બગાઈ : કૂતરાં, ગાય, બળદ, ગધેડાં, ઊંટ જેવાં વાળવાળાં પ્રાણીઓનાં શરીરમાંથી લોહી ચૂસીને તેમને હેરાન કરનાર દ્વિપક્ષા (Diptera) શ્રેણીના હિપ્પોબોસ્કીડી કુળનો એક કીટક. શાસ્ત્રીય નામ Hippobosca maculata L. છે. પુખ્ત કીટક શરીરે ચપટા, આશરે 0.75 સેમી. જેટલી લંબાઈના અને લાલાશ પડતા કથ્થાઈ રંગના હોય છે તથા શરીર પર પીળાં ટપકાં ધરાવે છે. તેમને એક જોડ મજબૂત પાંખો અને પગને છેડે મજબૂત નખ હોય છે, જેના વડે તે પ્રાણીઓના શરીર સાથે મજબૂતાઈથી ચોંટી રહે છે. આ કીટક છાંયડાવાળી સૂકી જમીનમાં અથવા તો મૃત વનસ્પતિના ખાતર(હ્યુ)માં પૂર્ણવિકસિત ડિમ્ભને જન્મ આપે છે, જે બહાર આવ્યા બાદ ગમાણની આજુબાજુ માટીમાં થોડા જ સમયમાં કોશેટાની અવસ્થામાં ફેરવાય છે. આમ તેની ઈંડા અને ડિમ્ભ અવસ્થા માદાના શરીરમાં પૂરી થાય છે. પુખ્ત માખી ઉનાળામાં સૂર્યના તાપમાં વધુ જોવા મળે છે.

બગાઈ યજમાન પ્રાણીઓના ગળાની નીચે તથા પગની વચ્ચે ભરાઈ રહીને પ્રાણીઓને કરડે છે અને તેમના શરીરમાંથી લોહી ચૂસે છે. આ જગ્યાએથી જાનવર એને ઉડાડી શકતું નથી અને તેથી તે હેરાન થાય છે. પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસવાથી શરીર પર દાણા જેવાં ચાઠાં ઊપસી આવે છે અને ત્યાં પ્રાણીઓને ખૂબ જ ખંજવાળ આવે છે. બગાઈનો ઉપદ્રવ ઘટાડવા માટે કોઢ (પ્રાણીઓને બાંધવાની જગ્યા) અવારનવાર સાફ કરવી પડે છે. જાનવરને આ ઉપદ્રવથી મુક્ત રાખવા માટે ગળાની નીચે અથવા પગ વચ્ચે મેલાથિયોન 0.1%નું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે અને ત્યારબાદ તુરત જ સ્નાન કરાવવામાં આવે છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ