ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ

February, 1999

ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ (જ. 3 ઑગસ્ટ 1851, ડબ્લિન; અ. 22 ફેબ્રુઆરી 1901, ડબ્લિન) : રેડિયો-તરંગોની ઉત્પત્તિની રીત સૂચવનાર પ્રથમ ભૌતિકશાસ્ત્રી. આ તરંગો બિનતારી સંદેશાવ્યવહાર(wireless telegraphy)ના પાયામાં રહેલી એક ભૌતિક ઘટના છે. તેમણે એક સિદ્ધાંત પણ વિકસાવ્યો, જે ‘લૉરેન્ટ્ઝ ફિટ્સજેરલ્ડ સંકુચન સિદ્ધાંત’ તરીકે હાલ ઓળખાય છે. તેનો ઉપયોગ આઇન્સ્ટાઇને તેમના વિશિષ્ટ સાપેક્ષવાદ(special theory of relativity)માં કર્યો હતો.

તેઓ 1877માં ડબ્લિનની ટ્રિનિટી કૉલેજના ટ્યૂટર બન્યા અને 1881માં પ્રાકૃતિક અને પ્રાયોગિક તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક થયા. વિકિરણ અંગેના તેમના અભ્યાસ ઉપરથી એવી તારવણી કરવામાં આવી કે આંદોલિત વિદ્યુતપ્રવાહને કારણે વિદ્યુતચુંબકીય તરંગો (electromagnetic waves) ઉદભવી શકે છે. આ તારવણીની પ્રાયોગિક ચકાસણી, પાછળથી જર્મનીના હેનરિક આર. હટર્ઝે કરી અને તેનો ઉપયોગ બિનતારી સંદેશાવ્યવહારના વિકાસમાં કર્યો.

નેધરલૅન્ડ્ઝના હેન્ડ્રિક એ. લૉરેન્ટ્ઝ કરતાં સ્વતંત્રપણે ફિટ્સજેરલ્ડે, માઇકલસન-મૉર્લે પ્રયોગ(1887)નો અભ્યાસ કર્યો અને તેમના જેવું જ તારણ કાઢ્યું. આ પ્રયોગ પ્રકાશના તરંગોનું સંચરણ કરે છે તેમ પ્રતિપાદિત કરેલ વ્યાપક ઇથરના માધ્યમની સાપેક્ષ, પૃથ્વીની ગતિ માપવા માટેનો તે એક પ્રયાસ હતો. આવી કોઈ ગતિની પરખ માટેનો આ પ્રયાસ નિષ્ફળ ગયો. 1892માં ફિટ્સજેરલ્ડે સૂચવ્યું કે વસ્તુ/પિંડ સ્થાયી હોય તેના કરતાં ગતિમાં હોય ત્યારે તેનામાં ગત્યભિમુખી લાઘવ જોવા મળે છે અને આવા લાઘવ કે સંકોચનની પ્રયોગમાં વપરાતાં ઉપકરણો ઉપર અસર થતી હોય છે. લૉરેન્ટ્ઝ સ્વતંત્રપણે 1895માં આ વિચારધારા સુધી પહોંચ્યા અને તેનો સારો એવો વિકાસ કર્યો. ‘ધ સાયન્ટિફિક રાઇટિંગ્ઝ ઑવ્ ધ લેટ જ્યૉર્જ ફ્રાન્સિસ ફિટ્સજેરાલ્ડ’ નામના સંગ્રહનું 1902માં પ્રકાશન કરવામાં આવ્યું હતું.

એરચ મા. બલસારા