બફર સ્ટૉક

January, 2000

બફર સ્ટૉક

સરકાર કે વેપારી સંગઠન દ્વારા વસ્તુના ભાવોને ચોક્કસ મર્યાદામાં ટકાવી રાખવા માટે કરવામાં આવતો વસ્તુનો સંગ્રહ. બફર-સ્ટૉક ખેતપેદાશો અને ખનિજપેદાશો જેવી પ્રાથમિક વસ્તુઓના ભાવોને ટકાવીને તેમના ઉત્પાદકોની આવકને ટકાવી રાખવાના ઉદ્દેશથી રચવામાં આવે છે.

અન્ય ચીજોના ભાવોની સરખામણીમાં ખેતપેદાશના ને અન્ય પ્રાથમિક ક્ષેત્રની ખેતપેદાશના ભાવો ટૂંકા ગાળાની ર્દષ્ટિએ અસ્થિર હોય છે.

પ્રાથમિક પેદાશોનાં માગ ને પુરવઠાની કેટલીક લાક્ષણિકતાઓ આ અસ્થિરતા પાછળ કારણરૂપે રહેલી હોય છે. એક તો આ ક્ષેત્રમાં ઉત્પાદન કુદરતી પરિબળો પર આધારિત હોય છે. યોગ્ય પ્રમાણમાં ને યોગ્ય સમયે વરસાદ પડે તો ઉત્પાદન વિપુલ થાય છે, અન્યથા દુકાળ સામે આવીને ઊભો રહે છે. જીવાત કે રોગચાળો પણ પુરવઠા પર ગણનાપાત્ર અસર પહોંચાડી શકે છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો આ ક્ષેત્રની પુરવઠાની રેખા ખસ્યા કરે છે. આપેલા ભાવે ઉત્પાદન ભારે વધઘટ અનુભવે છે.

બીજું, પ્રાથમિક પેદાશોની માગની રેખા પણ બદલાતી રહે છે. દેશ-પરદેશની તેજી-મંદીની પરિસ્થિતિ અનુસાર તે વધે-ઘટે છે. વિકસિત દેશોમાં આવતાં વ્યાપારચક્રોને કારણે અને ત્યાં વિકાસની ગતિ તેજ કે મંદ હોય તે પ્રમાણે વિકાસશીલ દેશોની અન્નની ને પ્રાથમિક પેદાશોની માગ બદલાય છે.

ત્રીજું, પ્રાથમિક ક્ષેત્રોમાં ને ખાસ તો ખેતીમાં ભાવ વધે કે ઘટે ત્યારે તેમાં તુરત ઉત્પાદન ઘટાડી કે વધારી શકાતું નથી. ટૂંકા ગાળામાં તો પુરવઠો લગભગ સ્થિર હોય છે. ભાવોની પુરવઠા પર અસર થાય છે ખરી, પરંતુ આ અસર વિલંબ બાદ થાય છે. આજે બાજરીના સારા ભાવ મળ્યા હોય તો આવતી મોસમમાં વધુ બાજરી વાવવાનું આયોજન ખેડૂતો કરી શકે ને તેને કારણે ઉત્પાદન વધેય ખરું અને તે બેત્રણ મહિના પછીયે વધે. સાધનરોકાણ ને ઉત્પાદન વચ્ચેનો આ ફલનકાળ ફળોના કે પશુઓના ઉત્પાદનમાં તો અનેક વર્ષોનો હોઈ શકે છે. ભાવો ઘટે છે ત્યારે સ્થિર ખર્ચનું પ્રમાણ વધુ હોવાથી ખેડૂતો ઉત્પાદન લાંબા સમય સુધી ઘટાડતા નથી.

ચોથું, પ્રાથમિક ક્ષેત્ર ને ખેતીની પેદાશોના ભાવો ઘટે છે ત્યારે એ પેદાશો માટેની માગમાં પ્રમાણમાં અલ્પ વધારો થાય છે.

આ ચારેય લક્ષણો એકસાથે પ્રાથમિક ક્ષેત્ર ધરાવે છે એટલે માગ કે પુરવઠાના થોડા ફેરફાર ભાવોમાં મોટી ઊથલપાથલ જન્માવે છે.

આંતરરાષ્ટ્રીય ર્દષ્ટિએ વિકાસશીલ દેશો નિકાસકમાણી માટે મહદ્અંશે થોડી પેદાશો પર નિર્ભર હોય છે ને તેમની ઘણીખરી નિકાસ થોડા ઔદ્યોગિક દેશોમાં જ કેંદ્રિત હોય છે. આ બે લક્ષણ ઉમેરવાં જોઈએ.

રાષ્ટ્રીય બફર-સ્ટૉક ને બફર ફંડ : વિશ્વબજારમાં આવતી ભાવોની ઊથલપાથલની આંતરિક અર્થતંત્ર પર પડતી અવળી અસરને હળવી બનાવવા માટે કેટલાક દેશો પ્રાથમિક ક્ષેત્રની ચીજો પેદા કરનાર ઉત્પાદકોની આવક સ્થિર કરવા પ્રયત્ન કરે છે. દેશનું કેંદ્રવર્તી ખરીદ-વેચાણ તંત્ર પોતાના ઉત્પાદકોને ચોક્કસ ભાવોની બાંયધરી આપે છે ને તેમની પાસેથી આ ભાવે ખરીદાયેલો માલ નિકાસ-બજારોમાં ત્યાં પ્રવર્તતા ભાવે વેચે છે. દેશના ઉત્પાદકોને આપવામાં આવતા ભાવો એવી રીતે મુકરર કરાય છે કે વિશ્વબજારમાં પ્રવર્તતા ભાવો કરતાં તે સારાં વર્ષોમાં નીચા હોય ને ખરાબ વર્ષોમાં ઊંચા હોય. આ યોજનાની અસરને કારણે દેશના ઉત્પાદકો પર દુનિયાનાં બજારોમાં ભાવ વધતા હોય ત્યારે કર નાખવામાં આવ્યો હોય તેવી અસર થાય છે ને ઊલટી પરિસ્થિતિમાં જાણે કે તેમને આર્થિક સહાય મળે છે.

આ પ્રકારનાં રાષ્ટ્રીય કક્ષાનાં માર્કેટિંગ બોર્ડ પશ્ચિમ આફ્રિકાના દેશોમાં કોકો, મગફળી, પામ-ઑઇલ માટે રચ્યાં છે. ન્યૂઝીલૅન્ડે દૂધ-પેદાશો માટે આવો પ્રયોગ કર્યો છે.

નિકાસના ભાવો ને તેમાંથી થતી કમાણી તથા દેશના ઉત્પાદકોને મળતા ભાવો ને તેમની આવક વચ્ચેનો સંબંધ અહીં કાપી નાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કરાર ન હોય ત્યારેય કોઈ પણ દેશ આ રીતે આંતરિક સ્થિરતા જાળવી શકે છે. નિકાસક્ષેત્રે ભાવો ઊંચા હોય છે ત્યારે વિદેશી મુદ્રાનું બફર-ફંડ અહીં રચાય છે. નિકાસ ભાવો નીચા હોય છે ત્યારે આ ફંડમાંથી ઉપાડ થાય છે.

આ ગોઠવણ રોજબરોજના ભાવોની અસ્થિરતા દૂર કરે છે ને તેટલે અંશે ખેડૂતને તેના આયોજનમાં મદદરૂપ બને છે. અલબત્ત, ભાવસ્થિરતાને કારણે નિકાસભાવ વધુ હોય ત્યારે વધુ ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન ઉત્પાદકોને રહેતું નથી : નિકાસભાવ ઓછા હોય છે ત્યારેય ઉત્પાદન પૂર્વવત્ ધોરણે ચાલુ રાખવાનું એમને મન થાય છે. માર્કેટિંગ બોર્ડ પ્રાથમિક પેદાશના ઉત્પાદકોને જે ભાવ આપે છે તેને વિશ્વબજારનાં દીર્ઘકાલીન વલણો અનુસાર ધીરે ધીરે બદલવાની આથી ભલામણ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બફર-સ્ટૉક સમજૂતી : વિકાસશીલ દેશો મુખ્યત્વે પ્રાથમિક પેદાશોની નિકાસ કરતા હોય છે ને તેમાંથી થતી પરદેશી હૂંડિયામણની કમાણી તેમને માટે વિકાસનું આવશ્યક સાધન બને છે.

આ ચીજોના ભાવોની અસ્થિરતા નિકાસકમાણીમાં વધઘટ આણે છે ને આયોજનમાં મુશ્કેલી ઊભી કરે છે. અન્ય પેદાશોની સરખામણીમાં પ્રાથમિક ચીજોના ભાવમાં જોવા મળતી અસ્થિરતાના એક ઉપાય તરીકે આંતરરાષ્ટ્રીય કરાર દ્વારા બફર-સ્ટૉકની ગોઠવણ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચીજોના કરારોનો આ એક પ્રકાર છે.

આ માટે એક આંતરરાષ્ટ્રીય સત્તાતંત્ર ઊભું કરવામાં આવે છે. સંબંધિત ચીજના ભાવોની ઉપલી મર્યાદા તે નક્કી કરે છે ને ભાવો એ સપાટી કરતાં વધે ત્યારે આ તંત્ર ચીજનું વેચાણ કરે છે. આ જ પ્રમાણે ચીજના ભાવોની નીચલી મર્યાદા પણ ઠરાવવામાં આવી હોય છે. ભાવ તેની નીચે જાય ત્યારે બફર-સ્ટૉક તંત્ર ચીજને ખરીદે છે.

કલાઈ અંગેની આંતરરાષ્ટ્રીય સમજૂતી બફર-સ્ટૉક પ્રકારની ગોઠવણનું ર્દષ્ટાંત છે. લાંબા ગાળાની ર્દષ્ટિએ તેની કામગીરી સફળ રહી છે, કારણ કે આ ધાતુની માગમાં યુ.એસ.ની લશ્કરી ખરીદીને કારણે દીર્ઘકાલીન વૃદ્ધિ થતી રહી છે. બફર-સ્ટૉક તંત્ર પાસે કલાઈનો સ્ટૉક ખૂટ્યો હતો ત્યારે આ તંત્ર પણ ભાવસ્થિરતાના ઉદ્દેશમાં નિષ્ફળ નીવડ્યું હતું ને ભાવોને વધતા તે અટકાવી શક્યું નહોતું.

1921–24માં પ્રથમ કરાર થયો હતો ને ત્યારબાદ સમયાન્તરે કરારો થતા આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ નેશન્સ ટિન કૉન્ફરન્સ જિનીવામાં મળી હતી ને 1950માં પ્રથમ કરાર થયો હતો. એ રીતે 1950, 1953, 1956, 1961, 1965, 1970, 1975 અને 1981માં કરારો થયા છે. 1965 પછી અંકટાડના નેજા હેઠળ તે કરારો થતા રહ્યા છે. ઇન્ટરનૅશનલ ટિન રિસર્ચ ગ્રૂપ આ કરારોના મુસદ્દા ઘડે છે. ઇન્ટરનેશનલ ટિન કાઉન્સિલ તેના અમલ માટે જવાબદાર હોય છે. તેમાં આયાત ને નિકાસ કરનાર દેશોના પ્રતિનિધિ કામ કરે છે. અગાઉ 20,000 ટનનો બફર-સ્ટૉક હતો : 1981ના ઇન્ટરનેશનલ ટિન એગ્રીમટ દ્વારા તે 50,000 ટનનો કરાયો છે. તેમાંથી 30,000 ટન માટે સરકારોના (આયાત-નિકાસ કરનાર દેશોની સરકારોના) ફાળા દ્ધારા નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી ને 20,000 ટન માટેની જોગવાઈ લોન લઈને કરવાની હતી. ભાવોની ઉપલી અને નીચલી મર્યાદા ઠરાવાય છે ને વચ્ચે ભાવ રહે તે માટે આપોઆપ અમલમાં આવે તેવી નિકાસ-નિયંત્રણની ને બફર-સ્ટૉક-નિયમનની ગોઠવણ કરવામાં આવે છે.

આવું જ બીજું ઉદાહરણ કોકો અંગેનું છે. કોકોના ભાવ ગગડ્યા ત્યારે ઑક્ટોબર 1972માં જિનીવામાં અંકટાડ કોકો કૉન્ફરન્સ ભરાઈ. આયાત ને નિકાસ કરનાર પંચાવન દેશોએ સમજૂતી સાધી ને તે નિકાસના 80 % ને આયાતના 70 % માટે જવાબદાર દેશોની સંમતિ પછી અમલમાં આવી.

ન્યૂનતમ ને મહત્તમ ભાવો, નિકાસ-ક્વોટા ને બફર-સ્ટૉકની જોગવાઈઓ આ સમજૂતી ધરાવે છે. માત્ર બફર-સ્ટૉકની ગોઠવણ પર તે આધાર રાખતી નથી. કોકોનો ન્યૂનતમ ભાવ રતલના 23 સેંટ ને મહત્તમ ભાવ 32 સેંટનો રાખવામાં આવ્યો છે. એકંદર નિકાસ-ક્વોટા 15,80,000 ટનનો મુકરર કરવામાં આવ્યો છે ને તે પાયાના ક્વોટા તરીકે નિકાસ કરનાર દેશોને ફાળવી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 2,50,000 ટનનો બફર-સ્ટૉક ઊભો કરાયો છે.

કોકોના ભાવ 24 સેંટ થાય તો દરેક નિકાસ કરનાર દેશ માટેનો ક્વોટા પાયાના ક્વોટાના 90 % થતો હતો. તે 23 ને 26 સેંટ વચ્ચે હોય તો ક્વોટા પાયાના ક્વોટાના 95 % રાખવાનો હતો. ભાવ 26થી 27.5 સેંટના ગાળામાં હોય તો નિકાસ-ક્વોટા પાયાના ક્વોટાના 100 ટકા રહે. ભાવ 27.5 ને 30 સેંટના ગાળામાં હોય ત્યારે નિકાસો પરની તમામ મર્યાદા દૂર કરવાની હતી. આમ ભાવ વધે તેમ નિકાસકાર દેશો વધુ નિકાસો કરે, તેથી વિશ્વબજારમાં કોકોનો પુરવઠો વધે ને ભાવ વધતા અટકે તેવી સ્વયંસંચાલિત ગોઠવણ કરવામાં આવી હતી. કોકોના ભાવ 31 સેંટના થાય ત્યારે બફર-સ્ટૉકમાંથી વેચાણ શરૂ થાય એમ પણ વિચારાયું હતું. આવા કરારના અમલ માટે આંતરરાષ્ટ્રીય કોકો કાઉન્સિલ જવાબદાર રહી છે.

યુનાઇટેડ નેશન્સ કમિટી ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેંટે (અંકટાડે) મે 1976ની ચોથી કૉન્ફરન્સમાં ચીજોને લગતા સુસંકલિત કાર્યક્રમના ભાગરૂપે 11 અબજ ડૉલરના એક ફંડની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. અઢાર જેટલી પ્રાથમિક પેદાશોના ભાવોની સ્થિરતા જાળવવાનો આ ફંડનો ઉદ્દેશ રહ્યો છે. આમાં  ઘઉં, મકાઈ, ડાંગર (ચોખા), ખાંડ, કૉફી, કોકો, ચા, કપાસ, શણ ને તેની પેદાશ, ઊન, રબર, તાંબું, કલાઈ, બૉક્સાઇટ, સીસું, જસત, કાચું લોખંડ, ઍલ્યુમિના જેવી ચીજોનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ સિવાયની પ્રાથમિક પેદાશોની વિકાસશીલ દેશોની નિકાસનો 55%થી 60% હિસ્સો આ અઢાર ચીજો ધરાવે છે.

આવા આંતરરાષ્ટ્રીય બફર-સ્ટૉકના અભાવે, નિકાસ કરનાર દેશોને (તેમાંય વિકાસશીલ દેશોને) વધુ ઉત્પાદન કે નબળી ઘરાકીને કારણે ભાવો ઘટતા હોય ત્યારે પોતાની ચીજો વેચવી પડે છે, અને ભાવ ને આવકમાં ઘટાડો સહેવો પડે છે, કેમ કે ભાવોને ટેકો આપવાની વિત્તીય તાકાત તેઓ ધરાવતા નથી. આંતરરાષ્ટ્રીય બફર-સ્ટૉક આ કામમાં તેમને સહાયક પુરવાર થઈ શકે છે. આ જ રીતે આયાત કરનાર દેશોને આવા બફર-સ્ટૉકને કારણે સ્થિર ભાવે જરૂરી પુરવઠો મળી રહેશે એવી નિશ્ચિંતતા રહે છે. ઉત્પાદકોને વાજબી ભાવ ને પર્યાપ્ત બજાર અંગેની ખાતરી આ સમજૂતીને કારણે મળશે ને તેથી પોતાને જરૂરી માત્રામાં લાંબા સમય સુધી જરૂરી માલ મળી રહેશે એવી ધરપત આયાત કરનાર દેશ રાખી શકે છે.

આ પ્રકારની સમજૂતીની સફળતા માટે કેટલીક શરતો રહે છે.

એ તો દેખીતું જ છે  કે ભાવ લાંબા સમય સધી ઘટવાનું વલણ દાખવે ત્યારે પર્યાપ્ત વિદેશી મુદ્રાનું ભંડોળ બફર-સ્ટૉક-તંત્ર પાસે ન હોય તો તે ચીજની ખરીદી કરી તેના ભાવને ટકાવી શકતું નથી. તે જ પ્રમાણે ભાવો વધવાનું વલણ ધરાવતા હોય ત્યારે બફર-સ્ટૉક-તંત્ર પાસે એ ચીજનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. તેમાંથી માલ બજારમાં મૂકી તે ભાવ વધતા અટકાવી શકે. સ્ટૉક અપર્યાપ્ત હોય ત્યારે તે સફળતાપૂર્વક આ કાર્ય કરી શકતું નથી. બફર-સ્ટૉક રચવો ને સંઘરવો પડે છે, તેનો વીમો ઉતરાવવો પડે છે, ઘસારાનો ખર્ચ ઉઠાવવો પડે છે ને તેમાં રોકાયેલાં નાણાં પર વ્યાજ ચૂકવવું પડે છે. ઉષ્ણ કટિબંધના દેશોની પેદાશો નાશવંત હોય છે ને ત્યાં સંગ્રહની ને માલની ગુણવત્તા જાળવવાની મુશ્કેલી અધિક હોય છે. આમ બફર-સ્ટૉક-તંત્ર પાસે જેમ વધુ સાધનો-વિદેશી મુદ્રા ને ચીજના સંગ્રહના રૂપમાં હશે તેમ તે પોતાના ભાવસ્થિરતા જાળવવાના ઉદ્દેશમાં સફળ નીવડશે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે બફર-સ્ટૉક માટે ધિરાણની ખાસ સવલત માટેની જોગવાઈ કરી છે. સભ્ય દેશ માન્યતા ધરાવનાર બફર-સ્ટૉકની સમજૂતી પ્રમાણેનો ફાળો આપવાનો હોય ત્યારે આ જોગવાઈ હેઠળ લોન મેળવી શકે છે.

બફર-સ્ટૉક અંગેની આંતરરાષ્ટ્રીય સમજૂતી સફળ થાય તે માટેની બીજી પણ એક શરત છે. માગ ને પુરવઠાનાં દીર્ઘકાલીન વલણોનું આકલન કરીને ચીજના સમતુલાના ભાવ બફર-સ્ટૉક-તંત્રે અંદાજવા જોઈએ ને તેના આધારે ભાવોની ઉપલી ને નીચલી મર્યાદા તેણે મુકરર કરવી જોઈએ. સમતુલાના ભાવ કરતાં ઊંચી કે નીચી સપાટીએ ભાવ સ્થિર રાખવાનો પ્રયત્ન તે કરશે તો તેમાં તે સફળ થશે નહિ. વધારે પડતા ઊંચા ભાવ જાળવવાના પ્રયત્નમાં તેને સતત ખરીદી કરવી પડશે, તેનું નાણાકીય ભંડોળ ખલાસ થઈ જશે ને પછી ભાવ ઘટીને જ રહેશે. એ જ રીતે વધુ પડતા નીચા ભાવ જાળવવા જતાં તેનો માલનો સ્ટૉક ખલાસ થશે ને એ પ્રયત્ન તેણે છોડવો પડશે.

વળી આંતરરાષ્ટ્રીય બજારમાં સમય જતાં માગ ને પુરવઠાની પરિસ્થિતિ બદલાતી હોય છે ને સમતુલાના ભાવમાંય પરિવર્તન આવે છે. આથી સફળ બફર-સ્ટૉકની કામગીરી માટે મહત્તમ ને લઘુતમ ભાવોમાં, પાયાનાં પરિબળોમાં આવેલ ફેરફાર અનુસાર, વધઘટ કરવાનુંય જરૂરી બને છે.

ભાવોની અસ્થિરતા સામે માત્ર બફર-સ્ટૉક-તંત્ર રચવામાં આવે તેના કરતાં અન્ય ઉપાયો સાથે તેને ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે વધુ કાર્યસાધક બને છે. મુકરર કરેલા ન્યૂનતમ કે મહત્તમ ભાવે ચોક્કસ પ્રમાણમાં ખરીદી કે વેચાણ કરવાની આયાતકારો કે નિકાસકારો પર ફરજ ઠરાવવામાં આવી હોય તેવી સમજૂતી (multilateral contract agreements) અહીં પૂરક બની શકે.

આ ઉપરાંત સરકારોએ સમજૂતી કે કરારનો અમલ નિષ્ઠાપૂર્વક કરવો જોઈએ. ખાસ કરીને ચીજના ભાવ વધતા હોય ત્યારે, પોતાના ઉત્પાદકોનાં દબાણોને અવગણીને, ચીજ પેદા કરનાર ને નિકાસ કરનાર દેશની સરકારે ભાવો સ્થિર રાખવાની આંતરરાષ્ટ્રીય તંત્રની નીતિ અનુસાર કામ કરવું જોઈએ. આજે તો આ શરત પરિપૂર્ણ થાય તેવી શક્યતા નહિવત્ છે.

પ્રાથમિક પેદાશોના ભાવો અસ્થિર રહે તે માટેની કારણરૂપ સૈદ્ધાંતિક ભૂમિકા આરંભમાં જ રજૂ કરવામાં આવી છે. વિકાસશીલ દેશોના અર્થશાસ્ત્રની વિચારણામાંય તે એક સર્વસામાન્ય સ્વીકૃત ધારણા રહી છે; પરંતુ હકીકતોનો તેને ટેકો નથી એમ 1966માં પ્રકાશિત મેકલીન નામના બ્રિટિશ અર્થશાસ્ત્રીનાં અંકમિતિશાસ્ત્રીય સંશોધનો દર્શાવે છે.

આ સંશોધનોમાં પહેલું તો એ જોવા મળ્યું કે ઔદ્યોગિક દેશોની નિકાસકમાણીની સરખામણીમાં વિકાસશીલ દેશોની નિકાસકમાણી અસ્થિર તો છે; પણ અસ્થિરતાનો આ તફાવત ખાસ ગણનાપાત્ર નથી. બીજું, નિકાસકમાણીની આ અસ્થિરતા પાછળ ભાવોની વધઘટ નહિ, પણ ઉત્પાદનની વધઘટ મહત્વના કારણરૂપ રહેલી છે. વિકાસશીલ દેશોની નિકાસકમાણીની અસ્થિરતાનાં મૂળ તેમના પુરવઠાની બાજુએ રહેલાં છે. પુરવઠાની ને ઉત્પાદનની વધઘટનું મુખ્ય નહિ, પણ ગૌણ કારણ આ દેશોની રાજકીય ઊથલપાથલ છે. ત્રીજું, નિકાસકમાણીની વધઘટની આર્થિક વિકાસ પર, અપેક્ષા રહે તેટલી, અસર થઈ જણાતી નથી. રાષ્ટ્રીય આવકમાં ધારણા અનુસારનાં આંદોલન આવ્યાં નથી.

આથી આંતરરાષ્ટ્રીય ચીજો અંગેના કરારો દ્વારા ને ખાસ તો બફર-સ્ટૉકની સમજૂતી દ્વારા પ્રાથમિક ચીજોના ભાવોને સ્થિરતા આપવાની ને તે અસરકારક ન બને તો નિકાસકમાણીમાં વિકાસશીલ દેશોને ભાવોની ઊથલપાથલને કારણે સહેવી પડતી ખોટ ભરપાઈ કરી આપવાની યોજનાઓનું મહત્વ પહેલાંના જેટલું આજે સ્વીકારાતું નથી. એમની પાછળ ખર્ચાતી રકમનું વિકાસશીલ દેશોમાં રોકાણ કરવામાં આવે અથવા એટલી વધુ ટૅકનિકલ સહાય એમને અપાય તો તે વિકાસ માટે વધુ ઉપકારક નીવડે એમ માનવામાં આવે છે.

ખેડૂતની ઓછી સાપેક્ષ આવકને બફર-સ્ટૉક, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લૅન્ડ ને પશ્ચિમ યુરોપના દેશોમાં અન્ય ક્ષેત્રોમાં કામ કરનાર માણસોની સરખામણીમાં ખેડૂત-વર્ગને ઓછી આવક મળે છે. કૃષિભાવોની વધઘટ જેવી આ ટૂંકા સમયની સમસ્યા નથી પણ દીર્ઘકાલીન વલણ છે. આ ક્ષેત્રમાં સંશોધનો સરકાર ને જાહેરક્ષેત્રની આગેવાની હેઠળ ઝડપી દરે થતાં રહે છે ને પૂર્ણ હરીફાઈ જેવી પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો ઉત્પાદન અને આવક વધારવા ખેતીની નવી નવી રીતો ત્વરાથી અપનાવતા  જાય છે. આ બે કારણે બજાર-ઉત્પાદનની રેખા જમણી તરફ ખસે છે, અર્થાત્ આપેલા ભાવે વધુ ને વધુ ઉત્પાદન બજારમાં આવે છે; પરંતુ ખેતપેદાશની માગ ભાવ ઘટે છે ત્યારે પ્રમાણમાં ઝડપથી વધતી નથી. તેની મૂલ્યસાપેક્ષતા ઓછી હોય છે. વળી રાષ્ટ્રની ને અન્ય ક્ષેત્રોની આવક વધે છે ત્યારે પણ આ માગ પ્રમાણમાં વધતી નથી. ખેતપેદાશોની માગ આવકસાપેક્ષતા પણ ઓછી ધરાવે છે. માગની આ બે લાક્ષણિકતાઓને કારણે બજાર-ઉત્પાદનની રેખા જમણી તરફ ખસે છે ત્યારે ખેતપેદાશના ભાવ ઘટે છે. પરિણામે ખેડૂતોની આવક ઘટે છે. આ પરિસ્થિતિમાં ખેતકુટુંબોને અન્ય ખેતીક્ષેત્રે રોકાયેલાં સાધનો આ ક્ષેત્રને છોડી બીજાં ક્ષેત્રો તરફ ખસી જતાં હોત તો ખાસ સવાલ પેદા ન થાત; પરંતુ આ ક્ષેત્રનાં સાધનો ને ખેડૂતો અગતિશીલ હોય છે. આથી અન્ય ક્ષેત્રોની સરખામણીમાં કૃષિક્ષેત્રે કામ કરનાર ખેડૂતની આવક નીચી રહે છે ને તેને વધારવાનો સવાલ પેદા થાય છે.

આ દેશોના ઇતિહાસમાં બફર-સ્ટૉક નીતિનો ઉપયોગ આ હેતુની સિદ્ધિ માટે કરવામાં આવ્યો છે. દાખલા તરીકે, ન્યૂ ડીલ નીતિના ભાગરૂપે ખેતપેદાશના ભાવોને પૂર્વનિર્ધારિત સપાટીએ ટકાવવા માટે સરકારે પ્રયત્ન કર્યો હતો. 1910–14ના ગાળામાં ખેતપેદાશોની વાસ્તવિક ખરીદશક્તિ હતી તે જાળવવાનો સરકારનો ઉદ્દેશ હતો. ખેતપેદાશના ભાવોને તે ર્દષ્ટિએ સરકાર ટેકો આપતી હતી. અન્ય ભાવોને ખેતપેદાશના ભાવોમાં સમકક્ષતા (parity) જાળવવાની આ નીતિ હતી. કોમૉડિટી ક્રેડિટ કૉર્પોરેશન ટેકાના ભાવ જાળવી રાખવા કૃષિપેદાશની ખરીદી કરતું હતું. આ રીતે એકત્રિત થતો કૃષિપેદાશોનો સ્ટૉક અમર્યાદિત ન બને એ માટે ઉત્પાદન ને વાવેતરના ઍક્ટને નિયંત્રિત કરવાનું આવશ્યક બન્યું હતું.

આ રીતે બજારનાં દીર્ઘકાલીન વલણો અનુસાર કૃષિપેદાશોના સમતુલાના ભાવો પ્રવર્તે એમ હોય તેના કરતાં ઊંચી સપાટીએ ભાવ ટકાવવાનો પ્રયત્ન ખેડૂતોની આવક જાળવવાની નીતિના ભાગરૂપે કરવામાં આવે છે ત્યારે અમલ કરનાર તંત્ર પાસે ખેતપેદાશોની સતત થતી ખરીદીને કારણે સ્ટૉક વધતો જાય છે. વિશ્વયુદ્ધ ને કોરિયન યુદ્ધ દરમિયાન કૃષિપેદાશોની માગ વધી હતી ને અમેરિકા (યુ.એસ.) માટે પ્રશ્ન હળવો બન્યો હતો. 1954નો પબ્લિક લૉ 480 પણ આ માટે પસાર કરવામાં આવ્યો હતો. દુકાળ કે અન્ય મુશ્કેલી વખતે પોતાના ચલણમાં ચુકવણી કરી યુ.એસ. પાસેથી જરૂરી અન્ન ને ખેતપેદાશો અન્ય દેશો મેળવી શકતા હતા. કેટલાક પાક હેઠળના વાવેતરને ઘટાડવા માટેનાં ને જમીનને ખેડ્યા વિનાની રહેવા દેવા માટેનાંય પ્રોત્સાહન અપાયાં; પરંતુ સ્ટૉક ને તે નભાવવા માટે થતો ખર્ચ વધતો ગયો.

બફર-સ્ટૉકની નીતિ અહીં ટૂંકા ગાળાની ભાવ-અસ્થિરતાને ટકાવવા માટે અપનાવાતી નથી, પરંતુ ખેડૂતોની આવકને ટકાવવાના લાંબા ગાળાના ઉદ્દેશને સિદ્ધ કરવા સ્વીકારવામાં આવી છે. વાસ્તવિક બજાર કિંમત કરતાં વધુ ભાવે માલ વેચી શકાશે એવી ખાતરી હોવાને કારણે ખેડૂતો ઉત્પાદન વધાર્યે જવાનું વલણ ધરાવે છે. વાવેતરના એકર પર નિયંત્રણ મુકાશે તો તેઓ ખાતર વગેરે સાધનોની મદદથી સારી જમીન પર ઘનિષ્ઠ ખેતી કરશે ને બિન-ઉપજાઉ તેમજ ઓછી ફળદ્રૂપ જમીન ખેડવાનું છોડી દેશે. આમ ફાજલ ઉત્પાદનની સમસ્યા રહે જ છે. વળી એને સંઘરવા માટે, સંગ્રહ ને વખારોનો વીમો ઉતરાવવા માટે, આ બધાં અંગે જરૂરી નાણાં મેળવવા આપવા પડતા વ્યાજ માટે વધુ ને વધુ નાણાભંડોળ ફાળવવાં પડે છે.

બફર-સ્ટૉકની નીતિ આવા દીર્ઘકાલીન ઉદ્દેશો સિદ્ધ કરવા માટેનો યોગ્ય ઉપાય નથી એમ અનુભવ કહે છે. ભાવતંત્ર સાધનોની યોગ્ય ફાળવણીના પ્રશ્નને ઉકેલવા માટેની વ્યવસ્થા છે. આવકવહેંચણી બદલવા તેમાં રાજ્ય દરમિયાનગીરી કરે તે અનુચિત છે. રાજકોષીય નીતિ જેવાં નીતિનાં અન્ય સાધન આ માટે ઉપયોગમાં લેવાય તે ઇષ્ટ છે.

ભારતની જાહેર વિતરણ-વ્યવસ્થા ને અન્નસંગ્રહ : ભારતમાં સરકાર ન્યૂનતમ ટેકાના ભાવે કે પ્રાપ્તિના ભાવે અન્ન, મુખ્યત્વે ઘઉં ને ચોખા, ખરીદે છે ને વાજબી ભાવની દેશભરમાં પથરાયેલી દુકાનો દ્વારા જનતાને, ખાસ તો ગરીબ પ્રજાને, અનાજ તેમને પરવડે તેટલા ભાવે પૂરું પાડે છે. અન્નની ખરીદી ને વહેંચણી અંગેની જવાબદારી વચ્ચે ખાધ પેદા થાય છે ત્યારે તે આયાત દ્વારા તેની પૂર્તિ કરે છે અને પુરાંત ઉદભવે છે ત્યારે જાહેર વહેંચણી-તંત્ર પાસેના સ્ટૉક કે સંગ્રહના રૂપમાં તેને એકત્રિત કરે છે.

આ ઉપરાંત દેશમાં ખુલ્લું બજાર પણ છે, જ્યાં ઉત્પાદકો માલ વેચી શકે છે ને જ્યાંથી ગ્રાહકો માલ ખરીદી શકે છે. અહીં ભાવો માગ ને પુરવઠાના બજારનાં પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે. કોઈ આવશ્યક ચીજના પુરવઠા કરતાં માગ વધે ને ભાવો ઊંચા જાય ત્યારે પોતાના સ્ટૉકમાંથી ને આયાત દ્વારા વેચાણ વધારી ભાવ વધતા અટકાવવા સરકાર મથે છે. એનાથી ઊલટી પરિસ્થિતિમાં, ભાવો ન્યૂનતમ ટેકાના ભાવથી ઘટે એમ હોય ત્યારે તેને ટકાવવાના પ્રયત્નો પણ તે કરે છે.

આ આખીય ગોઠવણ પાછળ દેશની પ્રજાને, ખાસ તો તેની ગરીબ વસ્તીને આવશ્યક ચીજો અંગે, ખાસ તો અન્ન અંગેની સલામતી પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. સરકારની ગરીબાઈના નિવારણ અંગેની નીતિનો તે આવશ્યક ઘટક છે. આ ઉપરાંત ખેડૂતોને અને સવિશેષ તો સુધારેલી પદ્ધતિઓ અપનાવનાર ખેડૂતોને પ્રોત્સાહન રહે ને બજારમાં વધુ માલ તેઓ લાવે ત્યારે વચગાળાના માણસો તેમનું શોષણ ન કરે એ ઉદ્દેશ પણ સરકારની નીતિ પાછળ રહેલો હોય છે. આધુનિક મોંઘાં, વધતા જતા ભાવ ધરાવતાં સાધનો ઉપયોગમાં લઈ ખેતી કરનાર સાહસિક ખેડૂતને ખોટ ન જવી જોઈએ, યોગ્ય વળતર મળવું જોઈએ તે સરકાર જોવા માગે છે. ઉદ્યોગક્ષેત્રની તરફેણ કરતી વ્યાપારવ્યવસ્થાને બદલીને ખેતી-તરફી, ગ્રામવિસ્તાર-તરફી વ્યવસ્થા ઊભી કરવાની અભિલાષા પણ સરકાર સેવે છે. બે ક્ષેત્રોની આવકને સમતોલ બનાવવાનો ખ્યાલ આ રીતે અહીં છે. વળી ભાવો બજારમાં ઘટતા હોય ત્યારે તેને ખરીદી દ્વારા ટકાવવાનો ને વધતા હોય ત્યારે ખુલ્લા બજારમાં વેચાણ દ્વારા વધતા અટકાવવાનો ગૌણ ઉદ્દેશ પણ ક્યારેક વાચા પામે છે. આમ સરકારી નીતિ પાછળ અનેક ઉદ્દેશ રહેલા હોય છે.

કૃષિક્ષેત્રના ઉત્પાદનખર્ચ અને ભાવો વિષેનું કમિશન અનેક ખેતપેદાશો અંગે વિગતવાર અભ્યાસ કરીને ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે. સિત્તેરના દશકાના આરંભનાં વર્ષોથી નવી પદ્ધતિ અપનાવી ખેડૂતો કૃષિ-ઉત્પાદન વધારતા રહે, તેમને નફાકારાક ભાવ મળી રહે, વ્યાપારીઓ તેમનું શોષણ ન કરે તે જોવાનો હેતુ આ નીતિ પાછળ છે. અનાજ, દાળ, તેલીબિયાં અને અનાજ સિવાયના બીજા પાકોમાંની વીસેક પેદાશ માટે ન્યૂનતમ ટેકાના ભાવો કમિશનની ભલામણોના આધારે સરકાર ઠરાવે છે. ખુલ્લા બજારના ભાવ આના કરતાં ઊંચા હોય છે ત્યારે તો સરકારને બીજું કશું કરવાનું રહેતું નથી.

ખેતપેદાશના ભાવો વધે ત્યારે ચોક્કસ ટોચમર્યાદા કરતાં તે ઊંચા ન જાય તે જોવાની વ્યાપક જવાબદારી તો સરકારે સ્વીકારી નથી. મુખ્યત્વે તો આવશ્યક ચીજો, ખાસ તો ઘઉં ને ચોખા, મુકરર પ્રમાણમાં વાજબી ભાવે જનતાને, સવિશેષ તો ગરીબ પ્રજાને, મળી રહે તે જોવાનું એણે સ્વીકાર્યું છે.

કેન્દ્ર સરકાર અનાજની – મુખ્યત્વે ચોખા ને ઘઉંની – ન્યૂનતમ ટેકાના ભાવે કે પ્રાપ્તિભાવે ખરીદી કરે છે. આ કેન્દ્રીય સંગ્રહમાંથી સેંટ્રલ ઇસ્યુ ભાવે રાજ્ય-સરકારોને તે અનાજ ફાળવે છે. રાજ્યસરકારો આ ભાવમાં વાહનવ્યવહારના ખર્ચનો ને વાજબી ભાવની દુકાન ચલાવનારના કમિશનનો ઉમેરો કરી પોતાના રિટેઇલ (છૂટક વ્યાપારી પાસેથી લેવાના) ભાવ મુકરર કરે છે. છેલ્લે સાર્વજનિક વિતરણ વ્યવસ્થા હેઠળની દુકાનમાંથી વાજબી ભાવે અનાજ ગ્રાહકને પહોંચે છે. આમ આખું તંત્ર ગોઠવાયેલું જોવા મળે છે.

હકીકતમાં કેન્દ્ર સરકાર ન્યૂનતમ ટેકાના ભાવ કરતાં  નીચા સેંટ્રલ ઇસ્યુ ભાવે અનાજ રાજ્ય સરકારોને આપે છે. તફાવત કેન્દ્ર દ્વારા જાહેર વહેંચણીના કાર્યને કેંદ્ર દ્વારા અપાતી સહાય સૂચવે છે. 1987–88માં અનાજ-વહેંચણી માટેની કેંદ્રીય સહાય રૂા. 2,000 કરોડની હતી ને તે વધીને 1995–96માં 5,250 કરોડે પહોંચી છે. આટલેથી વાત અટકતી નથી. રાજ્ય સરકાર વળી કેંદ્રીય ઇસ્યુ ભાવ કરતાંય ઓછા, વાજબી ભાવે છેવટના ગ્રાહકોને અનાજ મળે તેવી ગોઠવણ કરે છે. અર્થાત્ તે પણ જાહેર વહેંચણી માટે આર્થિક સહાય ફાળવે છે. એકંદરે પ્રાપ્તિભાવ કે ન્યૂનતમ ટેકાના ભાવ અને વાજબી ભાવ વચ્ચેનો ગાળો આર્થિક સહાય વડે સરકાર પૂરે છે.

ઉદારીકરણની નીતિના ભાગરૂપે એકંદર ભાવસ્થિરતા જાળવવા માટે રાજકોષીય ખાધ ઘટાડવાની જરૂર છે. અનાજ અંગેની સહાયનું પ્રમાણ ઘટાડવાનું પણ આથી આવશ્યક બન્યું છે. આથી ન્યૂનતમ ટેકાના ને પ્રાપ્તિના ભાવ વધ્યા છે તે સાથે સરકારે કેંદ્રીય ઇસ્યુ ભાવમાં પણ વધારો કર્યો છે. તાજેતરના એકંદર ભાવવધારાનું આ એક કારણ છે. લોકશાહીના રાજકારણમાં એક તરફ ખેડૂતવર્ગને ખુશ રાખવા માટે ટેકાના ને પ્રાપ્તિના ભાવોને વધારવા માટેનું દબાણ હોય છે તો બીજી બાજુ ભાવવધારા અંગેના ગ્રાહકોના અસંતોષને કમ કરવા વાજબી દુકાનના ભાવોને ન વધારવા માટેનું દબાણ હોય છે. વાજબી ભાવ વધે છે ને ખુલ્લા બજારના ભાવ નજીક પહોંચે છે ત્યારે વાજબી ભાવની દુકાનોએ ઉપાડ ઘટે છે. સરકાર હસ્તકનો અન્નનો સંગ્રહ આમ વધ્યે જાય છે.

વર્ષના આરંભે 1980માં 1 કરોડ 67.30 લાખ મૅટ્રિક ટન જેટલા ઘઉં ને ચોખા કેંદ્રીય સ્ટૉક(central pool stock)માં હતા. 1996માં 2 કરોડ 46.2 લાખ ટન. કેન્દ્રીય સ્ટૉક માટે ઠરાવાયેલાં ધોરણ કરતાં આ જથ્થો વધારે હતો. આ સમગ્ર વ્યવસ્થાને ટૂંકા ગાળાની કૃષિભાવોની અસ્થિરતા દૂર કરવા માટેની બફર-સ્ટૉક-પદ્ધતિ સાથે સરખાવી શકાય નહિ.

જાહેર વિતરણ-વ્યવસ્થાના ભાગ-રૂપે અસ્તિત્વમાં આવેલ અનાજસંગ્રહને ખુલ્લા બજારની ખેતપેદાશના ભાવોની અસ્થિરતા દૂર કરવા માટે રચાતા બફર-સ્ટૉક કરતાં અલગ પાડવાનું આથી જરૂરી છે. જાહેર વિતરણને વધુ લક્ષ્યગામી–માત્ર ગરીબને આવરે તેવું બનાવવાનું જરૂરી છે. આવક વધુ ધરાવતા વર્ગોને તેના લાભમાંથી બાકાત રાખી શકાય. ગરીબ પ્રજા વાપરે છે, તે ધાન્યને જાહેર વહેંચણી માટે પસંદ કરી શકાય. ગરીબ વસ્તી કેંદ્રિત થઈ હોય તેવા વિસ્તારોમાં વધુ વાજબી ભાવની દુકાનો સ્થાપવાનું વિચારી શકાય.

બદરીપ્રસાદ મ. ભટ્ટ