોડાદીઘિર ચૌધુરી પરિવાર’ (1937), ‘કોપવતી’ (1941), ‘ચલનબિલ’ (1949) વગેરે. બિશિમાં સારા નવલકથાકારની લાક્ષણિકતાઓ રહેલી છે. પ્રકૃતિવર્ણન, રહસ્યબોધ, આંતરિક કવિત્વ, ભાષાની સંપદા, બૃહદ ભૂમિકાનું મર્મોદઘાટન વગેરે. તેમણે સર્જેલાં ચરિત્રોમાં હાસ્યકર અસંગતિ અને અસામંજસ્ય વરતાય છે. જમીનદાર અને જમીનદારીની ભૂમિકા ધરાવતી ‘જોડાદીઘિર ચૌધુરી પરિવાર’માં તો આ અસંગતિ વધુ તીવ્રપણે જોવા મળે છે. લાંબા સમય પછી પ્રકટ કરેલી નવલ ‘કેરી સાહેબેર મુનશી’(1958)માં નવલકથાની રૂપપરિણતિ અને ચુસ્તતા મળે છે. જોકે અહીં એમનો મુખ્ય હેતુ આધુનિક બંગાળી  સાહિત્યનો ઉદભવ અને અંગ્રેજ-બંગાળીના મિલનથી સર્જાતી નવી સમાજચેતનાનો આલેખ આપવાનો છે. તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે : ‘શ્રીકાન્તેર પંચમ પર્વ’ (1939), ‘ગલ્પેર મત’, ‘ડાકિની’ (1945), ‘બ્રહ્માર હાસિ’ (1948) વગેરે. બિશિ પ્રહસનોથી પણ જાણીતા છે : ‘ઋણં કૃત્વા’ (1935), ‘ઘૃતં પિબેત્’ (1936), ‘પરિહાસવિજલ્પિતમ્’ (1940) વગેરે નાટકો અવેતન રંગભૂમિ પર લોકપ્રિય બન્યાં છે.

પ્રમથનાથ ગદ્યના લોકપ્રિય લેખક છે. વ્યંગ્ય અને વિનોદને કારણે તેમની શૈલી આગવી તરી આવે છે. રવીન્દ્રનાથ વિશે એમણે ઘણું લખાણ પ્રકટ કર્યું છે. વિદ્યાર્થીજીવનનાં સંસ્મરણો પર આધારિત ‘રવીન્દ્રનાથ ઓ શાંતિનિકેતન’ (1944) તેમનું એક ઉત્તમ પુસ્તક છે.

અનિલા દલાલ