બર્ની, ચાર્લ્સ (જ. 1726, શૉર્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1814) : નિપુણ સંગીતશાસ્ત્રી. પ્રારંભમાં તેમણે ડુરી લેન માટે ‘આલ્ફ્રેડ’, ‘રૉબિન હુડ’ અને ‘ક્વીન મૅબ’ નામની 3 સંગીતરચનાઓ 1745થી ’50 દરમિયાન તૈયાર કરી. 1751–60ના ગાળામાં તેમણે નૉર્ફોક ખાતેની ‘કિંગ્ઝ બિન’ સંસ્થામાં ઑર્ગેનિસ્ટ તરીકે કામગીરી કરી. 1770થી ’72ના ગાળા દરમિયાન ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને ઑસ્ટ્રિયાનો વ્યાપક પ્રવાસ ખેડ્યો અને તે સંશોધન-પ્રવાસ દરમ્યાન સાંપડેલી મહત્વની આધારભૂત સામગ્રીના આધારે 1776–89ના લાંબા ગાળા દરમિયાન તેમણે ‘જનરલ હિસ્ટરી ઑવ્ મ્યૂઝિક’ જેવો અભ્યાસગ્રંથ તૈયાર કરી પ્રગટ કર્યો; તે કેટલાય દાયકા સુધી સંગીત વિશેનું આધારભૂત પુસ્તક બની રહ્યું. 1783માં તેમણે ચેલ્સી હૉસ્પિટલ માટે ઑર્ગેનિસ્ટ તરીકે કામગીરી બજાવી.

મહેશ ચોકસી