બાઉલ : બંગાળમાં પ્રચલિત એક ભિક્ષુ સંપ્રદાય. આ સંપ્રદાયના અનુયાયી સાધકો બંગાળનાં ગામોમાં  ગીત ગાઈને જીવન ગાળનારા હિંદુ તથા મુસલમાન બંને પ્રકારના હોય છે. તેઓ કાપડના ટુકડાઓ સાંધીને શરીરને ઢાંકે છે, બંગાળી ભાષા બોલે છે અને બંગાળી ભાષામાં રચેલાં દિવ્ય પ્રેમનાં ગીતો ગાય છે.

‘બાઉલ’ શબ્દ ‘વાતુલ’ પરથી આવ્યાની એક માન્યતા છે. ‘વાતુલ’નો અર્થ પાગલ પણ કરવામાં આવે છે. તેઓ જીવનવ્યવહારને ગણકારતા નથી અને પાગલની જેમ, અલગારીની રીતે જીવે છે. બીજી માન્યતા ‘બાઉલ’ના મૂળમાં વ્યાકુળ શબ્દ હોવાની છે. તેઓ ‘મનેર માનુષ’ એટલે માનવદેહ અને મનમાં વધુ આસ્થા રાખી તેને આદર્શ બનાવવા વ્યાકુળ હોય છે. તેઓ વાળ વધારે છે અને ઝોળી, લાકડી અને તુંબીપાત્ર લઈ ફરે છે. બાઉલ સંપ્રદાયના અનુયાયીઓ સમાજના નીચલા ગણાતા સ્તરમાં જન્મેલા અને નિરક્ષર હોય છે. હિંદુ બાઉલો ચૈતન્યના વૈષ્ણવ સંપ્રદાયના અને પ્રેમલક્ષણા ભક્તિ ધરાવનારા હોય છે; જ્યારે મુસલમાન બાઉલો સૂફી પંથને અનુસરનારા હોય છે. હિંદુ બાઉલ હિંદુ જેવો અને મુસલમાન બાઉલ મુસલમાન જેવો પોશાક પહેરે છે. અન્ય રીતે પણ બાઉલના બે બીજા પ્રકારો પડે છે : (1) પુંથ્યા એટલે પોથીવાળા અને (2) તથ્યા એટલે તથ્યવાળા. વળી બાઉલો (1) ગૃહસ્થ અને (2) સંન્યાસી એમ બે પ્રકારના પણ હોય છે. બાઉલ સાધકોનાં ત્રણ રૂપો હોય છે : (1) મધુર ભાવ કે પ્રેમભાવના આલંબનવાળું પ્રવર્તરૂપ; (2) ભાવપ્રેમના આલંબનવાળું સાધકરૂપ અને (3) અસીમ રસમાં મુક્તિના આલંબનવાળું સિદ્ધરૂપ.

બાઉલ સંપ્રદાયના સાધક – ભક્તિની ભાવવિભોર મુદ્રામાં

બાઉલોની માન્યતા મુજબ બાઉલ સંપ્રદાય વેદધર્મની પણ પહેલાં પ્રચલિત હતો; પરંતુ બાઉલ સંપ્રદાયના ઉલ્લેખો પંદરમી સદીમાં ચૈતન્ય મહાપ્રભુના સમયથી મળે છે. એ રીતે પંદરમી સદીથી તેનો આરંભ થયેલો જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં નદિયાની આસપાસ બાઉલ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર છે. બાઉલ સંપ્રદાયની કોઈ લિખિત પરંપરા નથી. તેઓ વેદ, પુરાણ, મૂર્તિ, વ્રત, ઉપવાસ, રાજા, માલિક, ઈશ્વર, વિધિ-નિષેધ, સમાજ, આચાર, જાતિ, વ્યવહાર વગેરેને માનતા નથી. સામાજિક જવાબદારી કે બંધનોને ફગાવી દેનારા હોય છે. પૂજા, મંદિર, તીર્થ વગેરેની ગુલામીમાંથી પણ મુક્ત રહેનારા હોય છે.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આચાર્ય ક્ષિતિમોહન સેન અને શશિભૂષણ દાસગુપ્ત જેવા વિદ્વાનોએ બાઉલો વિશે પુસ્તકો લખ્યાં છે. એમના મત મુજબ બાઉલ સંપ્રદાયમાં જે સિદ્ધાન્તો અને સમસ્યાઓની ગીતરચનાઓ છે તેની સાથે સામ્ય ધરાવતી બાબતો છેક ઋગ્વેદમાં ‘બ્રહ્મોદ્ય’ અને ‘પુરુષસૂક્ત’માં, અથર્વવેદમાં અને ઉપનિષદો, પુરાણો તથા મહાભારતમાં, જૈન અને બૌદ્ધ ધર્મમાં, તંત્રમાં, તેમજ નાથમત અને યોગમત વગેરેમાં રજૂ થયેલી છે. આમ છતાં બાઉલોના કેટલાક વિશિષ્ટ સિદ્ધાન્તો પણ છે. ખાસ કરીને વિપરીત સાધના, ગુરુનો મહિમા, માનવદેહનું મહત્ત્વ એ તેમના મહત્વના સિદ્ધાન્તો સહજિયા સંપ્રદાય જેવા છે. એમાં ‘મનેર માનુષ’ની સ્થાપના એમની મૌલિક દેણ છે. તેઓ મધ્યમમાર્ગી છે. કાયામાં જ સર્વસ્વ રહેલું છે એમ તેઓ માને છે. આથી કાયાને ક્લેશ આપવાને બદલે કાયા પર શ્રદ્ધા રાખવાથી સત્યનો સાક્ષાત્કાર થઈ શકે છે એવી તેમની માન્યતા છે. તેઓ જીવનને બ્રહ્મસ્વરૂપ માને છે, એટલે પ્રેમનો ચિન્મય પ્રકાશ જીવને લાધે તેને તેઓ મોક્ષ લેખે છે. બાઉલો જીવન્મુક્ત સ્થિતિને માને છે અને તેને ‘જયાન્તે–મરા’ એવા શબ્દથી ઓળખે છે. એટલે પોતાની જાતને તેઓ પક્ષીની જેમ, પૃથ્વી નહિ પણ આકાશમાં વિહરનારી ગણે છે. શૂન્ય તત્વ અને સહજ સમાધિ બાઉલનો પ્રમુખ સિદ્ધાન્ત છે. તેમનો કાયાયોગ પણ માનવને પ્રેમના માર્ગે લઈ જનારો છે. તેમનો સત્ય-ધર્મ અનંત શૂન્યમાં ચાલે છે અને એ અનંત શૂન્ય માનવના અંતરમાં હોવાથી માનવથી મોટું જગતમાં કંઈ જ નથી એવી તેમની માન્યતા છે. સાથે સાથે, સાધનાનું ક્ષેત્ર, ઉપાસ્ય ગુરુ વગેરે પોતાના અંતરમાં હોવાથી પોતા તરફ શ્રદ્ધા રાખવી, એ અંતરને મિત્રતા વગેરે દ્વારા શુદ્ધ રાખવું ખૂબ જરૂરી લેખાય છે. શૂન્ય સમાધિ એ જ સહજ સમાધિ હોવાથી સાધકે ધ્યાનને અસીમ શૂન્યમાં વ્યાપ્ત કરી પ્રેમનો ચિન્મય પ્રકાશ એટલે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ અને એ જ જીવનની ઇતિકર્તવ્યતા હોવાનું બાઉલ સંપ્રદાય માને છે. ટૂંકમાં, માનવમાં સર્વસ્વ રહેલું છે એમ માનનારો આ સંપ્રદાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી