બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું, પરંતુ 1935માં તે લગ્ન છૂટાછેડામાં પરિણમ્યું. પછી તે જ વર્ષે તેમનું લગ્ન રિચાર્ડ જૉન વૉલ્શ સાથે થયું.

પર્લ બક

1932માં તેમને એનાયત થયેલ ‘પુલિત્ઝર પ્રાઇઝ’ બાદ આ અમેરિકન લેખિકા 1938માં નોબેલ પ્રાઇઝનાં વિજેતા બન્યાં. ચીનના લોકજીવનને સહાનુભૂતિપૂર્વક વર્ણવતાં એમનાં પુસ્તકોએ એમને ઘણો મોટો યશ તથા ખ્યાતિ અપાવ્યાં. એશિયા અને પશ્ચિમની પ્રજાઓ એકમેકને વધારે સારી રીતે સમજી શકે એ પ્રકારનો અનુરોધ તથા એને પ્રેરતું આલેખન એમની કૃતિઓમાં મહદંશે જોવા મળે છે.

તેમની સૌથી વિશેષ ખ્યાતનામ કૃતિ છે ‘ગુડ અર્થ’; 1931માં પ્રકાશિત થયેલી આ નવલકૃતિમાં વાંગલંગ નામના ચીની કિસાનના જીવનનું આલેખન છે. ધરતીની મમતાના કારણે એ અનેક વર્ષો સુધી સંઘર્ષ તથા કષ્ટ વેઠતો રહે છે. તે નવલકથાને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ પ્રાપ્ત થયું હતું. 3 નવલકથાઓની શ્રેણીમાંની આ પ્રથમ નવલકથા છે. બીજી નવલકથા ‘સન્સ’ નામે 1932માં અને ત્યારબાદ ત્રીજી નવલકથા ‘હાઉસ ડિવાઇડેડ’નામે 1935માં પ્રસિદ્ધ થઈ.

તેમની પ્રથમ નવલકથા હતી ‘ઈસ્ટ વિન્ડ ઍન્ડ વેસ્ટ વિન્ડ’, કિંતુ 1930 સુધી એ પ્રસિદ્ધ નહોતી થઈ, પરંતુ તે સમયથી માંડીને તેમના અવસાન પર્યંત તેમણે 65થી પણ વધારે કૃતિઓની રચના કરી. વળી ટૂંકી વાર્તાઓ અને નિબંધો તો સેંકડોના પ્રમાણમાં લખાયાં છે. દૂર પૂર્વના પ્રદેશની ભૂમિકામાં છવાયેલી એમની અન્ય કૃતિઓ ‘ડ્રૅગન સીડ’ (1942), ‘ઇમ્પીરિયલ વુમન’ (1956) અને ‘લિવિંગ રીડ’ (1963) છે. અમેરિકન પાર્શ્વભૂમિકામાં એમણે ‘જૉન સેજિઝ’ના નામે કેટલીક નવલકથાઓ લખી છે. આત્મકથનાત્મક સાહિત્યકૃતિઓમાં 1954માં પ્રસિદ્ધ થયેલી ‘માય સેવરલ વલ્ડર્ઝ’ અને 1964માં ‘એ બ્રિજ ફૉર પાસિંગ’ ગણનાત્મક સ્થાન ધરાવે છે.

આ લેખિકાની ‘ગુડ અર્થ’ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ ‘ધરતી’ નામે 1937માં નીરુભાઈ દેસાઈએ કર્યો છે.

જયા જયમલ ઠાકોર