ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ – ધ ક્વેકર્સ

March, 1999

ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ – ધ ક્વેકર્સ : 1947નું નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સંસ્થા. તેનું પૂરું નામ ધ રિલિજિયસ સોસાયટી ઑવ્ ફ્રેન્ડ્ઝ છે. આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપતી એ સંસ્થા લંડનની ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ (FSC) અને ફિલાડેલ્ફિયાની અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી (AFSC) – એમ બંને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

‘પ્રેમ શું કરી શકે છે તે જુઓ’ – આ સૂત્ર ક્વેકર શાંતિવાદીઓનો ધ્યેયમંત્ર છે. સત્તરમી સદીની અંગ્રેજ ક્રાંતિ દરમિયાન આ સંસ્થાનો જન્મ થયો. બીજા ધર્મ પ્રત્યે ક્વેકર શાંતિવાદીઓ સંપૂર્ણ સહિષ્ણુતા બતાવે છે. દરેક મનુષ્યમાં દૈવી તત્ત્વનો અંશ છે અને મૂળભૂત સારપ જે સાર્વત્રિક છે તેનું ક્રિયામાં તે રૂપાંતર કરવા મથે છે. યુદ્ધને રોકવું તે એમની નીતિના પાયામાં છે. પોતાનાં બધાં જ સાધનો દ્વારા ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલે યુદ્ધને અટકાવવાની કામગીરી કરી છે. શાંતિના સમયમાં લોકમત ઉપર પ્રભાવ પાડવાનો પ્રયાસ તથા સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંવાદ તેમની કાર્યપદ્ધતિનાં મુખ્ય લક્ષણો છે.

સમગ્ર વિશ્વમાં સામાજિક ન્યાય માટે જેલોમાં અને જ્યાં જ્યાં દુ:ખ દેખાય ત્યાં ત્યાં તેમણે કામ કર્યું છે. તેમના આ કામમાં અમેરિકામાં જીવવાનાં પ્રાથમિક સાધનોથી વંચિત એવા અશ્વેતો, અમેરિકન આદિમ જાતિઓ, મેક્સિકન અમેરિકનો, સ્થળાંતર પામેલા કાર્યકરો, વર્જિનિયાના ખાણિયાઓ – એ બધા સમાઈ જાય છે. યુદ્ધનો ભોગ બનેલાઓને રાહત પહોંચાડવા માટે, તેમના પુનર્વસવાટ માટે આ શાંતિવાદીઓ કામ કરતા રહ્યા છે. વળી સંસ્થાના પ્રારંભિક કાળથી જ તેઓ સત્તાઓ વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષ વખતે પણ અસરગ્રસ્તોને મદદ કરતા રહ્યા છે. કશા રાજકીય સ્વાર્થ વગર તેમણે નેપોલિયન યુદ્ધ, ક્રિમિયન યુદ્ધ, બોઅર યુદ્ધ અને અમેરિકન ગુલામી મુક્તિ-સંઘર્ષ દરમિયાન સેવાનું મોટું કામ કર્યું છે.

પહેલા વિશ્વયુદ્ધ (1914–18) વખતે આ શાંતિવાદીઓએ ફ્રાંસમાં યુદ્ધથી અનાથ બનેલાં બાળકોની સારસંભાળ લેવામાં અને નિર્વાસિત લોકોને ફરી ઘર બાંધવામાં મદદ કરી છે. રાષ્ટ્રીયતા અને રાજકારણની અડચણો ઓળંગીને અસહ્ય યાતના ભોગવતા, ઘરવિહોણા, દુકાળગ્રસ્ત અને રોગગ્રસ્ત લોકો વગેરે માટે સોવિયેટ યુનિયન, પોલૅન્ડ, સર્બિયા અને જર્મની સુધી તેમણે સક્રિય મદદ પહોંચાડી છે. હિટલરના જર્મનીમાંથી બચીને આવેલા શરણાર્થીઓ, સ્પેનના સિવિલ યુદ્ધનાં અસહાય બાળકો, અમેરિકામાં એકત્રિત થયેલા જાપાનીઓની છાવણીઓ તથા અન્ય એવાં અનેક સ્થળોએ તેમણે રાહત પહોંચાડી છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) સમયે આ શાંતિવાદીઓ વધુ વિશાળ કાર્યક્રમોમાં પરોવાયા. વળી ગાઝા પટ્ટી પરના આરબ શરણાર્થીઓની સેવાનાં તેમજ ભારત, ચીન, જાપાન અને યુરોપના કેટલાક દેશોનાં રાહતકામોને તેમણે આવરી લીધાં. માત્ર બે લાખ શાંતિવાદી સભ્યોની મુઠ્ઠીભર સંખ્યાએ આવા વિશાળ કાર્યક્રમો જગતભરમાં હાથ ધરીને બીજામાં માનવતા ઉતારવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શાંતિવાદીઓની આંતરરાષ્ટ્રીય સેવા-પ્રવૃત્તિ માનવતાવાદથી પણ આગળ જાય છે. તેમણે યુદ્ધ પછીના વિશ્વને વધુ સ્વચ્છ ને સુઘડ બનાવીને શાંતિનું અનોખું કામ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સેવાના માર્ગે તેઓ શાંતિનું કાયમી સર્જન કરે છે. શાંતિવાદીઓના રાહત-કાર્યક્રમો એવા હોય છે કે લોકો જાતે જ પોતાને મદદ કરતા થઈ શાંતિમય જગતના સર્જનની દિશામાં આગળ વધે.

ફ્રેન્ડ્ઝના સભ્યો જેમને સેવાભાવથી મદદ કરે છે તેમની સાથે આત્મીયતાનો અને એકરૂપતાનો અનુભવ કરે છે. તેઓ વ્યક્તિગત સંપર્ક રાખીને મદદ કરે છે. તેઓ પરસ્પર જ્ઞાનનું આદાનપ્રદાન કરીને પોતાની સમજ કેળવે છે અને પોતાની જાતને સુધારવા પ્રયત્ન કરે છે પછી જ બીજાને મદદ કરે છે. આ એમની પદ્ધતિનું હાર્દ છે.

માનવજાતિની બુદ્ધિશીલતામાંથી તેમને જગાડવાના પ્રયત્નો હાથ ધરવા માટે કાઉન્સિલે ઠેર ઠેર ક્વેકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રોની હારમાળા શરૂ કરી. તે ‘ક્વેકર-એમ્બસી’ તરીકે જાણીતી થઈ. એમાં ત્રણથી ચાર દેશોના કાર્યકરોને રાખવામાં આવ્યા. પરસ્પર સંઘર્ષના મુદ્દાઓને તટસ્થતા અને મિત્રતાથી ચર્ચવા માટે મહિલાઓ અને પુરુષોને આમંત્રણ આપવામાં આવ્યું. શાંતિના સંદેશની સાથે સાથે આ કેન્દ્રો હવે રાજદૂતોને શાંતિની તાલીમ આપે છે, શાંતિવાદીઓ માટે પરિષદો યોજે છે તથા આંતરરાષ્ટ્રીય બાબતોને ઉકેલનાર પ્રતિનિધિઓની સેવાઓ લે છે.

પ્રેમની સત્તા બધાં યુદ્ધને દૂર કરી શકે છે – એવી તેમની શ્રદ્ધા છે.

નોબેલ પુરસ્કાર સમિતિના પ્રમુખ ગુનારના મંતવ્ય મુજબ ક્વેકર્સે આપણને બતાવ્યું છે કે આપણા ઘણાના હૃદયના ઊંડાણમાં જે પડેલું છે તેને કાર્યમાં રૂપાંતરિત કરવું શક્ય છે. પીડાયેલા માનવીઓ માટે કરુણા અને તેમને મદદ કરવાની આકાંક્ષા વડે વ્યક્ત થતી માનવ માનવ વચ્ચેની સહાનુભૂતિની ભાવના રાષ્ટ્રીયતા કે જાતિથી પર હોય છે એ પણ ક્વેકરોએ બતાવી આપ્યું છે. પારસ્પરિક શાંતિ માટેનું કાર્ય જ રૂપાંતર પામીને શાશ્વત શાંતિનું રૂપ લે છે એ સાબિત કરવાની જવાબદારી શાંતિ માટે ઝંખતી આ સંસ્થા અદા કરી રહી છે.

સાધના ચિતરંજન વોરા