બલૂચિથેરિયમ

January, 2000

બલૂચિથેરિયમ : એકી આંગળાંવાળું તૃણભક્ષી વિલુપ્ત પ્રાણી. તે અંતિમ ઑલિગોસીન અને પ્રારંભિક માયોસીન કાળમાં અસ્તિત્વ ધરાવતું હતું. તેના જીવાવશેષો એશિયાઈ ખડકસ્તરોમાંથી મળી આવે છે. તે વર્તમાન પૂર્વે 2.6 કરોડ વર્ષ અગાઉ વિલુપ્તિ પામ્યું છે. આ પ્રાણીને આજના ગેંડા સાથે સરખાવી શકાય; પરંતુ તે શિંગડા વગરનું હતું. તે તત્કાલીન ભૂમિ પર વિચરતાં પ્રાણીઓમાં મોટામાં મોટું સસ્તન પ્રાણી ગણાતું હતું. ખભા સુધીની તેની ઊંચાઈ 5.5 મીટર જેટલી હતી. તેની ખોપરીનો ભાગ 1.2 મીટર જેટલી લંબાઈનો હોવા છતાં તેના દેહના પ્રમાણમાં ઘણો નાનો હતો. તેના આગલા પગ પાછલા પગની સરખામણીમાં લાંબા હતા, ડોક પણ લાંબી હતી. શરીરના આગલા ભાગની તેની વધુ ઊંચાઈને કારણે તે વૃક્ષોનાં ડાળાં-પાંદડાં ચરી શકતું  હતું. તેના ચારેય પગના ભાગો માંસલ અને ભરાવદાર તેમજ મજબૂત હતા. ઑલિગોસીન કાળમાં એનું સમકક્ષ ‘ઇન્દ્રિકોથેરિયમ’ નામનું બીજું પણ એક પ્રાણી હતું.

બલૂચિથેરિયમ

ગિરીશભાઈ પંડ્યા