પ્રેરણા (મનોવિજ્ઞાન)

February, 1999

પ્રેરણા (મનોવિજ્ઞાન) (1) : માનવીના વર્તનનું પ્રેરકબળ, જેને મનોવિજ્ઞાનની ભાષામાં ‘પ્રેરણા’ તરીકે ઓળખવામાં આવે છે. માનવી જે કાંઈ પણ વર્તન કરે છે તેનું સ્પષ્ટીકરણ વર્તનના ચાલકબળને સૂચવે છે. ઉદ્દીપક પ્રત્યેની પ્રાણીની પ્રતિક્રિયાને મનોવિજ્ઞાનમાં વર્તન કહેવામાં આવે છે. આમ, પ્રેરણા એ ઉદ્દીપક અને પ્રતિક્રિયાને જોડનારું આંતરિક, મધ્યસ્થી પરિવર્ત્ય (intervening variable) છે. પ્રેરણા માનવવર્તનને દિશા આપે છે. આથી જ ધ્યેયપ્રાપ્તિ માટેના સાધનરૂપ વર્તનને પ્રેરણાની ક્રિયાત્મક વ્યાખ્યા તરીકે સ્વીકારવામાં આવે છે. પ્રેરણા એ પ્રાણીને ધ્યેય તરફ દોરી જનારી ઉત્તેજના(arousal)ની આંતરિક પરિસ્થિતિ છે.

પ્રેરણા કે ચાલક બળ જન્મદત્ત હોઈ શકે છે અને વાતાવરણમાંથી સંપાદિત પણ હોઈ શકે છે. જન્મદત્ત પ્રેરણા મનુષ્ય તથા પ્રાણીમાં લગભગ સમાનપણે જોવા મળતી સહજવૃત્તિ રૂપે હોય છે. વર્તનનાં જન્મદત્ત ચાલક બળો શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે; જેમ કે ભૂખ, તરસ, ઊંઘ તથા જાતીયતાને શારીરિક ‘ઇરણો’ (drives) અથવા પ્રાથમિક પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે; જ્યારે માતૃત્વ, જિજ્ઞાસા, સાંવેદનિક ઉદ્દીપન, પ્રવૃત્તિ અને હાથના ઉપયોગની પ્રેરણા પણ જન્મદત્ત અને સહજસ્ફુરિત હોય છે; છતાં તે સંપૂર્ણપણે શારીરિક નથી. આ ઉપરાંત મનોવિજ્ઞાનમાં સ્નેહ, સાયુજ્ય, સામાજિક માન્યતા, સિદ્ધિ, આત્મગૌરવ તેમજ આત્મ-આવિષ્કારની પ્રેરણાને પણ માનવવર્તનના ચાલક બળ તરીકે સ્વીકારવામાં આવે છે. આ સામાજિક પ્રેરણા સંસ્કારપ્રાપ્ત અથવા સહજસ્ફુરિત હોઈ શકે છે; પરંતુ શિક્ષણ અને અનુભવને કારણે આ પ્રેરણામાં નોંધપાત્ર ફેરફારો થાય છે. ભય, ક્રોધ તથા પ્રેમ જેવા આવેગો પણ ઉત્તેજનાની આંતરિક કક્ષા સૂચવતા હોવાથી આવેગોને પણ મનોવૈજ્ઞાનિક પ્રેરણા તરીકે ઘટાવી શકાય. ડૉ. સિગ્મંડ ફ્રૉઇડ જણાવે છે કે માનવવર્તનનાં ચાલક બળો અજ્ઞાત પણ હોઈ શકે છે. તેમના મતે, માનવી તેના વર્તન પાછળના ચાલક બળથી જેટલે અંશે સભાન હોય છે તેટલે અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે.

સહજવૃત્તિ, ઇરણ અને પ્રેરણા – એ ત્રણેય વર્તનના ચાલક બળ માટેના પ્રચલિત મનોવૈજ્ઞાનિક પર્યાયો હોવા છતાં ત્રણેય વચ્ચે મુખ્ય તફાવત એ છે કે સહજવૃત્તિ સંપૂર્ણપણે જૈવીય અને વારસાગત છે. ઇરણ એ આંતરિક શારીરિક અસંતુલનની સ્થિતિ છે, જ્યારે પ્રેરણા એ ધ્યેયલક્ષી વર્તન માટેનું મનોવૈજ્ઞાનિક ચાલક બળ છે. સહજવૃત્તિજન્ય વર્તન સમગ્ર જાતિ(species)માં એકસરખું જોવા મળે છે; જ્યારે પ્રેરણાજન્ય વર્તનમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે. સહજવૃત્તિમાં આવેશ અને અવિચારીપણાનો અંશ હોય છે, જ્યારે પ્રેરણામાં બોધાત્મક (cognitive) અંશો પ્રધાન હોય છે. ઇરણોને મુખ્યત્વે જૈવીય (genetic) આધાર હોય છે, જ્યારે પ્રેરણામાં શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે. પ્રેરણા માટે મનોવિજ્ઞાનમાં ‘જરૂરિયાત’ શબ્દ પણ વ્યાપક રીતે પ્રયોજાય છે.

પ્રેરણાની સમજૂતી આપતા વિવિધ સિદ્ધાંતો મનોવિજ્ઞાનમાં પ્રચલિત છે; જેમ કે, સહજવૃત્તિનો સિદ્ધાંત માનવીની સહજવૃત્તિઓ(instincts)ને જ વર્તનના ચાલક બળ તરીકે વર્ણવે છે. મનોવિશ્લેષણવાદ જાતીયતા તથા આક્રમકતાની સહજવૃત્તિઓ અથવા તેમના દમનને કારણે જન્મેલી અજ્ઞાત પ્રેરણાને વર્તનનાં ચાલક બળો તરીકે નિરૂપે છે. સમાજિક શિક્ષણનો સિદ્ધાંત જણાવે છે કે આપણા વર્તન માટે બાહ્ય વાતાવરણમાંથી પ્રાપ્ત થતા ‘વળતર’ અને જ્ઞાન દ્વારા આપણને જે અનુભવ થાય છે તે અથવા તો કેવળ અવલોકન દ્વારા પ્રાપ્ત થતું પ્રાતિનિધિક શિક્ષણ (vicarious learning) કારણભૂત છે. આ ઉપરાંત, ઘણી વાર વાતાવરણનાં વિવિધ લક્ષ્યો માનવીની મૂળભૂત પ્રેરણા સાથે જોડાઈ, કાર્યગત સ્વાયત્તતા(functional autonomy)ના સિદ્ધાંત મુજબ, સ્વતંત્ર પ્રેરણા તરીકે કાર્ય કરે છે. વુડવર્થ તથા હલ જેવા મનોવૈજ્ઞાનિકો શરીરસંતુલન(homeostasis)ના સિદ્ધાંતને મહત્વ આપી, ‘ઇરણ-ઘટાડો’(drive-reduction)ને પ્રેરિત વર્તનના પ્રબલન તરીકે વર્ણવે છે. ફેસ્ટિંજર બોધાત્મક વિરોધાભાસ(cognitive dissonance)ને બુદ્ધિશીલ એવા મનુષ્યના વર્તનના મુખ્ય ચાલક બળ તરીકે વર્ણવે છે. જૅક બ્રેહ્મ, વ્યક્તિના વર્તન માટેના સ્વાતંત્ર્યને અવરોધનારાં પરિબળો પ્રત્યે જન્મતા માનસિક પ્રત્યાઘાત- (psychological reactance)ને વર્તનના ચાલક બળ રૂપે જણાવે છે. ટૂંકમાં, મનોવિજ્ઞાનમાં માનવવર્તન માટે અનેક નિર્ણાયકો (multiple determinants) સ્વીકારાયા હોવાથી વર્તનનાં ચાલક બળોની કોઈ એક સંપૂર્ણ યાદી આપવી દુષ્કર છે.

વીસમી સદીના લગભગ મધ્યભાગ સુધી માનવવર્તનનાં ચાલક બળોને કોઈ ને કોઈ પ્રકારની ‘ખામી’ કે ‘અધૂરપ’ (deficiency motivation) રૂપે વર્ણવવામાં આવતાં હતાં; પરંતુ 1960ની આસપાસ કાર્લ રૉજર્સ તથા અબ્રાહ્મ માસ્લૉ જેવા માનવતાવાદી મનોવૈજ્ઞાનિકોએ ‘વિકાસ-પ્રેરણા’(growth motivation)નો ખ્યાલ રજૂ કરી વર્તનના ચાલક બળની વિધાયક અને સમગ્રલક્ષી સમજૂતી આપી. માસ્લૉએ રજૂ કરેલા ‘પ્રેરણાના શ્રેણીક્રમ’ (hierarchy of needs) અનુસાર, માનવવર્તનનાં ચાલક બળો અથવા પ્રેરણાને મુખ્ય 5 વિભાગમાં વહેંચી શકાય : (1) ભૂખતરસ જેવી શારીરિક જરૂરિયાતો, (2) સલામતી, (3) સ્નેહ અને સહચાર, (4) આત્મગૌરવ અને (5) આત્મ-આવિષ્કારની જરૂરિયાત. માસ્લૉના મતે, નીચલી પ્રેરણાનો સંતોષ થઈ જતાં, ક્રમશ: ઉપલી કક્ષાની પ્રેરણા ઉદભવે છે. માનવીની બધી જ શારીરિક, મનોવૈજ્ઞાનિક કે સામાજિક  આકાંક્ષાઓ સંતોષાઈ જાય ત્યારે છેવટે આત્મ-આવિષ્કારની વિકાસ-પ્રેરણા ઉદભવે છે : એક સંગીતકારની સંગીતસાધના માટેની પ્રેરણા, સાહિત્યકાર કે કલાકારની સર્જન માટેની પ્રેરણા કે વૈજ્ઞાનિકની સંશોધન માટેની પ્રેરણા. ટૂંકમાં, પોતાની ક્ષમતાને મૂર્તિમંત કરવા માટેની પ્રેરણા – એ આત્મ-આવિષ્કારની વિકાસ-પ્રેરણા છે, જેને માસ્લૉ માનવવર્તનનું ખૂબ અગત્યનું ચાલકબળ માને છે.

અચિંતા યાજ્ઞિક