ફ્લેમિશ ભાષા અને સાહિત્ય

March, 1999

ફ્લેમિશ ભાષા અને સાહિત્ય : જૂના ફ્લેન્ડર્સ(હાલના બેલ્જિયમના ઉત્તર ભાગ અને નેધરલૅન્ડ્ઝ તથા ફ્રાન્સના કેટલાક ભાગની ભાષા. તે કેટલીક બોલીઓમાંથી નેધરલૅન્ડઝ્ અને ફ્લેન્ડર્સમાં બારમી સદીના મધ્યભાગમાં ઉદભવી હતી. હાલના બેલ્જિયમના 55 % જેટલા લોકોની આ એક રાજભાષા છે, જે લેખનમાં પ્રયોજાય છે. ફ્રાન્સમાં તેનો મર્યાદિત ઉપયોગ થાય છે. નેધરલૅન્ડઝ્ની ડચ ભાષાઓમાંની એક પ્રાદેશિક ભાષા તે ફ્લેમિશ. જોકે ભાષાશાસ્ત્રીઓ જેને નેધરલૅન્ડિક ભાષા તરીકે ઓળખાવે છે તે રાજકીય અને સાંસ્કૃતિક અર્થમાં ડચ અને ફ્લેમિશ છે. ફ્લેમિશમાં સ્વાભાવિક રીતે જ ઘણાબધા ફ્રેન્ચ શબ્દોનો ઉપયોગ થાય છે. ફ્લેમિશ બોલીઓમાંથી ખાસ ભાષા પ્રગટાવવાના કેટલાક સભાન પ્રયત્નો થયા છે.

1759માં નેધરલૅન્ડઝ્નો પ્રદેશ રાજકીય રીતે ઉત્તર અને દક્ષિણ – એમ બે વિભાગોમાં છૂટો પડ્યો. આ સમયે હોલૅન્ડ અને ઉત્તરના પ્રદેશોએ પોતપોતાની સ્વતંત્ર સરકારની સ્થાપના કરી. 1794માં ફ્રાન્સે દક્ષિણના પ્રદેશોને કબજે કર્યા ત્યારે ફ્રેન્ચ ત્યાંની રાજભાષા બની. બેલ્જિયમ અને હોલૅન્ડના સમવાયતંત્ર દ્વારા નેધરલૅન્ડઝ્ બન્યું. દક્ષિણ બેલ્જિયમના લોકોએ ફ્રેન્ચનો ઉપયોગ ચાલુ રાખ્યો. આ ફ્રેન્ચ વાલૂન તરીકે ઓળખાય છે. ઉત્તર બેલ્જિયમના લોકોએ તેમની ફ્લેમિશ બોલીઓનો ઉપયોગ ચાલુ રાખ્યો. આ ભાષાવાર વિભાજન 1830માં બેલ્જિયમ સ્વતંત્ર થયા પછી થયું, જે આજે પણ જોવા મળે છે. લાંબા સંઘર્ષ બાદ 1938માં ફ્લેમિશને ફ્રેન્ચની જેમ જ ઉત્તર બેલ્જિયમની રાજભાષા તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

ફ્લેમિશ સાહિત્ય : ફ્લેમિશ ભાષામાં રચાયેલું ફ્લેન્ડર્સનું સાહિત્ય. પ્રથમ ફ્લેમિશ કવિ હીનરિચ વૉન વૅલ્ડૅક(1160 –1200)નો જન્મ માસ્ટ્રિચ્ટ, નેધરલૅન્ડઝ્માં થયો હતો. તેમણે ફ્રૉન્કોનિયન બોલીમાં કવિતા લખી હતી. તેમણે વર્જિલના મહાકાવ્ય ‘ઇનિડ’નો અનુવાદ કર્યો. વળી ઊર્મિગીતો અને સેંટ સર્વેશિયસના જીવનચરિત્રની પણ રચના કરી. પછીની સદીની કવિતા અનેક બોલીઓમાં રચાઈ છે; પરંતુ લગભગ તમામનો પ્રતિભાવ પ્રચલિત મધ્યકાલીન રોમાન્સની વિરુદ્ધનો હતો. સાહિત્યમાં બોધાત્મક વલણ આવ્યું. જૅકબ વાન મૅર્લન્ટે પ્રાકૃતિક ઇતિહાસ, બાઇબલ અને જગતના ઇતિહાસ વિશે લખ્યું છે.

સોળમી સદીના લેખકોએ પોતપોતાની બોલીને પ્રશિષ્ટ ફ્લેમિશ ભાષાનું સન્માન પ્રાપ્ત થાય તે માટે આગ્રહ સેવ્યો. નેધરલૅન્ડઝ્ની એક સમાન ભાષા માટે સભાન પ્રયત્નો થયા. જોકે અઢારમી સદી સુધી આ દિશામાં કંઈ નક્કર કાર્ય થયું નહિ. 1794માં ફ્રાન્સના આધિપત્ય નીચે ફ્રેન્ચ રાજ્યભાષા અને ફ્લેમિશ સાહિત્યિક ભાષા તરીકે ઊપસી આવી. 1811માં કૅરૅલ બ્રૉકાર્તની ફ્લેમિશ ટૂંકી વાર્તા ‘જેલન અને મિત્ઝે’ પ્રગટ થઈ. તેણે અંગ્રેજ નિબંધકાર જૉસેફ એડિસનની શૈલીમાં લખ્યું. આ સમયમાં કવિ પીટર ઝૂસ્ત દ બૉર્ચગ્રેવ અને નાટ્યકાર ઝ્યાઁ બૅપ્ટિસ્ટ હૉફમૅનનાં નામ નોંધપાત્ર છે.

1818માં ફ્લેમિશ સાક્ષર ઝ્યાઁ ફ્રાન્સ વિલ્હેમે ફ્લેમિશ ભાષાની અગત્ય તેમના આકરગ્રંથ ‘વર્હાન્દેલિંગ ઑવર દ નેદરદયુતશ્ચે તાલ-એન-લેતરકુંદે’ (ટ્રીટાઇઝ ઑન લો ડચ ફાઇલૉલૉજી ઍન્ડ લિટરેચર.) ગ્રંથ 1 અને 2માં (1819–’24) સમજાવી છે. આ મહાગ્રંથથી એક સરકારમાન્ય ચળવળ શરૂ થઈ. તેમણે તેરમી સદીના એક કાવ્ય ‘વાન દૅ વો રેનાર્દ’(રેનાર્દ ધ ફૉક્સ)ની પ્રમાણભૂત આવૃત્તિ તૈયાર કરી. આમ 1839 પછી ફ્લેમિશ ભાષાનો ફેલાવો ઝડપથી થવા લાગ્યો. પદ્યમાં કારેલ તુદ્વિઝ્ક લેદગૅક, થિયૉદૉર વાન રિઝવિક અને પુદેન્સ વાન દાયસનાં અને ગદ્યમાં હેન્દ્રિક કૉન્શિયન્સનાં નામો ઉલ્લેખનીય છે. હેન્દ્રિકે ફ્લેમિશમાં 100 જેટલી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ આપી. તેમની ઐતિહાસિક નવલકથા ‘ધ લાયન ઑવ ફ્લેન્ડર્સ’ (1838; અનુ. 1853–57) સીમાચિહ્નરૂપ છે. રાષ્ટ્રીય જુવાળને પ્રગટાવતી આ નવલકથા ફ્લેન્ડર્સની અસ્મિતાનાં દર્શન કરાવે છે. તેમના જ સમકાલીન ઝ્યાઁ વાન બિયર્સ રોમૅન્ટિક શૈલીના કવિ છે. તેમણે ફ્લેમિશ કવિતાને સાદગી અને સુઘડતા બક્ષ્યાં. જોકે વર્જિની લવલિંગ જેવા અનેક નવલકથાકારોએ કૉન્શિયન્સના ગ્રામીણ આદર્શના ભ્રમને તોડી નાંખ્યો; આમ છતાંય લવલિંગની ‘એન દ્યોર એદ્’ (એ સોલમ ઑથ, 1892) વાસ્તવવાદનું પ્રશંસનીય ઉદાહરણ છે. ઓગણીસમી સદીના નોંધપાત્ર કવિ પાદરી ગીદો ઝીઝેલ છે. તેમણે સાદી પરંતુ હૃદયસ્પર્શી વાણીમાં ધાર્મિક લાગણી અને ગ્રામીણ જીવનની રજૂઆત કરતાં કાવ્યો રચ્યાં છે.

1893માં ‘વાન નુ એન સ્ટ્રાક્સ’ (ઑવ્ ટુડે ઍન્ડ ટુમૉરો) સામયિક શરૂ થયું. તેના દ્વારા પ્રાદેશિકતાની સામે રાષ્ટ્રીયતાના આદર્શને રજૂ કરવામાં આવ્યો. છેક આધુનિક સમયના લેખકો ઉપર તેની અસર જણાય છે. હરમાન તિરલિંક અને ઝીન સ્ટ્રિવેલ્સ(ફ્રાન્ક લેત્પોરનું તખલ્લુસ; 1871–1969)ની કૃતિઓ પર આ સામયિકે અસર કરી છે. તિરલિંકે નાટક અને નિબંધો લખ્યાં છે. તેનાં નાટકો ‘દ વસ્ત્રાગ્દે ફિલ્મ’ (ધ સ્લૉ મૉશન ફિલ્મ, 1921) અને ‘દ મૅન ઝોન્દેર લિફ’ (ધ બોડિલેસ મૅન; 1925) તથા નવલકથા ‘ઝેલ્ફપોત્રેત ઑવ હેત ગાલ્ઝેમાલ’ (સેલ્ફ પોટ્રેટ ઑર ધ કનવિક્ટ્સ લાસ્ટ મીલ, 1966) વિશેષ પ્રસિદ્ધ છે. તિરલિંકે ‘નીવ વ્લામ્સ નિઝક્રિફત’(ન્યૂ ફ્લેમિશ રિવ્યૂ)નું તંત્રીપદ સંભાળ્યું હતું. જોકે વાનનુ એન સ્ટ્રાક્સ’ના વૃંદનો શ્રેષ્ઠ નવલકથાકાર સ્ટ્રોવેલ્સ છે. મોટા ફલકમાં પથરાયેલી તેમની ખેડૂત-જીવનની કથાઓની શિરમોર વાર્તા ‘દ વ્લારશ્ચાર્દ’ (ધ ફ્લેક્ષ ફિલ્ડ, 1907) છે.

‘રિમ્તે’(સ્પેસ)માં કેટલાક અભિવ્યક્તવાદી કવિઓની રચનાઓ પ્રસિદ્ધ થઈ. અહીં કવિ વાસ્તવને ગૌણ બનાવીને પોતાની આંતરિક ભાવના કે અનુભૂતિને વ્યક્ત કરે છે. આમાં માર્નિક્સ ગિઝ્સેન(ઝાન-આલ્બર્ટ ગોરિસનું તખલ્લુસ)ની કવિતા પ્રકાશિત થઈ હતી. પહેલા વિશ્વયુદ્ધ પછીનો બેલ્જિયમનો તે સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિવાદી કવિ છે. 1925માં તેમની સમગ્ર કવિતા પ્રસિદ્ધ થઈ. પાછળથી તેમણે નવલકથાઓ અને વિવેચનલેખો પણ લખ્યા છે. તેમની આત્મકથનાત્મક નવલકથાઓમાં અમેરિકાસ્થિત યુરોપના બુદ્ધિજીવીઓની સંદિગ્ધ પરિસ્થિતિનું ચિત્રણ છે. ‘વ્લીસ્પોટ – તેન વાન ઇજિપ્ત’ (ધ ફ્લેશપૉટ્સ ઑવ્ ઇજિપ્ત, 1952) આ પ્રકારની નવલકથા છે. તેમણે ‘આલ્બેચ્ટ ડ્યૂરર’(ડાયરી ઑવ્ હિઝ જર્ની ટૂ ધ નેધરલૅન્ડઝ્, 1971)ના સંપાદન-કાર્યમાં પણ મદદ કરી હતી.

પરંપરાગત ફ્લેમિશ નવલકથાનો લગાવ ગ્રામપ્રદેશ અને નાનાં નાનાં નગરો સાથે સવિશેષ છે. આ સ્વરૂપ લોકપ્રિય છે. ટિમરમૅન્સની ‘પેલીટર’ (1916) નવલકથા આ પ્રકારની છે. મૉરિસ શેલૅન્ટ્સે તથા જિરાર્દ વૉલ્શચેપે પરંપરાગત નવલકથાઓને બદલે માનસશાસ્ત્રીય અને સામાજિક અનુભવમાંથી પ્રગટતી નગરજીવનની નવલકથાઓ રચી. બીજા વિશ્વયુદ્ધ પછી સાહિત્યમાં જાતજાતના પ્રયોગો થયા. ‘ધ ડેડ બીટ્સ’ (1957, અનુ. 1968) યુદ્ધના અનુભવે લગભગ પાગલ થઈ ગયેલ સૈનિકની કથા છે. હ્યુગો ક્લૉસ કવિ, નાટ્યકાર અને નવલકથાકાર છે અને તેમની જીવનના નકારાત્મક અનુભવને વ્યક્ત કરતી ‘દ મેત્સિયર્સ’ (ધ મેતસિયર્સ, 1951) નવલકથા એક ખેડૂતના કુટુંબની પાપકહાણી છે. જોકે ત્યારપછી આ જ લેખક ‘દ વરવૉન્ડરિંગ’ (એસ્ટૉનિશમેન્ટ, 1962) જેવી માનવતાકેન્દ્રી નવલકથાઓ આપે છે.

વિ. પ્ર. ત્રિવેદી