બબૂન : સસ્તન વર્ગની અંગુષ્ઠધારી (primate) શ્રેણીનું એક પ્રાણી. તેનું વર્ગીકરણ ઍન્થ્રોપૉઇડિયા ઉપશ્રેણીના કેટાહ્રિની કુળમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જૉન રે (1627–1705) નામના પ્રકૃતિવિદે બબૂનની ઓળખ સૌપ્રથમ આપી હતી. પ્રજાતિ પેપિયો હેઠળ બબૂનની પાંચ જાતિઓ જોવા મળી, જેમાં પ્રચલિત અને વિશાળ ફેલાવો ધરાવતી જાતિનું શાસ્ત્રીય નામ Papio hamadryas છે, જે આફ્રિકાનાં સવાનાનાં જંગલોમાં જોવા મળે છે. આધુનિક માહિતી મુજબ બબૂનની આ મુખ્ય જાતિના આઠ ઉપજાતિગત પ્રકારો છે, જે નીચે મુજબ છે :

(1) Papio hamadryas hamadryas : કદ નાનું, લંબાઈ 76 સેમી. પૂંછડીની લંબાઈ 61 સેમી. વજન 18 કિગ્રા. માદાનો રંગ બદામી અને નરનો રંગ ભૂખરો. નરમાં કેશવાળી મોટી. ચહેરો ગુલાબી રંગનો. વતન ઉત્તરીય સોમાલિયા અને ઉત્તર-પશ્ચિમી અરેબિયા (સામાન્ય નામ – સેક્રેડ બબૂન.)

(2) Papio hamadryas anubis : કદ મોટું, રંગ ઑલિવ ગ્રીન, ચહેરો કાળા રંગનો, નરમાં કેશવાળી મોટી. વતન – ઇથિયોપિયા અને કેન્યા. (સામાન્ય નામ – ઑલિવ બબૂન.)

(3) Papio hamadryas papio : કદ નાનું, રંગે લાલ, નર કેશવાળીયુક્ત. વતન – ગિની અને ગૅમ્બિયાના ટાપુઓ (સામાન્ય નામ – ગિની બબૂન.)

(4) Papio hamadryas cynocephalus : કદ મધ્યમ, હાથ – પગ લાંબા, રંગ પીળો, નરમાં કેશવાળીનો અભાવ. વતન – પૂર્વ આફ્રિકા. (સામાન્ય નામ – પીળો બબૂન.)

(5) Papio hamadryas bindae : કદ અતિશય નાનું, રંગ પીળો, ચહેરો ટૂંકો, વતન ઝામ્બિયા. (સામાન્ય નામ – વામન (dwarf) બબૂન.)

(6) Papio hamadryas ruaeana : કદ મધ્યમ, રંગ કાબરચીતરો બદામી, ચહેરો લાંબો, ગ્રીવાના પૃષ્ઠભાગે કલગી જેવી રચના. વતન દક્ષિણ અંગોલા અને દક્ષિણ-પશ્ચિમી આફ્રિકા (સામાન્ય નામ – કલહરી ચકમા બબૂન.)

(7) Papio hamadryas griseipes : કદ મોટું, રંગ ઘેરો પીળો, અન્ય રીતે ચકમા બબૂનને મળતા. વતન – રોડેશિયા અને મોઝામ્બિક. [સામાન્ય નામ – ધૂસરપદી (gray–footed) ચકમા બબૂન.]

(8) Papio hamadryas ursinus : સૌથી મોટા કદનાં બબૂન. શરીરનો રંગ કાળાશ પડતો બદામી, તેમજ હાથ અને પગ સંપૂર્ણપણે કાળા રંગના. વતન દક્ષિણ આફ્રિકા. [સામાન્ય નામ શ્યામપદી (black-footed) બબૂન.]

બબૂન ભરાવદાર દેહ ધરાવતું, સ્થળચર, ચતુષ્પાદ, ભૂખરા કે બદામી રંગનું સસ્તન પ્રાણી છે. જોકે તેની ત્વચાનો રંગ વૈવિધ્ય દર્શાવે છે. ખાસ કરીને પ્રાણીના હાથ, પગ, નિતંબ અને વક્ષબાજુનો રંગ ઉપરના ભાગ કરતાં સહેજ જુદો હોય છે. ત્વચા સામાન્ય રીતે ખરબચડી જોવા મળે છે. ચહેરાનો ભાગ આગળ પડતો, બહાર નીકળેલો અને અણીદાર. નાક મુખ સુધી લંબાયેલું હોય છે. તેના ભરાવદાર ગાલ અને તેની નીચે લટકતી કોથળીઓ ખાસ ધ્યાન ખેંચે તેવી હોય છે. તેની પૂંછડી ટૂંકી અને લાક્ષણિક રીતે વળેલી હોય છે. તેના રાક્ષીદાંતો (canines) મોટા હોય છે અને ઉપાંગો ખૂબ શક્તિશાળી હોય છે.

બબૂન

દક્ષિણ આફ્રિકામાં વ્યાપકપણે જોવા મળતી બબૂનની પ્રત્યેક ટોળીમાં પ્રાણીઓની સંખ્યા 20થી 80 જેટલી હોય છે અને આવી ઘણી ટોળીઓ એકસાથે વસવાટ કરે છે. દિવસ દરમિયાન તેઓ અલગ – અલગ ટોળીમાં વિચરે છે, જેમાં એક વિરાટકાય આગેવાન (પ્રભાવી) નર, અસંખ્ય પુખ્ત માદાઓ અને 18 માસથી નાનાં બચ્ચાંઓનો સમાવેશ થાય છે. ખોરાક મેળવવાની બાબતમાં તેઓ સ્પર્ધા ટાળે છે, પરંતુ રાત્રિના સમયે બધી ટોળીઓ એકત્રિત થઈ એક ઊંચા ખડક પર વિશ્રામ કરે છે. આ સમયે તેમની સંખ્યા 250થી 300 જેટલી હોઈ શકે છે. તેમની આ વર્તણૂક તેમના કુદરતી દુશ્મન સિંહ અને દીપડા સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટે હોવાનું માનવામાં આવે છે.

સામાન્ય રીતે બબૂન એક આક્રમક અને ભયંકર પ્રાણી છે. બબૂનની એક ખાસિયત ધ્યાન ખેંચે તેવી છે. એક વાર ટોળીની રચના થયા બાદ પ્રત્યેક સભ્ય, આગેવાન બબૂનને વફાદાર રહે છે. ખોરાકની શોધમાં નીકળેલી ટોળીમાં આગેવાન નર માદાઓ અને બચ્ચાંની વચ્ચે રહે છે. જ્યારે યુવાન અને નિર્બળ બબૂન બહારની તરફ રહે છે. તેમની મુખ્ય ફરજ ભયજનક સ્થિતિ વિશેની જાણકારી મેળવવાની રહે છે. ભયનો સંકેત મળતાની સાથે જ ટોળીની રચના બદલાય છે. આગેવાન નર મોખરે આવી ટોળીના રક્ષણની સંપૂર્ણ જવાબદારી ધારણ કરે છે. દિવસની લાંબી, નીરસ ભાગાદોડી બાદ, ટોળી જ્યારે જળાશય પાસે પહોંચે છે ત્યારે પણ ટોળીનાં તૃષાતુર સભ્યો દોડીને પાણી પીવાને બદલે આગેવાન નરના નિર્ભય સંકેતની રાહ જુએ છે. બબૂનની ટોળી પાકને પારાવાર નુકસાન પહોંચાડે છે.

બબૂન એક સર્વભક્ષી પ્રાણી છે. તેના ખોરાકમાં કંદ, મૂળ, ઘાસ, વટાણા, કીટકો, પક્ષીનાં ઈંડાં, વીંછી અને સાપનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કવચિત્ નાના હરણનો શિકાર કરતાં પણ જોવા મળે છે. બબૂનની પ્રત્યેક ટોળીને પોતાનું ચોક્કસ વનરાજિયુક્ત, મોટું ‘નિવાસસ્થાન’ હોય છે, જેનો ઘેરાવો આશરે 1.5 કિમી.નો રહે છે. તેમ છતાં ખોરાકની શોધમાં તેઓ 10 કિમી.ની ત્રિજ્યા ધરાવતા વિસ્તારને આવરી લે છે.

માદા 4થી 5 વર્ષમાં જાતીય પરિપક્વતા ધારણ કરે છે, જ્યારે નરને તે માટે 7થી 10 વર્ષનો સમય લાગે છે પરિણામે આ પ્રાણીની ટોળીમાં નરની સંખ્યા કરતાં માદાની સંખ્યા હમેશાં 2થી 3 ગણી જોવા મળે છે. બબૂનમાં નર અને માદાની જોડી કાયમી હોતી નથી. ઋતુચક્ર દરમિયાન પરિપક્વ માદામાં જનનાંગોની આજુબાજુનો પ્રદેશ ફૂલી જાય છે, જેના દ્વારા નરને પ્રજનનકાળનો ખ્યાલ આવે છે. ટોળીમાં પરિપક્વ માદા પ્રથમ સમાગમ હમેશાં પ્રભાવી નર સાથે કરે છે અને ત્યારબાદ તે અન્ય નર સાથે પ્રવૃત્ત થઈ શકે છે. આ પ્રાણીમાં ગર્ભવૃદ્ધિકાળ 6થી 7 માસનો હોય છે અને સામાન્ય રીતે માદા એક જ બચ્ચાને જન્મ આપે છે. આ પ્રાણીમાં ટોળીના સભ્યોને પરસ્પર સાંકળતું મહત્વનું પરિબળ, તેમની બાળ-સંભાળ કે પૈતૃકપાલનની વૃત્તિ કહી શકાય. બચ્ચાના જન્મ પછી માતા તેને એકાદ અઠવાડિયા સુધી, બીજા માદા પ્રાણીના સ્પર્શથી પણ દૂર રાખે છે ! વિકટ પરિસ્થિતિમાં તેનો હવાલો પિતા લે છે. બાળક સાથે ધીમી ગતિએ ચાલતી માતાને સાથ આપવા ટોળીના અન્ય સભ્યો પણ મંથર ગતિથી ચાલે છે. માતા પોતાના બચ્ચાની સંભાળ એકાદ વર્ષ સુધી રાખે છે અને તેને સ્તનપાન કરાવે છે. ત્યારબાદ તેને સ્વતંત્રપણે ખોરાક મેળવવા માટેનું શિક્ષણ આપે છે.

જંગલમાં ભટકતી બબૂનની ટોળી ઘોંઘાટિયાં પ્રાણીઓનો સમૂહ લાગે છે; પરંતુ તેમના જાતજાતના અવાજો તેમની વચ્ચેના સંદેશાની આપ-લે માટે, કે લાગણીની અભિવ્યક્તિ માટે અત્યંત જરૂરી હોય છે. અવાજ ઉપરાંત સંદેશાની આપ-લે કરવા માટે બબૂન અંગભંગ અને પૂંછડીનો પણ ઉપયોગ કરે છે. બબૂન એક ચાલાક, બુદ્ધિશાળી અને કેળવી શકાય તેવું પ્રાણી છે.

દિલીપ શુક્લ