બર્કલી : પશ્ચિમ કૅલિફૉર્નિયામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 52´ ઉ. અ. અને 122° 16´ પ. રે. તે સાન ફ્રાન્સિસ્કોના ઉપસાગર પર, સાન ફ્રાન્સિસ્કો શહેરથી 13 કિમી. અંતરે અલામેડા પરગણામાં આવેલું છે. આ શહેર અત્યંત સુંદર છે. તે ઉપસાગરના કિનારા પાસેથી શરૂ થાય છે અને શહેરની પૂર્વ તરફ આવેલી બર્કલી ટેકરીઓમાં 400 મીટરની ઊંચાઈ પર પૂરું થાય છે. 1853માં તે જ્યારે વસ્યું ત્યારે સ્પૅનિશ મિલકતનો એક ભાગ હતું. તેનું બર્કલી નામ આયરિશ ફિલસૂફ અને પાદરી જ્યૉર્જ બર્કલીના નામ પરથી અપાયેલું છે. ધીમે ધીમે તેની વસ્તી વધતી ગઈ અને 1909માં તેને શહેરનો દરજ્જો મળ્યો. આ શહેરનો વહીવટ શહેરી સત્તામંડળ તેમજ શહેર-પ્રબંધક દ્વારા કરવામાં આવે છે.

બર્કલી રહેણાક ઉપરાંત ઉદ્યોગ તથા શિક્ષણનું કેન્દ્ર પણ બની રહેલું છે. 1873માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીનું મથક જે ઑકલૅન્ડ ખાતે હતું તે ખેસવીને અહીં બર્કલી ખાતે લાવવામાં આવેલું છે. અહીં ઘણી ધાર્મિક સંસ્થાઓ તેમજ પાદરીઓની તાલીમી શાળા પણ છે. શહેરનાં જોવાલાયક સ્થળોમાં સધર ટાવર, 94 મીટર ઊંચાઈ ધરાવતો કેરિલૉન ટાવર, સ્ટ્રૉબરી કૅન્યન રિક્રિયેશન એરિયા, વનસ્પતિઉદ્યાન, 3400 પ્રેક્ષકોની બેઠકક્ષમતા ધરાવતું બર્કલી કૉમ્યુનિટી થિયેટર, પ્રખ્યાત લૉરેન્સ રેડિયેશન લૅબોરેટરી, લૉરેન્સ હૉલ ઑવ્ સાયન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ શહેર યુ.એસ.ના 40 અને 50 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તેમજ 80 નંબરના રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પર આવેલું છે.

અહીં આવેલા ઉદ્યોગોમાં છાપકામ, પ્રકાશન, સંશોધન અને વિકાસ, ઔષધનિર્માણ, સાબુ, પ્રક્રમિત ખોરાકી ચીજો, સુતરાઉ કાપડ-ઉદ્યોગ, કપડાં, લાકડાં અને લાકડાંની ચીજો, રાચરચીલું, કાગળના માવાની પેદાશો, ધાતુમાળખાં, યંત્રસામગ્રી, વૈજ્ઞાનિક સાધનો, રસાયણો, ચામડાનો સામાન, પથ્થરો, માટી તેમજ કાચના માલનો સમાવેશ થાય છે.

1960ના દાયકા દરમિયાન આ શહેર, વિશેષે કરીને યુનિવર્સિટી વિસ્તાર વિયેટનામ ખાતે યુ.એસ. લશ્કરી કામગીરીમાં સામેલ થવા માટે રાજકીય દેખાવો અને પ્રવૃત્તિઓનું મથક બની રહેલો. આ શહેરની વસ્તી 1,03,000 (1990) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા