બિશપ, જે. એમ. : ઈ. સ. 1989ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. એચ. ઈ. વૅર્મસ (Varmus) અને જે. એમ. બિશપને કૅન્સર કરતા જનીનો અંગેના સંશોધનને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમણે સાનફ્રાન્સિસ્કો ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સિત્તેરના દાયકાના મધ્યભાગમાં વિવિધ પ્રયોગો કરીને  જનીનો અને કૅન્સર વચ્ચેનો સંબંધ શોધવા પ્રયત્ન કર્યો. આ બે વૈજ્ઞાનિકોની મહત્વની અને ચકિત કરી દેતી શોધ પહેલાં લોકો એવું માનતા હતા કે કૅન્સર કરનારા જનીનો અલગ પ્રકારના જનીનો છે અને તેઓનું કોઈ સામાન્ય અને તંદુરસ્ત જીવનમાં ખાસ કાર્ય નથી. તેમણે મરઘીના બચ્ચામાં કૅન્સર કરતા વિષાણુઓ પરના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે આ કૅન્સરજનીનો (oncogenes) શરીરનાં સામાન્ય વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી છે. તેમનાં મંતવ્ય પ્રમાણે કૅન્સરકારી પરિબળો (દા.ત., વિકિરણ કે ધૂમ્રપાન) દ્વારા આ જનીનોમાં વિકૃતિ આવે છે, જે કૅન્સરનું સર્જન કરે છે. તેમના આ સંશોધન દ્વારા બધાં જ વિવિધ પરિબળોને કારણે ઉદભવતા કૅન્સરનો છેલ્લો સર્વસામાન્ય ક્રિયાપથ જાણી શકાયો છે. ત્યારબાદ આશરે 40 જેટલા કૅન્સરકારક જનીનો ઓળખી શકાયા છે. બિશપે તેમના સંશોધન સંબંધે જણાવ્યું હતું કે મનુષ્યને તેના જનીનીય વારસામાં કૅન્સર કરતાં બીજ મળે છે. તેમના સંશોધનને કારણે કૅન્સરના નિદાન તથા તે થવાની સંભાવનાના પૂર્વ-અનુમાન માટે શક્ય માહિતી ઉપલબ્ધ થઈ રહી છે.

શિલીન નં. શુક્લ