બરાસ-કસ્તૂરી : મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાકાર શામળે (વાર્તાસર્જનકાળ : ઈ. સ. 1718થી ઈ. સ. 1765 નિશ્ચિત) લખેલી પદ્યવાર્તા. તેની  કથા આવી છે : કોસાંબી નગરીના રાજા ચિત્રસેનને તિલોત્તમા અપ્સરાએ 14 વર્ષના કુટુંબવિયોગનો શાપ આપ્યો. ચિત્રસેનની રાણી સગર્ભા બની. એને લોહીના સરોવરમાં સ્નાન કરવાની ઇચ્છા થતાં રાજાએ સરોવરમાં ગુલાલ અને બરાસ-કસ્તૂરી જેવાં સુવાસિત દ્રવ્યો નંખાવ્યાં. રાણી એ સરોવરમાં સ્નાન કરતી હતી ત્યારે ગરુડ પક્ષી માંસ સમજી સગર્ભા રાણીને ઉઠાવી ગયું, પરંતુ માંસનો લોચો નથી એવું લાગતાં રાણીને વનમાં પડતી મૂકી. નજીકના આશ્રમમાં રાણીને આશ્રય મળ્યો. 10 માસે પુત્ર જન્મ્યો તેનું નામ બરાસ પાડ્યું. બરાસ મોટો થયો. એણે એક નાગને મદારીના હાથમાંથી છોડાવ્યો. બદલામાં બરાસે માતાએ આપેલું કંકણ તેને આપ્યું. નાગે વગાડતાં હાજર થશે, એવા વચન સાથે ચમત્કારી વાંસળી આપી. મદારી પાસેના કંકણથી રાજા ચિત્રસેનને રાણીની ભાળ મળી અને 14 વર્ષના વિયોગ પછી રાજા-રાણી મળ્યાં. બરાસ અને મિત્ર બુદ્ધિસાગર વનમાં ગયા. બરાસે ફેંકેલો પથ્થર એક તપસ્વીને લાગતાં તપસ્વીએ કહ્યું : ‘પરાક્રમ કરવું જ હોય તો રાજા કપૂરસેનની પુત્રી કસ્તૂરીનું મન જીતી લગ્ન કર.’ બરાસ અને બુદ્ધિસાગર કસ્તૂરીને દેશ જવા નીકળ્યા. રસ્તામાં સોરઠ દેશના સુતાર પ્રાણધરનું યાંત્રિક અમાનવીય દરબારીઓવાળું નગર આવ્યું. કોઈ બીજું જીવતું માણસ ન હોવાનું અને યાંત્રિક માણસો બનાવ્યાનું કારણ આપતાં પ્રાણધરે જણાવ્યું કે તે અને તેનો ભાઈ દેવધર કળથી ઊડતા યાંત્રિક ઘોડા બનાવીને, તેની મદદથી રાજભંડાર લૂંટતા હતા; પરંતુ એક દિવસ વનમાં બંને ભૂલા પડી જુદા પડી ગયા. દિવ્યપુરુષે દેવધરને કહ્યું કે પશ્ચિમમાં આવેલી આશાપુરી નગરી ખાલી છે તેમાં રાજ કરવું. આથી દેવધર આશાપુરી આવ્યો અને યાંત્રિક માનવો-પશુઓ બનાવ્યાં.

બરાસ અને બુદ્ધિસાગર આશાપુરીથી કસ્તૂરીનગરમાં આવ્યા અને માલણના ઘરે રહી વીગત જાણી કે રાજકુમારીને પૂર્વભવની સ્મૃતિ હતી. તે હંસી હતી તથા હંસને ઝંખતી હતી. બરાસે ખાતરી કરાવી કે તે પોતે પૂર્વભવમાં હંસ હતો. આથી બરાસ-કસ્તૂરીનાં લગ્ન થયાં. ત્રણ માસ પછી કોસાંબી જવાનું થયું ત્યારે કસ્તૂરીએ કહ્યું કે તેના પિતા પાસે પ્રાણધર નામનો સુતાર છે તે યંત્રથી ઊડતો ઘોડો બનાવી આપશે. દેવધરના ખોવાયેલા ભાઈની આ રીતે ભાળ મળી અને પ્રાણધરે બનાવેલા યાંત્રિક ઘોડા પર બેસી બરાસ, કસ્તૂરી અને બુદ્ધિસાગર તથા સુતાર પ્રાણધર કોસાંબી જવા નીકળ્યાં. યાંત્રિક ઘોડો સમુદ્ર પરથી પસાર થતો હતો ત્યારે યાંત્રિક ખામીને કારણે પડ્યો. કસ્તૂરીને મચ્છ ગળી ગયો. બરાસ લાકડાને વળગી નિર્જન બેટમાં આવ્યો. એણે ચમત્કારી વાંસળી વગાડતાં નાગને બદલે જાદુઈ દોરો આવ્યો અને બરાસના જમણા પગના અંગૂઠે બંધાતાં તે પોપટ બની ગયો. આકાશવાણીએ કહ્યું : ‘તને પાંખ મળી છે, જવું હોય ત્યાં ઊડીને જા. દોરો છોડતાં મૂળ રૂપ મળશે.’ આ બાજુ મચ્છને માછીએ પકડ્યો ને તેના પેટમાંથી બેભાન કસ્તૂરી નીકળી તે રાજાને આપી. રાજાએ કસ્તૂરીને સાજી કરી અને દેશમાં પહોંચવા વહાણમાં બેસાડી.

સમુદ્રમાં ડૂબતા પ્રાણધર અને બુદ્ધિસાગર લાકડે વળગી કાંઠે પહોંચ્યા અને આશાપુરી આવ્યા. દેવધર અને પ્રાણધર મળ્યા. બુદ્ધિસાગરને કોસાંબી જવાની વ્યવસ્થા કરી. પોપટ બનેલો બરાસ કસ્તૂરી જતી હતી તે વહાણમાં ચડી ‘કસ્તૂરી-કસ્તૂરી’ બોલવા લાગ્યો. આથી કસ્તૂરીએ પોપટને પકડ્યો અને પગનો દોરો છોડ્યો. પતિ-પત્ની મળ્યાં, કોસાંબી આવ્યાં. પરંતુ બુદ્ધિસાગર હજુ કોસાંબી પહોંચ્યો ન હતો એથી બરાસ કસ્તૂરીને ઊંઘતી છોડીને બુદ્ધિસાગરને શોધવા નીકળ્યો. જાગી ગયેલી કસ્તૂરી પણ પુરુષવેશે પતિને શોધવા નીકળી અને વીરભદ્રના રાજ્યમાં નોકરી કરવા લાગી. વીરભદ્રને તે સ્ત્રી છે એવો વહેમ પડતાં ગણિકાને બોલાવી. કસ્તૂરીએ બહાનું બતાવ્યું કે મૃગલીના શાપને કારણે પત્ની સિવાય સ્ત્રીસુખ માણતાં મૃત્યુ થાય. કસ્તૂરીએ વીરભદ્રનું રાજ્ય છોડ્યું અને કામસેન બનીને માલણના ઘરે આવી. અહીં ચંદ્રસેન રાજાની કુંવરીએ ‘કડવીનાં ફળ મીઠાં એ કેવી રીતે ?’ એવી સમસ્યાનો ઉકેલ આપનાર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કામસેનરૂપી કસ્તૂરીએ સમસ્યા ઉકેલી. રાજકુંવરી લગ્ન કરવા તૈયાર થતાં ખરી હકીકત જણાવી.

બુદ્ધિસાગર અને દેવધર બરાસ-કસ્તૂરીની શોધમાં નીકળ્યા હતા. તેમને ધર્મશાળામાં કસ્તૂરીનો ભેટો થયો. ત્યાંથી ત્રણેય ઋષિના આશ્રમે આવ્યાં. બરાસ પણ ત્યાં આવ્યો અને બધાંનું મિલન થયું. ઋષિના આશ્રમમાંથી સૌ કોસાંબી આવ્યાં અને બરાસે પરાક્રમથી રાજ્ય કરીને ચક્રવર્તીપદ ધારણ કર્યું અને બુદ્ધિસાગરને પોતાનો પ્રધાન બનાવ્યો.

બધા જ ઘટકો ‘કથાસરિત્સાગર’ જેવા સંસ્કૃત ભાષાના તથા ‘ઉપદેશપદ’ જેવા પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથમાં મળે છે અને ભારતની વિવિધ ભાષાઓની લિખિત પ્રવાહની અને કંઠપરંપરાની મધ્યકાલીન તથા આજ સુધીની લોકકથાઓમાં તેનો ઉપયોગ થયેલો જોવા મળે છે. વંદન ન કરવાના વિનયભંગે શાપનો ઘટક પુરુરવાકથામાં છે. એ કથા જ લાખા ફુલાણી સુધી વિસ્તરે છે. સગર્ભાનો રુધિરસ્નાનનો દોહદ, ગરુડ વડે અપહરણ, વનના આશ્રમમાં જન્મ, નાગની મુક્તિ અને વરદાન અને કંકણને આધારે પુનર્મિલન – એ ઘટકો વડે બનેલું સંપૂર્ણ કથાનક ‘કથાસરિત્સાગર’માં સહસ્રાણિક મૃગાવતીમાં મળે છે. શામળે નગરીનું નામ કોસાંબી રાખીને ઉદયનના જન્મની કથાનો જ સર્વાંશે ઉપયોગ કરી પાત્રનામ બદલ્યાં છે. આમાં પાત્રનામ અને ઉત્તરાર્ધની કથા પણ મૂળ ‘કર્પૂરમંજરી’ની જ ‘કથાસરિત્સાગર’માં આવતી કથા છે. એના દેહમાંથી કપૂરની સુવાસ પ્રગટતી હતી. શામળે અહીં કપૂરનું કસ્તૂરી કર્યું. આ કથા ગુજરાતના મધ્યકાલીન સાહિત્યના લિખિત પ્રવાહમાં તથા લોકપ્રવાહમાં પ્રચલિત હતી. નિર્જન નગરીમાં રાજ કરતા બે સુતારની કથા પણ ‘કથાસરિત્સાગર’માં મળે છે અને યાંત્રિક કબૂતર વડે રાજાની ડાંગરની ચોરીની કથા પ્રાકૃત ‘ઉપદેશપદ’માં ટીકા-વિવરણમાં મળતી કોડાસની કથામાં છે, જે પણ, ‘કથાસરિત્સાગર’ના રાજધર-દેવધર સુતારની કથાનો અનુબંધ ધરાવે છે.

આમ ‘બરાસ-કસ્તૂરી’ શામળે કરેલું સહસ્રાણિક–મૃગાવતી અને કર્પૂરમંજરી – એ બે કથાઓનું સંયોજન છે. સમય-પલટાની સાથે ભાષામાં અને સામાજિક પરિસ્થિતિ-પરિવેશાદિમાં પણ પલટા આવે છે તે આવી કથાઓમાં જોઈ શકાય છે.

હસુ યાજ્ઞિક