બરુવા, અજિત (જ. 1928) : અસમિયા કવિ. કૉટન કૉલેજ ગુવાહાટીમાંથી અંગ્રેજી ઑનર્સ સાથે બી.એ. થઈ કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. પરીક્ષા 1947માં પસાર કરી. એ પછી થોડો સમય કૉટન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કરી આસામ સરકારની સિવિલ સર્વિસમાં 1952થી જોડાયા. પૅરિસમાં બે વર્ષ વહીવટ વિશેનું પ્રશિક્ષણ લીધા પછી સરકારમાં જુદા જુદા ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરી હવે નિવૃત્ત. સરકારી અધિકારી એવા કવિને વૃક્ષઉછેરનો શોખ છે.

અજિત બરુવા

તેમની કાવ્યકૃતિઓ અલ્પસંખ્ય છે. શરૂમાં તેમની કવિતા થોડી ઉપેક્ષિત રહી, પણ પછી તેઓ આધુનિક અસમિયા કવિતાના મહત્વના હસ્તાક્ષર ગણાયા. એમની કવિતા ચિંતનપ્રવણ કવિતામાં ઇન્દ્રિયવ્યત્યય જોવા મળે છે. ‘દુ:ખર કવિતા’, ‘મન-ર્કુંવલી સમય’, ‘એજોર તામર અર્ધાં’ આદિ રચનાઓ બહુચર્ચિત છે. કવિતા માટે તેમને સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

ભોળાભાઈ પટેલ