પ્રૌઢશિક્ષણ

15થી 35 વર્ષની પુખ્ત વયની અભણ વ્યક્તિને આપવામાં આવતું શિક્ષણ.

હેતુઓ : પ્રૌઢશિક્ષણના મુખ્યત્વે ત્રણ હેતુઓ હોય છે : (1) સાક્ષરતા (literacy), (2) વ્યાવસાયિક વિકાસ (functionality) અને (3) સામાજિક સંપ્રજ્ઞતા (social consciousness). સાક્ષરતાના ત્રણ પેટાપ્રકારો છે : વાચન (reading), લેખન (writing) અને ગણન (arithmetic).

પ્રૌઢશિક્ષણ એ અશાલેય (non-schooling) યા બિન-પરંપરાગત (non-formal) શિક્ષણ છે.

પ્રૌઢશિક્ષણ વિશે વ્યાપક રીતે એક ગેરસમજ એવી પ્રવર્તે છે કે પ્રૌઢશિક્ષણ એ મોટી ઉંમરની આધેડ અને નિરક્ષર વ્યક્તિઓને અપાતું શિક્ષણ છે; પરંતુ સત્ય હકીકત એ છે કે મુખ્યત્વે 15થી 35 વર્ષની નિરક્ષર વ્યક્તિને જ પ્રૌઢશિક્ષણ માટે પસંદ કરાય છે. વ્યક્તિઓનું 15થી 35 વર્ષની મર્યાદા ધરાવતું વય-જૂથ સમાજનું આદર્શ ઉત્પાદક (ideal-productive) વય-જૂથ હોય છે. એટલે આ વય-જૂથની વ્યક્તિઓ અભણ રહે તો સમાજનો અને વ્યક્તિઓનો અપેક્ષિત વિકાસ થઈ શકે  જ નહિ.

પ્રૌઢશિક્ષણની ઐતિહાસિક ભૂમિકા : પ્રૌઢશિક્ષણની શરૂઆત બ્રિટનમાં થઈ. ઈ. સ. 1830માં લંડનમાં ત્યાંના ડૉ. બકબૅક નામના અંગ્રેજે નિરક્ષર કામદારોને લખતાં-વાંચતાં શિખવાડવાના ઉદ્દેશથી પ્રૌઢશિક્ષણનો વર્ગ શરૂ કર્યો. આ સમય બાદ ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓએ જનશિક્ષણનું કાર્ય શરૂ કર્યું. અલબત્ત, તેમનો મુખ્ય હેતુ ખ્રિસ્તી ધર્મના પ્રચારનો હતો. 1851માં ડૉ. વેકરે આગ્રાની જેલના કેદીઓ માટે પ્રૌઢશાળા શરૂ કરી.

પ્રૌઢશિક્ષણ પ્રવૃત્તિની મુદ્રા

1854ના ‘વુડના ખરીતા’ દ્વારા પ્રૌઢશાળાઓ/જનતા કેળવણી શરૂ કરવામાં આવી. 1881માં મુંબઈની 30 જેલોમાં પ્રૌઢશાળાઓની સ્થાપના કરવામાં આવી. 1882–83માં ‘હંટર પંચ’ દ્વારા દિવસે કામ કરતા – મજૂરી કરતા છોકરાઓ અને પ્રૌઢો માટે રાત્રિશાળાઓ સ્થાપવાની ભલામણ થઈ. પરિણામે મુંબઈમાં કુલ 134 રાત્રિશાળાઓમાં 4,000 નિરક્ષર પ્રૌઢો ભણતા શરૂ થયા. 1896થી 1902 સુધીમાં મદ્રાસ, મુંબઈ, કલકત્તા અને બંગાળમાં 1,000 કરતાં વધુ રાત્રિશાળાઓ શરૂ થઈ અને 19,000 જેટલા નિરક્ષર પ્રૌઢો ભણતા થયા.

સૌપ્રથમ 1901ની વસ્તીગણતરી પ્રમાણે અક્ષરજ્ઞાન ધરાવનાર અને નિરક્ષર એમ બે રીતે અંગ્રેજ શાસન હેઠળની પ્રજાને વહેંચી નાખવામાં આવી. અક્ષરજ્ઞાન ધરાવનારની – ભણેલાની સ્પષ્ટ વ્યાખ્યા નક્કી કરવામાં આવી. જે વ્યક્તિ પત્ર લખી શકે અને વાંચી શકે તે ભણેલી કહેવાય. કમનસીબે 1901થી 1920 સુધી કોઈ વિશેષ પ્રયત્નો પ્રૌઢશિક્ષણના ક્ષેત્રે થયા હોય તેવું જણાતું નથી.

1921માં બ્રિટિશ શાસન હેઠળના પ્રાંતોમાં દ્વિમુખી શાસન સ્થપાયું. કેળવણીખાતું ચૂંટાયેલા પ્રધાનોને સોંપવામાં આવ્યું. પંજાબ સરકારે સૌપ્રથમ બજેટમાં પ્રૌઢશિક્ષણ માટે અલગ જોગવાઈ કરી અને રૂ. 15,000/-ના ખર્ચે 630 રાત્રિશાળાઓ પંજાબમાં શરૂ કરવામાં આવી. 1926–27 સુધીમાં 3,784 રાત્રિશાળાઓ શરૂ થઈ; જેમાં 98,000 ઉપરાંત નિરક્ષર પ્રૌઢો અભ્યાસ કરવા લાગ્યા. ખર્ચ રૂ. 2,84,561/- થયો. બંગાળમાં પણ 1926માં 926 રાત્રિશાળાઓ શરૂ થઈ અને 20,309 પ્રૌઢોએ તેમનો લાભ લીધો.

સને 1935માં પ્રાંતોમાં પ્રજાકીય સરકારોની રચના થઈ. આ સરકારોને પ્રૌઢશિક્ષણની એક મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી. સને 1938માં કેન્દ્રીય શૈક્ષણિક સલાહકાર સમિતિ(CACE)ની સ્થાપના થઈ અને આ સમિતિને પ્રૌઢશિક્ષણની તાલીમ અને માર્ગદર્શનનું કાર્ય સોંપાયું. આ જ સમયગાળામાં મુંબઈમાં બી. કે. ખેરના અધ્યક્ષપણા નીચે પ્રૌઢશિક્ષણ સમિતિની રચના થઈ અને વિશ્વવિદ્યાલયોને પ્રૌઢશિક્ષણનું કાર્ય ઉપાડી લેવાનું જણાવવામાં આવ્યું. મૈસૂર યુનિવર્સિટી તથા જામિયા મિલિયા યુનિવર્સિટીઓમાં પ્રૌઢશિક્ષણ-કેન્દ્રો શરૂ થયાં. ડૉ. ઝાકિરહુસેન, ગોવિન્દવલ્લભ પંત, રાજગોપાલાચારી જેવા રાષ્ટ્રીય નેતાઓએ પ્રૌઢશિક્ષણના ક્ષેત્રે  નોંધપાત્ર પ્રદાન કર્યું.

સને 1939માં પ્રૌઢશિક્ષણ ક્ષેત્રે એક શકવર્તી બનાવ બન્યો. મહાત્મા ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યક્રમોમાં પ્રૌઢશિક્ષણના કાર્યક્રમને એક અગત્યના કાર્યક્રમ તરીકે સ્થાન આપ્યું અને તેમણે ‘હિન્દ-સ્વરાજ’  પુસ્તક દ્વારા જાહેર કર્યું કે, બહુજનસમાજની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ અને કલંક છે તેને દૂર કરવી જ જોઈએ. આ પછી પ્રૌઢશિક્ષણને સમગ્ર ભારત રાષ્ટ્રમાં વ્યાપક ‘માન્યતા’ (recognition) મળી. વિનોબાજીએ પણ ‘સર્વોદય’માં તેને સ્થાન આપ્યું.

આમ, અંગ્રેજોના વખતમાં આઝાદી મળતાં સુધીમાં પ્રૌઢશિક્ષણનાં સ્વરૂપો અને ક્ષેત્રો વિકસ્યાં હતાં. રાત્રિશાળાઓ, દિવસની શાળાઓ, ઉત્તર અક્ષરજ્ઞાન(અનુસાક્ષરતા)ના વર્ગો, પુસ્તકાલયો, વાચનાલયો,  પ્રૌઢશિક્ષણનાં સામયિકો વગેરે દ્વારા પ્રૌઢશિક્ષણને વેગ મળ્યો હતો. 1947માં ભારતને આઝાદી મળી ત્યારે એક અંદાજ પ્રમાણે, પુરુષો માટે પ્રૌઢશિક્ષણના 5,617 વર્ગો અને સ્ત્રીઓ માટે 317 વર્ગો ચાલતા હતા. એકંદરે 1.20 લાખ પુરુષોએ અને 0.73 લાખ સ્ત્રીઓએ આવા વર્ગોનો લાભ લીધો હતો. પુરુષો માટે રૂ. 1.58 લાખ અને સ્ત્રીઓ માટે રૂા. 0.77 લાખનો ખર્ચ થયો હતો. સને 1950માં પ્રૌઢશિક્ષણનો વિષય યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવ્યો અને બી.એડ.ના અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો અને 1966માં ભારતીય પ્રૌઢશિક્ષણ સંઘ અને રાજસ્થાન યુનિવર્સિટીના સહયોગથી ભારતની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠક બોલાવી પ્રૌઢશિક્ષણને વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું. સને 1966માં સ્થપાયેલ કોઠારી પંચે પ્રૌઢશિક્ષણ માટે 15થી 35નું વયજૂથ નક્કી કરી અક્ષરજ્ઞાન અને ધંધાકીય શિક્ષણને અગ્રિમતા આપવા ભલામણ કરી. કોઠારી પંચે રાષ્ટ્રીય પ્રૌઢશિક્ષણ બોર્ડની સ્થાપના કરવા, વર્ગો વધારવા અને બજેટમાં વધારે રકમની ફાળવણી કરવા ભારત સરકારને ભલામણ કરી.

સને 1978માં ભારત સરકારે (સ્વ. મોરારજીભાઈની સરકારે) 2 ઑક્ટોબર 1978ના રોજ રાષ્ટ્રીય પ્રૌઢશિક્ષણ કાર્યક્રમ(National Adult Education Programme)ની શરૂઆત કરી 15થી 35 વય-જૂથનાં તમામ નિરક્ષરોને પાંચ વર્ષોમાં સાક્ષર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો, પરંતુ કમનસીબે તે શક્ય બન્યું નહિ. કેન્દ્રકક્ષાએ શિક્ષણવિભાગમાં પ્રૌઢશિક્ષણના વિષયને સોંપવામાં આવ્યો અને દિલ્હીમાં ભારત સરકાર દ્વારા પ્રૌઢશિક્ષણ નિયામકની કચેરી શરૂ કરવામાં આવી. રાજ્યોમાં પણ તાલીમ, પ્રકાશન અને સંશોધન માટે ‘સ્ટેટ રિસૉર્સ સેન્ટરો’ શરૂ કરવામાં આવ્યાં. ગુજરાતમાં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આવું ‘રિસૉર્સ સેન્ટર’ શરૂ કરવામાં આવ્યું. ગુજરાતમાં આ પહેલાં સૂરતની રાજ્યકક્ષાની સમાજશિક્ષણ સમિતિએ, પ્રૌઢશિક્ષણ માટે પ્રકાશન, તાલીમ અને સંશોધનનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. જિલ્લા પંચાયતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને પણ પ્રૌઢશિક્ષણ  અંગે વ્યાપકપણે કાર્ય સોંપાયું હતું. ગુજરાતમાં રાષ્ટ્રીય પ્રૌઢશિક્ષણ કાર્યક્રમનો અમલ 2 ઑક્ટોબર 1978ને બદલે 26 જાન્યુઆરી 1978થી શરૂ કરવામાં આવ્યો. સને 1978થી આજદિન સુધી ગૂજરાત વિદ્યાપીઠે પ્રૌઢશિક્ષણના ક્ષેત્રમાં તાલીમ અને પ્રકાશન-ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી છે. ભારત સરકારે 15થી 35 વયજૂથના 10 કરોડ નિરક્ષરોને પાંચ વર્ષમાં સાક્ષર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો; પરંતુ સાતમી પંચવર્ષીય યોજનાની શરૂઆત થાય તે પહેલાં એટલે કે 1978થી 1984 સુધીમાં માત્ર 2.3 કરોડ નિરક્ષર ભાઈબહેનોને આવરી લેવાયાં અને બાકીનાં 8.7 કરોડ નિરક્ષર ભાઈબહેનોને સને 1985થી ’90 સુધીમાં આવરી લેવાનું નક્કી થયું. ભારત સરકારના 20 મુદ્દાના કાર્યક્રમમાં 16મા મુદ્દા તરીકે પ્રૌઢશિક્ષણને સ્થાન આપી તેને રાષ્ટ્રીય કાર્યક્રમનો દરજ્જો આપવામાં આવ્યો અને 1લી મે 1983થી સામૂહિક ક્રિયાત્મક સાક્ષરતા કાર્યક્રમ (M.P.F.L.) શરૂ કરવામાં આવ્યો. એક ભણેલી વ્યક્તિ એક અભણને ભણાવે (each one, teach one) તે આ યોજનાનું હાર્દ રહ્યું. એન.એસ.એસ.; એન.સી.સી., નેહરુ-કેન્દ્રો, શ્રમિક વિદ્યાપીઠો વગેરેના વિદ્યાર્થીઓને પ્રૌઢશિક્ષણનું કાર્ય સોંપવામાં આવ્યું.

સને 1986માં ભારત સરકારે નવી શિક્ષણનીતિની જાહેરાત કરી, પ્રૌઢશિક્ષણનું કાર્ય અસરકારક બને તેવી નીતિ જાહેર કરવામાં આવી. (નવી શિક્ષણનીતિ : કલમ 4.10થી 4.13) સમગ્ર રાષ્ટ્ર, 15થી 35ના વય-જૂથના નિરક્ષરોને નિશ્ચિત સમયમાં સાક્ષર કરે તેવી પ્રતિબદ્ધતા ઊભી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો. આ સંકલ્પના પરિપાકરૂપે સને 1988 (જાન્યુઆરી)માં ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય સાક્ષરતા મિશન’ (National Literacy Mission – NLM)નો દસ્તાવેજ બહાર પાડી 5 મે 1988ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનો આરંભ કરવામાં આવ્યો.

રાષ્ટ્રીય સાક્ષરતા મિશન : રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા પ્રૌઢશિક્ષણને વ્યાપક અને વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું. પ્રૌઢશિક્ષણનું વય-જૂથ મુખ્યત્વે 15થી 35 વયના નિરક્ષરોનું હતું તેને બદલે NLM દ્વારા 15થી 35 વય-જૂથ ઉપરાંત 9થી 14 વય-જૂથના નિરક્ષરોને પણ સાક્ષરતા મિશનમાં આવરી લેવાયા. ધીરે ધીરે પ્રૌઢશિક્ષણને બદલે ‘સાક્ષરતા અભિયાન’ શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો, જે આજે પણ પ્રચારમાં છે. સાક્ષરતા અભિયાન પ્રાથમિક શિક્ષણની સાક્ષરતાને પણ આવરી લે છે. આમ સાક્ષરતા મિશનમાં પ્રાથમિક, અવૈધિક (9થી 14 વય-જૂથ) અને પ્રૌઢશિક્ષણનો સમાવેશ થયો છે.

રાષ્ટ્રીય સાક્ષરતા મિશનના મુખ્ય હેતુઓ : (1) 15થી 35 વય-જૂથના લગભગ 8 કરોડ નિરક્ષરોને સાક્ષર કરવા. (2) 5થી 14 વર્ષની ઉંમર સુધીનાં તમામ બાળકોને શાળામાં દાખલ કરી તેમને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધી શાળામાં ટકાવી રાખવાં. (3) શાળામાં દાખલ ન થયેલાં યા અધવચ્ચે ઊઠી ગયેલાં 9થી 14 વર્ષની વયનાં બાળકોને માટે અવૈધિક શિક્ષણનો કાર્યક્રમ વધુ વ્યાપક બનાવવો.

કાર્યપદ્ધતિ : (1) નિરક્ષરોને પ્રેરણા અને પ્રોત્સાહન આપી ભણતાં કરવાં. (2) જનતાની ભાગીદારીને સાક્ષરતા અભિયાનમાં જોડવી. (3)  સ્વૈચ્છિક – સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મેળવવો. (4) સામૂહિક ચેતના પ્રગટાવવી. (5) અનુસાક્ષરતા-કેન્દ્રો નવશિક્ષિતો માટે ખોલવાં. (–જે જનશિક્ષણનિલય કહેવાયાં.) (6) મહિલાઓ, આદિવાસીઓ  અને પછાત જ્ઞાતિઓ તરફ વિશેષ લક્ષ આપી તેમને સાક્ષર બનાવવાં. (7) કેન્દ્રકક્ષાએ અને રાજ્યકક્ષાએ ‘સાક્ષરતા મિશન ઑથોરિટી’ની સ્થાપના કરવી.

સાક્ષરતા મિશનની પ્રગતિ : શરૂઆતમાં પ્રૌઢશિક્ષણની વર્ગપદ્ધતિ ચાલુ રાખવામાં આવી, પરંતુ તેમાં વર્ગસંચાલકનું લક્ષ નિરક્ષરોને સાક્ષર કરવા કરતાં પુરસ્કાર મેળવવા તરફ વધુ જણાતાં તથા વર્ગસંચાલનની મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ ધ્યાનમાં આવતાં વર્ગપદ્ધતિ બંધ કરી, માત્ર શૈક્ષણિક સેવાભાવનાથી (વિના પુરસ્કારે) નિરક્ષરતાનિવારણનો કાર્યક્રમ શરૂ કરાયો.

કેન્દ્રકક્ષાએ અને રાજ્યોમાં સાક્ષરતા તંત્ર(authority)ની સ્થાપનાઓ કરવામાં આવી. કેરળ રાજ્યનું કોટ્ટાયમ્ શહેર સૌપ્રથમ સાક્ષર બન્યું. ત્યારબાદ એર્નાકુલમ્ જિલ્લો અને પછીથી સમગ્ર કેરળ રાજ્ય સાક્ષર બન્યું. ગુજરાતમાં સૌપ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ ભાવનગર જિલ્લાઓ સાક્ષર બન્યા. અત્રે એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જે ગામ, શહેર યા જિલ્લો તમામ વય-જૂથમાં ખાસ કરીને 7થી 35 વય-જૂથમાં 80% યા તેના ઉપર સાક્ષરતા સિદ્ધ કરે તેને ‘સંપૂર્ણ સાક્ષર’ કહેવામાં આવે છે. ગુજરાતમાં ખેડા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા, ડાંગ વગેરે જિલ્લાઓમાં પણ સંપૂર્ણ સાક્ષરતા મેળવવા  સાક્ષરતા અભિયાન કાર્યક્રમો ચાલુ થયા છે. જે જિલ્લાઓ સંપૂર્ણ સાક્ષર થયા છે ત્યાં સાક્ષરતા સ્થિર રાખવા – ટકાવી રાખીને વધુ પ્રગતિ કરવા અનુસાક્ષરતાના કાર્યક્રમો શરૂ કરાયા છે. JSN – જનશિક્ષણ કેન્દ્રો – દ્વારા મુખ્યત્વે આ કાર્ય ચાલે છે. એક અંદાજ પ્રમાણે, સમગ્ર ભારતમાં 50થી 343 ઉપરની સંખ્યામાં જિલ્લાઓમાં સાક્ષરતા અભિયાનના આવા કાર્યક્રમો હાથ ધરાયા છે. (જોકે ઈ. સ. 2000 કે 2005 સુધીમાં ભારતને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું સ્વપ્ન હજુ દૂર જ રહ્યું છે, કારણ કે NLMની પોતાની પણ મર્યાદાઓ છે.) ગુજરાતમાં સાક્ષરતા અભિયાનના પ્રસાર-પ્રચારમાં અને પ્રકાશન તાલીમમાં ગૂજરાત વિદ્યાપીઠનું નેતૃત્વ નોંધપાત્ર રહ્યું છે.

સાક્ષરતાની વ્યાખ્યા : રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા નિરક્ષરને સાક્ષર કરવા અંગે એટલે કે કોઈ અભણ વ્યક્તિ ભણેલી થઈ છે, તેને નક્કી કરવાનાં ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે.

વાચન, લેખન અને ગણનમાં નીચે જણાવ્યા પ્રમાણેની અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિ સાક્ષર – ભણેલી – કહેવાય :

વાચન : (1) એક મિનિટમાં 30 શબ્દો ઝડપથી બોલીને વાંચી શકે તથા સમજી શકે. (2) રસ્તાનાં નામો, જાહેરાતો, સાદી સૂચનાઓ, નવશિક્ષિતો માટેનાં સમાચારપત્રો, સરળ પત્રો કે ચિઠ્ઠીઓ (સમજીને) વાંચી શકે.

લેખન : (1) એક મિનિટમાં સાત શબ્દોની ઝડપથી છાપેલા લખાણની નકલ કરી શકે. (2) એક મિનિટમાં પાંચ શબ્દોની ઝડપથી શ્રુતલેખન કરી શકે. (3) રોજબરોજના ઉપયોગ માટે જરૂરી સરળ પત્રો, અરજીઓ, ચિઠ્ઠીઓ લખી શકે.

ગણન : (1) 1થી 100 સુધીના અંકો વાંચી અને લખી શકે. (2) બેથી ત્રણ આંકડાના સાદા સરવાળા–બાદબાકી કરી શકે. (3) બે આંકડાના સાદા ગુણાકાર–ભાગાકાર કરી શકે. (4) તોલમાપ, લંબાઈ–પહોળાઈ, સિક્કાઓની ઓળખ તથા તેમનો ઉપયોગ કરી શકે.

અનુસાક્ષરતા અને સતત શિક્ષણ: JSN કેન્દ્રો : ભણેલી નવસાક્ષર વ્યક્તિ લાંબે ગાળે ભણેલું ભૂલી ના જાય; એટલું જ નહિ, તેનો સતત શૈક્ષણિક વિકાસ થયા કરે તે હેતુથી રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા અનુસાક્ષરતા અને સતત શિક્ષણની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ હેતુની સિદ્ધિ માટે જનશિક્ષણનિલય – JSN – કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. નવસાક્ષરો માટેનાં ધારાધોરણો નક્કી કરી, નવસાક્ષર સાહિત્યનું પ્રકાશનકાર્ય કરવામાં આવ્યું છે; એટલું જ નહિ, JSN કેન્દ્રો દ્વારા વાચનાલય, પુસ્તકાલય, ચર્ચાસભાઓ, રમતગમત, રેડિયો, ટી.વી. વગેરે કાર્યક્રમો હાથ ધરાયા છે. ગુજરાતમાં આવાં કેન્દ્રો મુખ્યત્વે પ્રાથમિક શાળાઓમાં સ્થાપવામાં આવ્યાં છે, જેથી પ્રાથમિક શાળાનાં બાળકો પણ તેનો લાભ લઈ શકે. સાક્ષર થયેલા વિસ્તારમાં દર પાંચ હજારની વસ્તીએ એક JSN કેન્દ્ર સ્થાપવાનું આયોજન છે.

નિરક્ષરને સાક્ષર બનાવવામાં લાગતી સમય – અવધિ : રાષ્ટ્રીય સાક્ષરતા મિશન(1988)ના અમલ પહેલાં જે પ્રૌઢશિક્ષણના વર્ગો ચાલતા હતા તેમની સમય-અવધિ છ માસથી એક વર્ષની હતી. વર્ગો લેવાનો- ચલાવવાનો સમય મોટાભાગે  રાત્રે 8થી 10 અગર શિયાળામાં રાત્રે 7થી 9નો રહેતો. જોકે આ સમય સ્થાનિક અનુકૂળતા પ્રમાણે રહેતો. વર્ગો ધર્મશાળામાં, ખાનગી ઘરની ઓસરીમાં કે ઓટલા ઉપર, જાહેર ચોરામાં, પ્રાથમિક શાળાની ઓસરીમાં કે અન્યત્ર જ્યાં અનુકૂળતા હોય ત્યાં લેવાતા. રાત્રે અજવાળા માટે 1થી 3 ફાનસોની સગવડ પણ થતી. ચૉક, કૃષ્ણફલક, નોટબુકો, સ્લેટો, પાઠ્યપુસ્તકો વગેરે જરૂરી સાહિત્યસામગ્રી નિરક્ષરોને ભણવા માટે મફત ભેટ રૂપે અપાતી.

અનુભવે એવું જણાયું કે નિરક્ષર વ્યક્તિને લખતાં-વાંચતાં આવડી જતું એટલે વર્ગોમાં આવવાનું બંધ થઈ જતું. મોટે ભાગે વર્ગો શરૂ થવાના ત્રણથી ચાર માસ બાદ આમ બનતું. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનાં ધારાધોરણો પ્રમાણે હવે વર્ગોનો એકંદર સમય 200 કલાકોનો છે. દરરોજના બે કલાક પ્રમાણે વર્ગો ત્રણ માસ ચલાવાય છે. સુધારેલી પદ્ધતિઓ અને સુધારેલાં પાઠ્યપુસ્તકો પ્રમાણે એવું પુરવાર થયું છે કે  પુખ્ત વયની અભણ વ્યક્તિ દરરોજ બે કલાક લેખે ભણે તો ત્રણેક  માસમાં લખતી, વાંચતી અને ગણતી થઈ જાય છે. એટલે કે NLMનાં ધારાધોરણો પ્રમાણે સાક્ષર-ભણેલી વ્યક્તિ બની જાય છે. પહેલાં એક વર્ગ 30 નિરક્ષરોનો રાખીને લેવામાં આવતો. હવે તો તે ‘each one teach one’ની પદ્ધતિ અમલમાં આવી છે. હવે તો એકથી માંડી દસ-પંદર અને વધુમાં વધુ 20થી 30 નિરક્ષરોને સાથે બેસાડી ભણાવવામાં આવે છે. વર્ગસંચાલકોને અગાઉ માસિક પુરસ્કાર રૂા. 100/- લેખે આપવામાં આવતો તે બંધ કરી હવે માત્ર સેવા અને રાષ્ટ્રભાવનાના ઉદાત્ત આશયથી વિના પુરસ્કારે નિરક્ષરને ભણાવાય છે. પ્રત્યેક ભણેલી વ્યક્તિ ઉપર ભણતર લીધાનું જે રાષ્ટ્રીય ઋણ ચઢેલું છે તે આ રીતે સેવાભાવથી અદા કરાય છે.

પ્રૌઢશિક્ષણનું પ્રતીક : સને 1978માં પ્રૌઢશિક્ષણનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયો ત્યારથી પ્રૌઢશિક્ષણનું રાષ્ટ્રીય પ્રતીક નક્કી કરવામાં આવ્યું છે, જે આ સાથે બતાવ્યું છે.

પ્રૌઢશિક્ષણના પ્રતીકનો સંદેશો નીચે પ્રમાણે છે.

(1) વર્તુળમાં ઊભી રહેલી વ્યક્તિ કે જેના હાથ ઊંચે છે તે પ્રૌઢશિક્ષણ માટે કાર્ય કરવાનું આહવાન આપે છે. (2) પ્રતીક દ્વારા સામાજિક જાગૃતિ અને વ્યાવહારિક–ધંધાકીય સાક્ષરતા એમ બે હેતુઓનું સ્મરણ થાય છે. (3) પ્રતીકની આજુબાજુનું વર્તુળ નિરંતર શિક્ષણ અને ગતિશીલતા તથા પર્યાવરણની યાદ આપે છે.

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન અને સાક્ષરતા વર્ષ : યુનો અને યુનેસ્કો દ્વારા દુનિયાભરમાં પ્રત્યેક વર્ષની આઠમી સપ્ટેમ્બરનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન’ તરીકે ઊજવવામાં આવે છે. રેલીઓ, પદયાત્રાઓ, પોસ્ટરો, સભાઓ, સંદેશાઓ, પ્રવચનો, રેડિયો, ટી.વી.- કાર્યક્રમો, દૈનિક પત્રો વગેરે માધ્યમો દ્વારા નિરક્ષરતા દૂર કરવા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. પ્રત્યેક ભણેલી વ્યક્તિ અભણ વ્યક્તિને ભણાવી, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરે તેવી ભાવના આ ઉજવણી દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. અભણ વ્યક્તિઓ ભણતરનું મૂલ્ય સમજી ભણવાનું શરૂ કરે તેવી પ્રેરણા શેરીનાટકો વગેરે દ્વારા પણ વ્યક્ત કરવામાં આવે છે. ખાસ કરીને નિરક્ષર મહિલાઓ અને નિરક્ષર પછાત જાતિઓ ભણવા માટે આગળ આવે તેવા પ્રયત્નો વિશેષભાવે કરવામાં આવે છે.

સને 1990નું વર્ષ યુનો–યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ તરીકે ઊજવાયું. સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા. વિકસી રહેલા અને અવિકસિત દેશોમાં – ખાસ કરીને તે દેશોની મહિલાઓમાં અને પછાત જ્ઞાતિઓમાં નિરક્ષરતાનું પ્રમાણ કેટલું મોટું છે તે ખાસ દર્શાવવામાં આવ્યું હતું.

સાક્ષરતાની (અક્ષરજ્ઞાનની) પ્રગતિ અને નિરક્ષરતાની હાલની સ્થિતિ : સમગ્ર દુનિયા વિકાસની ર્દષ્ટિએ આજે ત્રણ વિભાગોમાં વહેંચાયેલી છે : વિકસિત, વિકાસશીલ અને અવિકસિત. તે જ રીતે સાક્ષરતાની પ્રગતિને પણ આ વિભાગો પ્રમાણે જોઈ શકાય છે. વિકસિત  દેશોમાં સાક્ષરતાનો અંક 80% ઉપર છે, જ્યારે વિકાસશીલ દેશોનો સાક્ષરતાનો અંક 50% ઉપર પરંતુ 80%થી નીચે અને અવિકસિત દેશોનો 50% નીચે છે. મહિલાઓમાં અને પછાત જ્ઞાતિઓમાં સાક્ષરતા સરાસરી અંક કરતાં પણ નીચે હોય છે :

વિશ્વમાં નિરક્ષરતાની ટકાવારી (1985) નીચે પ્રમાણે છે :

ક્રમ રાષ્ટ્રનો પ્રકાર મહિલા પુરુષ કુલ ટકા આધાર
1 વિકસિત રાષ્ટ્રો 2.6 1.7 2.1

યુનેસ્કોનો

અહેવાલ.

જૂન 1989

2 વિકાસશીલ રાષ્ટ્રો 48.9 27.9 38.2
3 અવિકસિત રાષ્ટ્રો 78.4 56.9 67.6

ભારતની સાક્ષરતાની ટકાવારી (વર્ષ : 1991)
પુરુષ મહિલા કુલ

આધાર

સને 1991ની

વસ્તી ગણતરી

63.86 39.42 52.11

ગુજરાતની સાક્ષરતાની ટકાવારી (વર્ષ : 1991)
પુરુષ મહિલા કુલ

આધાર

સને 1991ની

વસ્તી ગણતરી

72.54 48.50 60.91

ગુજરાતની સાક્ષરતાની પ્રગતિ (ટકાવારીમાં) (1901થી 1991)

વર્ષ પુરુષો મહિલાઓ

કુલ

આધાર

1991ની

વસ્તી ગણતરી

1901 14.52 1.01 7.73
1911 15.98 1.88 9.12
1921 18.89 3.28 10.85
1931 18.89 3.96 11.98
1941 અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય
1951 30.17 12.79 21.69
1961 41.13 19.10 30.45
1971 46.11 24.75 35.79
1981 54.44 32.30 43.70
1991 72.54 48.50 60.91
1951થી 1991 સુધીમાં ભારતની સાક્ષરતાની પ્રગતિની ટકાવારી (7 વર્ષ અને તેની ઉપરની ઉંમરની)
ક્રમ વર્ષ પુરુષ મહિલા કુલ સાક્ષર વ્યક્તિ
1 1951 29.00 2.82 19.74
2 1961 42.96 17.32 30.11
3 1971 48.92 23.00 36.49
4 1981 (આસામ સિવાય) 56.37 29.75 43.56
5 1991 (જમ્મુ-કાશ્મીર સિવાય) 63.86 39.42 52.11

(આધાર : ભારતની વસ્તી ગણતરી)

ભારતનો વસ્તી-વધારો કરોડમાં

ક્રમ વર્ષ પુરુષો મહિલાઓ કુલ વ્યક્તિ
1. 1951 18.53 17.55  36.08
2. 1961 22.62 21.29  43.91
3. 1971 28.40 26.41  54.81
4. 1981 35.44 33.07  68.51
5. 1991 43.78 40.65  84.43

(આધાર : ભારતની વસ્તીગણતરી)

સમાલોચના : માનવતાના વિકાસ માટે સાક્ષરતા એ અતિઆવશ્યક ઘટક છે; અધ્યયન અને સંદેશાવ્યવહારનું એ અનિવાર્ય સાધન અને સાધ્ય પણ છે; માનવવિકાસ અને તેની પ્રગતિ માટે સાક્ષરતા એ પૂર્વશરત છે તેમ તેની દ્યોતક પણ છે.

માનવવિકાસનો આધાર કેવળ કારખાનાં, બંધો, સડકો કે તકનીકી પ્રગતિ ઉપર નથી; પરંતુ મૂળભૂત રીતે લોકોના જીવન સાથે છે. એનું લક્ષ્ય લોકોની ભૌતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રગતિ ઉપર છે. આ પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ કે પાયાની જરૂરિયાત સાક્ષરતા (literacy) છે. કોઈ પણ પ્રજામાં લગભગ 100% વ્યાપક સાક્ષરતા સિવાય સર્વાંગી પ્રગતિ કોઈ પણ સંજોગોમાં શક્ય જ નથી.

નિરક્ષરતા(નિરક્ષરોની)ની પ્રવર્તમાન સંખ્યાસ્થિતિ (કરોડની સંખ્યામાં)

(ભારત/ગુજરાત માટે 7 વર્ષ અને તેની ઉપરના)

ક્રમ

દેશ/રાજ્યનું નામ પુરુષોની સંખ્યા

(કરોડમાં)

મહિલાઓની સંખ્યા

(કરોડમાં)

કુલ વ્યક્તિઓ

(કરોડમાં)

આધાર

(source)

1

ગુજરાત 0.49 0.87 1.36 ભારતની વસ્તી ગણતરી (1991)
2 ભારત 13.01 20.21 33.22

ભારતની વસ્તી ગણતરી (1991)

3

દુનિયા 40.00 60.00 100.00

યુનેસ્કોનો અહેવાલ (1991)

                                          (અંદાજે)                 (અંદાજે)                   (અંદાજે)

ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, કેન્દ્રકક્ષાએ અને રાજ્યકક્ષાએ બજેટની પૂરતી ફાળવણી, પ્રાથમિક શિક્ષકોની નિષ્ઠા, પ્રાથમિક શિક્ષણની સ્વાયત્તતા, અપવ્યય અને સ્થગિતતાની લગભગ નાબૂદી, વાલીઓની જાગૃતિ અને છેલ્લે શાસનતંત્રની દિલની ઇચ્છા (will) જ્યારે સંપૂર્ણપણે અને સાચી રીતે પ્રગટશે ત્યારે જ 100% સાક્ષરતા સિદ્ધ કરવાનો આશય સિદ્ધ થઈ શકશે એવો એક વ્યાપક અભિપ્રાય પ્રવર્તે છે.

અરવિંદચંદ્ર જ. શુક્લ