બંટી : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinocloa crus-galli Beauv. syn. Panicum crus-galli Linn. (હિં. सामाक, संवक, ગુ. બંટી સામો, મ. સામા; અં. barnyard millet) છે. તે 90.0 સેમી.થી 120 સેમી. ઊંચાઈ ધરાવતું એકવર્ષાયુ ગુચ્છાદાર (tufted) તૃણ છે. તેનાં પર્ણો ચપટાં અને રેખીય હોય છે. તે ભારતમાં 1800 મી.ની ઊંચાઈ સુધી થાય છે અને ડાંગરનાં ખેતરોમાં અપતૃણ તરીકે જોવા મળે છે.

ગુજરાત રાજ્યમાં નાના કદના દાણા ધરાવતાં તૃણ ધાન્યોમાં તેનો સમાવેશ થાય છે. તેનું વાવેતર ડાંગ, વલસાડ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓના ડુંગરાળ પ્રદેશમાં થાય છે. વરસાદ આધારિત ચોમાસુ પાક તરીકે આદિવાસી તેમજ ડુંગરાળ પ્રદેશમાં જ્યાં ઓછો વરસાદ હોય તેવા સપાટ પ્રદેશમાં તેનું વાવેતર કરવામાં આવે છે. તે આદિવાસી લોકોનો મુખ્ય ખોરાક છે.

વાવણી : તે વરસાદ આધારિત ચોમાસુ પાક છે. ચોમાસામાં વાવણીલાયક વરસાદ થાય ત્યારે જૂન અને જુલાઈ માસમાં વાવણી કરવામાં આવે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી તરફથી હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, વઘઈ તરફથી ઈ.સ. 1984માં ભલામણ કરેલી સુધારેલી જાત ગુજરાત બંટી-1નો વાવેતરમાં ઉપયોગ કરવાથી 19 % વધારે ઉત્પાદન મળે છે. તેની વાવણી વાવણિયાથી ઓરીને કરવામાં આવે છે. ગુજરાત બંટી-1નો બિયારણનો દર હેક્ટરે 12થી 15 કિગ્રા. રાખવો યોગ્ય છે. આ પાકને હારમાં વાવવામાં આવે છે અને બે હાર વચ્ચે 30 સેમી.નું અંતર રાખવામાં આવે છે.

બંટીની બે જાતો : (અ) એકિનોક્લોઆક્રુસગાલ્લી, (આ) એ. સ્ટૅગ્નિના

નીંદામણ નિયંત્રણ : સમયસરનું નીંદામણ પાકની સારી વૃદ્ધિ, ખાતર, પાણી વગેરેની પાક સાથેની હરીફાઈ ઘટાડવા અગત્યનું છે. તેના પાકમાં 30થી 45 દિવસનો ગાળો એ પાક-નીંદામણ હરીફાઈનો કટોકટીનો ગાળો છે. જરૂરિયાત પ્રમાણે બેથી ત્રણ નીંદણ કરવાથી તેનું નિયંત્રણ કરી શકાય છે. બે હાર વચ્ચે કરબડીથી નીંદામણ કાઢી હારમાં રહેલું નીંદામણ હાથથી કાઢવું જરૂરી બને છે.

આ પાકને હેક્ટરે 20 કિગ્રા. નાઇટ્રોજન અને 10 કિગ્રા. ફૉસ્ફરસની જરૂરિયાત રહે છે. પૉટાશની જો ઊણપ હોય તો જમીનચકાસણીના અહેવાલ પ્રમાણે આપવામાં આવે છે. નાઇટ્રોજન અને ફૉસ્ફરસનો બધો જ જથ્થો વાવણી વખતે પાયાના હપતા તરીકે આપવો જરૂરી હોય છે. ખાતર ચાસમાં ભેજમાં પડે એ રીતે ઓરીને આપવું હિતાવહ છે.

પાકસંરક્ષણ : આ પાકને રોગ કે જીવાતથી ખાસ નુકસાન થતું નથી એટલે પાકસંરક્ષણનાં પગલાં લેવાની જરૂર રહેતી નથી.

પાકવાના દિવસો : પાકને 50 દિવસે ફૂલ આવે છે. અને સામાન્ય હવામાનમાં 85 દિવસે તૈયાર થઈ જાય છે.

ઉત્પાદન : આ પાકમાંથી 500થી 800 કિગ્રા. હેક્ટરે દાણાનું ઉત્પાદન મળે છે. જ્યારે 20 ક્વિન્ટલ જેટલું હેક્ટરે ઘાસનું ઉત્પાદન મળે છે. ખોરાક તરીકે ઉપયોગમાં લેતા પહેલાં ડાંગરની માફક ઉપરનાં છોતરાં કાઢી નાખવાની જરૂર પડે છે.

ઉપયોગ : તેના દાણા ધાન્ય તરીકે વપરાય છે. ઘાસ પશુના ખોરાકમાં વાપરી શકાય છે.

ઇજિપ્તમાં ક્ષારવાળી આલ્કેલાઇન ભૂમિની સુધારણા માટે તેને ઉગાડવામાં આવે છે. વરિયાળી સાથે તેના દાણાની ભેળસેળ કરાય છે. તેનો બરોળના રોગોમાં અને રક્તસ્રાવ અટકાવવામાં ઉપયોગ થાય છે.

જયંતિલાલ છોટાભાઈ પટેલ