બાર્થોલૉમ્યુ, ડાયઝ (જ. આશરે 1450; અ. 1500) : પૉર્ટુગલના પંદરમી સદીના સાહસિક દરિયાઈ પ્રવાસી અને સંશોધક. એમણે પશ્ચિમ યુરોપથી આફ્રિકા થઈને એશિયા આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. એમના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી; પરંતુ એ દરિયો ખેડવાનું કામ કરતા હશે. 1481–82માં આફ્રિકાના ગોલ્ડ કોસ્ટ(વર્તમાન ઘાના)ના પ્રવાસે જનાર દરિયાઈ ટુકડીમાં એક વહાણના એ કૅપ્ટન હતા.

1487માં પૉર્ટુગલના રાજા જૉન બીજાએ એશિયા તરફનો જળમાર્ગ શોધવા માટે તેમને પશ્ચિમ આફ્રિકાની દક્ષિણ તરફ પ્રવાસ કરવા આદેશ આપ્યો. તેઓ 1487ની ગ્રીષ્મ ઋતુમાં ત્રણ વહાણોનો કાફલો લઈને પૉર્ટુગલથી નીકળ્યા. આફ્રિકાની ઑરેન્જ  નદીના મુખ પાસે પહોંચ્યા પછી એ વહાણો દરિયાઈ તોફાનમાં સપડાયાં. 13 દિવસે એ તોફાન શમ્યા પછી તેમણે જોયું કે એમનાં વહાણો આફ્રિકાના દક્ષિણ છેડે પહોંચી ગયાં હતાં. એમણે હિંદ પહોંચવા આફ્રિકાના દક્ષિણપૂર્વ કિનારા તરફ પ્રવાસ ચાલુ રાખ્યો; પરંતુ એમના સાથી નાવિકો લાંબા પ્રવાસથી થાકી ગયા હતા. ખોરાકનો પુરવઠો ખૂટવા લાગ્યો હતો; તેથી નાવિકોની વિનંતીથી તેમણે પૉર્ટુગલ પાછા ફરવાનું નક્કી કર્યું. પાછા ફરતાં આફ્રિકાના દક્ષિણ છેડાને એમણે ‘તોફાની ભૂશિર’ (Cape of Storms) નામ આપ્યું; પરંતુ પૉર્ટુગલના રાજાએ એને કેપ ઑવ્ ગુડ હોપ નામ આપ્યું; કારણ કે ત્યાંથી આગળ વધતાં હિંદ પહોંચવાની આશા જાગી હતી. એ કાફલો 1488ના ડિસેમ્બરમાં પાછો પૉર્ટુગલ પહોંચ્યો.

પોર્ટુગલના જ સાહસિક પ્રવાસી વાસ્કો દ ગામા 1497માં આ જળમાર્ગે પ્રવાસ કરી 1498માં હિંદ પહોંચ્યા હતા. 1500માં પૉર્ટુગીઝ સાહસિક પેડ્રો અલવારિસ કેબ્રાલ 13 વહાણોનો કાફલો લઈ આ રસ્તે દરિયાઈ પ્રવાસે નીકળ્યો ત્યારે તેમાંનાં 4 વહાણોના કૅપ્ટન બાર્થોલૉમ્યુ ડાયઝ હતા. આ કાફલો વાસ્કો દ ગામાના રસ્તે આગળ વધ્યો; પરંતુ બાર્થોલૉમ્યુ ડાયઝનાં વહાણો દરિયાઈ તોફાનમાં સપડાતાં એ બ્રાઝિલના કિનારે જઈ પહોંચ્યાં અને આ રીતે એમણે બ્રાઝિલની શોધ કરી. બ્રાઝિલના કિનારેથી પૉર્ટુગલ તરફ પાછા ફરતાં 1500માં એમનું વહાણ દરિયાઈ તોફાનને કારણે ડૂબી જતાં તેમનું અવસાન થયું. પંદરમી સદીના યુરોપના સાહસિક સાગરખેડુઓમાં એમનું સ્થાન નોંધપાત્ર છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી