બહિર્મુખ વ્યક્તિત્વ

January, 2000

બહિર્મુખ વ્યક્તિત્વ : માણસના વ્યક્તિત્વનો વિશેષ ગુણ. મનોવિજ્ઞાનમાં માનવ-વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટેના બે અભિગમો પ્રચલિત છે : 1. વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ (idiographic approach) અને 2. સામાન્ય-કેન્દ્રિત અભિગમ (nomothetic approach). વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ, માનવ-વ્યક્તિત્વની વિશેષતાઓ, તેના વિશેષ ગુણો (traits) તથા વ્યક્તિગત ભિન્નતાઓ પર ભાર મૂકે છે. જ્યારે સામાન્ય-કેન્દ્રિત અભિગમ વિવિધ વ્યક્તિત્વોમાં રહેલા સામાન્ય લક્ષણ ને સમાનતા પર ભાર મૂકે છે. વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ અનુસાર, માણસના વ્યક્તિત્વને જે વિશેષ ગુણો પર મૂલવવામાં આવે છે તેમાંનું એક પરિમાણ એ અંતર્મુખતા-બહિર્મુખતા છે.

મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણવાદની પરંપરામાં, પૃથક્કરણાત્મક મનોવિજ્ઞાન(Analytical Psychology)ના પ્રણેતા અને ડૉ. સિગમંડ ફ્રૉઇડના શિષ્ય એવા કાર્લ ગુસ્તાવ યુંગે સૌપ્રથમ વ્યક્તિત્વના અંતર્મુખતા-બહિર્મુખતા પરિમાણ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. બાહ્ય જગત અને જીવન પ્રત્યે પ્રતિક્રિયા કરવાના મુખ્ય બે પ્રકારનાં વલણો યુંગ વર્ણવે છે : (1) અંતર્મુખી; (2) બહિર્મુખી. યુંગના મતે, બહિર્મુખી વલણમાં જીવનશક્તિ(libido)નો પ્રવાહ બહારની તરફ હોય છે. આથી બહિર્મુખ વ્યક્તિને બાહ્ય ઘટનાઓ, પદાર્થો, વ્યક્તિઓ ને પ્રસંગોમાં વિશેષ રસ હોય છે. તેઓ વાતાવરણથી વધારે પ્રભાવિત થાય છે. તેઓ મિલનસાર અને અજાણ્યા વાતાવરણમાં પણ આત્મવિશ્વાસથી વર્તે છે. તેમને લોકો સાથે સંબંધો બાંધવા ને નિભાવવા ગમે છે. તેમના મોટાભાગનાં નિર્ણયો અને વર્તનો બાહ્ય વાતાવરણ, સંજોગો, વાસ્તવિકતા તથા વસ્તુલક્ષી હકીકતોને આધારે નક્કી થાય છે. તેમના બધા જ અગત્યના નિર્ણયો બહારથી આવે છે. બાહ્ય જગત માનવીના માનસ પર જે છાપ અંકિત કરે છે તે છાપોને આધારે તેમનાં વિચાર, વાણી ને વર્તનની દિશા નક્કી થાય છે. તેમની બધી જ રુચિઓ, તેમનાં મૂલ્યો અને મનોવલણો પણ બાહ્ય ભૌતિક તેમજ સામાજિક વાતાવરણ ઘડે છે. માનવવર્તનનું આ પ્રકારનું વલણ ટેવરૂપ બનતાં તે વ્યક્તિત્વનો એક પ્રકાર (type) બની રહે છે; જેને યુંગ ‘બહિર્મુખ વ્યક્તિત્વ’ કહે છે.

આથી વિરુદ્ધ, અંતર્મુખ વ્યક્તિમાં જીવનશક્તિનો પ્રવાહ અંદરની તરફ વહેતો હોય છે. તેઓમાં અન્ય લોકો, પદાર્થો કે પ્રસંગો સાથેના સંબંધમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. લોકો સાથે હળવામળવાનું તેઓ ટાળે છે. તેઓ વિચારશીલ અને સ્વકેન્દ્રી હોય છે. તેઓના નિર્ણયો અને વર્તનો બાહ્ય ઉદ્દીપકોની વસ્તુલક્ષી છાપને આધારે નહિ, પરંતુ બાહ્ય ઉદ્દીપકોના પોતે કરેલાં અર્થઘટનો કે પ્રત્યક્ષીકરણોને આધારે નક્કી થાય છે. તેઓના નિર્ણયો વ્યક્તિલક્ષી અનુભવ કે અંતરાત્માના અવાજ પર આધારિત હોય છે. વર્તનનું આ પ્રકારનું વલણ એકધારું, સતત ને ટેવરૂપ બનતાં જે વ્યક્તિત્વપ્રકાર બને છે તેને યુંગ ‘અંતર્મુખ વ્યક્તિત્વ’ કહે છે.

યુંગના મતે, અંતર્મુખતા અને બહિર્મુખતા પરસ્પરથી નિરપેક્ષ તદ્દન સ્વતંત્ર ને વ્યાવર્તક એવાં વ્યક્તિત્વ-પરિમાણો નથી. કોઈ પણ માનવી સંપૂર્ણપણે અંતર્મુખી કે બહિર્મુખી હોતો નથી; પરંતુ ઉભયમુખી હોય છે. દરેક વ્યક્તિમાં બંને પ્રકારનાં વલણો હોય છે. પહેલું પ્રગટ અને સભાન હોય છે જ્યારે બીજું અપ્રગટ અને અભાન હોય છે. પ્રગટ રીતે બહિર્મુખી વલણ ધરાવનાર માનવીના ‘વ્યક્તિગત અચેતન’માં અંતર્મુખી વલણના અંશો અને પ્રગટ રીતે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનારના અચેતન મનમાં બહિર્મુખતાના અંશો પડેલા હોય છે, જે વર્તનમાં વચ્ચે વચ્ચે પ્રગટ થઈ જતા હોય છે.

યુંગે વ્યક્તિત્વની અંતર્મુખતા અને બહિર્મુખતાને ચાર પ્રકારનાં મનોવૈજ્ઞાનિક કાર્યો(psychological functions)ના સંદર્ભમાં મૂલવી છે. યુંગના મતે, વિચાર, સંવેદન, લાગણી અને અંત:સ્ફુરણા એ ચાર મનોવૈજ્ઞાનિક કાર્યોમાં વિચાર અને લાગણી માનવીની બૌદ્ધિકતા સાથે સંકળાયેલ છે એટલે કે તાર્કિક વિશ્લેષણ દ્વારા સભાન સ્તરે તેને ચકાસી શકાય છે; જ્યારે સંવેદન અને અંત:સ્ફુરણા અબૌદ્ધિકતા કે અતાર્કિકતા સાથે સંકળાયેલાં છે. યુંગે આ ચાર મનોવૈજ્ઞાનિક કાર્યોને અંતર્મુખતા અને બહિર્મુખતાના સંદર્ભમાં મૂલવીને વ્યક્તિત્વના આઠ પ્રકારો વર્ણવ્યા છે : (1) બહિર્મુખ વિચારણાપ્રધાન, (2) અંતર્મુખ વિચારણાપ્રધાન, (3) બહિર્મુખ લાગણીપ્રધાન, (4) અંતર્મુખ લાગણીપ્રધાન, (5) બહિર્મુખ સંવેદન, (6) અંતર્મુખ સંવેદન, (7) બહિર્મુખ અંત:સ્ફુરણા અને (8) અંતર્મુખ અંત:સ્ફુરણા.

યુંગે અંતર્મુખી-બહિર્મુખી વ્યક્તિત્વ અંગે જે ઉપર્યુક્ત તારણો આપ્યાં છે તે તેના ચિકિત્સાત્મક અભ્યાસો પર આધારિત હતાં; પરંતુ આધુનિક યુગમાં અંતર્મુખતા-બહિર્મુખતાનું પ્રમાણાત્મક માપન (quanti- fication) કરી તે અંગે પ્રાયોગિક અભ્યાસો પણ થયા છે; જેમાં એચ. જે. આઇઝેન્કનું પ્રદાન ધ્યાનપાત્ર છે.

અંતર્મુખ-બહિર્મુખ વ્યક્તિત્વ-પ્રકારની ચર્ચા કરતી વખતે આઇઝેન્ક વિશિષ્ટ પ્રતિક્રિયા (specific response), ટેવરૂપ પ્રતિક્રિયા (habitual reponse), વિશેષ ગુણો (traits) અને વ્યક્તિત્વ-પ્રકાર (types) વચ્ચે ભેદ પાડે છે. તે મુજબ અમુક વિશિષ્ટ ઉદ્દીપક પ્રત્યેની અંતર્મુખ કે બહિર્મુખ વલણ અનુસારની ચોક્કસ પ્રતિક્રિયા એ ‘વિશિષ્ટ પ્રક્રિયા’ છે. જુદી જુદી ઉદ્દીપક પરિસ્થિતિ પ્રત્યે અને જુદા જુદા સમયે પણ જો આ અંતર્મુખ કે બહિર્મુખ વલણ અનુસાર એકધારી પ્રતિક્રિયા થતી રહે તો તેને ‘ટેવરૂપ પ્રતિક્રિયા’ કહે છે. ટેવ જ્યારે કાર્યાત્મક ઐક્ય (functional unity) પ્રાપ્ત કરી, વ્યક્તિત્વનો એક ભાગ બને ત્યારે તેને ‘વિશેષ ગુણ’ (trait) કહે છે અને અંતર્મુખતા કે બહિર્મુખતા વર્તનમાં વધુ ને વધુ સામાન્ય બની, સામાન્યતાની ઉચ્ચતમ સીમાએ પહોંચે છે ત્યારે તેને ‘વ્યક્તિત્વ-પ્રકાર’ (type) કહે છે. કેટેલ નામના મનોવૈજ્ઞાનિકે પાયાના 20 વિશેષ ગુણો તારવી તેના માપન માટેની ‘વિશેષ ગુણતુલા’ની રચના કરી છે જ્યારે આઇઝેન્કે વ્યક્તિત્વ-પ્રકાર પર ભાર મૂકી તેના માપન માટે ‘વ્યક્તિત્વ-સંશોધનિકા’ તૈયાર કરી છે. જેમાં વ્યક્તિત્વનાં ત્રણ પરિમાણોનું માપન થાય છે : (1) અંતર્મુખતા-બહિર્મુખતા, (2) સૌમ્ય મનોવિકૃતિ-સાતત્ય, (3) તીવ્ર મનોવિકૃતિ (psychoticism).

યુંગની જેમ આઇઝેન્ક પણ અંતર્મુખતા-બહિર્મુખતાને માત્રા (degree) સાથે સંકળાયેલો ખ્યાલ ગણે છે. આઇઝેન્ક પણ અંતર્મુખતા કે બહિર્મુખતાને પરસ્પર વ્યાવર્તક એવા બે આત્યંતિક પ્રકારો ગણવાને બદલે એક જ સતત રેખાના બે છેડારૂપ ખ્યાલો ગણે છે. આઇઝેન્કનાં સંશોધનો દર્શાવે છે કે મોટાભાગના લોકો અંતર્મુખતા-બહિર્મુખતાના સંદર્ભે સમધારણ વિતરણ(normal distribution)ના મધ્ય ભાગમાં જ સમાવિષ્ટ થાય છે. મનોવિકૃતિઓનો અંતર્મુખતા-બહિર્મુખતા સાથે સંબંધ તપાસતાં આઇઝેન્કનો જાણવા મળ્યું છે કે અંતર્મુખ વ્યક્તિઓ ચિંતા, અનિવાર્ય મનોદબાણ, અનિવાર્ય ક્રિયાદબાણ કે ખિન્નતા જેવી ભાવાત્મક અસ્થિરતા પર આધારિત (disthymic) સૌમ્ય મનોવિકૃતિઓ ભોગ બનવાની શક્યતા ધરાવે છે, જ્યારે બહિર્મુખ વ્યક્તિત્વો હિસ્ટીરિયા, અસામાજિક વર્તન કે ચારિત્ર્ય-વિકૃતિઓ તરફ ઢળવાની વિશેષ શક્યતા ધરાવે છે. અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વના આ સ્વભાવગત તફાવતોનો જૈવીય આધાર આઇઝેન્કના મતે, જાળરૂપ પ્રવૃત્તિતંત્રની ચઢતી શ્રેણી દ્વારા મસ્તિષ્કછાલને મળતી ઉત્તેજનામાં રહેલો છે. આઇઝેન્કના આ જૈવીય સિદ્ધાંત મુજબ, બહિર્મુખી વ્યક્તિની સરખામણીમાં અંતર્મુખ વ્યક્તિમાં જાળરૂપ પ્રવૃત્તિતંત્રની ચઢતી શ્રેણી દ્વારા મસ્તિષ્ક છાલને મળતી ઉત્તેજના વિશેષ માત્રામાં હોય છે. આઇઝેન્કે પોતાના આ જૈવીય સિદ્ધાંતને ચકાસવા 30થી વધુ વર્ષો સુધી પ્રયોગશાળામાં પ્રયોગો કર્યા છે, જેનાં કેટલાંક તારણો નીચે મુજબ છે :

(1) અંતર્મુખ વ્યક્તિઓ અભિસંધિત પ્રતિક્રિયાઓ વધારે ઝડપથી શીખી શકે છે ને તેથી જ તેઓ ભાવાત્મક વિકૃતિનાં લક્ષણો વધારે ઝડપથી વિકસાવે છે, જ્યારે બહિર્મુખ વ્યક્તિઓ ઝડપથી અભિસંધિત થતા નથી સામાજિકીકરણની પ્રક્રિયામાં અભિસંધાન રહેલું હોય છે, આથી બહિર્મુખ વ્યક્તિઓમાં અસામાજિક વર્તન કે ચારિત્ર્ય-વિકૃતિઓ વિકસવાની સંભાવના વધુ રહેલી હોય છે.

(2) શામક અને ઉત્તેજક દવાઓની અંતર્મુખ તથા બહિર્મુખ વ્યક્તિઓ પર થતી અસર તપાસતાં જણાયું છે કે સોડિયમ એમિટલ જેવી શામક દવાઓની અંતર્મુખી વ્યક્તિત્વ પર ઓછી અસર થાય છે.

(3) શાબ્દિક શિક્ષણ ઉપરના પ્રયોગો દર્શાવે છે કે બહિર્મુખ વ્યક્તિઓની તાત્કાલિક સ્મૃતિ વધારે સારી હોય છે, પરંતુ અડધા કલાક કે તેથી વધુ લાંબા સમયગાળા બાદ અંતર્મુખી વ્યક્તિઓની સ્મૃતિ વધારે સારી હોય છે. આ સંશોધન આઇઝેન્કના જૈવીય સિદ્ધાંતનું સમર્થન કરે છે; કેમ કે પ્રાયોગિક અભ્યાસોએ સ્પષ્ટ કર્યું છે કે વધારે ઉત્તેજનાવાળી સ્થિતિમાં થયેલા શિક્ષણની સ્મૃતિ સમય સાથે સુધરે છે. અંતર્મુખી વ્યક્તિની સ્મૃતિ પણ સમય સાથે સુધરે છે. તે જ રીતે, અલ્પ ઉત્તેજના હેઠળ થયેલા શિક્ષણની સ્મૃતિ સમય સાથે ઘટતી જણાઈ છે ને બહિર્મુખી વ્યક્તિની સ્મૃતિ પણ સમય સાથે ઘટે છે. આમ, અંતર્મુખી વ્યક્તિની મસ્તિષ્કછાલમાં ઉત્તેજનાનું પ્રમાણ બહિર્મુખી વ્યક્તિત્વ કરતાં વિશેષ હોય છે. એવા આઇઝેન્કના જૈવીય સિદ્ધાંતનું અહીં સમર્થન થાય છે.

આમ, આઇઝેન્કે અંતર્મુખતા-બહિર્મુખતા અંગે અનેક વૈજ્ઞાનિક સંશોધનો અને મનોમાપન કરીને માનવ-વ્યક્તિત્વ, જીવવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર – ત્રણેયને પરસ્પર સાંકળવાનો સ્તુત્ય પ્રયાસ કરેલો છે.

અચિંતા યાજ્ઞિક