બંધ (dam)

નદી કે નાળાની આડે સિંચાઈ વગેરે માટે પાણી ભેગું કરવા બાંધવામાં આવતી આડશ. બંધ દ્વારા નદીના પાણીને સંગ્રહી જળાશય બનાવી, તેના પાણીને નહેરો દ્વારા ખેતરો સુધી વાળવા-પહોંચાડવામાં આવે છે.

વસ્તીવધારા સાથે, ઔદ્યોગિક વિકાસ તેમજ ખેતીવિકાસ માટે પાણીની જરૂરિયાત સતત વધતી રહી છે. તેથી નદી, નાળાં પર બંધ બાંધી વહી જતા પાણીને બચાવી – સંગ્રહીને તેનો ઉપયોગ કરવો બહુ જરૂરી બને છે. આ માટે મોટા બંધો બાંધવાની પણ જરૂરિયાત ઊભી થાય છે. બંધ બંધાય ત્યારે અમુક જમીન ડૂબમાં જાય, સાથોસાથ અમુક કુટુંબોને સ્થળાંતર કરી વસાવવાનો પ્રશ્ન પણ ઊભો થાય. બંધ જેમ મોટો તેમ આ પ્રશ્ન પણ મોટો બને છે. મોટા પ્રમાણમાં વસ્તીનું સ્થળાંતર કરવાનું થાય ત્યારે સામાજિક અને આર્થિક પ્રશ્નો પણ ઊભા થાય છે. તેમજ પર્યાવરણ અને ભૂકંપના પ્રશ્નો પણ ઊભા થાય. પરંતુ પાણીનો પ્રશ્ન વિકટ બને અને અન્ય વિકલ્પો ન હોય ત્યારે બંધ બાંધવો અનિવાર્ય બની રહે. એ સંજોગોમાં સમગ્ર પરિસ્થિતિના સંદર્ભમાં જે-તે પ્રશ્નોનો વિચાર કરી બંધ બાંધવા અંગે નિર્ણય લેવાય તે જરૂરી બની જાય છે. પાણી માનવી માટે બહુ જરૂરી છે. તે કુદરતી સંપત્તિ છે. જે તે રાજ્ય કે દેશ તેની કુદરતી સંપત્તિનો કેટલા પ્રમાણમાં સક્ષમ ઉપયોગ કરે છે તેના પર તેના આર્થિક વિકાસનો આધાર રહે છે. વિજ્ઞાન અને ટેક્નૉલોજી દ્વારા તૈયાર થતાં બંધો અને નહેરો વરસાદથી મળતા પાણીનો સક્ષમ ઉપયોગ કરવા માટેનાં માધ્યમો છે.

બંધોનું વર્ગીકરણ તેમના દ્વારા થતા ઉપયોગો, જલીય ડિઝાઇન, બાંધકામમાં વાપરવામાં આવતી માલસામગ્રી તથા સંરચનાકીય માળખાને ખ્યાલમાં રાખીને કરવામાં આવે છે.

(1) બંધોનું ઉપયોગો પ્રમાણે વર્ગીકરણ : (i) સંગ્રાહક બંધ (storage dam), (ii) ડાઇવર્ઝન બંધ (diversion dam), (iii) અટકાયત બંધ (detention dam), (iv) કૉફર ડૅમ (coffer dam) અને (v) ચેક ડૅમ (check dam).

(2) બંધોનું જલીય ડિઝાઇન (hydraulic design) પ્રમાણે વર્ગીકરણ : (i) છલકાતો બંધ (over-flow dam), (ii) નહિ છલકાતો બંધ (non-over-flow dam).

(3) બંધોના બાંધકામમાં વપરાતી માલસામગ્રી પ્રમાણે વર્ગીકરણ : (i) સુર્દઢ બંધ (rigid dam), (ii) અર્દઢ બંધ  (nonrigid dam).

(4) બંધોનું સંરચનાકીય માળખા (structural behaviour) પ્રમાણે વર્ગીકરણ : (i) ભારાશ્રિત બંધ (gravity dam), (ii) કમાનવાળો બંધ (arch dam), (iii) પુસ્તાવાળો બંધ (buttress dam), (iv) માટીનો બંધ (earthen dam).

ભારાશ્રિત બંધ : જે બંધમાં પોતાના ઉપર લાગતાં બાહ્ય બળો જેવાં કે પાણીનું દબાણ, ઉત્થાપન-દબાણ, કંપન-દબાણ વગેરેનો સામનો પોતાના વજનને લીધે જ થાય, તેને ભારાશ્રિત બંધ કહેવામાં આવે છે. મોટાભાગે આ બંધો નક્કર કૉંક્રીટ કે પથ્થરના ચણતરના બનેલા હોઈ તેમને નક્કર ભારાશ્રિત બંધ (solid gravity dam) કહે છે. બંધના બાંધા(body)માં પોલાણ રાખવામાં આવ્યું હોય તો તેવા પોલાણવાળા બંધને પોલાણવાળો ભારાશ્રિત બંધ (hollow gravity dam) કહેવામાં આવે છે. ભારાશ્રિત બંધ આયોજનમાં સીધા પ્રકારનો હોય તો તેને સીધો ભારાશ્રિત બંધ (straight gravity dam) કહેવામાં આવે  અને જો તે થોડી ગોળાઈવાળો હોય તો વળાંકવાળો ભારાશ્રિત બંધ (curved gravity dam) કહેવાય છે. ભારતમાં ભાખરાનંગલ બંધ ભારાશ્રિત બંધ છે. તેની ઊંચાઈ 226 મીટરની છે. કેરળ રાજ્યનો ઇન્ડુકી બંધ વળાંકવાળો ભારાશ્રિત બંધ છે.

માટીનો બંધ : માટીનો બંધ રેતી અને પથ્થરના ખૂબ નાના ટુકડા જેવી માટી(ગ્રૅવલ)નો બનેલો અર્દઢ (non-rigid) બંધ છે. તેના પર લાગતાં બળોનો તે મુખ્યત્વે તેની અપરૂપણશક્તિ(shear strength)થી સામનો કરે છે. માટીના કણો વચ્ચે જગ્યા–પોલાણ રહી જાય છે. તેથી પાણીનું ગલન (leakage) ઓછું થાય તે માટેનો પ્રબંધ કરવો પડે છે. માટીના કણો પોતાની સ્થિતિ (position), ઘર્ષણ (friction) અને સંસક્તિ(cohesion)થી બાહ્ય બળો સામે ટકી રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. માટીના બંધ ઉપરથી પાણી પસાર થવું જોઈએ નહિ. આ બંધનો માટીનું ધોવાણ થતાં નાશ થાય છે.

ભારાશ્રિત બંધની મુખ્ય ખાસિયતો નીચે પ્રમાણે છે : (i) ભારાશ્રિત બંધ તેના પર લાગતાં બાહ્ય બળોનો સામનો ફક્ત પોતાના વજનથી કરે છે. (ii) તેની પ્રાથમિક રેખાકૃતિ (elementary profile) ત્રિકોણાકાર હોય છે. (iii) તેને બાંધવા માટે મજબૂત અને સખત ખડકનો પાયો જરૂરી છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલો ગ્રાન્ડ ડિક્સેન્સ બંધ 285 મી. ઊંચાઈ ધરાવતો દુનિયાનો સૌથી ઊંચો ભારાશ્રિત બંધ છે. (iv) ભારાશ્રિત બંધો માટીના બંધો કરતાં વધારે મજબૂત અને સ્થાયી હોય છે. (v) આ બંધમાં સલામત રીતે નિર્ગમદ્વાર મૂકી શકાય છે. (vi) આ બંધની જાળવણી પાછળ ખર્ચ ઓછું થાય છે. (vii) આ બંધના તળિયા નજીક ઘસીને સાફ કરતો દરવાજો મૂકી શકાય છે. તે દ્વારા જળાશયમાં જમા થયેલો કાંપ દૂર કરી શકાય છે. (viii) કૉંક્રીટનો ભારાશ્રિત બંધ યંત્રોની મદદથી ઝડપથી બાંધી શકાય છે. (ix) લાંબા ગાળે ભારાશ્રિત બંધ સસ્તો પડે છે. (x) ભારાશ્રિત બંધ એકદમ તૂટી પડતો નથી.

માટીના બંધની મુખ્ય ખાસિયતો નીચે પ્રમાણે છે : (1) બંધ બાંધવાના સ્થળ નજીકથી મળતી માટી, ગ્રૅવલ વગેરેથી બંધ બાંધી શકાય છે. (2) કોઈ પણ જાતના પાયા પર આ બંધ બાંધી શકાય છે. (3) આ બંધને છલકાતો બંધ ન કરી શકાય. તેથી પૂરના વધારાના પાણીને જળાશયમાંથી બહાર કાઢવા માટે અલગ છલતી (સ્પિલ-વે) બાંધવી પડે છે. (4) ભારે વરસાદવાળા વિસ્તાર માટે આ બંધ અનુકૂળ નથી. (5) આ બંધની મરામત અને જાળવણી પાછળ સારો ખર્ચ થાય છે. (6) બંધની ઊંચાઈ તેને બાંધ્યા પછી પણ વધારી શકાય છે. (7) આ બંધ ચેતવણી આપ્યા સિવાય તૂટી જઈ શકે છે અને તેથી હેઠવાસમાંના જાનમાલને ઘણું નુકસાન પહોંચી શકે છે. દા.ત., ઑગસ્ટ 1979માં મચ્છુ–2 ડૅમ ભારે વરસાદને કારણે તૂટવાથી મોટી હોનારત થઈ હતી.

બંધની પ્રકારગત પસંદગીને  નિયંત્રિત કરતાં પરિબળો : (i) સ્થલાકૃતિ–ખીણનો આકાર, (ii) ભૂસ્તર-રચના અને પાયાની પરિસ્થિતિઓ, (iii) બાંધકામ માટેની માલસામગ્રીની પ્રાપ્યતા, (iv) સ્પિલવેનું કદ અને તેનું સ્થાન, (v) બંધના સ્થળે વરસાદની તીવ્રતા, (vi) પર્યાવરણની બાબતો, (vii) ધરતીકંપની શક્યતાઓ, (viii) ખર્ચ, (ix) રસ્તાની જરૂરિયાત, (x) બંધની લંબાઈ અને ઊંચાઈ, (xi) બંધનું આયુષ્ય વગેરે.

બંધના સ્થળની પસંદગી : બંધ બાંધવાના સ્થળની પસંદગી કરતા પહેલાં ઘણી બાબતો લક્ષમાં લેવી જોઈએ, જેથી બંધને બાંધવાનું કામ સરળ બને, તેને ઓછા ખર્ચે બાંધી શકાય, ભવિષ્યમાં તેની સલામતી ભયમાં ન મુકાય અને તેની સારસંભાળનું ખર્ચ ઓછું આવે. બંધના સ્થળની પસંદગી મુખ્યત્વે નીચેની બાબતો ઉપર આધાર રાખે છે :

(i) બંધ બાંધવા માટેનો યોગ્ય પાયો જ્યાં નાખી શકાય એવું ભૂમિસ્થળ જોઈએ. (ii) બંધના સ્થળે નદીની ખીણ સાંકડી (narrow gorge) હોવી જોઈએ. (iii) સામાન્ય રીતે બંધનું સ્થળ બે નદીઓના સંગમની હેઠવાસમાં પસંદ કરવું જોઈએ. (iv) છલતી (spilt way) જુદી બાંધવાની  જરૂર હોય તો તેના માટેનું યોગ્ય સ્થળ બંધની નજીકમાં મળવું જોઈએ. (v) બંધના બાંધકામ માટે જોઈતી માલસામગ્રી તેના સ્થળની નજીકમાંથી પ્રાપ્ત થતી હોવી જોઈએ. (vi) બંધનું સ્થળ એવું હોવું જોઈએ કે તેનાથી બનતા જળાશયનું તળિયું અને તેના કિનારાઓ જળચુસ્ત જમીન અને ખડકોથી બનેલાં હોય. (vii) બંધનું સ્થળ સહેલાઈથી પહોંચી શકાય તેવું હોવું જોઈએ. તે રેલવે અને રસ્તાથી જોડાઈ શકે તેવું હોવું જોઈએ, જેથી સિમેન્ટ, લોખંડ મશીનરી, મજૂરો, અનાજ વગેરેની સહેલાઈથી ત્યાં સુધી હેરફેર થઈ શકે. (viii) બંધના સ્થળની નજીકમાં કર્મચારીઓ અને મજૂરો માટે વસાહતો બાંધવા માટે સારી પૂરતી જગ્યા મળી રહેવી જોઈએ અને તેનું પર્યાવરણ પ્રદૂષણમુક્ત હોવું જોઈએ. (ix) બંધ પાછળનું સમગ્ર ખર્ચ ઓછામાં ઓછું થાય અને પાછળથી તેની સારસંભાળનું ખર્ચ પણ ઓછું આવે એ ખ્યાલ રાખીને સ્થળપસંદગી કરવી જોઈએ. (x) બંધનું સ્થળ એવું હોવું જોઈએ કે વિશાળ જળરાશિનો સંગ્રહ કરી શકાય. ડૂબમાં જતી જમીન અને માલમિલકતની કિંમત પણ ઓછી હોય તે જોવું જોઈએ.

ભારાશ્રિત બંધના મુખ્ય ભાગો : (1) બ્લૉક, (2) જળનિકાસવીથિ (drainage gallery); (3) અનુપ્રસ્થ અને અનુલંબ સાંધાઓ (transverse and longitudinal joints), (4) પાવરહાઉસ વિભાગ, (5) છલકાતો વિભાગ, (6) વણછલકાતો વિભાગ, (7) આઉટલેટો.

ભારાશ્રિત બંધનું બાંધકામ : ભારાશ્રિત બંધનું બાંધકામ નીચેના ત્રણ તબક્કાઓમાં કરવામાં આવે છે : (1) નદીના પ્રવાહનું વિપથન, (2) બંધના પાયાનું નિર્માણ, (3) બંધનું બ્લૉકવાર બાંધકામ (construction of dam in blocks).

માટીના બંધનું બાંધકામ : (i) સ્થળની સાફસૂફી (site clearance), (ii) પાયામાં પગથિયાનું નિર્માણ, (iii) કટ ખાઈનું ખોદાણ (excavation of cutoff trench), (iv) જલનિકાસ માટેની નીકવ્યવસ્થા કરવી. (v) બંધના નક્કર ભાગ(core)નું બાંધકામ, (vi) બંધના આવરણભાગ(casing)નું બાંધકામ, (vii) ગાળણ(ફિલ્ટર)ભાગનું બાંધકામ, (viii) ઉપરવાસના ઢાળનું પ્રતિરક્ષણ, (ix) હેઠવાસના ઢાળ ઉપર ઘાસ-ઉગાડ, (x) છલતીનું બાંધકામ (construction of waste weir), (xi) નહેરના મૂળ નિયંત્રકનું બાંધકામ, (xii) રસ્તાનું બાંધકામ વગેરે.

માટીના બંધના બાંધકામમાં વપરાતી યંત્રસામગ્રી : (i) સ્ક્રૅપર, (ii) ડ્રૅગ લાઇન, (iii) રિપર, (iv) પુશર, (v) શૉવેલ, (vi) ક્લેમ શેલ, (vii) ડમ્પર, (viii) ટ્રક, (ix) બુલડોઝર, (x) ગ્રેડર, (xi) લીસાં પૈડાંવાળું રોલર, (xii) શીપ ફૂટ રોલર, (xiii) ન્યૂમૅટિક ટાયર્ડ રોલર,  (xiv) વાઇબ્રેટરી રોલર.

ભાખરા બંધ : નદી : સતલજ; સ્રાવક્ષેત્ર : 56,876 કિમી.2; સરેરાશ વરસાદ : 700 મિમી.; બરફ : 2,400 મિમી.; આલેખિત પૂર-નિષ્કાસ : 11,327 મી.3/સેકન્ડ; બંધનો પ્રકાર : ભારાશ્રિત કૉંક્રીટ બંધ; મહત્તમ ઊંચાઈ : 226 મી.; લંબાઈ : 518 મી.; છલતી : પ્રકાર–કેન્દ્રીય સ્તરે ઓવરફ્લો; દરવાજા-સંખ્યા 4, માપ 15.24 × 14.47 મી.; પ્રકાર ત્રિજ્ય (અરીય).

આકૃતિ 1 : ભાખરા બંધનો મહત્તમ સ્પિલ-વે આડછેદ

જળાશય : પૂર્ણ સપાટીએ જળાશયનું ક્ષેત્ર : 166 કિમી.2; પૂર્ણસંગ્રહ : 9,621 મિલિયન મી.3; ઉપયોગી સંગ્રહ : 7,191 મિલિયન મી.3.

પાવર પ્લાન્ટ : પ્રકાર : ઊર્ધ્વ અરીય–અક્ષીય ફાન્સિસ ટર્બાઇન, જલદાબ : (મહત્તમ) 158 મી., (ન્યૂનતમ) 80 મી.; સ્થાપિત શક્તિ : 1,200 મેગાવૉટ.

સરદાર સરોવરની મુખ્ય રૂપરેખા :

સ્થળ : ગુજરાત રાજ્યના રાજપીપળા જિલ્લાના ગામ નવાગામ પાસે નર્મદા નદી પર ભારાશ્રિત બંધ.

જળવિજ્ઞાન :

સ્રાવક્ષેત્ર : 88,000 કિમી.2

સરેરાશ વરસાદ        1,120 મિમી.

બંધ પાસે આવતો અપવાહ –

        50 %ના આધારે        41 લાખ હેક્ટર મી.

        75 %ના આધારે        33.6 લાખ હેક્ટર મી.

        90 %ના આધારે        24.4 લાખ હેક્ટર મી.

જળાશયની વિગતો –

 (1)    પાણીની પૂર્ણ સપાટી : 138.68 મી.

 (2)    મહત્તમ પાણીની સપાટી : 140.21 મી.

 (3)    ન્યૂનતમ પાણીની સપાટી : 110.64 મી.

 (4)    જળાશયની હેઠવાસમાં પાણીની સપાટી : 25.91 મી.

 (5)    પૂર્ણ સંગ્રહ : 9.5 લાખ હેક્ટર મીટર

 (6)    સ્થગિત સંગ્રહ : 3.7 લાખ હેક્ટર મીટર

 (7)    ઉપયોગી સંગ્રહ : 5.8 લાખ હેક્ટર મીટર

 (8)    વાર્ષિક બાષ્પીભવન : 0.6 લાખ હેક્ટર મીટર

 (9)    જળાશયની પૂર્ણ સપાટીથી થતું ડુબાણ : 34,867 હેક્ટર

(10)    ડુબાણની વિગતો

અસર પામતાં ગામોની સંખ્યા પૂર્ણ આંશિક કુલ
મધ્યપ્રદેશ 193 193
મહારાષ્ટ્ર 33 33
ગુજરાત 3 16 19

આકૃતિ 2(અ) : નર્મદા બંધ પરની સર્વિસ છલતી પરનો આડછેદ

(11) અસર પામતાં કુટુંબોની સંખ્યા (આશરે)

        મધ્યપ્રદેશ      23,180

        મહારાષ્ટ્ર       2,462

        ગુજરાત         4,500

(12) બંધની વિગતો

        (i) પ્રકાર – ભારાશ્રિત કૉંક્રીટ બંધ

        (ii) બંધની લંબાઈ – 1,210 મી.

        (iii) બંધની ટોચનું તલ – 146.50 મી.

        (iv) સૌથી ઊંડાઈવાળા પાયાથી બંધની ઊંચાઈ : 163.00 મી.

(13) છલતી (spillway)

        (i) મુખ્ય છલતી : ઓગી ટાઇપ હાઇડ્રૉલિક્સ જમ્પ સ્ટિલિંગ બેઝિન

        (ii) પૂરક છલતી : ચ્છુટ ટાઇપ સ્કિ જમ્પ બકેટ

        (iii) છલતીનું ક્રેસ્ટ-લેવલ – 121.92 મી.

(14) દરવાજા

        (i) પ્રકાર – અરીય (radial)

        (ii) સંખ્યા – 23 મુખ્ય છલતી

                      7 પૂરક છલતી

        (iii) છલતીની ક્ષમતા – 84,749 મી.3/સેકન્ડ

(15) વીજ-ઉત્પાદન

રિવર બેડ પાવરહાઉસ

સંખ્યા રેઇટેડ દરેકની કૅપેસિટી કુલ ટર્બાઇન
6 200 MW 1200 MW ફ્રાન્સિસ વર્ટિકલ રિવર્સિબલ

 

કેનાલ હેડ પાવરહાઉસ

સંખ્યા રેઇટેડ દરેકની કૅપેસિટી કુલ ટર્બાઇન
5 50 MW 250 MW કપલાન

(16) નહેર-વ્યવસ્થા

        મુખ્ય નહેર

        લંબાઈ – 460 કિમી.

આકૃતિ 2(આ) : નર્મદા બંધની મુખ્ય નહેર પરનો એક પુલ

        તળિયાની પહોળાઈ  – 76 મી.

        પાણીની પૂર્ણ સપાટી – 7.6 મી.

        પ્રવાહ – 1132.66 મી.3/સેકન્ડ

        પ્રકાર – સમોચ્ચ રેખા નહેર

        સિંચાઈક્ષેત્ર – 34.286 લાખ હેક્ટર

        ખેડાઉ સિંચાઈક્ષેત્ર – 21.19 લાખ હેક્ટર

        વાર્ષિક સિંચાઈ – 18.92 લાખ હેક્ટર

(17) ખર્ચની વિગતો – (વર્ષ 1986–87 કિંમતને આધારે)

રૂ. કરોડ
બંધ અને સંલગ્ન કામો 936.18
મુખ્ય કેનાલ અને નેટવર્ક 4406.64
પાવર-હાઉસ 979.95
નર્મદા સાગરને આપવાનો ખર્ચ 83.27
કુલ 6406.04

(18) ફાયદાઓ

વાર્ષિક સિંચાઈ  18.92 લાખ હેક્ટર

પીવાના પાણીની ઉપલબ્ધિ      175 અબજ ઘનમીટર

આકૃતિ 3 : ઉકાઈ ડૅમ

 

દુનિયાના ઊંચા બંધો

બંધનું નામ દેશનું નામ બંધનો પ્રકાર ઊંચાઈ (મી.માં) કયા વર્ષે પૂરો થયો
ન્યૂરેક રશિયા માટીનો બંધ 317
ગ્રાન્ડ ડિકિસેન્સ સ્વિટ્ઝર્લૅન્ડ ભારાશ્રિત બંધ 285 1962
ઔગુરી રશિયા આર્ચ બંધ 272
માઇકા કૅનેડા રૉકફિલ બંધ 242 1974
ઓરોવિયોલી અમેરિકા માટીનો બંધ 235 1968
ભાખરા ભારત ભારાશ્રિત બંધ 226 1963
હુવર અમેરિકા આર્ચ ભારાશ્રિત બંધ 221 1936
મ્રાટીન્જી યુગોસ્લાવિયા આર્ચ ડૅમ 220 1975
કેબાન તુર્કી માટીનો ડૅમ 207 1974
મોહમદ રજા શાહ પહલવી ઈરાન આર્ચ ડૅમ 203 1963
ચિકોસિન મેક્સિકો રૉકફિલ બંધ 240
ચિવોર કોલમ્બિયા રૉકફિલ બંધ 237 1975
ડૅનિયલ જૉન્સન કૅનેડા મલ્ટિઆર્ચ બંધ 214 1968
ચીરકી રશિયા આર્ચ બંધ 233 1975

ઉકાઈ બંધ : તાપી નદી પર ભારાશ્રિત બંધ

સ્રાવક્ષેત્ર : 62,225 કિમી.2

સરેરાશ વરસાદ : 79 સેમી.

ડિઝાઇન પૂર પ્રવાહ : 49,490 મી.3/સેક્ધડ

બંધ :

પ્રકાર – માટીકામનો ભારાશ્રિત

પાયાનો પથ્થર – બસાલ્ટ

વધારામાં વધારે ઊંચાઈ – 81.0 મી.

લંબાઈ :

નૉન-ઓવરફ્લો સેક્શન –       4,640 મી.

છલતી – 425 મી.

ઓગિવ આકાર (ogive shape) દરવાજા સાથે :

દરવાજા – 22

છલતીની ક્ષમતા – 35,960 મી.3/સેક્ધડ

મહત્તમ જલસંગ્રહ – 8,511 મિલિયન ક્યૂબિક મીટર

ઉપયોગમાં લેવાતો જલસંગ્રહ – 7,092 મિલિયન ક્યૂબિક મીટર

પાવર પ્લાન્ટ :

ટાઇપ – અન્ડર ગ્રાઉન્ડ રિવર બેડ પાવરહાઉસ

હાઇડ્રૉલિક હેડ :

મહત્તમ – 57 મીટર

ન્યૂનતમ – 34 મીટર

કુલ સ્થાપિત શક્તિ – 300 મેગાવૉટ

વર્ટિકલ શાફ્ટ કપલાન ટર્બાઇન : 4

શક્તિ – 75 મેગાવૉટ

ભારતના જુદાં જુદાં જળાશયોની વિગતો

જળાશયનું નામ રાજ્ય સ્થગિત જલતલ (મીટર) પૂર્ણસપાટી તલ (મીટર) સ્થગિત સંગ્રહ મિલિયન મી.3 પૂર્ણસપાટીએ પાણીનો સંગ્રહ મિલિયન મી.3
નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ 149.05 179.83 4719 11561
ઉકાઈ ગુજરાત 82.30 105.16 1411 8511
કડાણા ગુજરાત 99.08 127.71 340 1542
ઇન્ડુકી કેરળ 681.23 732.43 292 997
કોયના મહારાષ્ટ્ર 609.60 657.91 120 2797
હીરાકુડ ઓરિસા 179.83 192.02 2318 8146
ગોવિંદસાગર પંજાબ 445.62 515.11 7814 9869
રાણા પ્રતાપ સાગર રાજસ્થાન 342.90 352.91 2134 2890
રામગંગા ઉત્તરપ્રદેશ 323.00 365.30 1949 2370
મિટુર તામિલનાડુ 204.22 240.79 1715 2728

નગીન મોદી