બિંદાદીન મહારાજ

January, 2000

બિંદાદીન મહારાજ (જ. 1829, તહસીલ હંડિયા; અ. 1915) : જાણીતા ભારતીય નૃત્યકાર અને કવિ. પિતા દુર્ગાપ્રસાદે તથા કાકા ઠાકુરપ્રસાદે બિંદાદીનને નૃત્યની શિક્ષા આપી. નવ વર્ષની વયે તેમની નૃત્યસાધના શરૂ થઈ હતી. તેઓ પ્રસિદ્ધ નૃત્યકાર કાલિકાપ્રસાદના ભાઈ હતા. અલાહાબાદની હંડિયા તહસીલમાં તેમનું ઘરાણું પેઢીઓથી કૃષ્ણભક્તિપ્રેરિત ગીતો અને તે પર આધારિત નૃત્ય માટે જાણીતું હતું. તેમના પૂર્વજોએ કૃષ્ણની લીલા અને તેના ચરિત્ર પર આધારિત પ્રસંગોને ભાવાત્મક પદોમાં રચીને મંદિરોમાં કે ઉત્સવ દરમિયાન રજૂ કરવાની પ્રથા સ્થાપી હતી.

બિંદાદીન મહારાજ

નવાબ આસફુદ્દૌલાના સમયમાં બિંદાદીન મહારાજના પિતામહ બાબા પ્રગાસજી લખનૌ આવી વસ્યા. તેમણે પોતાના ત્રણેય પુત્રો દુર્ગાપ્રસાદ, ઠાકુરપ્રસાદ અને માનજીપ્રસાદને બાળપણથી નૃત્ય શીખવ્યું અને તેમણે મોટા થઈ એ પરંપરા ચાલુ રાખી. લખનૌના વાજિદઅલી શાહની પહેલાંના નવાબના વખતમાં આ ત્રણેય ભાઈઓની કલા લખનૌના આસપાસના પ્રદેશમાં પ્રસરી હતી.

નર્તનકલા ઉપરાંત ઠૂમરી ગાયકીમાં પણ બિંદાદીને પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હતું. ઠૂમરી ગાયકીની શિક્ષા તેમણે કલકત્તાની ગૌહરજાન તથા પટનાની જોહરાબાઈ જેવી તે જમાનાની અગ્રણી ગાયિકાઓને આપી હતી. તેઓ પોતે ઠૂમરીઓની રચના કરતા હતા.

1857માં તેમણે તેમના કાકા ઠાકુરપ્રસાદની સાથે નેપાળની મુલાકાત લીધી હતી, જ્યાં નેપાળનરેશે તેમને ભેટસોગાદો ઉપરાંત પુરસ્કાર પણ આપ્યો હતો.

બિંદાદીનને કોઈ  સંતાન ન હતું, પરંતુ તેમના નાના ભાઈ કાલિકાપ્રસાદના ત્રણ પુત્રો અચ્છન મહારાજ, બૈજનાથપ્રસાદ (લચ્છુ મહારાજ) તથા શંભુ મહારાજે શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રે કીર્તિ સંપાદન કરી હતી.

પ્રકૃતિ કાશ્યપ