પ્રૉટેસ્ટન્ટ : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ઈ. સ.ની સોળમી સદીમાં પશ્ચિમના ખ્રિસ્તી ધર્મમાં માર્ટિન લ્યૂથર(1483–1546)ની રાહબરી હેઠળ એક ધાર્મિક ક્રાંતિ થઈ, જેને કારણે ખ્રિસ્તી ધર્મની ત્રણ મુખ્ય શાખાઓમાંની જે એક શાખા અસ્તિત્વમાં આવી, તેનું નામ પ્રૉટેસ્ટન્ટ. આ સંપ્રદાય રોમના ખ્રિસ્તી ધર્મથી તબક્કાવાર અલગ થઈ ગયો. ખ્રિસ્તી ધર્મસંઘ અને વિશેષ કરીને તેના સર્વોચ્ચ નેતા – વડા ધર્મગુરુ-પાશ્ચાત્ય યુરોપના રાજકારણમાં ખૂંપેલા હતા. ધર્મસંઘની સત્તા અને મિલકત વધતાં જતાં હતાં. આધ્યાત્મિક પરિબળ તરીકેનું તેનું સ્થાન ઘટતું જતું હતું. કેટલીક અનિચ્છનીય બાબતો પણ બનતી હતી; દા.ત., પાદરી વર્ગમાં સડો વધ્યો હતો. એટલે માર્ટિન લ્યૂથરે સર્વ સંતોના તહેવારની પૂર્વસંધ્યાએ એટલે કે 31મી ઑક્ટોબર 1517ના રોજ વિટ્ટનબર્ગ શહેરમાં ‘સર્વ સંતોનું દેવળ’ એ મથાળે 95 મુદ્દાઓ લખીને દેવળના દરવાજે ચોડી દીધા. ધર્મસુધારણા ઝંખતા જીવોને તો લ્યૂથર ઈશ્વરે મોકલેલો ઓલિયો લાગ્યા. રાજવીઓ, રાજકારણીઓ અને વેપારીઓને લ્યૂથર ઇટાલી વિરુદ્ધની ચળવળ ચલાવવા માટે એકત્ર થવાનું કેન્દ્રબિંદુ લાગ્યા. આ તકવાદીઓનો હેતુ ધર્મસંઘને ભરવો પડતો વેરો બંધ કરવાનો હતો. તેમને વડા ધર્મગુરુની સ્થાનિક બાબતોમાંની દખલગીરી ટાળવી હતી અને ધર્મસંઘની જમીન પચાવી પાડવી હતી. સંન્યાસ સ્વીકારી ચૂકેલા છતાં સ્ત્રીઓ સાથે રહેતા લોકોને સંન્યાસાશ્રમમાંથી મુક્ત થવાની અને પોતાના જીવનને ઠેકાણે પાડવાની તક સાંપડી ગઈ. ટૂંકમાં, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે જે જબરી ઊથલપાથલ મચી તેના કેન્દ્રમાં લ્યૂથર હતા.

પ્રૉટેસ્ટન્ટ પંથના પ્રવર્તક માર્ટિન લ્યૂથર

વિટ્ટનબર્ગના વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક અને પાદરી એવા લ્યૂથરના ધ્યાનમાં આવ્યું કે ઈશ્વરની કૃપા ન વેચાય કે ન ખરીદાય. તેમણે શિક્ષામોચનની પ્રથા પર પ્રહારો કર્યા. વડા ધર્મગુરુને મૃત્યુ પછીની દુનિયા પર કોઈ અધિકાર નથી એવું જાહેર કર્યું. એવી ઘોષણા કરી કે સંતોનાં પુણ્યો પર આધાર રાખી શકીએ એવું શુભ સંદેશમાં જોવા મળતું નથી. ધર્મની સુધારણા માટેની ચાવી તેમને જડી ગઈ. એ ચાવી હતી  શાસ્ત્ર એકલું જ પ્રમાણભૂત છે અને માત્ર શ્રદ્ધા દ્વારા જ પુણ્યશાળી ઠરી શકાય છે, કર્મો દ્વારા નહિ. ઈ. સ. 1521માં તેઓ પર ખટલો ચલાવવામાં આવ્યો. પરિણામે તેમને ધર્મસંઘની બહાર કાઢવામાં આવ્યા. આમ, ધર્મની આંતરિક સુધારણા માટે શરૂ થયેલી ચળવળ ધર્મસંઘના ભાગલામાં પરિણમી. લ્યૂથરના મત મુજબ ઉપાસના-વિધિમાં વપરાતાં બ્રેડ અને મદ્યમાં ઈસુ ખ્રિસ્ત હાજર છે. કારણ; ઈસુ ખ્રિસ્ત સર્વત્ર હાજર છે. આ મત મૂળ ધર્મશ્રદ્ધાથી જુદો છે. મૂળ ધર્મશ્રદ્ધા મુજબ ઉપાસના-વિધિમાં બ્રેડ અને મદ્ય અનુક્રમે ઈસુ ખ્રિસ્તનાં શરીર અને લોહીમાં પલટાઈ જાય છે. સોળમી સદીના મધ્ય ભાગમાં તો પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાય ઉત્તર યુરોપમાં ફેલાઈ ગયો; પણ સ્પેન અને ઇટાલીમાં તેને સ્થાન મળ્યું નહિ.

પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના મૂળભૂત મુદ્દાઓ : (1) માનવ પોતાનાં કાર્યો અને પુણ્યો દ્વારા મુક્તિ પામી શકતો નથી, પરંતુ માત્ર ઈશ્વરની કૃપાથી જ (જે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવી છે તેનાથી) મુક્તિ પામે છે. તેથી કોઈએ પોતાની સારી વર્તણૂકનો અને આજ્ઞાપાલનનો આનંદ ન કરવો. (2) ખ્રિસ્તી ધર્મશ્રદ્ધા માટે આખરી બંધનકર્તા કેવળ શાસ્ત્ર છે. શાસ્ત્ર પ્રભુની વાણી છે એટલે તેનું અર્થઘટન પોતાની મરજી મુજબ નહિ, પરંતુ પ્રભુની પ્રેરણા દ્વારા જ થવું જોઈએ. (3) સંઘમાં જેઓ સ્થાન ધરાવે છે તેમનું મુખ્ય કાર્ય પ્રભુની વાણી વાંચી સંભળાવવાનું અને તે પર ઉપદેશ આપવાનું છે. એટલે ધર્મસંઘ અસ્તિત્વ ધરાવે છે એમ ત્યારે જ કહેવાય જ્યારે પ્રભુની વાણીની ઘોષણા થતી હોય અને સંસ્કારો આપવામાં આવતા હોય. (4) દરેક ખ્રિસ્તીજન પુરોહિત છે. તેથી કોઈ પણ પુરુષ સંઘની ઉપાસના ટાણે પ્રમુખસ્થાને વિરાજી શકે. મોટાભાગનાં દેવળોમાં રવિવારની ઉપાસના ઉપદેશ અને ભજનોનાં ગાન જ બની ગઈ. (5) શાસ્ત્રનો જેને આધાર છે એવા બે જ સંસ્કારો સ્વીકારવામાં આવે છે. આ સંસ્કારો છે : સ્નાન-સંસ્કાર અને ખ્રિસ્તપ્રસાદ-સંસ્કાર. સંસ્કારો પ્રભુની કૃપાની નિશાની છે, પ્રભુની કૃપાનું કારણ નથી.

જેમ્સ ડાભી