ફ્લોજિસ્ટનવાદ (Phlogiston theory)

March, 1999

ફ્લોજિસ્ટનવાદ (Phlogiston theory) : પદાર્થોના દહન અને ધાતુઓના ભસ્મીકરણ (colcination) દરમિયાન ફ્લોજિસ્ટન નામનો પદાર્થ ઉત્સર્જિત થતો હોવાની માન્યતા ધરાવતો રાસાયણિક સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ એમ માનવામાં આવતું કે ધાતુઓ એ ભસ્મ (calx) અને ફ્લોજિસ્ટનની બનેલી છે અને દહન દરમિયાન ફ્લોજિસ્ટન મુક્ત થાય છે.

ધાતુ – ફ્લોજિસ્ટન = ભસ્મ

ભસ્મને કોલસા(charcoal)ના રૂપમાં ફ્લોજિસ્ટન આપવાથી ધાતુ પાછી પ્રાપ્ત થતી હોવાથી ફ્લોજિસ્ટનને ફેરબદલી પામી શકે તેવો પદાર્થ ગણવામાં આવતો. સામાન્ય રીતે આવી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થતાં હોવાથી તથા અઢારમી સદીના પાછલા ભાગ સુધી રસાયણશાસ્ત્રીઓ દ્વારા પદાર્થની વાયુ અવસ્થા પર ધ્યાન આપવામાં આવેલું ન હોઈ દહનની ઘટના માટે સાદું અર્થઘટન એમ કરવામાં આવતું કે દહન દરમિયાન ભસ્મમાંનો ફ્લોજિસ્ટન નામનો અગ્નિરૂપ (fiery) સંઘટક અથવા સત્વ દૂર થાય છે.

આ વાદ 1669માં યોહાન બેચરે સૂચવ્યો તથા ઈ. સ. 1700ની શરૂઆતમાં જર્મન રસાયણવિદ જૉર્જ અર્ન્સ્ટ સ્ટાહલ (1660–1734) દ્વારા વિકસાવાયો. સ્ટાહલના મત મુજબ બધા જ જ્વલનશીલ પદાર્થોમાં ફ્લોજિસ્ટન નામનો પદાર્થ રહેલો હોય છે અને પદાર્થોને સળગાવતાં તેમાંથી ફ્લોજિસ્ટન નીકળી જાય છે. દહન માટે હવા આવશ્યક હોય છે, કારણ કે દહન દ્વારા નીકળતા ફ્લોજિસ્ટનને તે શોષી લે છે. આ હવામાંથી છોડવાઓ ફ્લોજિસ્ટન ખેંચી લે છે. તેથી છોડવાઓ ફ્લોજિસ્ટનથી વધુ સાંદ્ર થતા જાય છે. જ્યારે તે સુકાઈ જાય ત્યારે સળગી શકે છે. ફ્લોજિસ્ટનવાદ દ્વારા કેટલાયે પ્રયોગો સમજાવી શકાયા. નવા સિદ્ધાંતો અને નવી શોધો અંગેની પૂર્વભૂમિકા બંધાઈ. આ કારણોસર ઈ. સ. 1700માં આ વાદ વ્યાપકપણે સ્વીકારાયેલો.

1700ના ઉત્તરાર્ધમાં રસાયણવિદો દ્વારા વાયુના અભ્યાસ માટે નવી નવી પ્રાયોગિક તકનીક વિકસાવાઈ. આ વાદના આધારે નવાં સંશોધનો પણ થયાં. ઈ. સ. 1750માં સ્કૉટલૅન્ડના રસાયણવિદ જૉસેફ બ્લૅક (1728–1799) દ્વારા દહન દ્વારા બનતો વાયુ કાર્બન ડાયૉક્સાઇડ (CO2) છે, તેમ સાબિત થયું. હવા કરતાં ભિન્ન ગુણધર્મો ધરાવતો આ પ્રથમ વાયુ શોધાયો. ઈ. સ. 1766માં હેન્રી કૅવેન્ડિશ (1730–1810) નામના અંગ્રેજ રસાયણવિદ તથા ભૌતિકવિજ્ઞાનીએ હાઇડ્રોજન વાયુ શોધ્યો. હાઇડ્રોજન ખૂબ જ જ્વલનશીલ છે. તેથી કેવેન્ડિશે તે શુદ્ધ ફ્લોજિસ્ટન હોવાનું ધાર્યું. ઑક્સિજનની શોધ સ્વીડિશ રસાયણવિદ કાર્લ શીલ (1742–1786) દ્વારા 1770માં થઈ તથા 1774માં અંગ્રેજ રસાયણવિદ જૉસેફ પ્રિસ્ટલી(1733–1804)એ પણ તે સ્વતંત્ર રીતે શોધી કાઢ્યો. લાકડું હવાને મુકાબલે ઑક્સિજનની હાજરીમાં વધુ ઝડપથી સળગે છે. પ્રિસ્ટલીએ આથી એવું ધાર્યું કે ઑક્સિજન વધુ માત્રામાં ફ્લોજિસ્ટન શોષી શકે છે. આ કારણે ઑક્સિજનને તેણે ફ્લોજિસ્ટનરહિત (dephlogisticated) હવા એવું નામ આપ્યું.

લેવાઇઝિયરે (1743–1794) નોંધ્યું કે દહન થતું હોય તે દરમ્યાન તેમાં વપરાતી હવાનું વજન ઘટતું હોય છે. વજનમાં આ ઘટાડો બળતા પદાર્થ માટે વપરાતી હવામાં રહેલા કોઈક પદાર્થના વપરાઈ જવાથી થાય છે. આ પદાર્થ જેને અગાઉ ફ્લોજિસ્ટનરહિત હવા કહેતા તે ઑક્સિજન જ હતો. આમ લેવાઇઝિયરનો દહન અંગેનો ઑક્સિજનવાદ સ્વીકાર પામ્યો, તેને પરિણામે ફ્લોજિસ્ટનવાદી માન્યતા ખોટી ઠરી.

જ. પો. ત્રિવેદી