બફેલો : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યનું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 53´ ઉ. અ. અને 78° 52´ પ. રે. તે યુ.એસ.–કૅનેડા સરહદે નાયગરા ધોધથી અગ્નિખૂણે આશરે 32 કિમી. અંતરે ઈરી સરોવરના પૂર્વ છેડે નાયગરા નદી પર આવેલું ઈરી પરગણાનું મુખ્ય મથક બની રહેલું છે. વસ્તી : 11,89,000 (1990). તે નાયગરા નદીખીણનો 130 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું બફેલો નામ ત્યાંની ખાડી પર મળતી બ્યુફ્લેવ (સુંદર નદી) નદીના નામનો અપભ્રંશ થવાથી પડ્યું હોવાનું મનાય છે.

આ શહેરનો દેખાવ અર્ધચક્ર જેવો છે, સરોવરનો છેડો તેની ધરી બને છે, તો શહેરી માર્ગો વિકેન્દ્રિત આરા જેવા છે. તે હડસન–મોહોક ખીણના કુદરતી સૌંદર્યવાળા, પૂર્વ–પશ્ચિમના પ્રદેશોને સાંકળી લેતા પરિવહનમાર્ગો પર મોકાનું સ્થાન ધરાવે છે. તે ન્યૂયૉર્ક અને પેન્સિલવેનિયા રાજ્યોનાં નાનાંમોટાં શહેરો સાથે મુખ્ય માર્ગોથી તથા સરોવરો, નહેરો અને સેન્ટ લૉરેન્સ નદી દ્વારા આટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલું છે. યુ.એસ.-કૅનેડાને સાંકળતો રેલમાર્ગ પણ અહીંથી જ પસાર થાય છે. તે ન્યૂયૉર્ક રાજ્યની બાર્જ-નહેરનું અંતિમ મથક હોવા ઉપરાંત લૉરેન્સ નદી સાથેના સમુદ્રીય જળમાર્ગ પરનું આંતરિક બંદર પણ છે. યુ.એસ.-કૅનેડા સરહદ પર આવેલું હોવાથી તે પ્રવેશદ્વાર ગણાય છે. આ ઉપરાંત ઑન્ટેરિયોના ફૉર્ટ ઈરીને જોડતો, બંને દેશો વચ્ચે પ્રવર્તેલી સો વર્ષીય શાંતિના પ્રતીક તથા સ્મારક રૂપે આંતરરાષ્ટ્રીય પુલ 1927માં ખુલ્લો મુકાયો છે. શહેરની પૂર્વ તરફ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે.

ઉદ્યોગો : 1890ના દાયકામાં નાયગરા જળવિદ્યુતઊર્જા-ઉત્પાદનને કારણે આ શહેરના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે, તેથી તે ઔદ્યોગિક અને પરિવહનક્ષેત્રે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર દેશમાં તે આટો ઉત્પન્ન કરતું મોટામાં મોટું મથક છે. અહીં અનાજના કોઠારો તથા જહાજવાડો આવેલા છે. અહીં આટો, ખાદ્ય અને યંત્રસામગ્રી, વીજ અને વીજાણુસામગ્રી, ખનિજતેલ-પેદાશો, લોખંડ-પોલાદની ચીજો, કાગળ અને તેની પેદાશો વગેરેનું ઉત્પાદન થાય છે.

શિક્ષણ-સંસ્કૃતિ : અહીં 1846 અને 1867માં અનુક્રમે સ્થપાયેલી ન્યૂયૉર્ક રાજ્ય યુનિવર્સિટી અને રાજ્ય યુનિવર્સિટી કૉલેજ તેમજ અન્ય ઘણી કૉલેજો છે. આણ્વિક, અવકાશી અને ઔષધીય સંશોધનમથકો પણ અહીં વિકસ્યાં છે. અન્ય સાંસ્કૃતિક કેન્દ્રોમાં સંગીતખંડ, ઑરકેસ્ટ્રા, કલાભવન, લલિતકલા અકાદમી, ઐતિહાસિક-વૈજ્ઞાનિક પ્રાણી-સંગ્રહાલયો, નાટ્યગૃહો તથા પુસ્તકાલયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફૂટબૉલ, બાસ્કેટબૉલ અને આઇસ-હૉકી જેવી રમતો માટેનાં કેન્દ્રો પણ છે. અહીં ઘણાં જાહેર ઉદ્યાનો પણ આવેલાં છે.

બફેલો શહેરે દેશને 1850માં ફિલમૉર અને 1884 તથા 1892માં ગ્રોવર ક્લીવલૅન્ડ જેવા બે પ્રમુખો આપ્યા છે. 1901માં અહીં ભરાયેલા પાન-અમેરિકન પ્રદર્શનની મુલાકાતે આવેલા પ્રમુખ વિલિયમ મેકિન્લેની હત્યા પછી નવા વરાયેલા તેમના અનુગામી થિયોડૉર રૂઝવેલ્ટની જ્યાં શપથવિધિ થયેલી તે દેલાવર ઍવન્યુ પરનું ‘એન્સ્લે વિલકૉક્સ મૅન્શન’ 1966માં ઐતિહાસિક સ્મારક તરીકે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે. દેલાવર ઉદ્યાનના ગુલાબબાગમાં અબ્રાહમ લિંકનની; ફૉરેસ્ટ લૉન સિમેટ્રીમાં રેડ જૅકેટની તથા લાફેટ ચૉકમાં સ્પેન-અમેરિકી યુદ્ધ-શહીદ હાઇકરની પ્રતિમા છે. નાયગરા ચૉકમાં વિલિયમ મેકિન્લેનાં, ફ્રન્ટ પાર્કમાં કૉમોડોર પેરીનાં તથા આંતરવિગ્રહ દરમિયાનના સૈનિકો-વહાણવટીઓની શહીદીનાં સ્મારકો પણ અહીં આવેલાં છે.

ઇતિહાસ : યુ.એસ.ના જુદા જુદા પ્રદેશોમાં વસાહતો શરૂ થઈ ત્યારે અહીં ઇરૉક્વૉઈ જાતિના ઇન્ડિયનોનો વસવાટ હતો, આજે પણ કેટલાક ઇન્ડિયનો અહીં વસે છે. ઈરી સરોવરને મળતી બફેલો ખાડીના પ્રવેશ નજીક 1758માં રુવાંટી ભેગી કરનાર ચૅબર્ટ જૉનકર નામની વ્યક્તિએ મૂળ શ્વેત લોકો માટે ફ્રેન્ચ વેપારી મથકરૂપે એક વસાહત ઊભી કરેલી, જે માત્ર એક જ વર્ષમાં ખાલી થઈ ગયેલી. આ અગાઉ 1727માં નાયગરા નદી પરના લેવિસ્ટન હાઇટ્સ ખાતે ફ્રેન્ચોએ એક કિલ્લો સ્થાપેલો. 1759માં અંગ્રેજોએ તેનો કબજો લઈ તેને ફૉર્ટ નાયગરા નામ આપેલું. અમેરિકી ક્રાંતિયુદ્ધ પછી આ વસાહત યુ.એસ.ના કબજામાં આવી ત્યારે તેને લશ્કરી મથક બનાવાયું.

1803માં હોલૅન્ડ લૅન્ડ કંપની માટે જૉસેફ એલિકૉટે અહીં ન્યૂ ઍમ્સ્ટર્ડેમ નામથી નગરનો પાયો નાખ્યો, પરંતુ તે તો ‘બફેલો’ નામથી જાણીતું બનતું ગયું. 1812ના યુદ્ધ દરમિયાન બફેલો લશ્કરી પ્રવૃત્તિનું મથક રહેલું; ત્યારે તેની વસ્તી માત્ર 1,500 જેટલી જ હતી. એ જ અરસામાં તેના પર અંગ્રેજોએ હુમલો કરીને તેને બાળી નાખેલું; પરંતુ 1816માં તે ફરીથી ગામ તરીકે વિકસતું ગયું.

ઈરી સરોવરના પશ્ચિમ છેડે 1823માં શરૂ થયેલું ઈરી નહેરનું કામ 1825માં પૂરું થયું. આ સગવડથી પૂર્વ તરફ જહાજી અવરજવર શરૂ થઈ. શહેર વિકસતું ગયું. 1843માં જૉસેફ ડાર્ટે દુનિયાભરમાં સર્વપ્રથમ અનાજનો વિપુલ જથ્થો બીજે નાંખવા માટેનો ઊંટડો બનાવ્યો. ત્યારથી તે અનાજ-વિતરણનું મોટમાં મોટું મથક બની રહેલું છે. આંતરવિગ્રહો અગાઉ તે યુ.એસ.માંથી કૅનેડા નાસી જવા માટેનું ભૂગર્ભીય રેલમાર્ગ પરનું અંતિમ મથક હતું. તે યુ.એસ.માં 1886માં સર્વપ્રથમ વીજ-સુવિધા મેળવનાર શહેરો પૈકીનું એક હતું. એ જ રીતે 1895 –96માં નાયગરા ધોધ ખાતેથી સર્વપ્રથમ જળવિદ્યુતઊર્જા મેળવનાર પણ તે જ હતું.

બફેલો શહેર

1816 સુધી 1500ની વસ્તી ધરાવતું બફેલો ગામ 1832માં 10,000ની વસ્તીવાળું બની રહ્યું. યુ.એસ.ના આંતરવિગ્રહોની સાથે સાથે અહીં વેપાર અને વિકાસ વધતો ગયો હતો. પછીથી તે મેયર-કાઉન્સિલના વહીવટ હેઠળ આવ્યું. 1959માં પરગણાંની પુનર્રચના વખતે તે ઈરી પરગણામાં મુકાયું. નગરપાલિકાની રચના થઈ. સમાજકલ્યાણ, સ્વાસ્થ્ય અને દવાખાનાની પ્રવૃત્તિઓ તથા જાહેર પુસ્તકાલયોનો વિકાસ થયો. અત્યારે મેયર-કાઉન્સિલના વહીવટ હેઠળ તેનું કામ ચાલે છે.

ગિરીશભાઈ પંડ્યા