બળદ

ધાર્મિક, સામાજિક અને આર્થિક ર્દષ્ટિએ માનવીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતું એક તૃણાહારી નર પ્રાણી. વર્ગીકરણની ર્દષ્ટિએ તેનો સમાવેશ સસ્તન વર્ગ, સમખુરી (artiodactyle) શ્રેણીના બોવિડે કુળમાં થાય છે. ભારતીય બળદનું શાસ્ત્રીય નામ Bos indicus છે. પરદેશમાં ખૂંધ વગરના (દા.ત., જર્સી) બળદ પણ હોય છે. તેમને Bos taurus કહે છે.

આદિકાળમાં જ્યારથી સંસ્કૃતિનું પરોઢ પાંગર્યું અને કૃષિસંસ્કારના પદધબકાર શરૂ થયા ત્યારથી માનવે પશુઓને પાળવાની અને તેમને ઉપયોગમાં લઈ પોતાનો બોજો હળવો કરવાની શરૂઆત કરી છે. લોથલ અને મોહેં-જો-દડોમાંથી હડપ્પા સંસ્કૃતિની જે મુદ્રાઓ મળી આવી છે. તેમાં પાલતુ પશુઓ પણ છે. ચંદ્રાકાર શિંગડાવાળો વૃષભ તો સિંધુ સંસ્કૃતિનું મહત્વનું ચિહ્ન છે. જૈનોના પ્રથમ તીર્થંકરનું વાહન વૃષભ હોવાથી તેઓ ‘વૃષભનાથ’ કહેવાયા, અને મહાવીર સ્વામીની માતાને સ્વપ્નમાં પણ પશુઓમાં હાથી, વૃષભ અને ઘોડો દેખાયેલા. સંસ્કૃતિના વિકાસમાં મદદરૂપ બનેલાં પશુઓમાં બળદનું આગવું અને મહત્વનું સ્થાન ગણી શકાય. રાજાઓમાં હાથી, દરબારોમાં ઘોડા અને  ખેડૂતોમાં બળદો જાણે અવિભાજ્ય અંગ જેવા લાગે ! ખેડૂતો અખાત્રીજના દિવસે બળદોનું પૂજન કરે છે. મહારાષ્ટ્રમાં કારતક સુદ બીજના દિવસે વૃષભોત્સવ પ્રસંગે બળદોને શણગારીને ગામમાં ફેરવવામાં આવે છે અને બળદોને દોડાવવાની હરીફાઈઓ યોજાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં રાશિચક્રના બીજા ક્રમાંકનું સ્થાન વૃષભ રાશિને છે.

ખેતીપ્રધાન ભારત દેશનો કુલ ભૌગોલિક વિસ્તાર (ક્ષેત્રફળ) 32.8 કરોડ હેક્ટર છે. તેમાંથી 14.22 કરોડ હેક્ટર જમીન ખેડાણ હેઠળ છે. મોટાભાગની ખેડાણ-જમીન નાના ટુકડાઓમાં વહેંચાયેલી છે. તે નાના અને સીમાંત, આર્થિક રીતે નબળા ખેડૂતોને હસ્તક છે. તેમના માટે બળદો ખેતીનું એક અભિન્ન અંગ છે. 1928માં રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચરે નોંધેલ કે ભારતમાં બળદ વિના ખેતી અશક્ય બને અને  ખેતપેદાશનું વહન પણ થઈ શકે નહિ. આજે એકવીસમી સદીના પ્રવેશે પણ તે નીચેનાં કારણોને લીધે એટલું જ સાચું છે :

(1) યંત્રોના કાર્યક્ષમ ઉપયોગ માટે મોટાં ખેતરો જોઈએ. આની સામે ભારતના 55 %થી 56 % ખેડૂતો પાસે 1 હેક્ટર કરતાં ઓછી અને 18 %થી 19 % ખેડૂતો પાસે 1થી 2 હેક્ટર જેટલી જ જમીન છે અને તે પણ નાના ટુકડાઓમાં વહેંચાયેલી છે. (2) ભારતના ખેડૂતોની નબળી આર્થિક અને સામાજિક સ્થિતિ; (3) આજે પણ ખેતી-વિષયક પરિવહનને લગતી 70 % કામગીરી ભારવાહક પ્રાણી દ્વારા થાય છે. વધુમાં ભારતમાં ટ્રૅક્ટર રાખતાં કુટુંબો પણ ભારવાહક પ્રાણી (સરેરાશ 1.66) રાખે છે. F. A. O.(1993, 1995)ના અંદાજ મુજબ ભારતમાં 720 લાખ બળદો, 75 લાખ પાડાઓ, 32 લાખ ઘોડાઓ અને ઊંટ, 20 લાખ ગાયો અને 3 લાખ ભેંસો મળીને કુલ 850 લાખ ભારવાહક પ્રાણીઓ ખેતી/ભારવાહક કામગીરી માટે વપરાય છે. આના બદલામાં સંપૂર્ણ યાંત્રિકીકરણ માટે 1.6 કરોડ ટ્રૅક્ટર/ટ્રકની જરૂર પડે. વળી ડીઝલ તથા અન્ય નિભામણીખર્ચને કારણે દેશને માટે એક મોટો આર્થિક બોજો ઊભો થાય; (4) ભારવાહક પ્રાણીઓ 30,000 મેગાવૉટ જેટલી ઇલેક્ટ્રિક શક્તિ અથવા 8 કરોડ જેટલી અશ્વશક્તિ પેદા કરે છે; (5) 1956માં ભારતમાં માત્ર 1.1 કરોડ બળદગાડાં હતાં, જેની સામે 1980માં 8 કરોડ થયાં છે જે સાતગણો વધારો દર્શાવે છે. 1998માં તો આ સંખ્યા તેનાથી પણ વધારે હશે; (6) ભારતના ગ્રામ વિસ્તારના 60 % કાચા સાંકડા રસ્તાઓ પ્રાણીથી ચાલતાં વાહનો માટે જ અનુકૂળ છે. ટ્રક તથા ટ્રૅક્ટરો ટૂંકા અંતરોવાળા અને મર્યાદિત રસ્તાઓ માટે આર્થિક રીતે પોસાય તેમ નથી; (7) ભારવાહક પ્રાણીઓ દ્વારા ટનના 2,000 કરોડ જેટલી કિંમતનું આશરે 10 કરોડ ટન જેટલું સૂકું છાણ મળે છે. ઉપરાંત આ ભારવાહક પ્રાણીઓ દેશમાં આવેલા 15 લાખ જેટલા બાયોગૅસ પ્લાન્ટ માટે જરૂરી છાણ પૂરું પાડે છે તેના કારણે દેશમાં 50 લાખ ટન બાળવાનાં લાકડાંની બચત થાય છે, જેમની કિંમત રૂ. 500 કરોડ જેટલી ગણાય છે. આમ બળદોને ભારતીય કૃષિ અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે એકવીસમી  સદીના પ્રવેશદ્વારે પણ બિરદાવવા પડે એમ છે. જોરાવરસિંહ જાદવે તેમના ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ ગ્રંથમાં બળદોને કૃષિસંસ્કૃતિના છડીદાર તરીકે યોગ્ય રીતે નિર્દેશ્યા છે.

બળદનું  શરીર-તંત્ર : બળદનો ઊંચી કક્ષાના પ્રાણીઓમાં સમાવેશ થાય છે, તેનાં અંગો પરસ્પરના સહકારથી અમુક ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ કાર્ય કરે છે. તેના શરીરની તંત્રરચના નીચે પ્રમાણે છે :

(1) કંકાલતંત્ર : આ તંત્રમાં શરીરના હાડપિંજરમાં આવેલાં અસ્થિઓ, સાંધાઓ વગેરેનો સમાવેશ થાય છે, આ તંત્ર દ્વારા શરીરને આકાર અને ટેકો મળે છે. બળદ ગોવંશીય પ્રાણી છે. તેની ઊંચાઈ, લંબાઈ, તેની છાતીનો ઘેરાવો અને તેના પગની લંબાઈ તેની કાર્યશક્તિ સાથે સીધો સંબંધ ધરાવે છે. તેના શરીરમાં નીચે પ્રમાણે કુલ 210 હાડકાં હોય છે :

હાડકાં
(ક) કરોડસ્તંભ (vertebral column) (26 કશેરુકા + 25 આંતર કશેરુકીય તકતીઓ) 51
(ખ) પાંસળીઓ (ribs) 26
(ગ) ઉરોસ્થિ (sternum) 1
(ઘ) ખોપરી (skull) 34
(ઙ) આગલા બે પગ (fore limbs) 48 (24 × 2)
(ચ) પાછલા બે પગ (hind limbs) 48 (24 × 2)
(છ) નીચલું જડબું (lower jaw) 2
210

(2) પાચનતંત્ર : તે ખોરાકના પાચન, શોષણ અને પરિપાચનનું કાર્ય કરે છે. તેથી લોહીમાં જરૂરી પોષકતત્વો ભળે છે. બળદોના ખોરાકમાં ઘાસ તથા દાણનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તો જ પાચનક્રિયા સારી થાય.

(3) શ્વસનતંત્ર : શ્વસનકાર્યો માટેનાં અંગોમાં શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસકેશિકા, ફેફસાં વગેરેનો સમાવેશ થાય છે, આ તંત્ર હવામાંના ઑક્સિજનને લોહીમાં ભેળવવાનું અને કાર્બન ડાયૉક્સાઇડને લોહીમાંથી છૂટો પાડી શરીરની બહાર કાઢી નાખવાનું કામ કરે છે.

(4) રુધિરાભિસરણતંત્ર : લોહીના પરિવહન માટેનાં અંગોમાં હૃદય, રક્તવાહિનીઓ, લસિકાવાહિનીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ તંત્રથી શરીરના દરેક ભાગને લોહી અને લસિકા મારફતે પોષક તત્વો અને કાર્યશક્તિ માટે જોઈતો ઑક્સિજન પહોંચાડવામાં આવે છે. બળદોને પ્રાણવાયુ તથા ગ્લુકોઝની પ્રક્રિયા દ્વારા શક્તિ મળે છે.

(5) ઉત્સર્ગતંત્ર : ઉત્સર્જનાંગોમાં મૂત્રપિંડ, મૂત્રાશય વગેરેનો સમાવેશ થાય છે. આ તંત્ર શરીરમાં ઉત્પન્ન થતો પ્રવાહી કચરો મૂત્ર દ્વારા શરીરની બહાર ફેંકવાનું કામ કરે છે. તે શરીરનું તાપમાન જાળવવામાં પણ મદદ કરે છે.

(6) ત્વચા : આખા શરીરને ઢાંકવા-રક્ષવાનું તેનું કાર્ય છે. કાળી ચામડી સૂર્યગરમીનું વધુ શોષણ કરે છે. ખેડકાર્ય દરમિયાન ઉત્પન્ન થતી શરીરની વધારાની ગરમી બળદ પરસેવા દ્વારા બહાર કાઢે છે.

(7) સ્નાયુતંત્ર : બળદના શરીરમાં આવેલા જુદા જુદા પ્રકારના સ્નાયુઓ સંકોચન-પ્રક્રિયા દ્વારા અસ્થિના હલનચલનમાં મદદ કરે છે અને શરીરનાં જુદાં જુદાં અંગોને ગતિ આપે છે.

(8) ચેતાતંત્ર : આ તંત્રમાં ચેતાઓ, મગજ તથા કરોડરજ્જુ(spinal cord)નો સમાવેશ કરવામાં આવે છે. આ તંત્ર સહનિયમન દ્વારા જુદા જુદા અવયવોનું સંચાલન કરે છે.

(9) સંવેદી અંગો અને અંત:સ્રાવી ગ્રંથિઓ : સંવેદી અંગો બાહ્ય તેમજ આંતરિક પર્યાવરણની સાથે અનુકૂલન સાધવામાં અગત્યનો ભાગ ભજવે છે. અંત:સ્રાવી અંગો પ્રતિપોષી (feedback) પ્રક્રિયા દ્વારા વિવિધ અંગોનાં કાર્યોનું નિયમન કરે છે.

ભારતમાં બળદોની ઓલાદ : ભારતમાં ગાયોની મુખ્ય 28 ઓલાદો છે. તેમના દ્વારા જે બળદો મળે છે તેમાં ગીર, શાહિવાલ, રેડસિંધી, થરપારકર જેવી જાતોના બળદ આળસુ અને કામગીરીમાં મંદ હોવાનું તો કાંકરેજ, હરિયાણા, ઓંગોલ જેવી જાતોના બળદો ઘણા સારા હોવાનું મનાય છે.

કાંકરેજ બળદ : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો કાંકરેજ તાલુકો કાંકરેજ નસલનું મૂળ વતન છે. આ નસલ કચ્છ, સાબરકાંઠા તથા અમદાવાદ જિલ્લામાં પણ જોવા મળે છે. ઋગ્વેદ કાળના આર્યોએ ઉત્તર ભારતમાં પ્રવેશ કર્યા પછી જે રસ્તો અપનાવ્યો તેમાં તેઓ અરવલ્લીના પશ્ચિમ-ઉત્તર ભાગમાં થઈને સિંધ, ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં પ્રવેશ્યા તે રસ્તો આ જાતનાં પ્રાણીઓએ પણ લીધો હોય તેમ જણાય છે અને તેનો અંદાજ ‘મોહેં-જો-દડો’માંથી પ્રાપ્ત થયેલી આખલાની મહોર પરથી બાંધવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે રબારી અને ભરવાડ કાંકરેજ નસલનો ઉછેર કરનાર જાતિ છે. તેમણે વિશિષ્ટ પસંદગીવાળા જનીનથી કાંકરેજની નસલને વિકસાવી છે, જ્યારે ખિલારી વગેરે નાના મધ્યમ બાંધાની કામગરી ઓલાદો મધ્ય ભારત અને મહારાષ્ટ્ર જેવા ડુંગરાળ\ખડકાળ પ્રદેશમાંથી ઉદભવેલ હશે તેમ માનવામાં આવે છે. તલવાર જેવાં લાંબાં શિંગડાં, કપાળમાં ચાસ જેવો ખાડો અને ચુસ્ત શરીર એ આ ઓલાદોની ખાસિયત છે. કાંકરેજમાં બીજના ચંદ્ર જેવા અર્ધ ચંદ્રાકાર આકારનાં મોટાં શિંગડાં હોય છે. તેમનો રંગ સફેદથી રૂપેરી ભૂખરો હોય છે. પહોળું તથા વચમાં રકાબી જેવા છીછરા ખાડાવાળું કપાળ હોય છે. મોટું મજબૂત કદ, તેજસ્વી ભારે પોપાચાંવાળી અને કાળા રંગના વર્તુળવાળી આંખો, લીસી ચળકતી ચામડી અને લાંબી પૂંછડી એ કાંકરેજને આગવો રાજાશાહી મોભો બક્ષે છે. પગ સીધા અને મજબૂત, સખત ખરીઓ, સીધી પીઠ, પાતળી ઢીલી ગોદડી, સપ્રમાણ મુતરણું અને પાછલા થાપા લાંબા અને સહેજ ઢળતા હોય છે, જે કાંકરેજની ખાસિયત છે. તે એને ઘોડા જેવી ઝડપ આપે છે.

જન્મસમયે નર વાછરડાનું વજન 21થી 24 કિગ્રા. હોય છે, જે પુખ્તવયે 540થી 730 કિગ્રા. જેટલું થાય છે, જ્યારે માદા વાછરડીનું વજન જન્મસમયે 18થી 22 કિગ્રા. અને પુખ્યવયે 410થી 500 કિગ્રા. હોય છે. સાંઢ/બળદ પુખ્ત ઉંમરે 130થી 160 સેમી. ઊંચાઈ, 140થી 160 સેમી. લંબાઈ અને 175થી 200 સેમી. છાતીનો ઘેરાવો ધરાવે છે; જ્યારે માદાની ઊંચાઈ 130થી 150 સેમી., લંબાઈ 140થી 160 સેમી. અને છાતીનો ઘેરાવો 180થી 200 સેમી. હોય છે.

બળદોની કાર્યક્ષમતા : રોમન લેખક ઇલિયાનસેએ 1700થી 1900 વર્ષ પહેલાં લખ્યું છે કે ભારતમાં ઘોડા અને બળદો સાથે જોડાઈને શરતમાં સરખા ઊતરતા. અકબરના સમયમાં ગુજરાતના બળદો 24 કલાકમાં 120 માઇલ / 200 કિલોમીટર અંતર થાક વગર કાપતા. ઝડપી ઘોડાને પણ આંટી જતા. એક બળદની જોડની કિંમત 350 સોનામહોર હતી.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારનો ચપળ અને મજબૂત બાંધાનો ચંદ્રાકાર શિંગડાંવાળો કાંકરેજ બળદ

બળદો સામાન્ય રીતે પોતાના શારીરિક વજનના 8 %થી 14 % જેટલી અશ્વશક્તિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે 500 કિગ્રા.નો બળદ સરેરાશ 0.5 અશ્વશક્તિ (હો. પા.) પેદા કરે છે. તેમાં કાંકરેજ, થરપારકર, હરિયાણા અને ઓંગોલ બળદો મધ્યમથી ભારે કદના હોય છે અને ભારતભરમાં પ્રખ્યાત છે. તેમાં કાંકરેજ તો ‘સવાઈ ચાલ’ માટે જગમશૂહર છે, જ્યારે અમૃતમહાલ, ખિલાર વગેરે બળદો નાના મધ્યમ કદના અને મજબૂત ખરીઓવાળા હોવાથી ખડકાળ અને કાળી – ચીકણી – એમ બંને પ્રકારની જમીનમાં કાર્ય કરી શકે છે.

બે બળદની એક જોડ કાચા રસ્તા પર ઉપર સાદા ગાડામાં 750થી 1,000 કિગ્રા. જેટલા ભારનું વહન કરી શકે છે. જ્યારે હવા ભરેલા ટાયરવાળા ગાડામાં પાકે રસ્તે 1,500થી 2,000 કિગ્રા. જેટલા વજનનું વહન કરે છે. સારા શક્તિશાળી બળદો 8થી 10 કલાક કાર્ય કરીને માલિકને વધુ રોજી પૂરી પાડે છે.

પશુવિજ્ઞાન વિભાગ, વેટરનરી કૉલેજ, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદમાં કાંકરેજ તથા સંકર બળદો વિશે પહેલી વાર જે વૈજ્ઞાનિક સંશોધન કર્યું તેનાં પરિણામો નીચે મુજબનાં હતાં :

સંકર બળદો કાંકરેજ કરતાં 40 કિગ્રા. વજનમાં વધારે હતા તેથી સંકર બળદોએ 0.62 અને કાંકરેજ બળદોએ 0.56 અશ્વશક્તિ (હૉ.પા.) પેદા કરી હતી. કાંકરેજ બળદોએ પોતાના શરીરના વજનના 150%ના પ્રમાણમાં ગાડામાં વજન ખેંચ્યું હતું ત્યારે 0.35 જેટલી અશ્વશક્તિ (હૉ. પા.) પ્રગટ કરી હતી. એ રીતે વજનના 200 %ના પ્રમાણમાં 0.53, 250 %ના પ્રમાણમાં 0.67 અને 300 %ના પ્રમાણમાં 0.80 જેટલી અશ્વશક્તિ (હો. પા.) પ્રગટ કરી હતી. છતાં આ બળદો ગાડું ખેંચવાનું કાર્ય સહેલાઈથી કરી શક્યા હતા. પરંતુ શારીરિક વજનના 400%ના પ્રમાણમાં વજન ખેંચવા જતાં તેઓ એક કલાક પછી થાકી ગયા હતા અને એ કામ માટેની નામરજી વ્યક્ત કરી હતી. સરેરાશ 1.50 મીટરના પગલા સાથે 3.83થી 4.14 કિમી. પ્રતિ કલાકની ગતિથી દૈનિક 6થી 8 કલાક આ કાંકરેજ અને સંકર બળદોએ કામ કરેલું. ત્રણ કલાકના સળંગ કામમાં એક કલાકે ફક્ત 0.24 કિમી. જેટલી ઝડપ ઘટી હતી, જે આ બળદોની કાર્યક્ષમતા બતાવે છે. હળથી થતા ખેડકાર્યમાં કાંકરેજ બળદોએ દૈનિક ત્રણ કલાકમાં 0.38 હેક્ટર જમીન અને સંકર બળદોએ 0.37 હેક્ટર જમીન ખેડી હતી. શિયાળાની આરામદાયક ઋતુમાં તેમણે 5 % જમીન વધારે ખેડેલી. ખેડકાર્ય કરતી વખતે સરેરાશ પ્રથમ કલાકે ઝડપ 3.83 કિલોમીટર, બીજા કલાકે 3.66 અને ત્રીજા કલાકે 3.50 કિમી. હતી. કાંકરેજ બળદોએ ચાસ 12 સેમી.ની ઊંડાઈથી તેમજ 18.5 સેમી.ની પહોળાઈથી ખેડેલા. કાંકરેજમાં કામ શરૂ કરતાં પહેલાં અને ત્રણ કલાકની ખેડ બાદ બળદોમાં સામાન્ય દેહધાર્મિક ક્રિયાઓ નીચે મુજબની જોવા મળી હતી. (સારણી)

અનુ. ક્રિયા કામ શરૂ કરતા પહેલાં કામના ત્રણ કલાક (ગાડા/ખેડ) બાદ
1. શ્વાસોચ્છવાસની સંખ્યા/મિનિટદીઠ 21.5 42.3
2. શારીરિક તાપમાન ફે. 101.0 102.04
3. હૃદયના ધબકારની સંખ્યા/મિનિટ 52.1 100.00
4. હીમોગ્લોબિન ગ્રામ% 11.4 11.40
5. લોહીમાં ગ્લુકોઝ મિલિગ્રામ/લીટરદીઠ 51.1 49.60
6 લૅક્ટિક ઍસિડ મિલિગ્રામ/લીટરદીઠ 8.0 10.90
7. પ્લાઝ્મા ક્રિએટિનિન મિલિગ્રામ/લીટરદીઠ 3.2 3.60

આ દેહધાર્મિક ક્રિયાનો સીધો સંબંધ માલ-વહનના જથ્થા અને કામના કલાકો સાથે હોવાનું જણાય છે. સામાન્ય રીતે બળદોને 30–40 મિનિટનો આરામ આપવામાં આવે તો દેહધાર્મિક ક્રિયાઓ કામ કરતા પહેલાં જેવી હતી તેવી પાછી થઈ જાય છે.

હરિયાણા તથા શાહીવાલ બળદો કલાકના 3.8થી 4.2 કિમી.ની ઝડપે ચાલીને 0.45થી 0.55 અશ્વશક્તિ (હૉ. પા.) પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે શાહીવાલ કરતાં હરિયાણા બળદો વધુ કાર્યશક્તિ આપે છે. માળવા અને આસામના દેશી બળદ અનુક્રમે 0.53 અને 0.45 અશ્વશક્તિ (હૉ. પા.) પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. મોટું, બિનઝાનપુરી અને ઓરિસાના ઓંગોલ કાચા રસ્તે સરેરાશ અનુક્રમે 2.42, 2.32 અને 3.73 કિમી. પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને પાકા રસ્તા પર 5.35, 4.75 અને 6.13 કિમી./કલાકની ઝડપે ચાલી શકે છે. નાગોરી બળદો 4.0થી 4.8 કિમી./કલાકની ઝડપે ચાલે છે. આખા દિવસમાં એક બળદની જોડ 3,000–3,300 ચો.મીટર એટલે કે 30થી 33 ગુંઠા જમીન ખેડી શકે છે અને ડાંગરની ક્યારીમાં ધાવલ 25 ગુંઠા જેટલું કરી  શકે છે.

બળદ બનાવવા  માટે ખસીકરણ તથા  વાછરડાની સંભાળ :

ખસીકરણ : જે પ્રક્રિયા વડે નર જાનવરોના વૃષણને અને માદા જાનવરોના અંડપિંડને બિનકાર્યક્ષમ (નિરુપયોગી) બનાવી દેવામાં આવે છે, તે પ્રક્રિયાને ‘ખસી કરવું’ કહે છે. ખસી કરવાથી નર જાનવરો મારકણા – ઉગ્ર ન થતાં નમ્ર બને છે. આથી તેમની સાથે કામ કરવું અને તેમની પાસે કરાવવું વધુ સલામત બને છે. વધુમાં ખસી કરેલ જાનવરોને જાતીય આકર્ષણ થતું ન હોઈ એમને બીજાં જાનવરોની સાથે નિરુપદ્રવી રીતે રાખી શકાય.

વાછરડાને ખસી કરવાની રીતો :

(1) વૃષણ/અંડ-કોથળીને ચીરીને થતું ખસીકરણ : આ રીતમાં અંડકોષ પર બહારની પગ તરફની બંને બાજુએ કાપ ચીરો મૂકવામાં આવે છે. અંડકોષની ચામડી અને વૃષણની ફરતા વીંટળાયેલા પડદા ચીરી નાખવામાં આવે છે. ત્યારબાદ વૃષણનો તમામ ભાગ કાઢી નાખવામાં આવે છે. બંને વૃષણ આ પ્રમાણે વારાફરતી કાઢી નાખવામાં આવે છે.

(2) ચીપિયા(birdino castrator)થી થતું ખસીકરણ : આ રીતમાં  બર્ડીઝો ચીપિયાની મદદથી વૃષણરજ્જુને છૂંદી નાખવામાં આવે છે. આથી વૃષણને મળતું પોષણ બંધ થતાં વૃષણ ચીમળાઈને મરી જાય છે. સામાન્ય રીતે (ગીર, કાંકરેજમાં) બે માસથી આઠ માસ સુધીની ઉંમર દરમ્યાન ખસી કરવામાં આવે છે. જોકે કેટલીક ઓલાદો જેવી કે ખિલાર, અમૃતમહાલ અને થરપારકરના વાછરડાની તેમની ખાંધ અને છાતીના ભાગ વિકસે – તેમનામાં પુરુષાતન આવે તે પછી 2થી 3 વર્ષ પછી ખસી કરવામાં આવે છે, કેમ કે ખાંધ– છાતીના વિકાસથી એ બળદો વધુ લાંબા સમય સુધી કામ આપી શકે છે એવી માન્યતા છે.

ખસી કરેલા વાછરડાની સંભાળ : ખસી કરેલ વાછરડાને–ગોધલાને અન્ય વાછરડા – વાછરડીની માફક જ ભેગા ઉછેરવામાં આવે છે. એમને ખોરાક પણ એમના જેવો જ અપાય છે. ધાવણ છોડાવ્યા બાદ ગોધલાને અલાયદા વાછરડા-ઘરમાં રાખવામાં આવે છે. આ ઉંમર દરમિયાન તેમને મોરડો પહેરાવીને બાંધવાની ટેવ પાડવામાં આવે છે. આ સાથે તેમને સપ્રમાણ ખોરાક-દાણ પણ આપવામાં આવે છે. તેથી ગોધલા માણસોથી ટેવાઈ/હેવાઈ જાય છે અને ભડકતા નથી. ત્યારબાદ આશરે એક-દોઢેક વર્ષની ઉંમરે ગોધલાને મોરડા સાથે નાકમાં પાતળી દોરીની નાથ પહેરાવી બીજાં જાનવરોથી અલગ બાંધીને સપ્રમાણ ખોરાક આપી ઉછેરવામાં આવે છે. રોજ હાથિયો કરવાથી તે વધુ શાંત બને છે. અને વધારે હેવાય છે.

વાછરડાને પળોટવાનું કાર્ય : ઉંમરલાયક ગોધલાને જુદાં જુદાં શ્રમકાર્યો માટેની તાલીમ આપવાની ક્રિયાને ‘પળોટવું’ કહે છે. લગભગ બેથી અઢી વર્ષની ઉંમર સુધીમાં, જો ગોધલાનો શરીરનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થયો હોય તો એને પળોટવાની શરૂઆત કરવામાં આવે છે. પળોટવાની ક્રિયા માટે અંગ્રેજી ‘યુ’ આકારની લોખંડની ભૂંગળીવાળી ધૂંસરી(double yolk)નો ઉપયોગ કરાય છે. તે ધૂંસરી સારી રીતે પૉલિશ કરેલી, તરડ પડ્યા વિનાની અને સુંવાળી હોવી ખાસ જરૂરી છે.

નવા ગોધલાને પળોટતી વખતે એની જોડીમાં બીજો મોટી ઉંમરનો ઠરેલ પીઢ બળદ જોડવામાં આવે છે. ગોધલાને પળોટવાનું કામ કોઈ પણ વજન વિના માત્ર ખાલી ધૂંસરી તેના ગળે મૂકીને તેને ફેરવીને કરાય છે. એ પછી તરેલું બનાવી, પેલી ધૂંસરી સાથે લગાડી એની સાથે ગોધલાને ફેરવવામાં આવે છે. આ પ્રમાણે હલકું વજન લઈને રાશ કે અવાજના અણસારે ફરવાની તથા ડાબા-જમણા વળવાની ટેવ એને પડે તે પછી તેને ખાલી ગાડે જોડવામાં આવે છે અને ધીમે ધીમે પછી ગાડામાં વજન વધારતા જવામાં આવે છે. એ પછી જુદાં જુદાં ખેતીકાર્યો માટે ગોધલાને તાલીમ આપવામાં આવે છે.

તાલીમના ગાળા દરમિયાન બહુ જ ધીરજથી, મારઝૂડ કે બૂમબરાડા વગર બળદો સાથે વર્તન કરાય તે ઇચ્છવાયોગ્ય ગણાય છે.

જાનવરને તાલીમ દરમિયાન મારઝૂડ કે તેના પ્રતિ અયોગ્ય વ્યવહાર કરવાથી તેને કેટલીક કુટેવો પડે છે, અને પૂર્વગ્રહ બંધાતાં તે ભયભીત રહે છે. આ કુટેવોમાં કામ કરતાં કરતાં બેસી જવું, લાતો મારવી, એક બાજુએ નમીને ત્રાંસા ચાલવું, બીજા બળદને મારવું, બચકાં ભરવાં વગેરે ક્રિયાઓ જોવા મળે છે. આવી કુટેવો પડ્યા બાદ કાઢવી ઘણી જ મુશ્કેલ કે અશક્યવત્ થઈ જાય છે. પળોટાઈને કામ કરતો થયેલ વાછરડો ગોધલા કે બળદ તરીકે પણ કામમાં લેવાય છે.

બળદોની જોડ કરવાનું કામ : ખેડકાર્ય કે વહનકાર્ય બે બળદની જોડી દ્વારા કરવાનાં હોય છે. તેથી એવી જોડી બનાવવા માટે બે યોગ્ય બળદો પસંદ કરવાના રહે છે. સામાન્ય રીતે એક ઓલાદના એકસરખી ઉંમરના, એકસરખા દેખાવના અને સરખી ઊંચાઈ ને વજન ધરાવતા બે બળદોની જોડી કરાય છે. આ ઉપરાંત આવી જોડી બનાવતી વેળાએ બંનેય બળદોની ચાલવાની લઢણ, ઝડપ અને એનો મિજાજ, શિંગડાંનો આકાર વગેરે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આમ ન કરવામાં આવે તો બંને બળદોની કાર્યક્ષમતા ઉપર અવળી અસર પડે છે.

બળદોની પસંદગી : જે બળદો ખરીદવામાં આવે તે જે તે ઓલાદને અનુરૂપ શારીરિક લક્ષણો ધરાવનારા, શરીરની યોગ્ય ઊંચાઈ, લંબાઈ અને બાંધો ધરાવનારા, ઉમદા સ્વભાવના અને તંદુરસ્ત હોવા જોઈએ. વધુ લંબાઈ ધરાવતા ઊંચા બળદો વધુ ઝડપથી ચાલી શકે છે. સુવિકસિત, માંસલ અને મજબૂત ગરદન, ભારે કામ કરવાની ક્ષમતાની જ્યારે પાતળી નાજુક ગરદન ઝડપની સૂચક છે. પાછળના પગના થાપા સપ્રમાણ હોવા જરૂરી છે. બળદોના પગ સીધા અને મજબૂત હોવા જોઈએ, પરંતુ ઘૂંટણ કે પહોંચાના સાંધામાંથી ફરી ગયેલા કે એકબીજાને અથડાતા ન હોવા જોઈએ. ચારેય પગના પહોંચા અને ખરી ઘોડાના ડાબલા જેવાં સીધાં હોય એ જરૂરી છે. વળી પગ અને જમીન સાથે બનતો ખૂણો યોગ્ય પ્રમાણમાં હોય તો બળદ વધુ  કાર્યક્ષમ બને છે. બળદની પસંદગી માટે ગુણાંક-પદ્ધતિમાં જુદા જુદા અવયવોને સામાન્ય રીતે નીચે પ્રમાણે અગત્ય આપવામાં આવે છે :

વિગત ટકાવારી
સામાન્ય દેખાવ 20
માથું અને ગરદન 14
આગલા પગ 20
શરીરનો ભાગ (છાતી, પેટ) 10
પાછલા પગ 26
ચાલ 10

બળદોની પસંદગી વખતે તેનામાં કેટલાંક સારાં લક્ષણો છે કે નહિ તે જોવામાં આવે છે. પંખાળો (અત્યંત ઝડપી ચાલ), છત્રપતિ (કાંધ ઉપર ભમરી), લાંબી કાંધ, ખંપાળિયો (પૂછડાનો છેડો સહેજ વળેલો), લંબપૂંછ (લાંબું ગુચ્છાદાર) વગેરે પણ ધ્યાને રખાય છે. અનુભવી માણસો બળદનાં રૂપરંગ, ખોડખાંપણ તથા ચાલ જોઈને તેની પસંદગી કરે છે.

બળદનો સાજસરંજામ અને શણગાર : વારતહેવારે કે વેચાણસમયે બળદોને શણગારવામાં આવે છે, જેમાં શિંગડાંનાં શિંગરોરિયાં, માથામાં લેલાવટી અને મખિયાડા, ગળામાં ઘૂઘરમાળ, ગલપટ્ટો અને પિત્તળની સાંકળી, શરીરે મોતી ભરેલ ઝૂલ, પગે તોડા વગેરે. આવા શણગારેલા બળદોને ગામમાં ફેરવવામાં આવે છે. ઘણી વખત બળદો નજરાઈ ન જાય તે માટે તેના પગે ઊનનો કાળો દોરો બાંધવામાં આવે છે.

હેરેફોર્ડ બળદ (અમેરિકા)

બળદના કામના પ્રકારો અને કલાકો : ખેતીમાં બળદોએ ખેડ કરવી, કરબ ચલાવવા, ઓરણી ચલાવવી, પાકમાં આંતરખેડ કરવી અને પાકના કણસલાને પગર કરવો જેવાં કાર્યો મુખ્યત્વે કરવાનાં હોય છે. આ ઉપરાંત કૂવામાંથી રેંટ, કાંસ કે પર્શિયન વ્હીલથી પાણી ખેંચવાના કામમાં તેમજ ઘાણીમાં પણ તેમનો ઉપયોગ થાય છે. બળદોને રોજ 2થી 4 કલાક સુધીનું કામ કરવાનું હોય તો એ હળવું; છ કલાક સુધીનું કામ મધ્યમ અને 6થી 8 કલાક સુધીનું કામ ભારે કામ ગણાય છે. ત્રણ-ચાર દિવસ ભારે કે અતિભારે કામ હોય તો એવે વખતે કામ કરનાર બળદની જોડીને દાણ તથા ગોળનું પાણી આપવું અને કામ પૂરું થયે બળદોને એક-બે દિવસ આરામ આપી દિવસે બળદોને ગરમ પાણીથી સારી રીતે નવડાવવા પણ જરૂરી છે. શહેરોમાં જો બળદોને પાકી સડકો પર રોજ ચલાવવાના હોય તો તેમના પગે નાળ જડાવવી પડે છે.

બળદોની ખાંધની સંભાળ : બળદોની ખાંધ – ગરદન એ અવયવ એવો ભાગ છે કે જેને ઈજા થતાં જ બળદ કામ માટે નકામો થઈ જાય છે; કારણ કે ખેતી, સિંચાઈ કે ભારવહન જેવાં બધાં કામો ખાંધે ધૂંસરી મૂકીને જ કરાવવાનાં હોય છે. બળદોને કામ કરાવવા માટે જે ધૂંસરી વાપરવામાં આવે તે ખરબચડી કે ફાટેલી ન હોવી જોઈએ કેમકે આવી ધૂંસરી ખાંધ પર ઘસાવાથી તેની ચામડી આળી થઈ નીકળી જાય છે, અથવા તો ખાંધે સોજો આવી જાય છે. નાના બળદોની ખાંધ રીઢી ન થાય ત્યાં સુધી તેમની ખાંધે ધૂંસરી મૂકતા પહેલાં માખણ + હળદરથી માલીસ કરવી જોઈએ. આવા બળદોને ખાંધે ઈજા થયેલી લાગે કે સોજો આવે તો તુરત જ તેમને છોડી નાખી આરામ આપવો જોઈએ અને ઈજા માટેનો ઇલાજ કરાવવો જોઈએ.

બળદોનો ખોરાક : પ્રોટીન અને પાચ્ય તત્વોની કુલ જરૂરિયાત ધ્યાનમાં લઈને સપ્રમાણ ખોરાક આપવો જોઈએ. બળદની પોષણ-જરૂરિયાત નીચે પ્રમાણે હોય છે :

બળદનું વજન (કિગ્રા.)

સામાન્ય કામ માટે

ભારે કામ માટે

  પાચ્ય પ્રોટીન (કિગ્રા.) કુલ પાચ્ય પોષક તત્વો (કિગ્રા.) પાચ્ય પ્રોટીન (કિગ્રા.) કુલ પાચ્ય પોષક તત્વો (કિગ્રા.)
300 0.33 3.1 0.42 4.0
400 0.45 4.0 0.57 4.8
500 0.56 4.9 0.71 6.4

જાડી રીતે ગણતાં 400 કિગ્રા. વજનના બળદને 15થી 20 કિગ્રા. લીલું ઘાસ, 4થી 5 કિગ્રા. સૂકું ઘાસ અને 1.5થી 2.0 કિગ્રા. દાણ આપવું જરૂરી હોય છે. ભારે કામ કરતા બળદોને સારી ગુણવત્તાવાળી જુવારની કડબ અને દૈનિક 2.0થી 2.5 કિગ્રા. દાણ આપવું જરૂરી હોય છે. વધુ પડતો ખોરાક કે દાણ આપવાથી ફાયદો ન થતાં શરીર ઉપર ચરબી જમા થાય છે.

બળદોને દૈનિક 40–50 લીટર પીવાના પાણીની જરૂરિયાત હોય છે, જેની જરૂરિયાત ઉનાળામાં તાપમાં, સૂકા ઘાસનો ખોરાક દેતાં, બળદો કાર્ય કરતા હોય ત્યારે, પાણીની ગુણવત્તા અનુસાર વધારે રહે છે. પાણી ખોરાકના પાચનમાં પોષકતત્વોના શોષણમાં અને લોહીની પ્રવાહિતામાં અગત્યનો ભાગ ભજવે છે. શરીરની દેહધાર્મિક ક્રિયાઓની જાળવણીમાં પણ પાણી અગત્યનો ભાગ ભજવતું હોઈ તેના પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. ઉનાળામાં બળદોને નવડાવવાથી વધારે સ્ફૂર્તિલા અને વેગવંતા બને છે. સંકર બળદોની તાપસહનશક્તિ ઓછી હોઈ ઉનાળામાં રાત્રે 10 કલાકે નીરણ કરવું વધુ હિતાવહ છે. દેશી બળદોને પણ રાત્રે નીરણ કરવાથી ફાયદો થાય છે.

બળદોનું રહેઠાણ : બળદોને આરામદાયક પાકા ભોંયતળિયાવાળી સ્વચ્છ અને હવાઉજાસવાળી કોઢમાં રાખવા  જોઈએ. એક બળદને માટે 50 ચોરસફૂટ જગ્યા ફાળવવી જોઈએ. રહેઠાણમાં બેસવાની જગ્યા બરાબર ન હોય તો ખોરાકની સાથે સાથે વાગોળવાની ક્રિયા પર અવળી અસર થતાં બળદો થાકેલા દેખાય છે. કોઢમાં એમનું ઠંડા પવન અને વરસાદના પાણીથી રક્ષણ થવું જોઈએ.

બળદની ઉંમર : બળદોનું આયુષ્ય સામાન્ય રીતે 15થી 20 વર્ષનું ગણાય છે. તેનાં કામનાં વરસોને ધર કહેવામાં આવે છે. 3થી 3.5 વર્ષની ઉંમરે કામ લેવાતા બળદોને બીજા ધરે એટલે 4.5થી 5.0 વર્ષે ખરીદવામાં આવે છે. બળદની ખરીદી વખતે તેના શરીરનો વિકાસ, ચામડી, દાંત વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. દાંત જોઈને ઉંમર નક્કી કરવાની રીત સૌથી વધુ ચોકસાઈભરી છે.

બળદમાં દાંતની વિકાસક્રિયા : વાછરડાના મોંમાં દૂધિયા [અસ્થાયી (temporary)] દાંત હોય છે, જે નાના અને થોડા વધારે પડતા ઊજળા હોય છે. આવા અસ્થાયી દાંતની જગ્યાએ જ ચોક્કસ ઉંમરે સ્થાયી (permanent) દાંત ઉદભવે છે, જે મોટા અને પહોળા હોય છે. મોંમાં દાંતની સ્થિતિ નીચે પ્રમાણે જોવા મળે છે :

દાંતનો પ્રકાર કર્તનદાંત (incisors) રાક્ષસી (canines) દાઢ (molars) કુલ
ઉપરનું જડબું    0    0    6 6
નીચેનું જડબું    8    0    6 14
કુલ સંખ્યા 20

પુખ્ત બળદમાં દાંતની કુલ સંખ્યા 32(બત્રીસ)ની હોય છે, જે નીચે મુજબ છે :

દાંતનો પ્રકાર કર્તનદાંત (incisors) રાક્ષસી (canines) દાઢ (molars) કુલ
ઉપરનું જડબું   0   0   12 12
નીચેનું જડબું   8   0   12 20
કુલ સંખ્યા 32

ઉપરનો કોઠો જોતાં નોંધપાત્ર હકીકત તો એ છે કે બળદ જાતનાં પશુઓમાં ઉપરના  જડબામાં કર્તનદાંત અને રાક્ષસી દાંત હોતા નથી; તેની જગ્યાએ સખત દંતીય પેઢું (dental pad) આવેલું હોય છે.

પાંચ વર્ષથી મોટા બળદોમાં ઉંમર સાથે દાંતમાં ઘસારો વધતો જાય છે. દાંતની મધ્યમાં પીળાં કાળાં કૂંડાળાં (dental star) દેખાય છે અને તે પછી પીળા પડતા જાય છે. આમ, ઘસારા અને દાંતની પીળાશ પરથી અનુભવી વ્યક્તિ બળદની ઉંમર અંદાજી શકે છે. બાર-પંદર વર્ષ પછી એના દાંત હાલવાની કે પડવાની શરૂઆત થાય છે.

દાંતની કાળજી : ઘણા ખેડૂતો પોતાના બળદના દાંતોને વડના દાતણ વડે ઘસીને તેમની કાળજી રાખે છે. આથી મોટી ઉંમરે પણ દાંત પીળા ન દેખાતાં સફેદ દેખાય છે. વળી બળદને લીલો ઘાસચારો અને ક્ષારમિશ્રણ આપવામાં આવે તો તેનો ઘસારો ઓછો  થાય છે અને દાંત જલદી પડતા અટકે છે. એથી ઊલટું, જો બળદને વધુ સૂકો ઘાસચારો આપવામાં આવે અને એના ખોરાકમાં ક્ષારની ઊણપ હોય તો દાંતનો ઘસારો વધારે થતાં બોખાપણું વહેલાં આવવાથી તેની વાગોળવાની ક્રિયા પર પણ વિપરીત અસર થતાં તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.

ગુજરાત રાજ્યમાં ભરાતા પશુમેળાઓની માહિતી

.નં. સ્થળ,ગામ તાલુકો/જિલ્લો

 

પશુમેળો કઈ તિથિથી કઈ તિથિ સુધી ભરાય છે ? પશુમેળાનું સંચાલન કોના તરફથી થાય છે ? કઈ જાતનાં પશુઓ આવે છે ?
1. ઢીમા, તા. વાવ જિ. બનાસકાંઠા ફાગણ વદ 1 થી ફાગણ વદ 7 ગ્રામપંચાયત બળદ, ઊંટ, ઘોડા
2. રાધનપુર જિ. બનાસકાંઠા ફાગણ વદ 8થી ફાગણ વદ 11 નગરપાલિકા બળદ, ઊંટ
3. વારાહી જિ. બનાસકાંઠા ચૈત્ર વદ 13થી વૈશાખ સુદ 2 ગ્રામપંચાયત બળદ, ઊંટ
4. ધાનેરા જિ. બનાસકાંઠા વૈશાખ સુદ 11 ગ્રામપંચાયત બળદ, ઊંટ
5. ઢીમા (નવાણી મેળો), તા. વાવ જિ. બનાસકાંઠા જેઠ સુદ 15 ગ્રામપંચાયત બળદ, ઘોડા
6. સિદ્ધપુર જિ. મહેસાણા કારતક સુદ 15 નગરપાલિકા ઊંટ
7. વૌઠા, તા. ધોળકા જિ. અમદાવાદ કારતક સુદ 15 ગ્રામપંચાયત ગધેડા, ઊંટ
8. વ્યારા, જિ. સુરત પોષ સુદ 15 નગરપાલિકા બળદ

બળદોને થતા રોગો : (1) જીવાણુથી થતા રોગો : કાળિયો  તાવ, ગળસૂંઢો, ગાંઠિયો તાવ, ધનુર્વા, સફેદ ઝાડા, યહિન્સ રોગ તથા ક્ષય. ક્ષય રોગના જીવાણુઓ બળદથી માણસમાં અને માણસમાંથી બળદમાં પ્રસરે છે.

(2) વિષાણુથી થતા રોગો : હડકવા, મ્યુકોઝલ ડિસીઝ કૉમ્પલેક્સ બળિયા અને ખરવા મોવાસા.

બળદોમાં જોવા મળતા જીવાણુજન્ય તથા વિષાણુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા, રોગપ્રતિકારક રસી નિષ્ણાત પશુચિકિત્સકની સલાહ અનુસાર મુકાવવી જોઈએ.

(3) પરજીવી પ્રાણીઓથી થતા રોગો : કોકસિડિયોસિસ, થાઇલેરિયોસિસ, એનાપ્લાઝ્મોસિસ, ઝેરબાજ, પેરાઍન્ફિરટોનિયોસિસ, સિસ્ટોસોમા, રજ્જુકૃમિ, અંકુશકૃમિ (આંતરડાં), ફેફસાંના કૃમિ, ચરમિયા (ચામડીમાં) વગેરે રોગોને અટકાવવા માટે યોગ્ય દવા સમયાંતરે પિવડાવવી જરૂરી છે.

(4) ચાંચડ, જૂ, કથીરી, ઇતરડી જેવા બાહ્ય પરોપજીવીઓ બળદોનું લોહી ચૂસી તેમને સીધું નુકસાન કરે છે. વળી તેઓ રોગનાં જંતુઓના વાહક પણ હોઈ રોગનો ફેલાવો પણ કરે છે. આવા બાહ્ય પરોપજીવીઓના નિયંત્રણ માટે ભલામણ મુજબ કીટનાશક દવાઓનો છંટકાવ જરૂરી છે.

(5) ક્ષતિજન્ય (deficiency)  રોગો : કૅલ્શિયમ અને ફૉસ્ફરસની ક્ષતિ(ઊણપ)ના કારણે સુકતાન, અસ્થિમૃદુતા અને અસ્થિછિદ્રલતાના રોગો થાય છે. વળી કોબાલ્ટ, કૉપર, આયોડિન, લોહ, સેલેનિયમ-વિટામિન એ, ઈ તથા ડીની ઊણપથી થાય છે. આ રોગો અટકાવવા માટે ખોરાકમાં ક્ષાર, કાર્બોદિત પદાર્થો વગેરે સમતુલિત પ્રમાણમાં હોવા જોઈએ.

ગુજરાતના પશુમેળા / બળદ-ખરીદીનાં સ્થળો : ખેડૂતો જરૂરિયાત મુજબ ગોધલા-બળદો ગ્રામીણ કે શહેરી ગુજરીમાંથી અથવા પશુમેળાઓમાંથી ખરીદતા હોય છે. આવી ગુજરીઓ ચોક્કસ દિવસે ભરાતી હોય છે. પશુમેળાઓ પણ આયોજનપૂર્વક યોજાતા રહેતા હોય છે.

અશોકભાઈ પટેલ

પૂનમભાઈ તળપદા

અરવિંદકુમાર જ. પંડ્યા