બલૂચી ભાષા અને સાહિત્ય

January, 2000

બલૂચી ભાષા અને સાહિત્ય : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની ભાષા. ઇન્ડોયુરોપિયન કુળની ઇન્ડોઇરાનિયન શાખાની તથા ‘બલોચી’ કે ‘બેલૂચી’ તરીકે ઓળખાતી આ ભાષા 32 લાખથી વધુ ભાષકો બોલે છે. પડોશના દેશો ઈરાન, અફઘાનિસ્તાન બેહરીન અને ભારતના પંજાબ ઉપરાંત દક્ષિણ તુર્કમેનિસ્તાનમાં આવેલ મર્વમાં પણ તે બોલાય છે. અફઘાનિસ્તાનના નૈર્ઋત્ય વિભાગમાં બલૂચી બોલનાર લોકો ઠેરઠેર જોવા મળે છે. ઓમાનમાં તેમની સંખ્યા ઠીકઠીક છે. દક્ષિણ અરેબિયામાં કેટલાંક શેખશાસિત રાજ્યોમાં બલૂચી વેપારીઓ સ્થિર થયા છે. તેઓ આફ્રિકાના પૂર્વ કિનારે પણ વસ્યા છે. સુલેમાની અને મકરાણી તરીકે ઓળખાતા લોકોની તે માતૃભાષા છે. નજીકની પાશ્તો કરતાં કુર્દિશ ભાષાને તે વધુ મળતી આવે છે. મૂળ ઈરાનના ઉચ્ચપ્રદેશમાંથી કે પછી કાસ્પિયન સમુદ્રની વસાહતોમાંથી બલોચ લોકો સુલેમાન પર્વતના ઢોળાવો અને ખીણમાં આવીને વસ્યા હશે તેમ મનાય છે, ભાષાશાસ્ત્રીઓના મત મુજબ બલૂચીમાં પૂર્વની ટેકરીઓની, રાકશાની, સરવાની, કેચી, લોતની અને દરિયાકિનારાના પ્રદેશની બોલીઓનો સમાવેશ થાય છે. કુર્દિશની જેમ બલૂચી ભાષા આધુનિક ફારસીને ખૂબ મળતી આવે છે. જોકે ભાષાશાસ્ત્રીઓનો એક મત એવો પણ છે કે બલૂચી ભાષા ફારસીમાંથી ઉદભવી નથી. બંને પ્રાચીન ભાષા છે. આમ બલૂચી ભાષા ઝેંદ અથવા જૂની બ્રાસ્ત્રીને વિશેષ મળતી આવે છે. બલૂચી ભાષામાં ફારસી ઉપરાંત સિંધી, અરબી, બ્રાહ અને ઉર્દૂ ભાષાના શબ્દો પણ છે. આ ભાષામાં ‘ઈ’ જેવો સ્વર અને ‘થ’ તથા ‘ફ’ જેવાં સંઘર્ષી વ્યંજનો (fricatives) નથી. એની લિપિ પાશ્તો અને કુર્દિશની જેમ પર્સો-અરેબિક છે.

સાહિત્ય : બલૂચી ભાષાનું  ગદ્યસાહિત્ય ઘટના અને વાર્તાઓ પૂરતું સીમિત છે. જોકે એનું પદ્ય વિષયવૈવિધ્ય દર્શાવે છે. શરૂઆતનું પદ્ય લોકગીતોથી સભર છે. 1487 પછી યુદ્ધ કાવ્ય-રચનાઓનો વિષય બને છે. મીર ગવાહિરામ, લાશારી, નૌદ બંદરા, બેબર્ગ, શહ મુરીદ, હાની શાહદાદ, માહનાઝ, ઉમરખાં નોહાની, બાલાચ અને દૂદા વગેરે સુદીર્ઘ યુદ્ધ-કાવ્યોની રચના માટે નોંધપાત્ર છે. રિંશ અને લાશારી કબીલાઓની વચ્ચે 30 વર્ષનો સંઘર્ષ હાનીશાહ મુરીદના અમર પ્રેમની ગાથા, બેબર્ગ તથા ગિરાનાઝનું આખ્યાન, શાહદાદ તથા માહનાઝની વિરહકથા, પાણીપતની લડાઈમાં શાહદાદ તથા એના અનુયાયીઓની વીરતા ઉચ્ચ કોટિની યુદ્ધ-કવિતાની વિષયસામગ્રી બને છે. અહીં ફારસીના છંદોનું વૈવિધ્ય નથી. જોકે કદીક વેદના અને ક્યારેક ઉલ્લાસ વ્યક્ત કરતાં આ ગીતો, મેળા તથા મહેફિલોમાં આદરપૂર્વક ગવાય છે.

અઢારમી સદીમાં બલૂચ ભાષામાં પ્રણયકવિતા આગવી તરી આવે છે. સૌંદર્ય અને પ્રેમથી ભર્યાં ભર્યાં આ કાવ્યોમાં કેશ, કપોલ અને ઓષ્ઠનાં વર્ણનો આવે છે. આ સમયની કવિતા સૌંદર્યની સ્વચ્છ અનુભૂતિ કરાવતી તથા પ્રિયતમાના વિયોગનું દુ:ખ ભોગવતા હૃદયની કવિતા છે. પ્રણયગીતોના બેનમૂન કવિ જામ દરક છે. મીર નસીરખાં હૂરીના દરબારના આશ્રિત આ કવિ ‘શાયરોં કા શાયર’ તરીકે ઓળખાય છે. આ સમયના બધા કવિઓ કોઈ લૌકિક પ્રિયતમાની શોધમાં જ વ્યસ્ત છે તેમ નથી. પ્રિયતમાને નિમિત્ત કરી અભિવ્યક્ત થતી આ કવિતા અહીં સૂફી કવિતાની સીમા સુધી પહોંચતી હોય તેમ લાગે છે. આ સમયના પ્રસિદ્ધ કવિઓમાં તવક્કુલી, મુલ્લા ફાઝિલ, સીમક, મુલ્લા કરીમદાદ, ઇજ્જત ઇન્ઝત, પંજગોરી, મુલ્લા બહરામ, મુલ્લા કાસિમ તથા મલિક દીનારનાં નામ નોંધપાત્ર છે.

અંગ્રેજોના સંપર્કમાં આવ્યા બાદ બલૂચી સાહિત્યના સ્વરૂપને નવી દિશા સાંપડે છે. પશ્ચિમની અસર તળે સાહિત્યસર્જન કરતા કવિઓમાં જૈસુર, આઝાદ જમાલદીની, મુહમ્મદ હુસેન ઉનકા તથા જવાં સાલે ઉલ્લેખનીય છે. રહમ અલી અને બઝલાઝની શૈલી તથા ભાષામાં આ અસર સ્પષ્ટ દેખાય છે. આ પ્રકારના સાહિત્યે બલૂચી પ્રજાને અસ્મિતા અને ગૌરવ બક્ષ્યાં. સ્વતંત્રતાની દેવીની પ્રશંસા માટે ગીતો રચાવા લાગ્યાં. આથી જનતાને સ્વાતંત્ર્ય-યુદ્ધ માટે તૈયાર થવાની પ્રેરણા મળી. 1947 પછી પાકિસ્તાનના અન્ય પ્રાંતોની ભાષાઓની જેમ બલૂચી ભાષાને પ્રગતિ માટે તક મળી છે. રેડિયો પાકિસ્તાન, કવેટાના શરૂ થવાથી બલૂચી સાહિત્યકારોનો ઉત્સાહ સ્વાભાવિક જ વધી ગયો છે.

નવોદિત લેખકોમાં મુરાદ સાહિર, ઇસહાખ શમીમ, અબ્દુર્રહીમ સાબિર, અહમદ ઝહીર, ઝહૂર શાહ હાશિમી, અનવર ખહતાની, મલિક સઈદ, અહમદ જિગર, શૌકત હસરત, અકબર બલોચ, નાગુમાન, દોસ્તમુહમ્મદ બેકસ, આઝિઝ રૌનક બલોચ તથા અતાશાદ ઉલ્લેખનીય છે. આ સૌ કવિઓ નવા વાસ્તવિક વલણને અપનાવે છે અને નવા વિચારોનું સ્વાગત કરે છે.

વિ. પ્ર. ત્રિવેદી