બાલમનશ્ચિકિત્સાવિદ્યા (child psychiatry)

બાળકોમાં થતા માનસિક વિકારો તથા રોગોની સારવાર. બાળકોમાં વર્તન અને માનસિકતા(psychology)ના વિકારો સમજવા માટે તેમના વિકાસની સામાન્ય પ્રક્રિયા સમજવી જરૂરી ગણાય છે.

બાળકોનો સામાન્ય માનસિક વિકાર : કોઈ બે બાળકો એકબીજાંથી અલગ પડે છે, તેમ છતાં તેમનાં શારીરિક અને માનસિક વિકાસમાં કેટલાંક સામાન્ય તથ્યો અને પ્રક્રિયાઓ જોવા મળે છે. નવજાત શિશુ તેની માતા પર લગભગ સંપૂર્ણપણે આધારિત હોય છે અને તેને જાતે કાર્ય કરવાનું કે વિચારવાનું શીખતાં ઘણો સમય લાગે છે. બાળકના વિકાસનાં 4 પાસાં છે : (1) હલનચલનલક્ષી વર્તન-વિકાસ, (2) સુમેળકારી વર્તન-વિકાસ (adaptive behaviours), (3) ભાષાલક્ષી વિકાસ તથા (4) વ્યક્તિગત અને સમાજલક્ષી વર્તન-વિકાસ. આ વિકાસના તબક્કાઓને સામાન્ય બાળક લગભગ નિશ્ચિત સમયમાં પસાર કરે છે; તેથી તેમને માર્ગાંતર ચિહ્નો (mile stones) કહે છે. જોકે આ ઉપરાંત બાળકના વિકાસપથ પર અન્ય માર્ગાંતર ચિહ્નો પણ આવેલાં હોય છે; જેમ કે ઊંચાઈ વધવી, વજન વધવું, વિવિધ પ્રકારની હલનચલનની ક્રિયાઓ શીખવી, સામાન્ય સ્વાસ્થ્યનો વિકાસ થવો વગેરે. આ બધાં જ માર્ગાંતર ચિહ્નોને પસાર કરવામાં થોડો વધુ સમય લાગે તો તે ખાસ મહત્વનું ગણાતું નથી; પરંતુ સમગ્ર વસ્તીના સંદર્ભે જો લાંબો સમય લે તો તેને વિષમ ગણવામાં આવે છે. અંકશાસ્ત્રીય પદ્ધતિએ આ તફાવત 2 પ્રમાણકૃત વિચલનો(standard deviations)થી વધુ હોય તો તેને વિષમ (abnormal) ગણવામાં આવે છે. સામાન્ય વિકાસલક્ષી માર્ગાંતર ચિહ્નોને સારણી-1 દર્શાવ્યાં છે.

બૌદ્ધિક વિકાસ (intellectual development) : બાળકના શારીરિક અને વર્તનલક્ષી વિકાસની સાથે તેનો બૌદ્ધિક વિકાસ પણ થાય છે. તેને કેટલાક નિષ્ણાતો 4 તબક્કાઓમાં વહેંચે છે. (1) સંવેદના-ચાલક વિકાસનો તબક્કો, (2) દળદાર વિચારક્રિયા(concrete thinking)નો તબક્કો, (3) અમૂર્ત અથવા સંકલ્પનાશીલ (વિભાવનાશીલ) વિચારક્રિયાનો તબક્કો (abstract અથવા conceptual thinking stage), તથા (4) તરુણાવસ્થીય વિચારક્રિયા (adolescent thinking) અને ક્રિયાશીલતાનો તબક્કો (operational stage).

જન્મથી પ્રથમ 2 વર્ષમાં સંવેદનાલક્ષી અને હલનચલનલક્ષી વિકાસનો તબક્કો હોય છે. તેને સંવેદના-ચાલક(sensory-motor) વિકાસનો તબક્કો કહે છે. તે સમયે ધાવવું, વસ્તુઓને સ્પર્શવી  વગેરે ક્રિયાઓનો વિકાસ થાય છે. તે સમયે બાળક ફક્ત એક વિચારને એક સમયે ‘વિચારે’ છે અને તે રમકડાં જેવા નિર્જીવ પદાર્થોને પણ સજીવ માને છે. તેની નજરમાંથી જે દૂર થાય તેના અસ્તિત્વ વિશે તે સભાન હોતું નથી.

બીજાથી સાતમા વર્ષમાં ક્રિયાપૂર્વ વિચારણા (preoperational thinking) તથા સાતમાથી અગિયારમા વર્ષમાં મૂર્ત વિચારક્રિયા(concrete thinking)નો વિકાસ થાય છે, જેમાં પોતાના આગવા તર્કવાળી અહંભાવવાળી વિચારપ્રક્રિયા વિકસે છે. તે સમયે સમજવાનો ર્દષ્ટિકોણ સાંકડો હોય છે.અને અંત:ર્દષ્ટિનો અભાવ હોય છે. બાળક કોઈ વિશિષ્ટ સંદર્ભ પરથી સર્વસામાન્ય વિચાર અને સર્વસામાન્ય વિચાર પરથી વિશિષ્ટ સંદર્ભ પોતાની સુધી વિચારણાને વિકસાવી શકતો નથી.

અગિયારમા વર્ષમાં શરૂ થતો અમૂર્ત વિચારક્રિયા (abstract thinking) કે સંકલ્પનાશીલ (વિભાવનાશીલ) વિચારક્રિયા(conceptual thinking)નો તબક્કો લગભગ આખું જીવન ટકી રહે છે. તે હવે એક પ્રસંગ કે સમસ્યાને વિવિધ ર્દષ્ટિકોણથી મૂલવી શકે છે. તેની વિકારક્રિયા લચીલી (flexible) અને નિવર્તનીય (reversible) બને છે. પ્રસંગ કે પદાર્થમાંનો અમૂર્તભાવ તે શોધી શકે છે, જેથી કરીને કોઈ ચોક્કસ પ્રસંગ કે પદાર્થમાંથી સમગ્રતયાને અસર કરતો વિચાર વિકસાવી શકે છે. (જેમ કે વિવિધ ઘરેણાં ખરેખર તો સોનું જ છે.) વળી તે વિવિધ વિશિષ્ટ પ્રસંગો કે પદાર્થોમાંનું સમાનપણું  અને વિરોધીપણું પણ સમજીને તેમને સરખાવી શકે છે.

અગિયારમા વર્ષથી શરૂ થઈને સમગ્ર જીવન દરમિયાન ચાલુ રહેતા વિકાસને તરુણાવસ્થીય વિચારક્રિયા તથા ક્રિયાશીલતાનો તબક્કો કહે છે. તેમાં તે કોઈ પ્રસંગમાં રહેલી ગર્ભિત શક્યતાઓનો પણ વિચાર કરી શકે છે અને તેથી તેની વિચારણા સર્વગ્રાહી (comprehensive) બને છે. આ ઉપરાંત અમૂર્ત ઉપસંકલ્પનાઓ (hypothesis) બનાવીને તેમનું પરીક્ષણ પણ કરી શકે છે. તરુણાવસ્થાને અંતે તેમની બૌદ્ધિક સંરચના(intellectual structure)નો વિકાસ લગભગ પૂરો થાય છે; પરંતુ બાકીનું આખું જીવન તેની શીખવાની  ક્ષમતામાં વૃદ્ધિ અને બૌદ્ધિક વૃદ્ધિ થતી રહે છે.

સારણી 1 : સામાન્ય વિકાસનાં માર્ગાંતર ચિહ્નો

વય     હલનચલનલક્ષી વિકાસ     સુમેળકારી વિકાસ      ભાષા વિકાસ  વ્યક્તિગત અને સામાજિક વર્તન-વિકાસ
 1          2           3          4         5
2 અઠવાડિયાં ચત્તું સૂતાં માથું એક બાજુ વાળે છે.
4 અઠવાડિયાં થોડીક ક્ષણો માટે સૂતાં સૂતાં માથું ઊંચું કરે છે. મધ્યરેખાની પાસેથી પસાર થતી વસ્તુ તરફ ધ્યાન આપે છે. અવાજ તરફ મોં ફેરવે છે અને રડવા સિવાયના અવાજ કરે છે. મોંઢા સામે ધ્યાનથી જુએ છે.
2-3 મહિના પ્રતિભાવાત્મક સ્મિત આપે છે.
3 મહિના માથું ટેકવે છે, સ્થિર રાખે છે અને સૂતાં સૂતાં તેને 90° જેટલું વાળીને ઊંચું કરે છે. મધ્યરેખાથી દૂર જતા પદાર્થ તરફ આંખ-માથું ફેરવે છે, પાસે અને દૂર જુએ છે. મોટેથી હસે છે. માતાને ઓળખે છે.
4-5 મહિના વસ્તુ પકડવા હાથ લંબાવે છે અને અણઘડ રીતે તેને પકડે છે.
5 મહિના ટેકે બેસે છે, પડખું ફેરવે છે.
6 મહિના લંબાવેલા હાથથી માથું અને ધડનો ઉપરનો ભાગ ઊંચકે છે. એક હાથમાંથી બીજા હાથમાં વસ્તુ ફેરવે છે. પગ મોંઢામાં મૂકે છે, દર્પણમાં પોતાનો ચહેરો જોઈને હસે છે.
8 મહિના સીધી પીઠ સાથે બેસે છે, ઘૂંટણિયાં ભરે છે, ટેકે પગલું ભરવા પ્રયત્ન છે.
9 મહિના ‘મા’, ‘મામા’, ‘દાદા’, ‘મમ મમ’, વગેરે બોલે છે. નામથી બોલાવીએ તો ધ્યાન આપે છે. સામાજિક રમતમાં ભાગ લે છે. તેના હાથમાંથી વસ્તુ લેવામાં આવે તો વિરોધ કરે કરે છે. જાતે દૂધની બૉટલ કે બિસ્કિટ પકડે છે.
9–10 મહિના તાલી પાડે છે, મધ્યરેખામાં બંને હાથે એકસરખું પકડે છે. અંગૂઠા કે આંગળી વચ્ચે વસ્તુ પકડે છે.
10 મહિના સૂતામાંથી બેસવાની ક્રિયા, બેઠામાંથી ઊભા થવાની પ્રક્રિયા કરે છે. ફર્નિચર પકડીને ઊભો રહે છે અને ચાલે છે. થોડી ક્ષણો વગર ટેકે ઊભો રહે છે. વગર ટેકે ઘૂંટણિયાં ભરે છે. નાનાં વાક્યો સમજે છે; જેમ કે, ‘મા ક્યાં છે ?’
વર્ષ વગર ટેકે ચાલે છે. આગળ પાછળ તથા બાજુ પર ચાલે છે. માંગવામાં આવે ત્યારે માને હાથ-માંની વસ્તુ આપે છે. ચોપડીના 2–3 પાનાં સાથે ફેરવે છે. 3થી 5 શબ્દોને અર્થ પૂર્ણ રીતે બોલે છે.
વર્ષ 3–4 ઘનને એકબીજા પર ગોઠવે છે. લખવાની નકલ કરે છે. ક્યારેક ઊભી લીટી દોરે છે. નામ-સહિત 10 શબ્દો બોલે છે. ઢોળ્યા વગર ચમચીથી જાતે ખાય છે. બીજાની નકલ કરે કરે છે. દોરીવાળાં રમકડાં રમે છે. હાજતોના નિયંત્રણનું શિક્ષણ શરૂ થાય છે.
2 વર્ષ સરસ દોડે છે. એકલો પગથિયાં ચઢે છે. મોટા દડાને લાત મારે છે; તથા માથા પર ઉછાળે છે. પુસ્તકનું દરેક પાનું અલગ રીતે ફેરવે છે. 6–7 ઘનનો મિનારો રચે છે. આડી લીટીને જોઈને દોરે છે. બે અલગ શબ્દોને જોડે છે. ચિત્રમાંથી કોઈ એક પદાર્થને ઓળખે છે. સાદાં કપડાં અને હાથપગનાં મોજાં પહેરે છે.
વર્ષ પગની આંગળીઓ પર ચાલે છે.
3 વર્ષ વારાફરતી પગ મૂકીને પગથિયાં ચડે છે, ત્રિચક્રી વાહન (tricylcle) ચલાવે છે, પહોળો કૂદકો મારે છે. 9-10 ઘનનો મિનારો કરે છે; 3 ઘનથી એક સેતુ રચે છે; જોઈને ગોળાકાર દોરે છે. બહુવચન વાપરે છે; ઘણા શબ્દો જાણે છે. બટન ખોલે છે, બૂટનાં બકલ બાંધે છે, મદદ સાથે કપડાં પહેરે છે/કાઢે છે.
4 વર્ષ 5 સેકન્ડ એક પગ પર ઊભો રહે છે. જોઈને ચોકડી દોરે છે. બટન બીડે છે, પોતાનું મોં ધૂએ છે, બીજાં બાળકો સાથે રમે છે. માથી દૂર થતાં તકલીફ અનુભવે છે.
5 વર્ષ એડી-અંગૂઠા એકબીજાંને અડે તેવી ચાલ કરી શકે છે. એક પગે કૂદે છે. જોઈને ચોરસ કે ઓળખાય એવો માણસ દોરે છે. રંગો ઓળખે છે. શબ્દોના અર્થ આપે છે. માના નિરીક્ષણ હેઠળ જાતે તૈયાર થાય છે.
6 વર્ષ જોઈને ત્રિકોણ દોરે છે.
7 વર્ષ જોઈને ચતુષ્કોણ દોરે છે.
8–9 વર્ષ જોઈને એકબીજીને કાપતી રેખાઓવાળાં ચિત્રો દોરે છે.

વિવિધ પ્રકારના માનસિક વિકારો : બાળકોમાં થતા માનસિક વિકારોને વિવિધ જૂથોમાં વર્ગીકૃત કરાય છે (સારણી 2).

(1) માનસિક અલ્પવિકસન અથવા અલ્પમનોવિકસન (mental retardation) : સામાન્ય રીતે 1 %થી 3 % વ્યક્તિઓમાં માનસિક અલ્પવિકસનની તકલીફ હોય છે. અલ્પમનોવિકસિત (mentally retarded) વ્યક્તિની બૌદ્ધિક ક્રિયાશીલતા ઓછી હોય છે અને તેના વિકાસના સમયે તેનામાં ઓછા પ્રમાણમાં સુમેળકારી ક્રિયાશીલતા જોવા મળે છે. તેમનો બુદ્ધિક્ષમતાંક (intelligence quotient,  IQ) 70 %થી ઓછો હોય છે. દરેક વ્યક્તિએ તેના વ્યક્તિગત, સામાજિક, વ્યવસાયલક્ષી તથા આંતરવ્યક્તિ-સંબંધોમાં ગોઠવાવું પડે છે. તેને પરિસ્થિતિ સાથે સુમેળ સાધવો (adaption) કહે છે. માનસિક અલ્પવિકસિત વ્યક્તિમાં તેની ખામી હોય છે, જે નિદાનલક્ષી વાતચીત (clinical interview) તથા પ્રમાણિત કસોટીજન્ય માપદંડો (standardised assessment scales) વડે નક્કી કરી શકાય છે. માનસિક અલ્પવિકસિત વ્યક્તિઓ એકબીજીથી વર્તન, માનસિક બંધારણ તેમજ શારીરિક અને સામાજિક ગુણવત્તાઓની ર્દષ્ટિએ અલગ પડે છે. સામાન્ય રીતે વ્યક્તિની માનસિક ઉંમર ભાગ્યા સામાયિક ઉંમર (chronological age) ગુણ્યા 100 કરવાથી IQનો અંક મળે છે. 50થી 70 (±5) IQ હોય તો તેને મંદવિકાર કહે છે. મધ્યમ વિકારમાં તે 35થી 50 (±5) હોય છે જ્યારે તીવ્ર વિકારમાં તે 20થી 35 (±5) હોય છે. અતિતીવ્ર (profound) માનસિક અલ્પવિકસન હોય તો IQ 20 ± 5થી પણ ઓછો હોય છે. લગભગ 80 %થી 90 % કિસ્સામાં મંદ પ્રકારનો વિકાર હોય છે અને તેનું નિદાન ઘણે મોડેથી થાય છે. 5 વર્ષ સુધી તેમનો વિકાસ બીજાં બાળકો જેવો હોય છે અને તે છઠ્ઠા ધોરણ સુધી ભણી શકે છે. તેઓ ધંધાકીય અને સામાજિક સ્વાધીનતા મેળવી શકે છે અને તે માટે બહુ થોડો આધાર માંગે છે. જોકે તણાવભરી સ્થિતિમાં તેમને મદદ અને નિરીક્ષણની જરૂર પડે છે. તેમને અગાઉ ‘શિક્ષણક્ષમ’ (educable) જૂથ તરીકે ઓળખતા હતા.

સારણી 2 : બાળકોના માનસિક વિકારો અને રોગોનાં જૂથ

ક્રમ                      પ્રકાર
1. માનસિક અલ્પવિકસન (mental retardation) અથવા અલ્પમનોવિકસન
2. વિશિષ્ટ મનોવિકાસલક્ષી વિકારો
3. ભ્રંશિત અથવા (pervasive) મનોવિકાસલક્ષી વિકારો
4. અતિગતિકીય અથવા ચંચળતાપૂર્ણ (hyperkinetic) વિકારો
5. વર્તણૂકલક્ષી વિકારો (conduct disorders)
6. વિષમ અને અનૈચ્છિક સંચલન વિકારો [disorders of abnormal involuntary movements, (tic, વિચિત્ર ચેષ્ટા)]
7. અમૂત્રનિયંત્રણ (enuresis) અને અમળનિયંત્રણ (encopresis)
8. વાણીલક્ષી વિકારો
9. સભાન મૌન (elective mutism)
10. પ્રકીર્ણ વિકારો તથા ટેવજન્ય વિકારો (habit disorders)

લગભગ 10 % બાળકોને મધ્યમ કક્ષાનો વિકાર હોય છે. અગાઉના શૈક્ષણિક વર્ગીકરણમાં તેમને ‘તાલીમક્ષમ’ (trainable) જૂથમાં મૂકવામાં આવતા હતા. તેઓની સામાજિક સભાનતા ઓછી હોય છે, પરંતુ તેઓ બોલતાં શીખે છે અને 2જા ધોરણ સુધી ભણી શકે છે. તેમને અર્ધકુશળ (semiskilled) કે અકુશળ (unskilled) કામમાં નિરીક્ષણ હેઠળ રાખીને તાલીમ આપી શકાય છે. તેઓ તણાવપૂર્ણ સ્થિતિમાં પોતાનો પરિસ્થિતિ સાથેનો સુમેળ ગુમાવે છે અને તેથી તેમને વ્યાવસાયિક વાતાવરણમાં સતત નિરીક્ષણ હેઠળ રખાય છે. તીવ્ર વિકાર હોય તો શરૂઆતથી જ હલનચલનલક્ષી વિકાસમાં ક્ષતિ જણાઈ આવે છે. તેઓ બોલતાં શીખવામાં વાર કરે છે અથવા તો શીખતાં જ નથી. તેમની અન્ય માહિતી-આપલેની ક્રિયાઓ પણ ક્ષતિપૂર્ણ રહે છે. મોટી ઉંમરે તેમને બોલતાં શીખવી શકાય છે અને તેઓ મૂળ સાદી ક્રિયાઓનું નિરીક્ષણ કરે છે. અગાઉના શૈક્ષણિક વર્ગીકરણમાં  તેને ‘પરાવલંબી’ (dependent) જૂથમાં સમાવિષ્ટ કરાતા હતા. આશરે 1 %થી 2 % બાળકોને અતિતીવ્ર માનસિક અલ્પવિકસન હોય છે. તેમને સમૂહગૃહોમાં રાખીને જીવન ટકાવવા માટેની મદદ આપવી પડે છે. તેમને ‘જીવનરક્ષિત’ (life-support) જૂથમાં અગાઉ વર્ગીકૃત કરાતાં હતાં.

અલ્પમનોવિકસનનાં કારણોમાં શારીરિક અને માનસિક વિકારોનો સમાવેશ થાય છે. તેમને મુખ્ય 5 જૂથોમાં વહેંચાય છે : (1) જનીનીય વિકારો (genetic disorders) (5 %), (2) જન્મપૂર્વનાં પરિબળો (10 %), (3) બાળપણમાં થતા રોગો (2થી 5 %), (4) સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો (15 %) તથા (5) માનસિક વિકારો (1થી 2 %). ડાઉનનું સંલક્ષણ, ટર્નરનું સંલક્ષણ, ક્લિન ફેલ્ટરનું સંલક્ષણ વગેરે વિવિધ પ્રકારના ચયાપચયના અંતર્ગત વિકારો; તનુગંડકાઠિન્ય (tuberous sclerosis), ન્યૂરોફાઇબ્રો-મેટોસિસ, નાની ખોપરી વગેરે વિકારોમાં થતા જનીની અને રંગસૂત્રીય વિકારો આ પ્રકારની તકલીફ સર્જે છે. જન્મ પહેલાં માતાને લાગતો ચેપ (રુબેલા, ઉપદંશ – syphilis –, ટોક્સોપ્લાઝમોસિસ, સાયટોમેગોલો ઇન્ક્લુઝન બૉડી રોગ), સમય કરતાં વહેલો જન્મ, જન્મ સમયે ઈજા, જન્મ સમયે ઑક્સિજનની ઊણપથી મગજને ઈજા, ગર્ભાશયની અંદર ગર્ભશિશુના વિકાસમાં અટકાવ, જન્મ પછી થતો તીવ્ર પ્રકારનો કમળો (kernicterus), ઓરની વિકૃતિઓ તથા માતાએ સગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં કેટલીક ચોક્કસ દવાઓ લીધી હોય તોપણ માનસિક અલ્પવિકસન થાય છે. બાળપણમાં જોવા મળતા કેટલાક રોગો; દા.ત., મગજમાં લાગતા ચેપ, ગલગ્રંથિની ઊણપથી થતો ક્રેટિનિઝમનો રોગ, મગજને ઈજા, સીસાની ઝેરી અસર તથા મસ્તિષ્કી ઘાત(cerebral palsy)નો રોગ પણ આ જ સ્થિતિ સર્જે છે. યોગ્ય સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણનો અભાવ, અપભ્રષ્ટ વિકાસલક્ષી વિકારો તથા બાળપણમાં થતો વિચ્છિન્ન વ્યક્તિત્વ(schizophrenia)નો વિકાર પણ માનસિક અલ્પવિકસન કરે છે.

બાળકનો વિકાસ : (અ) 6 અઠવાડિયે – વસ્તુ હાથમાં પકડે, (આ) 3 મહિને – બે હાથથી મધ્યરેખામાં વસ્તુ પકડે, (ઇ) 4 મહિને – તે ઊંધું પડે, (ઈ) 5–6 મહિને માથું ઊંચકીને ઊંચે જુએ, (ઉ) 6–8 મહિને તે બેસે, (ઊ) 9 –10 મહિને ઘુંટણિયાની શરૂઆત થાય, (એ) એક વર્ષે, પકડીને ચાલે, (ઐ) દોઢ વર્ષે જાતે ચાલે.

અલ્પમનોવિકસનનું નિદાન દર્દી સાથે કરાતી નૈદાનિક વાતચીત, શારીરિક અને મનોવૈજ્ઞાનિક તપાસ, જરૂરી એક્સ-રે પરીક્ષણો અને નિદાનલક્ષી લોહી-પેશાબની કસોટીઓ વડે કરાય છે. પેશાબના પરીક્ષણ દ્વારા ફિનાઇલ કિટોન્યુરિયા અને મેપલ સિરમ યુરિન રોગનું નિદાન શક્ય છે. મગજનો વિદ્યુત-આલેખ લેવાથી આંચકીના રોગનું નિદાન કરી શકાય છે. લોહીની તપાસથી ચયાપચયી રોગો, રંગસૂત્રના અભ્યાસથી ડાઉનનો રોગ, સી.એ.ટી. સ્કૅન કે એમ.આર.આઇ.ની મદદથી મગજના વિવિધ રોગો, ગલગ્રંથિની કસોટીઓ વડે ક્રેટિનિઝમ, યકૃતિની કસોટીઓથી મ્યુકોપૉલિસૅકેરાઇડૉસિસ તથા મનોવૈજ્ઞાનિક કસોટીઓથી માનસિક વિકારોનું નિદાન થાય છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ રૂપે બુદ્ધિમાપક તથા સુમેળ વર્તન-માપક કસોટીઓ કરાય છે. માનસિક અલ્પવિકસિત બાળકને બહેરા-મૂંગા બાળકથી અલગ પડાય છે. ઘણી વખતે સામાજિક વાતાવરણની ખામીઓ, વાણીની ક્ષતિઓ, તીવ્ર મનોવિકારી રોગો(psychotic disorders), શારીરિક રોગો તથા અપસ્માર (epilepsy) નામના આંચકી લાવતા રોગોથી પણ તેને અલગ પાડવામાં આવે છે.

અલ્પમનોવિકસનની સારવાર રૂપે પ્રાથમિક, દ્વૈતીયિક અને તાર્તીયિક (tertiary) પૂર્વનિવારણ કરાય છે. સામાજિક અને આર્થિક વાતાવરણમાં સુધાર, કુપોષણમાં ઘટાડો અને સુયોગ્ય સગર્ભાવસ્થાની અને પ્રસૂતિ સમયની સારવાર ઉપયોગી ગણાય છે. જાહેર જનતામાં માનસિક અલ્પવિકસિતો માટેની ખોટી માન્યતાઓને દૂર કરાય છે. જન્મ પહેલાં, જન્મ સમયે અને બાળપણમાં ચેપ, ઈજા, કુપોષણ કે અન્ય રોગો થતા અટકાવવા પ્રયત્નો કરાય છે. જે મા-બાપને જનીનીય વિકારવાળી સંતતિ જન્મતી હોય તેમને યોગ્ય સલાહ આપવી જરૂરી ગણાય છે. તેના દ્વારા અલ્પમનોવિકસનનું પ્રાથમિક પૂર્વનિવારણ થઈ શકે છે. અલ્પમનોવિકસન થયા પછી તેનાથી ઉદભવતી તકલીફોના પૂર્વનિવારણને દ્વૈતીયિક પૂર્વનિવારણ કહે છે. તે માટે અલ્પમનોવિકસનનું વહેલું નિદાન અને જરૂરી સારવાર આપવામાં આવે છે. અલ્પમનોવિકસનને કારણે તથા તેના ઉપચારના પરિણામે ઉદભવતી આનુષંગિક સમસ્યાઓને થતી અટકાવવા તાર્તીયીક પૂર્વનિવારણ કરાય છે. તેમાં મુખ્ય સમસ્યા વર્તનલક્ષી હોવાથી બાળકના વર્તનમાં સુધારો થાય તેવું કરવામાં આવે છે. તે માટે જરૂર હોય તેવા કિસ્સામાં તેના માતા-પિતાને માહિતી તથા શિક્ષણ અપાય છે. ક્યારેક આવા બાળકને બાલસુધારણા કેન્દ્રમાં દાખલ કરીને સારવાર અપાય છે.

(2) વિશિષ્ટ મનોવિકાસલક્ષી વિકારો (specific development disorders) : જ્યારે માનસવિદ્યાલક્ષી વિકાર વ્યાપક અને બધાં જ માનસિક પાસાંને અસર કરતો હોય છે ત્યારે તેને માનસિક અલ્પવિકસન અથવા અલ્પમનોવિકસન કહે છે. પરંતુ જો તેનો કોઈ ચોક્કસ ભાગ કે વિસ્તાર અસરગ્રસ્ત હોય ત્યારે તેને વિશિષ્ટ વિકાસલક્ષી વિકાસ કહે છે; દા.ત., વાચન, ભાષા, ગણિત અથવા અંકગણિત, ઉચ્ચારણ, હલનચલનની સંગતતા (coordination) વગેરે કોઈ એક માનસિક વિસ્તારનો વિકાર હોય તો તેને વિશિષ્ટ વિકાસલક્ષી વિકાર કહે છે. મનોવિકાસલક્ષી વાચનવિકાર (developmental reading disorder)ને કુપઠન (dyslexia) કહે છે. તેવી રીતે મનોવિકાસલક્ષી ભાષાવિકાર(developmental language disorder)ને દુર્વાક્તા (dysphasia); ગણિત કે અંકગણિતલક્ષી મનોવિકાસના વિકારને દુર્ગણન (dyscalculia) અને મનોવિકાસલક્ષી ઉચ્ચારણ-વિકાર(developmental articulation disorder)ને દુરુચ્ચારણ (dyslalia) કહે છે. એ જ રીતે મનોવિકાસલક્ષી ચલનસંગતતા વિકાર (developmental coordination disorder) પણ થતો હોય છે. ક્યારેક એકથી વધુ વિકારો સાથે સાથે થાય છે. મોટાભાગનાં વિકારગ્રસ્ત બાળકોને મોટા મગજનો કોઈ રોગ હોય છે. જો ભાષાલક્ષી વિકાર હોય તો ખાસ, પરંતુ લગભગ બધા જ વિકારો અમુક અંશે, શાળાકીય અભ્યાસ તથા રોજિંદા જીવનની ક્રિયાઓને અસર કરે છે. તેથી શીખવાની ક્રિયાની સંકલ્પનાને આધારે વર્તનલક્ષી સારવાર અપાય છે.

(3) ભ્રંશિત (perversive) અથવા અપભ્રષ્ટ મનોવિકાસલક્ષી વિકારો : બે વ્યક્તિઓ વચ્ચેના પારસ્પરિક અને વ્યક્તિ અને સમાજ વચ્ચેના વ્યવહારમાં પ્રતિભાવરૂપે કરાતાં કાર્યો(દા.ત., સ્મિત, આંખમાં જોવું, સામેનાની લાગણી તરફ દુર્લક્ષ્ય વગેરે)નો અભાવ હોય તો તેને સ્વલક્ષિતા (autism) કહે છે. આવી વ્યક્તિ તેનાં માતા-પિતા તરફ પણ ખેંચાણનો ભાવ અને અલગ પડવા અંગેની ચિંતા અનુભવતી નથી. તેને એકલા રમવું ગમે છે. તે સમૂહરમતોથી દૂર રહે છે. તેને મિત્રો બનતાં નથી. તે વ્યક્તિ બીજા પાસેથી નકલ કરીને શીખતી નથી. તેને જોખમી વાતાવરણમાં ભય પણ લાગતો નથી. સન 1943માં લિઓ કેનરે (Leo Kanner) આ વિકારસંલક્ષણને ભાવમય વ્યવહારમાં થતા સ્વલક્ષિત વિક્ષેપ (autistic disturbance of affective conduct) તરીકે વર્ણવ્યું હતું. તેને શૈશવી સ્વલક્ષિતા (infantile autism) પણ કહે છે. આ વિકારના સ્વલક્ષિતા વિકાર (autistic disorder) એવા નામ ઉપરાંત અપભ્રષ્ટ (ભ્રંશિત) મનોવિકાસલક્ષી વિકાર, બાળપણની સ્વલક્ષિતા (childhood autism), બાળપણનો તીવ્ર મનોવિકાર (childhood psychosis) અને છદ્મક્ષતિજન્ય તીવ્ર મનોવિકાર (pseudodefective psychosis) જેવાં નામો પણ છે. આ વિકાર પુરુષોમાં 3થી 4 ગણો વધુ જોવા મળે છે. દર 1000ની વસ્તીએ તેનું પ્રમાણ 0.4થી 0.5 જેટલું હોય છે. તેનું પ્રમાણ ઉપરના સામાજિક સ્તરમાં વધુ હોય છે એવી માન્યતા સાબિત થયેલી નથી. સામાન્ય રીતે 2½ વર્ષની વય થાય તે પહેલાં તેનાં લક્ષણો દેખાવાં શરૂ થાય છે. કેટલાંકમાં તે પછી તેનાં લક્ષણો શરૂ થાય છે. આવા સંજોગોમાં તેને બાલ્યારંભી સ્વલક્ષિતા (childhood onset autism) અથવા બાલ્યારંભી અપભ્રષ્ટ(ભ્રંશિત) મનોવિકાસલક્ષી વિકાર કહે છે.

સ્વલક્ષિતા ઉપરાંત અન્ય વિકારલક્ષણો પણ જોવાં મળે છે. તેમાં ભાષાલક્ષી તથા અશાબ્દિક વ્યવહાર(nonverbal communication)માં જોવા મળતી ક્ષતિ, વિષમ પ્રકારનું વર્તન, અલ્પમનોવિકસન તથા અન્ય પ્રકીર્ણ લક્ષણોનો સમાવેશ થાય છે. શબ્દો દ્વારા થતી સંદેશાની આપલેને શાબ્દિક વ્યવહાર (verbal communication) કહે છે; જ્યારે મોઢા પરના ભાવ, વિવિધ અવાજો તથા હાથપગ કે સમગ્ર દેહ વડે દર્શાવાતાં ચિહ્નો અશબ્દ સંદેશ-આપલેની ક્રિયા સૂચવે છે. નાનું બાળક બોલાવવાથી કે અવાજ કરવાથી જો મોઢાંના ભાવ કે અવાજ દ્વારા પ્રતિભાવ ન આપે ત્યારે સૌપ્રથમ તો કદાચ તે સાંભળતું નહિ હોય એવું લાગે છે; પરંતુ જો તે સાંભળી શકતું હોય એવું અન્ય કસોટી દ્વારા જાણી લેવામાં આવે ત્યારે અપભ્રષ્ટ (ભ્રંશિત) મનોવિકાસલક્ષી વિકારની સંભાવના વિશે ખબર પડે છે. શૈશવકાળ(infancy)માં ઊંહકારા(babbling)નો અવાજ ન થતો હોય, ઉંમર વધે તે સાથે વાણીનો વિકાસ મોડો થાય કે ન થાય. (50 % વિકારગ્રસ્ત બાળકોમાં યોગ્ય વાણી વિકાસ થતો નથી.) વાણીના વસ્તુ (content) અને પ્રકારમાં વિષમતા હોય, પ્રતિપુનરુચ્ચારણનો વિકાર હોય, ઉચ્ચારણમાં ક્ષતિ હોય કે હું – તમે જેવાં સર્વનામોનો વિપરીત ઉપયોગ થતો હોય તો તે સંદેશ-આપલેની ક્ષમતામાં મહત્વનો વિકાર ગણાય છે. બીજી વ્યક્તિ દ્વારા બોલાયેલા શબ્દો(ઉચ્ચારણો)ને અનૈચ્છિક રીતે ફરીથી – બોલવાના વિકારને પ્રતિપુનરુચ્ચારણ (echolalia) કહે છે.

વિષમ પ્રકારના વર્તનની પણ કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે છે. જેમ કે ક્યારેક હાથપગ કે મોઢાના હલનચલન કે હાવભાવનું અમુક ક્રિયાદાસ્ય (mannerism) – માથે હાથ ટીપવો, શરીરના ભાગને ગોળગોળ ફેરવ્યા કરવો, ડોલ્યા કરવું, વસ્તુઓને સીધી લીટીમાં ગોઠવ્યા કરવી, ઉપરાંત તાલીઓ પાડ્યા કરવી, માથે ટપલીઓ માર્યા કરવી, કે અમુક રીતે હાથપગને મોઢાનું હલનચલન કર્યા કરવારૂપ ક્રિયાદાસ્ય દાખવવું વગેરે. ક્યારેક રૂઢિગત કે દબાવી ન શકાય એવી એકની એક ક્રિયા વારંવાર કરવાનું વર્તન જોવા મળે છે. આવી વ્યક્તિ તેની આસપાસની પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફારને સ્વીકારી શકતી નથી અને ક્યારેક તે નિર્જીવ પદાર્થ માટે લાગણીનો સંબંધ જોડે છે. મોટાભાગના કિસ્સામાં ચંચળતા (hyperkinesis) જોવા મળે છે.

આશરે 70 % કિસ્સામાં અલ્પમનોવિકસન થયેલું હોય છે અને તેથી IQ 70થી ઓછો હોય છે. મોટાભાગે મધ્યથી અતિતીવ્ર પ્રકારનું અલ્પમનોવિકસન હોય છે. જેટલું અલ્પમનોવિકસન વધુ તેટલી બોલવાની તકલીફ વધુ અને ખેંચ (આંચકી) આવવાનો વિકાર પણ વધુ થતો હોય છે. મોટાભાગનાં સ્વલક્ષિત બાળકોને સંગીત વધુ ગમતું હોય છે. ઘણી વખત તેઓની લાંબા સમયની ગોખણપટ્ટીવાળી સ્મરણક્ષમતા (rote memory) વાળી ગણિતકાર્ય કરવાની ક્ષમતા પણ જળવાઈ રહેલી હોય છે અથવા અન્ય બાળકો કરતાં વધુ વિકસેલી હોય છે. તેને મૂર્ખગણિતજ્ઞ સંલક્ષણ (idiot-savant syndrome) કહે છે.

આશરે 1થી 2 બાળકો સામાન્ય કક્ષાનું લગ્નજીવન, સામાજિક વ્યવહાર તથા વ્યવસાય ક્ષમતા શીખી લે છે; જ્યારે આશરે 70 % દર્દીઓ પરાવલંબી જીવન જીવે છે. જન્મ પહેલાં કે જન્મ સમયે કેન્દ્રીયસ્તરમાં ચેતાતંત્રને થતી ઈજા કે મગજના રોગો કે વિકારોને પણ અપભ્રષ્ટ (ભ્રંશિત) મનોવિકાસલક્ષી વિકારો થાય છે. કેટલાક દર્દીઓના મગજમાં સિરોટોનિન(5-હાઇડ્રોક્સિ ટ્રિપ્ટોફેન, 5-HT)નું પ્રમાણ વધેલું હોય છે. ઘણાં બાળકોનો મગજનો વિદ્યુત-આલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram, EEG) કે. સી.એ.ટી. સ્કૅન વિષમ હોય છે.

સારવારમાં 3 પદ્ધતિઓ ઉપલબ્ધ છે. વર્તન ચિકિત્સા (behaviour therapy), મનશ્ચિકિત્સા (psychotherapy) અને ઔષધચિકિત્સા (pharmacotherapy). નિયમિત ક્રિયાઓ કરવાનો એક અભિક્રમ (programme), વિકસાવવો. જેમાં નવું શીખવાની અને અગાઉ શીખેલું હોય તેને  જાળવી રાખવાની વર્ગખંડમાંની તાલીમ પ્રક્રિયાઓ, જાતસંભાળ લેવા માટેનું શૈક્ષણિક પ્રબલન (educational reinforcement), વાણીચિકિત્સા, (speech therapy), સંકેતભાષાનું શિક્ષણ તથા પારસ્પરિક આંતરક્રિયાઓના યોગ્ય સંચાલન માટેની વર્તનલક્ષી તકનીકનો ઉપયોગ વગેરેનો વર્તનચિકિત્સામાં સમાવેશ થાય છે. બાળક જે કાંઈ શીખીને સારી રીતે કરી બતાવે કે કરતું રહે ત્યારે અપાતી શાબાશી કે ઇનામને શૈક્ષણિક પ્રબલન કહે છે. તેને કારણે તેને તે શીખવું ગમે છે. બે વ્યક્તિ વચ્ચેના વ્યવહારની રીતભાતને પારસ્પરિક આંતરક્રિયા (interpersonal interaction) કહે છે.

મનશ્ચિકિત્સા એક વિશિષ્ટ પ્રકારની સારવારપદ્ધતિ છે. શૈશવી સ્વલક્ષિતાના કિસ્સામાં તે ખાસ ઉપયોગી નથી; પરંતુ માતાપિતાને સલાહસૂચન આપવાની પ્રક્રિયા ઘણી મહત્વની સારવાર છે. તેથી તેઓ પરિસ્થિતિને સમજી શકે છે. ખોટો અપરાધભાવ (guilt) હોય તો તે દૂર કરી શકે છે અને બાળકની સારવારમાં ઉપયોગી અને સક્રિય યોગદાન આપી શકે છે. વળી સારવારમાં કશું વધુ પડતું કરાય નહિ તેની ખાસ સંભાળ રખાય છે. 5-HTનું મગજમાંનું સ્તર ઘટાડવા ફ્લેનફલ્યુરામિન નામની દવા વપરાય છે. તેનાથી વર્તન યથોચિત બને છે. ચંચળતા તથા વર્તનલક્ષી વિકાર ઘટાડવા ડોપામિનનો ઘટાડો કરતી હેલોપેરિડોલ તથા રિસ્પેરીડોન નામની દવાઓ વપરાય છે. આંચકી રોકવા માટે જરૂરી દવાઓ અપાય છે. આ ઉપરાંત ક્લોરપ્રોમેઝિન, એમ્ફિટેમાઇન, મેથિસર્જિડ, ઇમિપ્રેમિન વિવિધ વિટામિનો તથા ટ્રાઇઆયોડોથાયરોનિન નામની વિવિધ દવાઓના પણ પ્રયોગો થયા છે. પણ તે ખાસ લાભદાયી નીવડેલા નથી.

અન્ય અપભ્રષ્ટ (ભ્રંશિત) મનોવિકાસલક્ષી વિકારો પણ થતા જોવા મળ્યા છે. તેમને બાળપણના તીવ્રમનોવિકાર (childhood psychosis) તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સ્વલક્ષિતા, બાળપણનો વિચ્છિન્ન વ્યક્તિત્વ(schizophrenia)નો વિકાર, મનોદશા(mood)ના વિકારો અને મગજના રોગોમાં થતા (માનસિક) વિકારોનો સમાવેશ થાય છે. માનસિક વિકાર એક ક્રિયાત્મક સંકલ્પના (functional concept) છે, જ્યારે મગજની પેશીના વિકારો મૂર્ત (concrete) વિકૃતિઓને કારણે થાય છે. તેથી મગજના રોગોમાં થતા માનસિક વિકારોને પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો (organic psychiatric disorders) કહે છે.

બાળપણમાં જોવા મળતા વિચ્છિન્ન વ્યક્તિત્વનો વિકાર, મનોદશાના વિકારો કે પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો પુખ્તવયે જેવાં લક્ષણો સર્જે તેવાં જ લક્ષણો બાળપણમાં પણ સર્જે છે. જો વ્યક્તિમાં ભ્રાંતિ (delusion), વિચારલક્ષી વિકારો તથા મનોભ્રમ (ભણકારા, hallucination) જોવા મળે તો તે બાળપણમાં થતો વિચ્છિન્ન વ્યક્તિત્વનો વિકાર હોવાની સંભાવના સૂચવે છે. સામાન્ય રીતે 5થી 6 વર્ષની વયે તે શરૂ થાય છે. સામાન્ય રીતે અલ્પમનોલક્ષી વિકસન હોતું નથી. અથવા તો તે ઘણું મંદ પ્રકારનું હોય છે. આ ત્રણેય બાબતે તે શૈશવી સ્વલક્ષિતા વિકારથી અલગ પડે છે.

બાળપણના તીવ્રમનોવિકારમાં અન્ય સંલક્ષણોનો પણ સમાવેશ થાય છે. દા.ત., હેલ્ટરનું સંલક્ષણ, એસ્પર્જરનું સંલક્ષણ અને રેટૅનું સંલક્ષણ. હેલ્ટરનું સંલક્ષણ 3થી 5 વર્ષની વયે શરૂ થઈને ખૂબ ઝડપથી વધે છે. એસ્પર્જરના સંલક્ષણમાં સ્વલક્ષિતા જોવા મળે છે, પરંતુ ભાષાને લગતી કોઈ તકલીફ થતી નથી. તે છોકરાઓમાં છોકરીઓ કરતાં 8 ગણા વધારે પ્રમાણમાં થાય છે. તે એક મંદવિકાર છે. રેટૅનું સંલક્ષણ છોકરીઓમાં વધુ થાય છે. જન્મસમયે સામાન્ય લાગતા બાળકમાં 5થી 30 મહિનાની ઉંમરે માથાની વૃદ્ધિ ઘટે છે, હાથનું સહેતુક હલનચલન અને ઝીણું ઝીણું સંચલન વિકસતું નથી. વારેઘડીએ હાથ આમળવાની કે ગોળ ગોળ ફેરવવાની ક્રિયાઓ કરે છે. વળી અન્ય હલનચલનની ક્રિયા પણ ઓછી વિકસે છે અને છેવટે બાળક ઘણા વિપુલ પ્રમાણમાં માનસિક ક્ષતિનો ભોગ બને છે.

(3) ચંચળતાપૂર્ણ અથવા અતિગતિકીય (hyperkinetic) વિકાર : તેને ધ્યાનક્ષતિવિકાર (attention deficit desorder) પણ કહે છે. ઈ.સ. 1854માં હેનરિચ હૉફે તેને સૌપ્રથમ વખત વર્ણવ્યો હતો. તેને અતિઅલ્પ મસ્તિષ્કી દુષ્કાર્યતા (minimal brain dysfunction), ચંચળતાનું સંલક્ષણ (hyperkinetic syndrome), સ્ટ્રોસ-સંલક્ષણ, પેશીવિકૃતજન્ય અતિપ્રેરણ (organic driveness) તથા અતિઅલ્પ મસ્તિષ્કી નુકસાન (minimal brain damage) જેવાં નામોથી એ પણ ઓળખવામાં આવે છે. શાળાએ જતાં આશરે 3 % બાળકોમાં તે જોવા મળે છે. છોકરાઓમાં તેનું પ્રમાણ 6થી 7 ગણું વધુ રહે છે. સામાન્ય રીતે 4 વર્ષની વયથી તેનાં લક્ષણો દેખા દે છે અને મોટેભાગે તે 7 વર્ષથી વહેલી ઉંમરે શરૂ થાય છે. ધ્યાનક્ષતિના 4 નૈદાનિક પ્રકારો છે : ચંચળતા (hyperactivity) સાથેની ધ્યાનક્ષતિ, ચંચળતા વગરની ધ્યાનક્ષતિ, શેષક્ષતિ (residual deficit) તથા વર્તણૂક વિકાર સાથેની ધ્યાનક્ષતિ.

ચંચળતાપૂર્ણ ધ્યાનક્ષતિ સૌથી વધુ જોવા મળે છે. તેમાં મુખ્ય 3 બાબતો હોય છે : અલ્પકાલીન ધ્યાન અને વિક્ષેપવશ્યતા (distractibility), ચંચળતા તથા આવેગવશ્યતા (impulsivity). બાળકનું બીજી બાજુ ધ્યાન ખેંચાય તેવી સ્થિતિને વિક્ષેપવશ્યતા કહે છે. જે બાળકનું બીજી બાજુ ઝડપથી ધ્યાન ખેંચાઈ જાય તેવા બાળકને વિક્ષેપવશ (distracted) કહે છે. આવું બાળક શરૂ કરેલું કાર્ય પૂરું કરી શકતું નથી. અને તેને અધૂરું છોડી અન્યત્ર ધ્યાન લગાવે છે. તે જાણે ધ્યાનપૂર્વક સાંભળતું (સંશ્રવણન, listening) હોતું નથી. તે પોતાની વસ્તુઓ વારેઘડીએ ગુમાવે છે. તેની ચંચળતાને લીધે તે એ સ્થળે લાંબો સમય બેસી શકાતું નથી અને આમતેમ ફર્યા કરે છે. વધુ પડતું બોલે છે અને બીજાંઓના કાર્યમાં વિક્ષેપ કરે છે. આવેગવશ્યતાને કારણે તે વિચારતાં પહેલાં કાર્ય કરે છે. તથા જો એકથી વધુ વ્યક્તિ રાહ જોતી હોય તો પોતાના વારાની રાહ જોઈ શકતું નથી.

ચંચળતા વગરની ધ્યાનક્ષતિ ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે પુખ્તવયે વ્યક્તિમાં થોડાક પ્રમાણમાં ધ્યાનક્ષતિ રહી જાય તો તેને શેષક્ષતિનો વિકાર કહે છે. ક્યારેક ધ્યાનક્ષતિને કારણે બાળકની વર્તણૂકમાં પણ વિકાર ઉદભવે છે.

શાળામાંના શિક્ષકની નોંધ, માતાપિતાની ફરિયાદ તથા તપાસ કરાવવા આવેલા બાળક અંગે તબીબના મન પર પડેલી છાપ નિદાન માટે ઘણી આધારભૂત ગણાય છે. જોકે નવા વાતાવરણમાં ક્યારેક થોડાક સમય માટે બાળક તબીબ પાસે શાંત પણ બેસી રહે તેવું બને છે. માટે શિક્ષકની નોંધને સૌથી વધુ મહત્વ અપાય છે. અલ્પમનોવિકસનવાળા બાળકમાં ચંચળતા ખૂબ જોવા મળે છે. માટે સૌપ્રથમ તે નથી તેની ખાતરી કરાય છે. મગજને ઈજા, ધીમે આવતી પાકટતા, જનીનીય પરિબળો, નોરએપિનેફ્રિન કે ડોપામિન જેવા ચેતાસંદેશવાહકોના વિકારો વગેરે અનેક બાબતોને કારણરૂપ માનવામાં આવે છે. પરંતુ અત્યાર સુધીમાં એક પણ કારણ સાબિત થયેલું નથી. આશરે 80 % દર્દીઓ 12થી 20 વર્ષની વયની વચ્ચે સારાં થઈ જાય છે. ફક્ત 15 %થી 20 % દર્દીઓમાં તે પુખ્તવયે પણ જોવા મળે છે. તે સમયે શેષક્ષતિરૂપે આવેગવશ્યતા અને બેધ્યાનપણું ખાસ જોવા મળે છે.

સારવાર માટે દવાઓ, વર્તનચિકિત્સા અને સલાહસૂચન અને સહાયકારી મનશ્ચિકિત્સા કરાય છે. ઉત્તેજક-ઔષધ-સારવાર તરીકે ડેક્સટ્રો-એમ્ફેટેમિન, મિથાઇલફેનિડેટ અને પેમોલિન વપરાય છે, જે ચંચળતાપૂર્ણ વિકારના 75 % કિસ્સામાં ઉપયોગી રહે છે. તે મોટા મગજને સતેજ રાખવા તનુતન્ત્વી સક્રિયક તંત્રની અવદાબક (inhibitory) ચેતાઓને ઉત્તેજીને ચંચળતા તથા વિક્ષેપવશ્યતા ઘટાડે છે. ભારતમાં હજુ આવી ઉત્તેજક દવાઓ મેળવવામાં મુશ્કેલી રહે છે. જોકે હવે મિથાયલ ફેનિડેટ મળતી થઈ છે. તેથી ઇમિપ્રેમિન, થાયોરિડિઝેન, ક્લોરોપ્રોમેઝિન, કેફિન અને લિથિયમ કાર્બોનેટ વપરાય છે. જેમાંની પ્રથમ 2 દવાઓ ખાસ ઉપયોગી છે. બાર્બિચ્યુરેટ જૂથની દવા ચંચળતા વધારે છે અને તે વપરાતી નથી. 6 વર્ષથી નાનાં બાળકોમાં પેમોલિન અને ઇમિપ્રેમિન વપરાતી નથી. ડેક્સ્ટ્રોઍમ્ફેટેમિન 3 વર્ષ કે તેથી મોટી વયના બાળકોમાં અને મિથાયલ ફેનિડેટ 6 વર્ષ કે તેથી મોટાં બાળકોમાં વપરાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં દવાઓની સાથે વર્તનચિકિત્સા અને મનશ્ચિકિત્સા પણ કરાય છે. માતાપિતાની તાલીમ પણ ચિકિત્સાનો મહત્વનો ભાગ ગણાય છે.

(5) વર્તનલક્ષી વિકારો (conduct disorders) : બીજાંઓના હક અને સમાજના નિયમોનું સતત અને મહત્વનું કહેવાય એવું ઉલ્લંઘન કરતી વર્તણૂક થતી હોય ત્યારે તેને વર્તનલક્ષી વિકાર કહે છે. બાળકો અને તરુણોમાં સામાન્ય રીતે જોવા મળતા તોફાન કરતાં ઘણી વધારે નુકસાનકારક વર્તણૂક હોય ત્યારે આવું નિદાન કરાય છે. સામાન્ય રીતે 18 વર્ષથી નીચે અને મોટાભાગના કિસ્સામાં યૌવનારંભ (puberty)થી પણ પહેલાંની ઉંમરે તેની શરૂઆત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ગીકરણ કરાયું છે તે પ્રમાણે તેના 4 ઉપપ્રકારો છે. કુટુંબ સુધી સીમિત વર્તનવિકાર, વ્યક્તિગત વર્તનવિકાર (unsocialized conduct disorder), જૂથબંધ વર્તનવિકાર (socialized conduct disorder) અને પ્રતિકારાત્મક વર્તનવિકાર (oppositional defiant disorder). આ વિકારગ્રસ્ત બાળક વારંવાર જુઠ્ઠું બોલે, ચોરી કે લૂંટ કરે, ઘર કે શાળાઓથી ભાગી જાય, ભૌતિક હિંસા આચરે (દા.ત., બળાત્કાર કરવો, આગ લગાડવી, ઘરફોડી કરવી, હથિયારનો ઉપયોગ કરવો, હુમલો કરવો વગેરે.) તથા અન્ય વ્યક્તિઓ કે પ્રાણીઓ તરફ ક્રૂરતા આચરે, એવી વિવિધ પ્રકારની ગેરવાજબી વર્તણૂક કરે છે. જૂથબંધ વર્તનવિકાર વધુ જોવા મળે છે. અને તેમાં વિકારગ્રસ્ત બાળક તેના જૂથને વફાદાર હોય છે. વ્યક્તિગત વર્તનવિકાર વધુ જોખમી અને તીવ્ર વિકાર હોય છે. અને તેનું કારણ વધુ તીવ્ર પ્રકારનો માનસિક વિકાર હોય છે. જૂથબંધ વર્તનવિકારના દર્દીની સારવારમાં સફળતા વધુ મળે છે. પરંતુ જો તેઓનો 18 વર્ષની ઉંમર પછી વિકાર અતિતીવ્ર હોય તો તે સમાજવિરોધી વ્યક્તિત્વવિકારનો ભોગ બને છે. આ દર્દીઓ તેમના વર્તન અને સંગને કારણે નશાકારક દવાઓના વ્યસન અને કુપ્રયોગ(abuse)ના, અણવાંછિત સગર્ભાવસ્થા, ઉપદંશ અને એઇડ્ઝ જેવા ચેપી રોગોનો, આત્મઘાતક કે પરઘાતક (homicidal) વૃત્તિઓ તથા ગુનાખોરીના ભોગ બને છે.

આ વિકારના દર્દીઓની સારવાર મુશ્કેલ હોય છે. તેમની સુધારાકારી સંસ્થામાં ભરતી કરાવાય છે. ત્યાં તેમને વર્તનલક્ષી, શૈક્ષણિક અને મનશ્ચિકિત્સીય સારવાર આપી શકાય છે. જોકે તે પહેલાં તેઓ કોઈ ગુનો આચરી ચૂક્યા હોય છે. દર્દીને આંચકી, ચંચળતા, આવેગ નિયંત્રણનો વિકાર (impulse control disorder) કે અદમ્ય આક્રમકતાવાળું વર્તન તથા તીવ્ર મનોવિકારનાં લક્ષણો હોય તો અનુક્રમે આંચકી વિરોધી દવાઓ, મનોત્તેજક દવાઓ, લિથિયમ કે કાર્બામેઝિપન તથા તીવ્ર મનોવિકાર સામે અસરકારક દવાઓ અપાય છે.

(6) વિષમ અને અનૈચ્છિક સંચલન વિકારો અથવા વિચિત્ર ચેષ્ટાઓ (tic) : તેમને પુનશ્ચલિતાઓ પણ વહે છે. તેમાં મોં-હાથપગનાં થતાં વિષમ અને અનૈચ્છિક હલનચલનો, તે આકસ્મિક, પુનરાવર્તી, ઝડપી અને હેતુ વગરનાં હોય છે. તેના મુખ્ય 2 પ્રકાર છે : ચલનલક્ષી અને વાણીલક્ષી. આ વિકાર કાં તો થોડા સમયનો કે લાંબા સમયનો હોય છે. અનેક ચલનલક્ષી અને વાણીલક્ષી વિચિત્ર ચેષ્ટાઓ અને જો 1 વર્ષથી વધુ હોય અને તે 11 વર્ષથી નીચેની ઉંમરે શરૂ થયેલ હોય તો તેને ટોરેટનું સંલક્ષણ કહે છે. ક્યારેક તે મોડામાં મોડું 21 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. તે છોકરાઓમાં 3 ગણા વધારે વખત થાય છે અને તેનું પ્રમાણ દર 1000ની વસ્તીએ 0.5 જેટલું રહે છે.

ચલનલક્ષી પુનશ્ચલિતાઓ અથવા વિચિત્ર ચેષ્ટાઓ (motor tics) : તે 2 પ્રકારની હોય છે : સાદી અને સંકુલ. આંખ મીચકાર્યા કરવી, મોં ટેઢું કર્યા કરવું, ખભો ઉછાળ્યા કરવો, જીભ બહાર કાઢ્યા કરવી વગેરે સાદી પુનશ્ચલિતાઓ છે. મોઢા પર હાવભાવ પ્રગટતા રહેવા, ધબ્બા મારવા (stamping), કૂદકા મારવા, પોતાને મારવું, પલાંઠી વાળ્યા કરવી, ગોળગોળ ફર્યા કરવું, જોયેલી ક્રિયાને ફરી ફરીને કર્યા કરવી (પ્રતિપુન:ક્રિયન, echokinesis), અશ્લીલ ક્રિયાઓ કર્યા કરવી (પુન:પૈશુનન, copropraia), વગેરેને સંકુલ પ્રકારની પુનશ્ચલિતાઓ કહે છે. ચલનલક્ષી પુનશ્ચલિતાઓ પ્રથમ ઉદભવે છે. માથાના વિસ્તારમાં તે શરૂ થાય છે અને પછી શરીરના અન્ય ભાગમાં પણ વિસ્તરે છે. વાણીલક્ષી પુનશ્ચલિતાઓ ત્યારબાદ ઉદભવે છે.

વાણીલક્ષી પુનશ્ચલિતાઓ (વિચિત્ર ચેષ્ટાઓ) પણ 2 પ્રકારની હોય છે : સાદી અને સંકુલ. ખાંસી ખાધા કરવી, ભસવાનો અવાજ કર્યા કરવો, ગળું સાફ કર્યા કરવું, છીંક ખાધા કરવી, ડચકારવું વગેરે સાદી વાણીલક્ષી પુનશ્ચલિતાઓ છે. ટોરેટના સંલક્ષણમાં જોવા મળતી વિવિધ વાણીલક્ષી પુનશ્ચલિતાઓ સંકુલ પ્રકારની હોય છે; દા.ત. સાંભળેલા શબ્દસમૂહોને ફરી ફરી બોલ્યા કરવા (પ્રતિપુનરુચ્ચારણ, echolalia), સાંભળેલા શબ્દોને ફરી ફરી બોલ્યા કરવા (લઘુપ્રતિપુનરુચ્ચારણ, palilalia), અશ્લીલ શબ્દોને ફરી ફરી બોલ્યા કરવા (પુન:પૈશૂનોચ્ચારણ, coprolalia) અને મનમાં અશ્લીલ શબ્દોને ફરી ફરીને વિચારવા (મન:પૈશૂનોચ્ચારણ, mental coprolalia).

પુનશ્ચલિતાના વિકારવાળાં બાળકો ફરી ફરીને ચકાસી જોવા માટે અંદરના માનસિક દબાણપૂર્વક ક્રિયાઓ કરે છે. આવાં લક્ષણો સૌથી છેલ્લે જોવા મળે છે. ટોરેટ સંલક્ષણનું કોઈ કારણ જાણમાં નથી, પરંતુ તે એક પ્રકારનો વારસાગત વિકાર હોવાની સંભાવના છે. તે દેહસૂત્રો (autosomes) પર આવેલા પ્રભાવકારી જનીનો (dominant genes) દ્વારા વારસામાં ઊતરે છે માટે તેને દેહસૂત્રી પ્રભાવી વારસો (autosomal dominant inheritance) કહે છે. તેનો અર્થ એ થાય છે કે એક પેઢી તેની બીજી પેઢીની 50 % સંતતિને આ વિકાર વારસામાં આપી શકે છે. આ વિકારોના નિદાન પહેલાં સંપૂર્ણ ચેતાતંત્રની તપાસ કરાય છે. ટોરેટ સંલક્ષણના દર્દીઓમાં શીખવાની પ્રક્રિયામાં તકલીફ જોવા મળે છે. થોડી ચેતાકીય વિષમતાઓ પણ હોય છે, ચંચળતા હોય છે, તેમનો મસ્તિષ્કી વીજાલેખ (EEG) વિષમ હોય છે; ક્યારેક સી.એ.ટી. સ્કેન પણ વિષમતાઓ દર્શાવે છે. સામાન્ય રીતે હેલોપેરિડોલ નામની દવા વડે સારવાર અપાય છે. જેમને તેની આડઅસરો થાય કે દવાની ધારી અસર ન થાય ત્યારે પિર્માઝાઇડ અથવા ક્લોનિડિન પણ વપરાય છે. ક્યારેક સાથે સાથે વર્તનચિકિત્સા પણ કરાય છે.

(7) અમૂત્રનિયંત્રણ (enuresis) અને અમળનિયંત્રણ (encopresis) : સામાજિક રીતભાત પ્રમાણે યોગ્ય ન હોય એવી જગ્યા કે સમયે પણ વારંવાર થયા કરતી મૂત્ર કે મળની હાજતને અનુક્રમે અમૂત્રનિયંત્રણ કે અમળનિયંત્રણ કહે છે. શૈશવકાળમાં તે સ્થિતિ સામાન્ય ગણાય છે. મોટાભાગનાં બાળકો 3 વર્ષની વય સુધીમાં મૂત્રની હાજત પર અને 2 થી 3 વર્ષની વયમાં મળની હાજત પર કાબૂ મેળવે છે. આમ છતાં 5 વર્ષની વય સુધી આશરે 7 % બાળકો રાત્રે પથારી ભીની કરે છે. 1 %થી 1.5 % બાળકોને મળની હાજત પર પૂરતું નિયંત્રણ હોતું નથી. 4 વર્ષની માનસિક ઉંમર (વધુમાં વધુ 5 વર્ષની વય) પછી પણ મળ કે મૂત્રની હાજત પર નિયંત્રણ ન આવ્યું હોય તો અમૂત્રનિયંત્રણ કે અમળનિયંત્રણનો વિકાર છે એવું મનાય છે. અનિયંત્રિતતાના 2 પ્રકારો છે – પ્રારંભિક (કે જેમાં પહેલેથી નિયંત્રણ ન મેળવી શકાયેલું હોય) અને દ્વૈતીયિક (કે જેમાં પ્રથમ નિયંત્રણ મેળવાયું હોય, પરંતુ તે આશરે 1 વર્ષના ગાળા પછી પાછું જતું રહ્યું હોય). આશરે 80 % કિસ્સાઓમાં અમૂત્રનિયંત્રણનો અર્થ રાત્રે પથારી ભીની કરવો એમ થાય છે. છોકરાઓમાં અમૂત્રનિયંત્રણ આશરે 2 ગણું અને અમળનિયંત્રણ આશરે 3થી 4 ગણું વધુ હોય છે. અમળમૂત્રનિયંત્રણ ઉંમર વધવા સાથે ઘટે છે. સામાન્ય રીતે જોવાયું છે કે અમળનિયંત્રણ ધરાવતાં 25 % બાળકોને અમૂત્રનિયંત્રણ પણ હોય છે.

અનિયંત્રિત મૂત્રણનાં માનસિક કારણો સ્પષ્ટ નથી. આશરે 75 % બાળકોના પ્રથમ કક્ષાનાં સગાંમાં તેવું બનેલું હોય છે. મુખ્ય માનસિક પરિબળોમાં લાગણીજન્ય સમસ્યાઓ, સુરક્ષાનો અભાવ, ભાઈ-બહેન સાથેની સ્પર્ધા (સહોદર સ્પર્ધા, sibling rivalry), માતા કે પિતાનું મૃત્યુ વગેરેનો સમાવેશ થાય છે. અનિયંત્રિત મૂલોત્સર્ગમાં સહોદરસ્પર્ધા, હાજત અંગની અપૂર્ણ અને અનિયમિત તાલીમ, પુખ્તતા પામવામાં થતો ધીમો વિકાસ, ચંચળતાપૂર્ણ વિકાર, લાગણીજન્ય વિક્ષેપો, અલ્પમનોવિકસન, બાળપણમાં વિચ્છન્ન વ્યક્તિત્વ(schizophrenia)નો વિકાર અને સ્વલક્ષિતા વિકારો મહત્ત્વનો ભાગ ભજવે છે. માનસિક ઉપરાંત શારીરિક કારણો પણ તેમાં હોઈ શકે; જેમ કે, 5 % દર્દીઓમાં કૃમિ રોગ, દ્વિભાજી મણિકંટકતા (spina bifida), ચેતારુગ્ણતાજન્ય મૂત્રાશયરોગ (neurogenic bladder), પેશાબના માર્ગમાં પરુ, મધુપ્રમેહ, આંચકી આવવાનો રોગ વગેરે વિવિધ વિકારો અને રોગો મૂત્રની હાજત પરનું નિયંત્રણ ઘટાડે છે. હર્ષપ્રુંગનો રોગ, અતિશય કબજિયાતને કારણે થતા ઝાડા (ઉદભારિત અતિસાર, overflow diarrhoea), થાઇરૉઇડ ગ્રંથિનું ઘટેલું કાર્ય, મોટા આંતરડાના રોગો અને મોટા આંતરડાનું નિયંત્રણ કરતા ચેતાતંત્રના રોગો પણ મળની હાજત પરનું નિયંત્રણ ઘટાડે છે. જો દિવસ-રાત બંને વખત મૂત્રની હાજત પરનું નિયંત્રણ ઘટેલું હોય તો તે કોઈ શારીરિક રોગ સૂચવે છે.

બાળકને રાત્રે પથારી ભીની કરતું રોકવા માટે રાત્રે 8 વાગ્યા પછી તેને પાણી ન પીવાની સલાહ અપાય છે. દિવસ દરમિયાન પેશાબ રોકવાની તાલીમ આપીને બે હાજત વચ્ચેનો સમયગાળો વધારાય છે. જરૂર પડ્યે બાળકને રાત્રે જગાડીને મૂત્રખંડમાં પેશાબ કરવા લઈ જવાય છે. પથારી ભીની થાય કે તરત ઘંટડી વાગે એવી સંયોજનાનો પણ ઉપયોગ કરી શકાય છે. બાળક તથા તેનાં માતાપિતાને જરૂરી માનસવિદ્યાકીય સહાયકારી ચિકિત્સા પણ આપવી જરૂરી બને છે. દવા તરીકે ઇમિપ્રેમિન કે અન્ય કોઈ પણ ત્રિચક્રીય ખિન્નતારોધક (tricyclic antidepressant) દવા ટૂંકા ગાળા માટે (3થી 6 મહિના માટે) અપાય છે. તે ગાઢ નિદ્રાનો સમયગાળો ઘટાડે છે. ક્યારેક નાકમાં ડેસ્મોપ્રોસિનનાં ટીપાં મૂકવાથી પણ લાભ રહે છે. ડાયાઝેપામ, એમ્ફેટેમિન, એન્ટિકોલિનર્જિક ઔષધો કે છદ્મઔષધ (placebo) વગેરે દવાઓનો ઉપયોગ કરાયેલો છે, પણ તે ખાસ લાભકારક જણાયો નથી.

અમળનિયંત્રણની સારવાર મુખ્યત્વે પૂર્વનિવારણરૂપ (preventive) છે. હાજત અંગેની તાલીમ સતત અને નિયમિત રીતે આપવી જરૂરી છે. કૌટુંબિક વાતાવરણ હૂંફાળું અને પ્રેમાળ રહે તે જોવું જોઈએ. બાળકની લાગણીજન્ય સમસ્યાઓ તરફ પૂરતું ધ્યાન અપાય અને કુટુંબનાં સભ્યો એકબીજાં સાથે વિચાર-વાણીની આપ-લે કરતાં રહે તે ખાસ મહત્વનું છે. જો અમળનિયંત્રણનો વિકાર ઉદભવેલો હોય તો વર્તનચિકિત્સા, મનશ્ચિકિત્સા, જૈવ પ્રતિપોષણ(biofeed back)ની પ્રક્રિયાઓ તથા ઇમિપ્રેમિનનો દવા તરીકે ઉપયોગ થાય છે.

(8) વાણીલક્ષી વિકારો : તોતડાવું (stuttering) અને અટકી અટકીને બોલવું (stammering) આ બંને વિકારોને પહેલાં અલગ અલગ વિકારો ગણવામાં આવતા હતા, પરંતુ હાલ હવે તેમને એક જ વિકાર (તોતડાવું) ગણવામાં આવે છે. જ્યારે વાણીના લય (rhythm) અને સરળ વહન (fluency) અટકાતાં હોય, વચ્ચે વચ્ચે અટકી પડતાં હોય, શબ્દો ફરી ફરી બોલાતા હોય, ઉચ્ચારણો લાંબાં થઈ જતાં હોય અને તે સાથે ચિંતા કે દુસ્તણાવ (distress) હોય તો તેને તોતડાવાનો વિકાર કહે છે. તે આશરે 2 %થી 5 % બાળકોને અને 0.5 %થી 1 % પુખ્ત વયની વ્યક્તિઓને થાય છે. છોકરાઓ અને પુરુષોમાં તે લગભગ 3 ગણો વધારે થાય છે : તોતડાતી વ્યક્તિ તેની તકલીફ અંગે સભાન હોય છે. ક્યારેક બાળક દુર્નિયંત્રિત, બેતાલ, આંચકા સાથે ઝડપથી આવતાં ઉચ્ચારણોથી વાણી બોલતું હોય અને તે અંગે તે સભાન ન હોય તો તેને દુર્વાણીવિકાર (cluttering) કહે છે. તેને તોતડાપણાથી અલગ પાડવામાં આવે છે. તોતડાપણાની સારવારમાં વર્તનફેરનો ક્રિયાકલાપ (technique of behaviour modification) વપરાય છે. તેમાં અલ્પસંવેદીકરણ (desensitization), જૈવપ્રતિપોષણ અને તોતડાવ-દાબક (stammer suppressor) વગેરેનો સમાવેશ થાય છે. બાળકનાં ચિંતા અને અજંપાને ઘટાડવા મનોશિથિલન(relaxation)ની સારવાર અને પ્રશાંતક દવાઓ અપાય છે. તથા વ્યક્તિગત કે જૂથલક્ષી મનશ્ચિકિત્સા કરાય છે.

(9) સભાન મૌન (elective mutism) : ક્યારેક બાળક સહેતુક અને નિશ્ચયપૂર્વકનું મૌન દર્શાવે છે અથવા શબ્દો વાપરવામાં સુનિશ્ચિત મર્યાદા મૂકે છે. તેની ભાષાકીય ક્ષમતા પૂરેપૂરી વિકસેલી હોવા છતાં દર 10,000 બાળકોએ 3થી 5 બાળકો (મુખ્યત્વે છોકરીઓ) તેમની માનસિક સ્થિતિમાં આવતા ઝડપી ઉતાર-ચઢાવ(tempramental changes)ને કારણે આવી ચૂપકીદી સેવે છે. સામાજિક મૂંઝવણ, વાતાવરણ સાથેનો સંપર્ક છોડવાની ઇચ્છા (withdrawal), સંવેદનશીલતા કે માનસિક વિરોધ જેવા મનોભાવના ઉતાર-ચઢાવવાળાં બાળક ચૂપકીદી સેવે છે. અજાણ્યા વાતાવરણમાં શાળામાં કે સામાજિક-લાગણીજન્ય વિક્ષેપ સમયે આવું ખાસ બને છે. આ સ્થિતિને શરમાળપણું, અલ્પમનોવિકસન, અપભ્રષ્ટ (ભ્રંશિત) મનોવિકાસલક્ષી વિકાર, ભાષા-અભિવ્યક્તિવિકાર કે અન્ય માનસિક વિકારોથી અલગ પડાય છે. સામાન્ય રીતે સમય પસાર થતાં આ સમસ્યા હળવી બને છે. ક્યારેક ફલ્યુઓઝેટિન નામની દવા વડે કે માનસવિદ્યાલક્ષી સારવાર વડે તેનો ઉપચાર કરાય છે.

(10) પ્રકીર્ણ વિકારો : બાળપણમાં અન્ય માનસિક વિકારો પણ થાય છે; જેમ કે, વિયોગની ચિંતાનો વિકાર, (separation anxiety disorder), મનોવિકારી ભયજન્ય ચિંતાનો વિકાર (phobic anxiety disorder), સામાજિક ચિંતાનો વિકાર (social anxiety disorder), વર્તણૂક અને ભાવલક્ષી મિશ્રવિકારો (mixed disorders of conduct and emotions) તથા પ્રતિભાવી ભાવજોડાણનો વિકાર (reactive attachement disorder). હાલ ટેવજન્ય વિકારોને પ્રકીર્ણ વિકારોમાં સમાવાય છે.

ટેવજન્ય વિકારો (habit disorders) : હેતુ સાથે વારંવાર ક્રિયા કરીને જેની ટેવ પાડવામાં આવેલી હોય તેવી, કોઈ ખાસ લાભ કે સામાજિક સ્વીકૃતિ ન આપતી, વારંવાર એકસરખી રીતે થયા કરતી ક્રિયાઓના વિકારને ટેવજન્ય વિકાર કહે છે; દા.ત., અંગૂઠો ચૂસવો, નખ કરડવા, વાળ ખેંચીને તોડવા (કેશોન્મૂલી ઉન્માદ, trichotillomania), માથું કૂટવું, ઇન્દ્રિયમર્દન (masturbation), દાંત કચકચાવવા, નાકમાં આંગળી નાખવી, શરીરના ભાગને બચકાં ભરવાં, ખંજવાળ્યાં કરવું, શરીર કે તેના ભાગને હલાવ્યા કરવું, શ્વાસ રોકી રાખવા, હવા ગળીને મોટા ઓડકાર ખાવા (વાતભોજિતા, aerophagia) વગેરે. આવી ટેવો સામાન્ય (અવિષમ) કે વિષમ પ્રકારની હોય છે. તે કઈ ઉંમરે થાય છે તે મહત્વનું છે. જેમ કે, શૈશવકાળમાં અંગૂઠો ધાવવો સામાન્ય છે, પણ બાળપણમાં અંગૂઠો ચૂસવો વિષમ ક્રિયા ગણાય છે. ઘણી ટેવો સંતોષ અને આનંદ મેળવવા માટે કરાતી હોય છે. તેમને પારિતોષિક ટેવો (gratification habits) પણ કહે છે. દા.ત., અંગૂઠો ચૂસવો. ઇન્દ્રિયવર્દન વગેરે. તેમને ઇન્દ્રિયમર્દનસમ (masturbatory) ટેવો પણ કહેવાય છે. તે અલ્પમનોવિકસિત બાળકોમાં વધુ જોવા મળે છે. સારવાર માટે વર્તનફેરનો ક્રિયાકલાપ તથા જરૂરી અન્ય માનસિક વિકારોની સારવાર અપાય છે.

ભરત નવીનચંદ્ર પંચાલ

શિલીન નં. શુક્લ