બહુચેતારુગ્ણતા

January, 2000

બહુચેતારુગ્ણતા (polyneuropathy) : પેશીમાંની ચેતાના વિકારો. ચેતાતંત્ર(nervous system)ને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે – કેન્દ્રીય અને પરિઘીય (peripheral). કેન્દ્રીય ચેતાતંત્ર વિવિધ ક્રિયાઓનાં નિયંત્રણ, અર્થઘટન અને આદેશસર્જનનું કાર્ય કરે છે. પરિઘીય ચેતાતંત્ર કેન્દ્રીય ચેતાતંત્ર તથા પેશીઓ વચ્ચે આવતા-જતા સંદેશાઓનું વહન કરે છે. તેમાં વિવિધ ચેતાઓ (nerves) આવેલી છે. આ ચેતાઓના વિકારોને ચેતારુગ્ણતા (neuropathy) કહે છે. પરિઘીય ચેતાઓ સંવેદનાવાહી (sensory), પ્રેરક (motor) કે સ્વાયત્ત (autonomic) – એમ ચેતાતંત્રના ત્રણેય વિભાગોના આવેગો(impulses)નું વહન કરે છે. તેને કારણે તેમના વિકારો આ ત્રણેય પ્રકારની ક્રિયાઓને અસર કરે છે. સંવેદનાવાહી ચેતાઓ બહારથી આવતી સ્પર્શ, પીડા, ગરમી કે ધ્રુજારી જેવી સંવેદનાઓનું વહન કરે છે. પ્રેરક ચેતાઓ સ્નાયુઓનું સંકોચન તથા ગ્રંથિઓમાંથી પ્રવાહી(સ્રાવ)નું ઝરણ કરાવે છે. તેમને કારણે હલનચલન શક્ય બનતું હોવાથી તેમને ચાલક ચેતાઓ (motor nerves) પણ કહે છે. શરીરના અવયવોનું કાર્ય ઐચ્છિક ચેતાતંત્રને બદલે અનૈચ્છિક અથવા સ્વાયત્ત ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. તેમના ચેતાતંતુઓ પણ પરિઘીય ચેતાઓ દ્વારા શરીરમાં સઘળે ફેલાય છે. પરિઘીય ચેતાઓના વિકારોની તીવ્રતા ઘણી અલગ અલગ હોય છે. મધુપ્રમેહના આશરે 70 % દર્દીઓમાં થોડા પ્રમાણમાં સંવેદનાવાહી ચેતાવિકાર તો હોય છે જ. તેને કારણે હાથપગમાંની સંવેદનાઓ અમુક અંશે અસરગ્રસ્ત થાય છે, પરંતુ તેમ છતાં તેઓ તેમનું રોજિંદું જીવન શાંતિથી વિતાવે છે. જ્યારે લેન્ડી ગીયા-બારી સંલક્ષણ નામના એક ચેતાવિકારના સંલક્ષણ(syndrome)માં બંને પગથી શરૂ થઈને શ્વાસોચ્છવાસના સ્નાયુઓને અસર કરે તેમ ઉપર ચડતો અને જીવનને જોખમ કરતો લકવો થાય છે. ચેતારુગ્ણતા અનેક પ્રકારની હોય છે, માટે તેમને એકબીજીથી અલગ પાડવી પડે છે અને અન્ય તેવી જ તકલીફો કરતા રોગોથી પણ તેમને અલગ પાડવી પડે છે. તેને નિદાનભેદ (differential diagnosis) કહે છે. તેમાં ઘણી વખત મુશ્કેલી અનુભવાય છે.

કરોડરજ્જુમાંથી બંને બાજુએ આગળ અને પાછળ એમ કુલ 4 ચેતામૂલ (nerve roots) નીકળે છે. તેમના વિકારોને ચેતામૂલરુગ્ણતા (radiculopathy) કહે છે. કરોડસ્તંભના 2 મણકાની વચ્ચેની ગાદી સરકે કે ત્યાં કૅન્સર થાય તો ચેતામૂલ દબાય છે અને તેથી તે સખત દુખાવો કરે છે અને તે દબાતું ચેતામૂલ જે ભાગની ચામડીમાંથી સંવેદના મેળવતું હોય તે ભાગની ચામડીમાંની સંવેદના અનુભવાતી બંધ થઈ જાય છે. સામાન્ય રીતે દરેક ચેતામૂલ સાથે ચામડીનો પટ્ટો (ચર્મપટ્ટો, dermatome) સંકળાયેલો હોય છે જે તેમાંની સંવેદનાનું વહન કરે છે. વળી દરેક ચેતામૂલ કરોડરજ્જુના કોઈ એક વિખંડ(segment)માં સંવેદના લાવે છે. માટે ચેતામૂલના વિકારમાં કોઈ ચોક્કસ ચર્મપટ્ટામાં આવતી અને કરોડરજ્જુના કોઈ એક ચોક્કસ વિખંડમાં પ્રવેશતી સંવેદનાને અસર થતી હોવાથી તેમના વિકારને ચર્મપટ્ટીય (dermatomal) કે વિખંડીય (segmental) વિકાર કહેવાય છે. તેના વિસ્તારમાં જે ચેતાપરાવર્તી અથવા પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex) થતી હોય તે પણ જતી રહે છે. જો એકથી વધુ ચેતામૂલ અસરગ્રસ્ત થયાં હોય તો તેને બહુચેતામૂલરુગ્ણતા (polyradiculopathy) કહે છે. સામાન્ય રીતે તેવું ફેલાયેલા કૅન્સરમાં જોવા મળે છે.

આકૃતિ : કરોડરજ્જુનો આડછેદ. (1) સંવેદનાલક્ષી ચેતામૂળ, (2) શ્વેતદ્રવ્ય,(3) ભૂખરું દ્રવ્ય, (4) આંત્ર શૃંગ, (5) પ્રેરક ચેતામૂળ, (6) મિશ્રચેતા

એક બાજુનાં, આગળ-પાછળનાં ચેતામૂલ મળીને એક ચેતા (nerve) બનાવે છે. તેની વિવિધ શાખાઓ પડે છે, જે શરીરમાં બધે ફેલાય છે. આવી શરીરમાં ફેલાતી શાખાઓને પરિઘીય ચેતાઓ (peripheral nerves) કહે છે. તેમાં જો કોઈ એક ચેતા અસરગ્રસ્ત હોય તો તેને એકચેતારુગ્ણતા (mononeuropathy) કહે છે; દા.ત., થાપામાં જો ઇન્જેક્શન અપાય અને તે ત્યાંથી પસાર થતી ચરણચેતા (sciatic nerve) નામની ચેતાને ઈજા કરે ત્યારે ચરણચેતાની ચેતારુગ્ણતા થાય છે. ક્યારેક એકથી વધુ ચેતાઓમાં અલગ અલગ જગ્યાએ વિકારો થયેલા હોય તો તેને બહુચેતાકીય એકચેતારુગ્ણતા (mononeuropathy multiplex અથવા multiple mononeuropathy) કહે છે. મધુપ્રમેહ, રક્તપિત્ત કે ગંડિકાકારી બહુધમનીશોથ (polyarteritis nodosa) નામના વાહિનીશોથ(vasculitis)ના વિકારોમાં આવી રીતે જુદી જુદી ચેતાઓ અસરગ્રસ્ત થયેલી હોય છે. જ્યારે હાથ-પગ જેવાં અંગો(limbs)માં વ્યાપકપણે અને ડાબી અને જમણી એમ બંને બાજુએ લગભગ સમાન રૂપે (દ્વિપાર્શ્વી સમાનતા, bilateral symmetry) જો પરિઘીય ચેતાઓ અસરગ્રસ્ત થયેલી હોય તો તેને બહુચેતારુગ્ણતા (polyneuropathy) કહે છે. તેને કારણે અંગના દૂરના છેડે સંવેદનાઓ ઘટે છે (તે ભાગ બહેરો થઈ જાય), સ્નાયુઓમાં નબળાઈ આવે અને ત્યાંની ચેતાકીય પરાવર્તી ક્રિયાઓ (nerve reflexes) બંધ થઈ જાય છે. અગાઉ જ્યારે પરિભાષા નવી નવી બની રહી હતી અને ચેતાઓના વિકારની સ્પષ્ટતા ન હતી ત્યારે તેને ચેતાઓના શોથ(inflammation)નો વિકાર ગણવામાં આવતો હતો. તે વખતે ‘રુગ્ણતા’ (pathy) એવા ઉત્તરપદ(suffix)ને બદલે ‘શોથ’ (‘itis’) એવું ઉત્તરપદ જોડાતું હતું, તેથી આ વિકારોને એકચેતાશોથ (neuritis), બહુચેતાકીય એકચેતાશોથ (mononeuritis multiplex) અને બહુચેતાશોથ (polyneuritis) તરીકે ઉલ્લેખવામાં આવતા હતા. હાલ આ શબ્દપ્રયોગો થતા નથી, પરંતુ ક્યારેક પારિભાષિક ક્ષતિપૂર્ણ વર્ણનમાં તે જોવા મળે છે.

ચેતાતંતુના ઘટકોમાં અક્ષતંતુ અથવા ચેતાક્ષ (axon) નામનો તંતુ હોય છે. તેની આસપાસ શ્વેતમજ્જિન અથવા મજ્જિન (myelin) નામનું આવરણ તથા મજ્જિનનું ઉત્પાદન કરતા સ્વાનના કોષો આવેલા હોય છે. કોઈ સાદી ઈજા થાય ત્યારે ચેતાક્ષ કપાઈ જાય છે. તેનો કપાયેલો દૂરનો (દૂરસ્થ, distal) છેડો મરવા માંડે છે અથવા તેનું અપજનન (degeneration) થાય છે, જ્યારે પાસેનો છેડો (સમીપસ્થાની, proximal) છેડો જીવંત રહે છે અને તેમાંથી પૂરેપૂરો ચેતાક્ષ પુનર્જનન (regeneration) પામી શકે છે. ચેતા પર દબાણ કે ઈજા થાય ત્યારે આવું થાય છે. કેટલાક ઝેરી (દા.ત., દારૂ) ચયાપચયી (metabolic) અને વારસાગત વિકારોમાં સૌપ્રથમ લાંબા હાથપગના દૂરના છેડામાં (આંગળીઓની ટોચમાં) આવેલા લાંબા ચેતાતંતુઓના છેડામાં અપજનનની શરૂઆત થાય છે અને તે પછીથી તે જેમ જેમ નજીકના ભાગ તરફ વધતું જાય તેમ તેમ ટૂંકા ચેતાતંતુઓ પણ અસરગ્રસ્ત થાય છે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ ચેતાતંતુઓમાં દૂરના છેડામાં અપજનન થતું હોવાથી તેને દૂરસ્થ ચેતાક્ષીય અપજનન (distal axonal degeneration) અથવા દૂરાનુસમીપ ચેતાનાશ (dying back) કહે છે. આવા સંજોગોમાં સૌપ્રથમ બંને ઘૂંટી (ankles) પાસેની પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex) જતી રહે છે, પગના સૌથી નીચલા ભાગ અથવા પાદના અંતર્ગત સ્નાયુઓ (intrinsic muscles of feet) નબળા પડે છે. તેને કારણે પગની આંગળીઓ અને અંગૂઠાને ઉપર તરફ ઉઠાવતાં તકલીફ પડે છે. ઘૂંટીથી પણ પાદને ઉપર ઉઠાવવાની ક્રિયા (પૃષ્ઠીય વક્રન, dorsiflexion) થતી નથી. પગમાં જતા સૌથી લાંબા ચેતાતંતુઓ પગના અંગૂઠા અને આંગળીઓની ધ્રુજારી જાણવાની સંવેદનાનું વહન કરે છે. તેથી તે પણ અસરગ્રસ્ત થાય છે. આમ પગમાં ઘૂંટીની નીચેનો ભાગ (પાદ) ઉપર ઉઠાવી શકાતો નથી અને અંગૂઠા અને આંગળીઓમાંની ધ્રુજારીની અથવા વિકંપનની સંવેદના (vibration sensation) જતી રહે છે. તેને કારણે પગ ઉઠાવીને ચાલતી વખતે પાદ નીચે તરફ લટકેલો રહે છે. તેને પાદપાત (footdrop) કહે છે. વિકાર વધે એટલે ઉપલા અંગ(બાહુ)માં હસ્ત (hand) અને કાંડું પણ તે જ રીતે અસરગ્રસ્ત થાય છે. સંવેદનાનો વિકાર અન્ય સંવેદનાઓને પણ અસરગ્રસ્ત કરે છે. શરૂઆત ઝણઝણાટી (tingling) અને ખાલી ચડવી(numbness)થી થાય છે; ત્યારબાદ બીજી સંવેદનાઓ પણ ઘટે છે. બંને હાથ-પગમાં એકસરખી રીતે, દૂરના છેડેથી પાસેના ભાગ તરફ આ વિકારનો વિકાસ થાય છે. તેથી જાણે દર્દી જે ભાગમાં પગમોજાં કે હાથમોજાં પહેરે તેટલો ભાગ અસરગ્રસ્ત થાય છે, તેથી તેને હસ્તપાદના મોજાવિસ્તાર જેવો અથવા હસ્તપાદવેષ્ટનસમ (glove and stockings) સંવેદનાઓ ગુમાવવાનો વિકાર થાય છે. જેમ જેમ વિકાર વધે તેમ તેમ તે હાથપગના વધુ ને વધુ નજીકના ભાગોને લગભગ બંને બાજુએ એકસરખી રીતે અસરગ્રસ્ત કરે છે. ચેતાઓમાં રૂઝ(પુનર્જનન)ની પ્રક્રિયા શરૂ થાય ત્યારે તે અત્યંત ધીમી પ્રક્રિયા હોય છે.

સારણી 1 : ચેતારુગ્ણતાના પ્રકારો

ક્રમ પ્રકાર ઉદાહરણ
1. એકસ્થાની (unifocal) કાંડા આગળ થતું ચેતાનું દબાણ, જેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહે છે.
2. બહુસ્થાની (multifocal) અનેકચેતાકીય એકચેતારુગ્ણતા; દા.ત., ગંડિકાકારી બહુધમનીશોથ (polyarteritis nodosa).
3. વ્યાપક (diffuse) મધુપ્રમેહથી થતી ચેતારુગ્ણતા.

સારણી 2 : બહુચેતારુગ્ણતાનાં કેટલાંક અગત્યનાં કારણો

ક્રમ કારણ નોંધ
1. મધુપ્રમેહ થોડા કે લાંબા સમયની ચેતાક્ષ તથા શ્વેતમજ્જિનને ઈજા કરતી સંવેદનાઓ અને સ્નાયુઓને નબળા પાડતો વિકાર. ક્યારેક સ્વાયત્ત ચેતાતંત્ર પણ અસરગ્રસ્ત.
2. મૂત્રપિંડની નિષ્ફળતા ક્યારેક ઉદભવતી સંવેદના અને સ્નાયુઓની નબળાઈ, જેમાં મુખ્ય ઈજા ચેતાક્ષને થયેલી હોય છે. ક્યારેક સ્વાયત્ત ચેતાતંત્ર અસરગ્રસ્ત હોય છે. પારગલન(dialysis)થી તે ઘટે છે અને મૂત્રપિંડના પ્રતિરોપણથી મટે છે.
3. લોહીમાં ગ્લુકોઝનું ઘટેલું પ્રમાણ મુખ્યત્વે સ્નાયુઓનો લકવો કરતી ચેતાક્ષીય ઈજા.
4. વિટામિન B12 ઊણપ મુખ્યત્વે લાંબા સમયનો સંવેદનાલક્ષી વિકાર, જેમાં મુખ્યત્વે ચેતાક્ષ નુકસાન પામે છે.
5. વિટામિન B12ની સિવાયની વિટામિનની ઊણપ લાંબા સમયની ચેતાક્ષીય સંવેદના અને સ્નાયુઓની નબળાઈ. મુખ્ય વિટામિનો છે થાયામિન, પાયરિડૉક્સિન, ફૉલેટ, પૅન્ટોથેનિક ઍસિડ વગેરે.
6. લાંબા સમયનો યકૃત(liver)નો રોગ લાંબા સમયનો શ્વેતમજ્જિનને ઈજા થવાથી થતો સંવેદનાલક્ષી અથવા સંવેદનાલક્ષી અને સ્નાયુઓની નબળાઈવાળો વિકાર. સામાન્ય રીતે તે ખાસ તકલીફ કરતો નથી.
7. કૅન્સર

ચેતાક્ષ કે શ્વેતમજ્જિનને અસર કરતી સંવેદનાઓ કે સ્નાયુઓને અસર કરતી રુગ્ણતા.

શ્વેતમજ્જિનમાં થતા નુકસાનથી તેનું અપજનન થાય છે. તેને અપમજ્જીકરણ (demyelination) કહે છે. જે સ્થળે અપમજ્જીકરણ થયું હોય તે જગ્યાએ ચેતામૂલ સંદેશા લઈ જતા આવેગોને વહી શકતા નથી. તેને આવેગવહનનો અવરોધ (nerve conduction block) કહે છે. ચેતા રુઝાવા માંડે ત્યારે ફરીથી શ્વેતમજ્જિન બને છે. તેને પુનર્મજ્જિનીકરણ (remyelination) કહે છે. તે ચેતાક્ષના પુનર્જનન કરતાં વધુ ઝડપી હોય છે. કેટલાક સ્વકોષઘ્ની વિકારો(autoimmune disorders)માં પરાપ્રોટીનો (paraproteins) બને છે. તેમને કારણે ઉદભવતી ઈજાને કારણે ચેતાતંતુના શ્વેતમજ્જિનમાં સોજો આવે છે તેને શોથ (inflammation) કહે છે. આવો શોથ અપમજ્જિનીકરણ કરે છે. તેવા વિકારોને શોથકારી અપમજ્જિની ચેતારુગ્ણતા (inflammatory demyelinating neuropathy) કહે છે. કેટલાક વારસાગત રોગો પણ અપમજ્જિની ચેતારુગ્ણતા કરે છે. આ ઉપરાંત રસાયણો અને દવાઓની ઝેરી અસર, ભૌતિક પ્રક્રિયાઓ અને ઈજાઓ પણ અપમજ્જિની ચેતારુગ્ણતાનો વિકાર સર્જે છે. કેટલાક કિસ્સામાં ચેતાક્ષનું અપજનન અને ચેતાતંતુઓનું અપમજ્જિનીકરણ બંને જોવા મળે છે.

શારીરિક તપાસની મદદથી ચેતાક્ષને કે તેના શ્વેતમજ્જિનને ઈજા થયેલી છે તે જાણવું મુશ્કેલ બને છે; તેથી કેટલીક વીજનિદાનીય (electrodiagnostic) પ્રક્રિયાઓ કરાય છે; જેમ કે, (1) ચેતા-આવેગવહન (nerve conduction) કસોટી અને (2) સ્નાયવી વીજ-આલેખન (electromyography).

ચેતારુગ્ણતાનાં વિવિધ કારણો હોય છે. તેમનું વર્ગીકરણ તથા તેમનાં કારણોને સારણી 1 અને 2 માં દર્શાવ્યાં છે. જે તે મૂળ કારણની સારવાર વડે ચેતારુગ્ણતાની સારવાર કરાય છે.

પૉર્ફાયરિયા, પ્રાથમિક પિત્તાવરોધી યકૃતકાઠિન્ય (primary biliary cirrhosis), પ્રારંભિક એમિલૉઇડિતા, અલ્પગલગ્રંથિતા (hypothyroidism), લાંબા સમયનો શ્વસનાવરોધી ફેફસીરોગ (chronic obstructive lung disease), વિષમ અતિકાયતા (acromegaly), સંગ્રહણી, પરાપ્રોટીન ઉત્પન્ન કરતા વિવિધ વિકારોમાં ક્યારેક ચેતારુગ્ણતા જોવા મળે છે. તેવી જ રીતે એમિયોડેરોન, ઑરોથાયો ગ્લુકોઝ, સિસપ્લેટિન, ડૅપ્સોન, ડાયસલ્ફિરામ, હાઇડ્રેલોઝિન, આયસોનિઆઝિડ, મેટ્રોનિઝોલ, પરહેક્સિલિન, ફેનિટૉઇન, પાયરિડૉક્સિન, થેલિડોમાઇડ, વિન્ક્રિસ્ટીન, નાઇટ્રોફ્યુરેન્ટિઇન વગેરે દવાઓ પણ આવો વિકાર કરે છે, જેમાં આર્સેનિક, સીસું, ઑર્ગેનોફૉસ્ફરસનાં સંયોજનો, થૅલિયમ, કાર્બન ડાયસલ્ફાઇડ વગેરેનો સમાવેશ થાય છે. ડિફ્થેરિયાના જીવાણુનું વિષ પણ ચેતારુગ્ણતા કરે છે. વિવિધ જનીનીય રોગો અને સંલક્ષણો પણ ચેતારુગ્ણતા કરે છે.

સારવાર : સ્વકોષઘ્ની રોગો અને ગુલાં-બારે સંલક્ષણમાં પ્રરસીય ગાળણ (plasmapheresis), નસ દ્વારા પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન (immunoglobulins) અને કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ વગેરે ઔષધોનો ઉપયોગ કરાય છે. લોહીમાંના પ્રવાહીભાગ રુધિરપ્રરસને ગાળીને તેમાંના પરપ્રોટીનો દૂર કરવાની ક્રિયાને પ્રરસીયગાળણ કહે છે. મધુપ્રમેહ, મૂત્રપિંડની નિષ્ફળતા, યકૃતના રોગો, કૅન્સર વગેરે વિવિધ રોગોની સારવાર ઘણી વખત ચેતારુગ્ણતામાં પણ ફેરફાર આણે છે. દવા કે રસાયણની ઝેરી અસર હોય તોપણ તેમનો સંસર્ગ તરત બંધ કરવો જરૂરી ગણાય છે. વારસાગત અને જનીની વિકારોમાં તકલીફોને અનુકૂળ સારવાર નક્કી કરાય છે. વિટામિનની ઊણપથી થતી ચેતારુગ્ણતામાં જે તે પ્રકારનું વિટામિન અપાય છે.

રણજિત આચાર્ય

શિલીન નં. શુકલ