બિબ્લિયોતેક નાસિયોનાલ (આશરે ઈ. 1367) : ફ્રાંસનું રાષ્ટ્રીય ગ્રંથાલય. વિશ્વનું સૌથી પ્રાચીન ગ્રંથાલયોમાંનું એક. આ ગ્રંથાલયની સ્થાપના ચાર્લ્સ પાંચમાના શાસનકાળ (1340–1380) દરમિયાન 1,200 હસ્તપ્રતોથી રાજમહેલમાં રૉયલ લાઇબ્રેરીની સ્થાપના સમયે 1367ના અરસામાં થયેલી. ફ્રાંસના ઘણાખરા રાજવીઓ અંગત રસથી રજવાડી ગ્રંથાલયો ઊભા કરતા હતા. આ ગ્રંથાલયોમાં ગ્રીક ભાષા અને સાહિત્યનો, તેમજ પૌરસ્ત્ય દેશોની હસ્તપ્રતોનો નોંધપાત્ર સંગ્રહ હતો.

પંદરમી સદીમાં મુદ્રણકલાની શોધે આ ગ્રંથાલયના ઝડપી વિકાસ માટે મોટું બળ પૂરું પાડ્યું. 1537માં ફ્રાંસ્વા બિબ્લિયોતેકના પ્રથમ ગ્રંથપાલ, ગ્રીક વિદ્વાન ગિલોમી બુદા(Guillaume Buda)એ ફ્રાંસમાં પ્રકાશિત થતા દરેક પુસ્તકની એક નકલ રાષ્ટ્રના ગ્રંથાલયમાં ફરજિયાતપણે જમા કરાવવાનો હુકમ કાઢ્યો. આથી ફ્રાંસમાં પ્રકાશિત થતી સર્વ મુદ્રિત સામગ્રી ત્યાં એકત્ર થવા લાગી. આ સમગ્ર ગ્રંથસંગ્રહને ઈ. સ. 1567–1593 દરમિયાન પૅરિસ ખાતે ખસેડવામાં આવ્યો.

બિબ્લિયોતેક નાસિયોનાલ, પૅરિસ

1622માં ગ્રંથાલયના ગ્રંથસંગ્રહની પ્રથમ સૂચિ તૈયાર કરવામાં આવી. 1684માં નિકોલસ ક્લેમેન્ટે તેને 13 મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરી.

1789ની ફ્રેન્ચ ક્રાંતિ પછી મહાજનો (guilds) અને ફ્રાંસના રાજવીઓના સંગ્રહો ઉમેરાતાં 15,00,000 (પંદર લાખ) પુસ્તકોનો સંગ્રહ પૅરિસ ખાતે ડિપો લિટરેનીઝમાં એકત્ર થયો. આ સમયે આ ગ્રંથાલય ‘બિબ્લિયોતેક દુ રૉય’ નામે ઓળખાતું હતું. ક્રાંતિ પછી ગ્રંથાલયને ‘બિબ્લિયોતેક નાસિયોનાલ’ નામ આપવામાં આવ્યું. ગ્રંથસંગ્રહ વધતો જતો હોઈ તેના માટેની વ્યવસ્થા વગેરેને લગતા પ્રશ્નો ઉપસ્થિત થયા. ફ્રાંસના પ્રખ્યાત સ્થપતિ હાંરી લેબ્રોસ્ટેએ આ માટે ગ્રંથાલય ભવન ‘હોટેલ ટુબેઉર’નું પુનર્નિર્માણ કર્યું, તેને વિસ્તાર્યું અને સુશોભિત કરી આપ્યું.

આ વિપુલ ગ્રંથસંગ્રહને વર્ગીકૃત કરીને ગોઠવવાની કામગીરી ગ્રંથપાલ જોસેફ નાઉદેએ (1840–52માં) પાર પાડી. તેણે નિકોલસ ક્લેમેન્ટની સૂચિના આધારે સમગ્ર ગ્રંથસંગ્રહને 23 વિષયવિભાગોમાં મૂળાક્ષર સંજ્ઞા સાથે, કદ પ્રમાણે અને પરિગ્રહણાંક પ્રમાણે વર્ગીકૃત કરી આપ્યો. જુલો તાશિરિયને 1852–1874માં વૈદ્યકીય શાસ્ત્ર ઉપર સૂચિઓ પ્રકાશિત કરી. એના પુરોગામી વડા લિયોપોલ્ડ ડિલાઇલે 1897માં સામાન્ય સૂચિ પ્રગટ કરી. અત્યારે આ સૂચિ 197 ગ્રંથોમાં પ્રકાશિત થઈ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સમગ્ર ગ્રંથસંગ્રહને યુદ્ધના વિનાશથી રક્ષવા  માટે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો. જોકે વિકટ યુદ્ધોતર પરિસ્થિતિ ગ્રંથાલયને પણ નડી.

રાષ્ટ્રીય ગ્રંથાલય ત્રણ જુદી જુદી ઐતિહાસિક ઇમારતોમાં આવેલું હોવાથી એ ભવનોના પુનર્નિર્માણનું કાર્ય અસંભવિત જેવું બની ગયું. આમ છતાં, આ ત્રણેય ભવનોને જોડતાં બે ભોંયરાંઓ તૈયાર કરવામાં આવ્યાં. પુસ્તકના ગ્રંથસંગ્રહને સમાવવા માટે અભરાઈઓ વિસ્તારીને 140 કિલોમીટર સુધીની કરવામાં આવી.

સંચાલન : તેના માટે ફ્રાંસના શિક્ષણ મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંચાલનમંડળ છે. ત્રણેય ગ્રંથાલયો, સ્ટ્રાસબર્ગ, રાષ્ટ્રીય તેમજ યુનિવર્સિટી ગ્રંથાલય તે ઉપરાંત અન્ય યુનિવર્સિટી ગ્રંથાલયો, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનાં ગ્રંથાલયો, દેય ગ્રંથાલયોનો વિભાગ અને મ્યુનિસિપલ ગ્રંથાલયો – એમ છ વિવિધ ગ્રંથાલયોની વહીવટી, નાણાકીય તેમજ સેવાસુવિધાઓની જવાબદારીઓ તે મંડળ સંભાળે છે.

રાષ્ટ્રીય ગ્રંથાલયમાં નવ વિભાગો નીચે પ્રમાણે છે : (1) પરિગ્રહણ વિભાગ, (2) મુદ્રિત ગ્રંથ વિભાગ, (3) સામયિક વિભાગ, (4) હસ્તપ્રત વિભાગ, (5) નકશા વિભાગ, (6) પ્રિન્ટ્સ વિભાગ, (7) સિક્કા અને ચંદ્રક વિભાગ, (8) સંગીત વિભાગ અને (9) બિબ્લિયોતેક દ લ’ આર્સેનલ.

ગ્રંથસમૃદ્ધિ : મુદ્રિત ગ્રંથસંગ્રહ વિભાગમાં પુસ્તકો અને સામયિકોની કુલ સંખ્યા 1997માં 90,00,000(નેવું લાખ)ની હતી.

સામયિક વિભાગ : આ વિભાગ 5,00,000 સામયિકો ધરાવે છે, જેમના માટેની છાજલીઓ જ 3,259 મીટરની લંબાઈ ધરાવે છે. અહીં 20,000 ચાલુ સામયિકો મળી રહે છે; જેમાં 15,000 ફ્રેંચ ભાષાનાં અને 5,000 વિદેશી છે.

હસ્તપ્રત વિભાગ : હસ્તપ્રત વિભાગમાં મધ્યકાલીન યુગની 10,000 હસ્તપ્રતોનો સંગ્રહ છે; જેમાં ઘણી સચિત્ર છે.

નકશા વિભાગ : આ વિભાગમાં 8,00,000 નકશાઓ અને માનચિત્રો છે. 2,000 ઍટલાસ, નકશાશાસ્ત્રને લગતાં 40,000 પુસ્તકો અને 4,000 સામયિકો છે.

પ્રિન્ટ્સ વિભાગ : હાલમાં આ વિભાગમાં 50,00,000 પ્રિન્ટ્સ સંગ્રહાયેલ છે. ઈ. સ. 1967માં 54,171 નવી પ્રિન્ટ્સ આ વિભાગમાં ઉમેરાઈ હતી અને 10,625 વાચકોએ 77,614 પ્રિન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ સંગ્રહની સૂચિ 28 ગ્રંથોમાં મુદ્રિત થયેલી છે.

પદકો અને સિક્કાઓનો વિભાગ : આ વિભાગમાં સોળમી સદીથી પદકો, સિક્કાઓ, શિલ્પો, કાંસ્ય તથા ટેરાકોટાનાં વાસણો અને આભૂષણોનો વિપુલ ભંડાર સંગ્રહાયેલ છે. આ વિભાગ જાહેર પ્રજા માટે પ્રદર્શનકક્ષ તરીકે ખુલ્લો મુકાયેલો છે. તેમાં કુલ 4 લાખ પદકો અને સિક્કાઓનો સંગ્રહ છે.

સંગીત વિભાગ : 1726માં રાજા લુઈ પંદરમાએ સંગીત ઉપરનો વિપુલ સંગ્રહ દાનમાં આપ્યો, જેના થકી બિબ્લિયોતેક દ ઑપેરા અને રાષ્ટ્રીય સંગીત સંરક્ષણાલયમાં જે સંગીત-વિષયક રચનાઓ સંગ્રહાયેલી હતી તેને 1942માં મુદ્રિત ગ્રંથસંગ્રહ  વિભાગમાંથી અલગ પાડીને 1965માં સંગીત વિભાગ હેઠળ મૂકવામાં આવી છે. આ વિભાગમાં સમગ્ર ફ્રાંસની સંગીત-રચનાઓ ઉપરાંત વિદેશની 4,40,000 સંગીત-રચનાઓનો સંગ્રહ છે.

બિબ્લિયોતેક દ લ’ આર્સેનલ : આ વિભાગમાં સાહિત્ય અને રંગભૂમિ ઉપર જ 15 લાખ લેખ આદિનો વિપુલ સંગ્રહ છે. રંગભૂમિ, સિનેમા, ધંધાકીય મંડળીઓ અને રેડિયો ઉપરના સમાચારપત્રોમાં પ્રકાશિત થતી તમામ માહિતીનું અહીં સંકલન કરવામાં આવેલું છે.

પ્રતિલિપિ અથવા માઇક્રોફિલ્મ રૂપે આ સંગ્રહમાંની કોઈ પણ સામગ્રી સંશોધકોને તેના જે તે વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. સમગ્ર ફ્રાંસમાં તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તમામ સામગ્રી આંતર-ગ્રંથાલય ઉદ્ધરણ સેવા હેઠળ સુલભ કરવામાં આવે છે. અપ્રાપ્ય અને મૂલ્યવાન હસ્તપ્રતો પણ નિયમાનુસાર અપાય છે.

કિરીટ ભાવસાર