બર્લિન કૉંગ્રેસ

January, 2000

બર્લિન કૉંગ્રેસ (1878) : યુરોપનાં આગેવાન રાષ્ટ્રોના પ્રતિનિધિઓની 1878માં બર્લિન ખાતે યોજાયેલી પરિષદ. બાલ્કન પ્રદેશોમાં તુર્કીનાં દમનકારી પગલાં(1877)ને કારણે રશિયા અને તુર્કી વચ્ચે વિગ્રહ થયો, જેમાં રૂમાનિયા, સર્બિયા અને મોન્ટીનિગ્રો પણ જોડાયાં. છેવટે માર્ચ 1878માં રશિયાએ તુર્કીને પરાસ્ત કરીને સાન સ્ટીફેનો ખાતે સમજૂતી કરવા ફરજ પાડી. આને લીધે રશિયાની બાલ્કન પ્રદેશોમાં વધતી જતી વગથી ચિંતાતુર બનેલાં બ્રિટન તેમજ ઑસ્ટ્રિયાએ સાન સ્ટીફેનોની સંધિ અંગે ફેરવિચારણા કરવા માટે સમગ્ર યુરોપના આગેવાન દેશોની પરિષદ બોલાવવા માટે માગણી કરી. પરિણામે જૂન–જુલાઈ 1878માં જર્મનીના બર્લિનમાં ઉપર્યુક્ત કૉંગ્રેસ મળી.

આ બર્લિન કૉંગ્રેસમાં જર્મનીના ચાન્સેલર બિસ્માર્કે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પરિષદે અગાઉની (સાન સ્ટીફેનો) સંધિમાં સારાં એવાં પરિવર્તનો કર્યાં. તદનુસાર બલ્ગેરિયાને ત્રણ પ્રાદેશિક વિસ્તારોમાં વિભાજિત કરી નવું રાજ્ય રચવામાં આવ્યું. તેનો મેસેડોનિયન પ્રદેશ તુર્કીને પરત કરવામાં આવ્યો અને તેની દક્ષિણે આવેલ પૂર્વ રુમેલિયાનો નવો અને સ્વાયત્ત પ્રદેશ રચવામાં આવ્યો. સર્બિયા તેમજ મોન્ટીનિગ્રોને કેટલોક પ્રદેશલાભ થયો. ઑસ્ટ્રિયાને બોસ્નિયા-હર્ઝેગો વિનાના પ્રદેશો મળ્યા. રુમાનિયાને રશિયા પાસેથી બેસારેબિયાને બદલે દોબ્રુજનો બે તૃતીયાંશથી પણ વિશેષ પ્રાદેશિક વિસ્તાર મળ્યો. રશિયાને દક્ષિણ બેસારેબિયા તેમજ કૉકેસસના વિસ્તારો મળ્યા; પરંતુ તેના બલ્ગેરિયન વિસ્તારો પર કાપ મૂકવામાં આવ્યો. બ્રિટનને પણ પૂર્વ ભૂમધ્ય-વિસ્તાર તેમજ સુએઝ નહેર પર નિયંત્રણ રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવું સાયપ્રસ મળ્યું.

બર્લિન કૉંગ્રેસનાં પરિણામો તપાસતાં જણાય છે કે બાલ્કન પ્રશ્નને થાળે પાડવામાં થોડાક સમય માટે પણ આ પરિષદને સફળતા મળી શકી. તેના નિર્ણયને કારણે જ બાલ્કન વિસ્તારમાં સ્થાનિક સત્તા-સમતુલા ઊભી થવા પામી. વળી સર્બિયા, રુમાનિયા તેમજ બલ્ગેરિયાને તુર્કીના આધિપત્ય નીચેથી મુક્ત થવા મળ્યું. જોકે આ પરિષદને લીધે રશિયાને ઘણું સહન કરવું પડ્યું, જેમાં મહાસત્તાઓ સાથેના સંબંધોમાં ઊભી થયેલ કડવાશ તેમજ બિસ્માર્ક પાસેથી ધાર્યો લાભ મેળવવાથી વંચિત રહેવાની બાબતનો સમાવેશ થાય છે. આ કારણથી રશિયાના પક્ષે ઘણું દુ:ખ ઊભું થયું હતું. ‘ત્રણ સમ્રાટોના સંઘ’માં પેદા થયેલા ભંગાણને બર્લિન કૉંગ્રેસનું મહત્વનું અને તાત્કાલિક પરિણામ કહી શકાય.

કનુભાઈ ચં. બારોટ