ફિટ્સજેરલ્ડ, ફ્રાન્સિસ સ્કૉટ

February, 1999

ફિટ્સજેરલ્ડ, ફ્રાન્સિસ સ્કૉટ (જ. 1896, સેન્ટ પૉલ, મિનિસોટા; અમેરિકા; અ. 1940) : અમેરિકન નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર, નિબંધકાર. પ્રારંભમાં સેન્ટ પૉલ અકાદમીમાં, ત્યારબાદ ન્યૂજર્સીની ન્યૂમન હાઈસ્કૂલમાં અને પછી ન્યૂજર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ. આ દરમિયાન એડમન્ડ વિલ્સન જેવાનો પરિચય. આ દરમિયાન રંગભૂમિ અને સાહિત્યિક પ્રવૃત્તિમાં અગ્રણી ભૂમિકા, પણ પછી શૈક્ષણિક મુશ્કેલીઓને કારણે યુનાઇટેડ સ્ટેટસના લશ્કરમાં ભરતી. તેના કૅમ્પસમાં તાલીમ વેળાએ જ પહેલી નવલકથાનો મુસદ્દો તૈયાર કર્યો. સેકન્ડ લેફ્ટનન્ટની પદવી પછી અત્યંત સુંદર અને ચંચળ ઝૅલ્ડા સાથે લગ્ન. એક દીકરી અવતરી. ન્યૂયૉર્કની બેરન કૉલિયર એજન્સીમાં એડવર્ટાઇઝિંગ કૉપીરાઇટર તરીકે કામગીરી. 1920માં માત્ર લેખન પર જીવવાનો નિરધાર. યુરોપમાં ત્રણેક વર્ષ ગાળ્યાં, જેમાં ગર્ટ્રુડ સ્ટાઇન અને અર્નેસ્ટ હેમિંગ્વે જેવાઓનો પરિચય થયો. છેલ્લે છેલ્લે મેટ્રો ગોલ્ડવિન મેયર માટે પટકથાલેખક તરીકે પણ કામગીરી. હૃદયરોગથી મૃત્યુ.

આ લેખક, એ જે સમયમાં જીવતા હતા એ સમયને મૂર્ત કરવામાં એવા સફળ થયા છે કે પોતાના યુગની એક પ્રતિનિધિ મૂર્તિ તરીકે તેઓ ઊપસી આવ્યા. એ જૅઝ યુગ અને ‘ગર્જતો ત્રીજો દાયકો’ (રોરિંગ ટ્વેન્ટિઝ) એમણે કથાઓમાં આબાદ ઝીલ્યો છે. અલબત્ત, એમની પહેલી નવલકથા ‘ધિસ સાઇડ ઑવ્ પૅરેડાઇઝ’ (1920) યુવાપ્રેમ, સુખવાદ, ધર્મ વગેરેને કેન્દ્રમાં લઈને ચાલે છે અને બીજી નવલકથા ‘ધ બ્યૂટિફુલ ઍન્ડ ધ ડૅમ્ડ’ (1922) પોતાના લગભગ નિષ્ફળ જીવનનું આત્મવૃત્તાન્ત લઈને ચાલે છે; પણ એમાં એમનો લેખક તરીકે આગવો અવાજ હજી ઓછો ઊઘડ્યો છે. એમની નવલકથા ‘ધ ગ્રેટ ગૅટ્સબાય’ (1925) અમેરિકી સાહિત્યનો ગૌરવગ્રંથ બનેલ છે. પ્રતીકાત્મક અને રૂપકાત્મક રજૂઆતનો એક સંવેદનશીલ આલેખ તો એમાં છે, પણ ‘અમેરિકન સ્વપ્ન’ની હતાશાને એમાં સમર્થ અભિવ્યક્તિ મળી છે. એમની ‘ટેન્ડર ઇઝ ધ નાઇટ’ (1934) સંકુલ અને મહત્વાકાંક્ષી નવલકથા છે. એમાં આધુનિક સમયના વિશ્લેષણની સાથે પોતાની પત્ની પરત્વેના પોતાના સંબંધનું પણ વિશ્લેષણ છે.

ફ્રાન્સિસ સ્કૉટ ફિટ્સજેરલ્ડ

આ લેખકે નાટકો પણ લખ્યાં છે. વાર્તાઓ લખી છે અને મરણોત્તર એમનો કાવ્ય-સંગ્રહ પણ બહાર આવ્યો છે; પરંતુ એમની અધૂરી રહેલી રચના ‘ધ લાસ્ટ ટાયફૂન’ પૂરી થઈ હોત તો આ લેખકના વિકાસનો અંતિમ તબક્કો પૂરેપૂરો ઉપલબ્ધ થાત.

તેમનાં મરણોત્તર પ્રકાશનો એડમંડ વિલ્સન જેવા સમર્થ વિવેચક અને અન્ય મર્મજ્ઞો દ્વારા પ્રગટ થયેલાં છે, જે આ પ્રમાણે છે : ‘ધ ક્રેક-અપ’ (નિબંધસંગ્રહ, 1945), ‘આફ્ટરનૂન ઑવ્ ઍન ઑથર’ (ટૂંકી વાર્તા અને નિબંધસંગ્રહ, 1958), ‘ધ પેટ હૉબી સ્ટૉરિઝ’ (1962),  ‘લેટ્ર્સ’ (1963), ‘ધી એપ્રન્ટિસ ફિક્શન’ (1969), ‘ઇન હિઝ ઓન ટાઇમ’ (1971) ‘ઍઝ એવર, સ્કૉટ ફિટ્ર્ઝ’ (1972), ‘ધ બેસિલ ઍન્ડ જોસેફાઇન સ્ટૉરિઝ’ (1976), ‘ધ પ્રાઇસ વૉઝ હાઈ’ (1979) અને ‘પોએમ્સ’ (1981).

ચન્દ્રકાન્ત ટોપીવાળા