બર્ન્સ, આર્થર ફ્રૅન્ક

January, 2000

બર્ન્સ, આર્થર ફ્રૅન્ક (જ. 1904, સ્ટાનિસ્લાવ, ઑસ્ટ્રિયા; અ. 1987) :  અર્થતંત્રમાં અવારનવાર ઉદભવતાં વ્યાપારચક્રીય પરિવર્તનોની આગાહીને લગતા વિશ્લેષણના નિષ્ણાત. ઉચ્ચશિક્ષણને લગતી બધી જ પદવીઓ તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. 1934માં તેમણે વ્યાપારચક્રીય પરિવર્તનોના વૈશ્વિક અધ્યયનને આધારે રજૂ કરેલ મહાનિબંધ પીએચ.ડી.ની પદવી માટે માન્ય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ તેમની માતૃસંસ્થા કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા (1933–62). 1953–56ના ગાળામાં તેઓ રાષ્ટ્રપ્રમુખ આઇઝનહોવર અને ત્યારબાદ રિચર્ડ નિક્સનની આર્થિક સલાહકાર સમિતિના પ્રમુખ હતા. 1957–67ના દાયકા દરમિયાન તેઓ નૅશનલ બ્યૂરો ઑવ્ ઇકોનૉમિક રિસર્ચ(NBER)ના અધ્યક્ષ રહ્યા. 1959માં તેમની અમેરિકન ઇકોનૉમિક એસોસિયેશનના પ્રમુખપદે વરણી થઈ. 1970–78 દરમિયાન તેઓ અમેરિકાની મધ્યસ્થ બૅંક ફેડરલ રિઝર્વ સિસ્ટમના ચૅરમૅનપદે રહ્યા. ત્યાં તેમણે કરેલું કાર્ય પ્રશંસાપાત્ર બન્યું હતું. 1981–85 દરમિયાન તેઓ પશ્ચિમ જર્મનીમાં અમેરિકાના રાજદૂત હતા.

પીએચ.ડી.ની પદવી માટે 1934માં તેમણે જે મહાનિબંધ રજૂ કર્યો તેનું મુખ્ય તારણ એ હતું કે ઔદ્યોગિક એકમોની સ્થાપનાના શરૂઆતના તબક્કામાં તેમના વિકાસમાં જે ઉછાળ દેખાય છે તે ત્યારપછીના તબક્કામાં ક્રમશ: મંદ થતો જાય છે. જોકે તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આને કારણે સમગ્ર અર્થતંત્રનો વિકાસ ધીમો પડે છે એમ કહી શકાય નહિ, કારણ કે એક તરફ અગાઉ સ્થપાયેલા કેટલાક ઉદ્યોગોનો વિકાસ મંદ થતો હોય તોપણ અર્થતંત્રમાં નવા ઉદ્યોગોનો ઉમેરો થતો જાય છે.

ત્યારબાદ 1946માં વેસલી મિટ્શેલ સાથે સંયુક્ત રીતે તેમણે લખેલા ગ્રંથમાં તે પૂર્વેનાં વ્યાપારચક્રોનું વિસ્તૃત વિશ્લેષણ અને વિવરણ કરવામાં આવ્યું છે. તેમનો આ ગ્રંથ નફો કમાવાના ધ્યેયથી પર રહીને કામ કરતી નૅશનલ બ્યૂરો ઑવ્ ઇકોનૉમિક રિસર્ચ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. બર્ન્સ અને મિટ્શેલના સંશોધનને આધારે આ સંસ્થા હવે અમેરિકાના અર્થકારણના ઉતાર-ચડાવની આગાહી કરવાનું કાર્ય કરે છે.

પીએચ.ડી.ના મહાનિબંધ ઉપરાંત બર્ન્સનાં બે અન્ય નોંધપાત્ર પ્રકાશનો છે : ‘પ્રોડક્શન ટ્રેન્ડ્ઝ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ સિન્સ 1870’ (1934) અને ‘મેઝરિંગ બિઝનેસ-સાઇકલ્સ’ (1946).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે