બપૈયો (Common Hawk Cuckoo) : ભારતનું નિવાસી સ્થાનિક યાયાવર પંખી. તેનું કદ હોલા-કબૂતર જેવડું, 21 સેમી. જેટલું હોય છે. તે રંગે આબાદ શકરા જેવો હોય છે. નર અને માદાનો રંગ એકસરખો હોય છે. ચાંચ સીધી, અણી આગળ સહેજ વળેલી હોય છે. માથું અને પાંખ ઉપરથી રાખોડી અને નીચેથી સફેદ હોય છે. તેમાં રતૂમડા આડા લીટા હોય છે. તેનું ગળું નીચેથી ધોળું હોય છે ને પૂંછડીમાં ઘેરા કાળાશ પડતા પટ્ટા હોય છે. પેટાળ છેક નીચે આછી ગુલાબી ઝાંયવાળું હોય છે.

એનું નામ એની બોલી પરથી જ પડ્યું છે. કોયલની જેમ ધીરે-ધીરે ચડતા સ્વરે પો-પીહો, પો-પીહો એમ મીઠા સૂરે તે બોલે છે. તે ફક્ત ગરમી અને બફારાની ઋતુમાં બોલતો હોવાથી અંગ્રેજો તેને બ્રેઇન-ફીવર બર્ડ (ભેજાખાઉ પંખી) તરીકે ઓળખાવતા. સંભવત: ‘પો-પિયા’ જેવા ઉચ્ચારથી તે પ્રેમીઓ અને કવિઓનું માનીતું પંખી બન્યું છે. તેની બોલી પરથી બપૈયાને હિંદીમાં ‘પપીહા’ કહે છે. ચોમાસા સિવાય તે શાંત રહે છે.

બપૈયો

તે સૌરાષ્ટ્રમાં ગીરમાં તથા ગુજરાતમાં પણ જોવા મળે છે. ખાસ કરીને તે બાવળની કાંટાળી ઝાડીમાં રહે છે. મુંબઈમાં ઉનાળે-ચોમાસે દેખાય છે. છૂટીછવાઈ ઝાડી તેને વધુ પસંદ હોય છે.

ચોમાસા દરમિયાન તે મોટે ભાગે લેલાંના માળામાં ઈંડાં મૂકે છે. સામાન્ય રીતે તે જુદા જુદા માળાઓમાં 4થી 6 આસમાની રંગનાં ઈંડાં મૂકે છે.

કોયલની જેમ બપૈયો ફળાહારી હોવા છતાં જીવડાં પણ આરોગે છે. એક જાતના પતંગિયાના મોટી રુવાંટીવાળા કીડા જેમને ‘કાતરા’ કહે છે તે તેનો અતિ પ્રિય ખોરાક છે. ખેતીના મોલને નુકસાન કરતા આ કાતરાના ભક્ષણથી તે ખેતીને ફાયદો કરે છે.

બળદેવભાઈ કનીજિયા