બંચ, રાલ્ફ (જ. 7 ઑગસ્ટ 1904, ડેટ્રોઇટ; અ. 9 ડિસેમ્બર 1971, ન્યૂયૉર્ક) : રાષ્ટ્રસંઘના અગ્રણી અમેરિકન મુત્સદ્દી તથા પૅલેસ્ટાઇનની સમસ્યાના નિરાકરણમાં વિધેયાત્મક ભૂમિકા ભજવવા બદલ 1950નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર રાજપુરુષ. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ હબસી હતા. સમગ્ર શિક્ષણ અમેરિકામાં. 1927માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષય સાથે સ્નાતક થયા બાદ 1934માં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. દરમિયાન 1928માં પોતાની માતૃસંસ્થામાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. (1928–1950). રાજ્યશાસ્ત્ર વિભાગ શરૂ થતાં મહત્વની ભૂમિકા ભજવી. 1938માં તેમને પ્રોફેસરના પદ પર બઢતી આપવામાં આવી. સાથોસાથ 1938–40ના બે વર્ષના ગાળા દરમિયાન તેમણે વિખ્યાત સમાજશાસ્ત્રી ગુન્નાર મિર્ડાલ(1898–1987)ના વિદ્યાકીય સહાયક તરીકે કામગીરી કરી. આ કામગીરી હેઠળ એ બંનેએ અમેરિકામાં રંગભેદની સમસ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો, જેના પરિણામે મિર્ડાલનો બહુચર્ચિત ગ્રંથ ‘ઍન અમેરિકન ડાયલેમા’ (1944) પ્રકાશિત થયો. ફ્રેન્ચોના તાબા હેઠળની પશ્ચિમ આફ્રિકાની ટોગોલૅન્ડ અને ડેહોમી જેવી વસાહતોના વહીવટના તુલનાત્મક અભ્યાસાર્થે તેમને રોઝવૉલ્ડ ફીલ્ડ સ્કૉલરશિપ એનાયત થઈ હતી. આ અભ્યાસ બાદ તેમણે અમેરિકાની ઇલિઓનિસ રાજ્યમાંની નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં તથા લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં પોસ્ટ-ડૉક્ટોરલ સંશોધન હાથ ધર્યું. ત્યારબાદ વસાહતવાદી નીતિના વધુ અભ્યાસાર્થે તેઓ ફરી આફ્રિકા ગયા. 1939–44 દરમિયાન અમેરિકન સરકારના યુદ્ધને લગતા વિભાગમાં આફ્રિકા અને દૂર પૂર્વના દેશો અંગેની નીતિ ઘડનાર એકમમાં નિયામક તરીકે જોડાયા તથા 1944માં પોતાના દેશના ગૃહ વિભાગ(સ્ટેટ ડિપાર્ટમેન્ટ)માં તેની એક મહત્વની શાખાના વડા બન્યા. બીજા વિશ્વયુદ્ધ (1939–45) બાદ રાષ્ટ્રસંઘની સ્થાપના અંગે વૈશ્વિક સ્તર પર જે મંત્રણાઓ થઈ તેમાં તેમણે  સક્રિય ભાગ ભજવ્યો તથા રાષ્ટ્રસંઘના ઘોષણાપત્રમાં ટ્રસ્ટીશિપ અંગે જે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે તેનો મુસદ્દો તૈયાર કર્યો. રાષ્ટ્રસંઘની સ્થાપના પછી તેના મધ્યસ્થ કાર્યાલયમાં જે નવો ટ્રસ્ટીશિપ વિભાગ શરૂ કરવામાં આવ્યો તેના નિયામક તરીકે 1947માં તેમની વરણી કરવામાં આવી. અરબો અને યહૂદીઓ વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે જે મંત્રણાઓ હાથ ધરવામાં આવી તેનું સંચાલન રાષ્ટ્રસંઘની જે ખાસ સમિતિ દ્વારા થતું હતું તે સમિતિના વડા તરીકે 1949ના શરૂઆતના ચાર માસ દરમિયાન તેમણે કરેલા મહત્વના કાર્ય બદલ 1950માં તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું.

રાલ્ફ, બંચ

1950માં રાષ્ટ્રસંઘના મધ્યસ્થ કાર્યાલયમાં અન્ડર સેક્રેટરીના પદ પર (1950–52), 1952માં અન્ડર સેક્રેટરી ફૉર સ્પેશિયલ પોલિટિકલ એફેર્સ અને ત્યારબાદ રાષ્ટ્રસંઘના મહામંત્રીના ખાસ રાજકીય સલાહકાર તરીકે તેમણે જે કામ કર્યું છે તેની સારી એવી પ્રશંસા થઈ હતી. 1956માં બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયેલે સુએઝ પર જે સંયુક્ત આક્રમણ કર્યું તે દરમિયાન સુએઝ નહેરના ક્ષેત્રમાં રાષ્ટ્રસંઘના નેજા હેઠળની તટસ્થ લશ્કરી ટુકડીઓની ગોઠવણનું મહત્વનું કાર્ય પણ તેમને જ સોંપવામાં આવ્યું હતું. 1960માં રાષ્ટ્રસંઘ વતી કૉંગોમાં અને 1964માં સાઇપ્રસની કટોકટી દરમિયાન તે વિસ્તારમાં શાંતિ-સેનાની કાર્યવાહીનું સંચાલન તેમણે જ કર્યું હતું. માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળા દરમિયાન નવ જેટલી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં સલાહકાર અથવા પ્રતિનિધિ (delegate) થવાનું માન તેમને ફાળે ગયું હતું. વિશ્વમાં મોટી સત્તાઓ હસ્તકની વસાહતોની વિશિષ્ટ સમસ્યાઓના તેઓ તજ્જ્ઞ હતા. 1965માં સ્વાસ્થ્યનાં કારણોસર તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ખરી, છતાં જાહેર જીવનમાંથી તેઓ કદી નિવૃત્ત થઈ શક્યા નહિ. 1965 પછીના ગાળામાં અમેરિકામાં હબસી પ્રજાના અધિકારો અંગે જે જનઆંદોલન જાગ્યું તેમાં તેઓ અવસાન સુધી સક્રિય રહ્યા (1965–71). રાષ્ટ્રસંઘના કાર્યાલયમાં અમેરિકાના નાગરિકોએ જે ઉચ્ચ પદો ભોગવ્યાં તેમાં સાપેક્ષ રીતે સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર રાલ્ફ બંચ હતા.

અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માનના પ્રતીકરૂપ યુ.એસ. મૅડલ ઑવ્ ફ્રીડમ 1965માં તેમને એનાયત કરવામાં આવ્યો હતો.

પુષ્કર ગોકાણી