બલૂચિસ્તાન : પાકિસ્તાનના ચાર પ્રાંતોમાંનો એક પ્રાંત. દેશની નૈર્ઋત્ય દિશામાં 28° ઉ. અ. અને 67° પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 3,47,200 ચોકિમી. તથા તેની કુલ વસ્તી આશરે 43,32,000 (1991) જેટલી છે. તેની પશ્ચિમે ઈરાન, ઉત્તરે

બલૂચિસ્તાનના રણની એક ઝાંખી

અફઘાનિસ્તાન,  ઈશાનમાં પાકિસ્તાનનો પંજાબ પ્રાંત, પૂર્વમાં પાકિસ્તાનનો સિંધ પ્રાંત તથા દક્ષિણે અરબ સાગર આવેલાં છે. તેનો મોટાભાગનો વિસ્તાર પહાડી તેમજ રણપ્રદેશ હોવાથી પ્રાંતમાં વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી.એ 12 જેટલી છે. ગ્વાડર એ તેનું મહત્વનું બંદર છે. વ્યૂહાત્મક ર્દષ્ટિએ મહત્વનું ગણાતું આ બંદર અરબ સાગર તથા હોરમુઝની સામુદ્રધુની પર આવેલું છે.

અહીંના મોટાભાગના લોકો ઇસ્લામ ધર્મના અનુયાયીઓ છે. મુસ્લિમ વસ્તીમાં પણ લગભગ 95 % સુન્ની મુસલમાનો છે. લોકોની મુખ્ય ભાષા બલૂચી છે. મોટાભાગની વસ્તી વિચરતી જાતિની છે, તેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. થોડાક લોકો ખેતી કરીને પોતાની આજીવિકા મેળવે છે. કૃષિપેદાશોમાં ડાંગર, મકાઈ, ફળફળાદિ તથા શાકભાજી મુખ્ય છે. ઔદ્યોગિક પેદાશોમાં પ્રક્રમણ કરેલા ખાદ્યપદાર્થો, ગાલીચા, ચટાઈઓ, ચામડાની પેદાશો, છડેલા ચોખા તથા ભરતકામ કરેલાં કપડાંનો સમાવેશ થાય છે. ઈશાનમાં આવેલું ક્વેટા તેનું પાટનગર છે. તેની વસ્તી 2,85,719 છે (1991).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે