ફિડિયાસ (ઈ. પૂ.ની પાંચમી સદી) : ગ્રીસનો પ્રશિષ્ટયુગનો શિલ્પી. પ્રાચીન લેખકોનાં લખાણો ફિડિયાસને નષ્ટ થઈ ચૂકેલાં 3 વિરાટકાય શિલ્પોના સર્જનનું શ્રેય આપે છે : (1) પાર્થેનન મંદિર માટે હાથીદાંત અને સોનામાંથી સર્જેલી દેવી ઍથેનાનું શિલ્પ; (2) ઑલિમ્પિયા ખાતેનું હાથીદાંત અને સોનામાંથી સર્જેલું ઝિયસ દેવનું શિલ્પ; (3) ઍક્રોપૉલિસની ટેકરી પર પ્રૉપિલિયા તરફ મુખ કરીને ઊભેલું દેવી ઍથેનાનું કાંસામાંથી સર્જેલું શિલ્પ.

ફિડિયાસ સર્જિત શિલ્પોમાંથી જે આજે ખંડિત હાલતમાં અસ્તિત્વ ધરાવે છે તેના આધારે પણ ગ્રીક કલાના પ્રશિષ્ટ યુગના સૌથી મહત્વના શિલ્પકારોમાં તેઓ સ્થાન પામે છે. આ શિલ્પોનું સર્જન તેમણે પૅરિક્લસની દોરવણી હેઠળ પાર્થેનન મંદિર માટે કર્યું હતું. પૅરિક્લસના વિચારોને ફિડિયાસ પોતાનાં શિલ્પો દ્વારા જોશીલી અભિવ્યક્તિ આપી શકતા. સમકાલીન ગ્રીક સમાજે ફિડિયાસની ગણના તેમના જીવનકાળ દરમિયાન જ પ્રતિભાશાળી કલાકાર તરીકે કરી હતી. પાર્થેનન મંદિરની ત્રિકોણાકાર શિખર-રચના (પૅન્ડેટિવ) પરનાં વિરાટકાય શિલ્પો કોતરીને ઉપસાવેલાં છે. આજે તે ખંડિત હાલતમાં છે. તેમાં ડાયૉનિસસ, ત્રણ દેવીઓ અને ઘોડાનું મુખ – એ શિલ્પો સૌથી ઓછું નુકસાન પામ્યાં છે. ડાયૉનિસસનો માનવદેહ માનવકદ (lifesize) કરતાં પણ વિરાટ છે અને તે આરામ કરતો બેઠો હોય એમ આલેખાયો છે. વસ્ત્રોના આવરણ વિનાના નગ્ન પુરુષનું સ્નાયુબદ્ધ સૌંદર્ય પૂર્ણ અંગસૌષ્ઠવ સાથે અહીં વ્યક્ત થયું છે. ત્રણ દેવીઓ આરામ કરતી હોય એવી મુદ્રામાં એકબીજીને અઢેલીને બેઠી છે અને તેમના દેહ અક્કડ નહિ, પણ ગતિશીલ હોવાનો ખ્યાલ ઊભો કરે છે. ત્રણેયનાં મુખ નષ્ટ થયાં છે, પણ ત્રણેયના લાવણ્યમય દેહના વળાંકોનું નજાકતભર્યું સૌંદર્ય ગડીઓ અને કરચલીઓવાળાં વસ્ત્રોમાંથી પણ ફિડિયાસે ઉપસાવ્યું છે. ઈ. પૂ.ની પાંચમી સદી સુધી ગ્રીક કલામાં સ્ત્રીના નગ્ન શરીરના નિરૂપણ પર નિષેધ હોવાથી તે શરીરના સૌંદર્યના નિરૂપણ માટે ફિડિયાસે આવો નુસખો અજમાવ્યો છે. ઘોડાના મુખ પર પ્રાણીસહજ પ્રાકૃતિક જુસ્સો અને તરવરાટ છે. આ બધાં જ શિલ્પોને ફિડિયાસે ત્રિકોણાકાર શિખર-રચનાના આકારમાં ચાતુરીપૂર્વક ગોઠવ્યાં છે, જેથી ત્રિકોણના ખૂણા શિલ્પોનું સૌંદર્ય માણવામાં દર્શકની આંખોને ખટકે નહિ. કોતરીને ઉપસાવેલાં હોવા છતાં તે પૂર્ણ (round) શિલ્પની ભ્રાંતિ કરાવે તેટલા બધા ઊંડાણવાળાં કંડારાયાં છે.

પાર્થેનન મંદિરમાં આ ઉપરાંતનાં શિલ્પો ધરાવનારી દીવાલોની કુલ લંબાઈ આશરે 575 મીટર થાય છે. તે બધાં જ શિલ્પો કોતરીને ઉપસાવેલાં છે. તેમાં બે તરત જ નજરે ચઢે છે : એક છે – ‘રાજા ઇરેક્થિયસની પુત્રીઓનું બલિદાન’. દુશ્મનોના હલ્લાથી ઍથેન્સ નગરને બચાવવા રાજા પોતાની 3 દીકરીઓનું બલિદાન આપે છે તે ર્દશ્યનું અહીં આલેખન છે. દેવી ઍથેનાના મંદિરનો ધ્વંસ કરનાર પર્શિયનોના આક્રમણ સામે ઍથેન્સ નગર જીતી ગયેલું તે હકીકતનો સંદર્ભ આ શિલ્પ સાથે છે. બીજું શિલ્પ છે દેવી ઍથેનાના દેવ પૉસાઇડન સાથેના યુદ્ધનું. તેનું ર્દશ્ય પણ તરત જ ધ્યાન ખેંચે છે. પાર્થેનન મંદિરનાં આ બધાં જ શિલ્પ ફિડિયાસે માત્ર 10 વરસના ગાળામાં જ બનાવ્યાં હતાં. તે તેમણે મદદનીશ શિલ્પીઓની મદદ વડે સર્જ્યાં હતાં. તેમના પ્રત્યે કિન્નાખોરી ધરાવતા લોકોએ શિલ્પનિર્માણમાંથી તેમણે સોનું ચોરી લીધાનો આક્ષેપ તેમના પર કર્યો. તેથી તેઓ ઍથેન્સ છોડી ચાલ્યા ગયા.

શિલ્પી તરીકે ફિડિયાસની ખ્યાતિ ગ્રીસમાં પ્રસરી. તેમની  શૈલી ‘ફિડિયન’ તરીકે જાણીતી બની. તેમનું અનુકરણ થવું શરૂ થઈ ગયું અને તે ઈ. પૂ. ચોથી સદી સુધી ચાલુ રહ્યું.

અમિતાભ મડિયા