બિશપ : ખ્રિસ્તી ધર્મના વડા અધિકારી. કૅથલિક અને  ઍન્ગલિકન્સના ધર્મસંઘના માળખામાં બિશપ એક પદાધિકારી છે; દા.ત., કૅથલિક સંપ્રદાયમાં સર્વોચ્ચ સ્થાને પોપ છે. સંપ્રદાય હેઠળના સમગ્ર વૈશ્વિક વિસ્તારને સફળ સંચાલન માટે, ભૌગોલિક સીમાડાઓના અનુસંધાનમાં જુદા જુદા ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. આ ભાગને ધર્મપ્રાંત કહેવામાં આવે છે. હાલ ગુજરાતમાં ત્રણ કૅથલિક ધર્મપ્રાંત છે : રાજકોટ, જે સૌરાષ્ટ્ર અને કચ્છને આવરી લે છે; અમદાવાદ, જે મહી નદી સુધીનો વિસ્તાર આવરી લે છે અને વડોદરા, જે બાકી રહેલા ગુજરાતને આવરી લે છે. ધર્મપ્રાંતના સર્વોચ્ચ અધિકારી તે બિશપ. બિશપની નિમણૂક રોમમાં વસતા પોપ કરે છે. ત્યારબાદ આર્ચબિશપ અને અન્ય બે બિશપ નવા નિયુક્ત થયેલા બિશપને પદ પર સ્થાપિત કરે છે.

ઈસુના બાર શિષ્યો હતા. ઈસુએ પોતાનાં મરણ, પુનરુત્થાન પછી અને સ્વર્ગારોહણ પહેલાં ધર્મની ધુરા આ બાર શિષ્યોના હાથમાં સોંપેલી. બાર શિષ્યોએ પોતાનો જીવનકાળ પૂરો થતાં જેમના હાથમાં આ ધર્મધુરા સોંપી તે જ બિશપ. એટલે બિશપ પોતાને સોંપવામાં આવેલા ધર્મપ્રાંતમાં ઈસુ જેવા બની રહે છે. ઈસુ જેમ થાકેલાં અને ભારથી કચડાયેલાંનો વિસામો હતા, તેમ બિશપ તેમને સોંપાયેલા ધર્મ-પ્રાંતોમાંના તેમના અનુયાયીઓનું આશ્રયસ્થાન બની રહે છે. તેઓ તેમના શ્રદ્ધાળુઓની ધાર્મિક રીતે સંભાળ રાખે છે. ખ્રિસ્તી ધર્મના સાત સંસ્કારોમાંથી બે સંસ્કાર તેમને હસ્તક રાખવામાં આવ્યા છે. બાકીના પાંચ સંસ્કારો કોઈ પણ પુરોહિત આપી શકે છે. એ બે સંસ્કારો છે : બાપ્તિસ્મા અને પુરોહિતપદ-દીક્ષા. આ બે સંસ્કારો બિશપ-હસ્તક રાખવાનો એકમાત્ર હેતુ એ છે કે તેઓ પોતાના ધર્મપ્રાંતના પ્રત્યેક શ્રદ્ધાળુના વ્યક્તિગત સંપર્કમાં આવી શકે.

કૅથલિક સંપ્રદાયમાં બધા જ ધર્મપ્રાંતોના બિશપ સમકક્ષ છે. રોમ પણ એક ધર્મપ્રાંત છે. એટલે એના બિશપ પણ અન્ય બિશપની સમકક્ષ છે; પણ તેમને વડા માનવામાં આવે છે. એટલે જો કૅથલિક સંપ્રદાયનું માળખું જોઈએ તો સર્વોચ્ચ સ્થાને પોપ, જે રોમના બિશપ છે. બીજે સ્થાને આવે કાર્ડિનલ. કાર્ડિનલને કોઈ ધર્મપ્રાંત સોંપવામાં આવ્યો નથી. હા, કોઈક કાર્ડિનલ અનેક ધર્મપ્રાંતોના વહીવટ પર નજર રાખનાર હોઈ શકે. ત્રીજે સ્થાને આવે આર્ચબિશપ. આર્ચબિશપ બે કે ત્રણ ધર્મપ્રાંતના વહીવટ પર નજર રાખનાર હોય છે. ચોથે સ્થાને આવે છે બિશપ. દરેક બિશપ પોતાના એક ધર્મપ્રાંત માટે પૂરેપૂરા જવાબદાર હોય છે. પાંચમે સ્થાને આવે છે પુરોહિતો, જેઓ બિશપને ધર્મપ્રાંતના સર્વાંગી વિકાસમાં સહાય કરે છે અને છઠ્ઠે સ્થાને આવે ધર્મજનો, પોતે જ. ટૂંકમાં, બિશપ ખ્રિસ્તી ધર્મમાં પાયાના અધિકારી હોય છે.

જેમ્સ ડાભી