પ્રાણીજ રેસાઓ : પ્રોટીનના વિકરણ(denatured)થી પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત તંતુમય પદાર્થો, જેમાં કેટલાંક સંધિપાદોએ બનાવેલા વાળ જેવા રેસાઓ, રેશમ-ફૂદાંના કોશેટાને ફરતે વીંટાયેલા ચળકતા સૂક્ષ્મ તાંતણા, કરોળિયાનાં જાળાં, પક્ષીઓનાં કોમલ પીંછાં (plumules) અને સસ્તનોના વાળનો સમાવેશ થાય છે. આ બધા રેસાઓ નિર્જીવ ઘટકો છે. રેશમ-ફૂદાંએ નિર્માણ કરેલા રેશમના નામે ઓળખાતા તંતુઓ માનવ સહિત કેટલાંક પ્રાણીઓના વાળ, સસલાં, મિંક જેવાં પ્રાણીઓ પર જોવા મળતી રુવાંટી (fur), ઘેટાં, લામા(llama) જેવાં પ્રાણીઓના ઊન નામે ઓળખાતા વાળ – આ બધા રેસાઓના પ્રકારો આર્થિક ર્દષ્ટિએ અગત્યના છે.

રેશમ : કુદરતી સુંદર દેખાવને લીધે રેશમની ગણના રેસાની રાણી (queen of fibres) તરીકે કરવામાં આવે છે. કુદરતી રેસામાં સૌથી અત્યંત મજબૂત રેસા એટલે રેશમ. રેશમના રેસા કેટલીક જાતના પોલાદના તાર કરતાં પણ વધારે મજબૂત હોય છે. તેની સ્થિતિસ્થાપકતાનો ગુણ પણ અતિ ઉચ્ચ પ્રકારનો છે. જ્યારે વજનમાં રેશમનાં કપડાં સાવ હળવાં હોય છે અને વજનદીઠ ઊન કરતાં પણ વધારે ગરમી આપે છે. વળી રેશમનાં કપડાં કરચલી-પ્રતિરોધી (anti crease) હોય છે; પરિણામે રેશમનાં વસ્ત્રો ઉચ્ચ કક્ષાનાં ગણાય છે અને તે અત્યંત લોકપ્રિય છે. રેશમનાં કપડાંનો ઉપયોગ પરિધાન ઉપરાંત સજાવટ માટે તેમજ ફર્નિચર મઢવા માટે પણ કરવામાં આવે છે. ભારતનાં રેશમનાં વસ્ત્રોમાં બનારસી શાલ અને પાટણનાં પટોળાં દુનિયાભરમાં પ્રખ્યાત છે.

રેશમનું ઉત્પાદન રેશમનાં ફૂદાં કરતાં હોય છે. રેશમના કીડા (silkworm) તરીકે ઓળખાતી ફૂદાંની ઇયળ રેશમને પેદા કરે છે. રેશમના ઉદ્યોગ સાથે સંકળાયેલા સાહસિકો રેશમની ઇયળોનો ઉછેર શીમળાના વૃક્ષ (mulberry tree) પર કરતા હોય છે. રેશમના કીડાના નીચલા જડબાની નીચે એક દ્વાર (opening) આવેલું હોય છે, જેને વયિત્ર (spinnevet) કહે છે. આ વયિત્રમાંથી ઘટ્ટરસ (gel) સ્વરૂપે, સૂક્ષ્મ રેસા બહાર આવે છે. ઇયળ આ રેસાને પોતાના શરીરની ફરતે ‘8’ આકારે વીંટાળે છે. તેની અંદર રેશમનો કીડો ઢંકાયેલો રહે છે અને ત્રણેક દિવસમાં તો આ કીડાનું રૂપાંતર કોશેટા(cocoon)માં થાય છે. આમ તો કોશેટાને નિષ્ક્રિય અવસ્થા તરીકે વર્ણવી શકાય; પરંતુ કોશેટાના આવરણની અંદર ક્રમશ: કોશેટાનું રૂપાંતર ફૂદાંમાં થતું હોય છે અને તે કોશેટાના આવરણને ભેદીને બહાર આવે છે.

વયિત્રમાંથી બહાર આવતા રેસાઓ અત્યંત સૂક્ષ્મ હોય છે અને તે 95% પ્રોટીન અને 5% મીણના બનેલા હોય છે. ઘટ્ટ રસ બહાર આવતાંની સાથે રેસાના ઘન સ્વરૂપમાં ફેરવાય છે. રેશમના રેસા જાળવતા કોશેટાને ગરમ પાણીમાં બોળવામાં આવે છે. આમ કરવાથી ફૂદું મરી જાય છે જ્યારે તાંતણા સળંગ રહે છે. વયિત્રમાંથી નીકળતા રેસા અત્યંત સૂક્ષ્મ હોવાથી 3થી 10 તંતુઓના ગુચ્છાઓને ભેગા કરી તેમાંથી ઇચ્છિત વ્યાસના રેશમના તંતુ બનાવાય છે અને વિશિષ્ટ પદ્ધતિ વડે આ રેસાનું અવકુંડલન (unwinding) કરાય છે. મૂળ રેસાની ફરતે ગુંદરને મળતો સેરિસિન પદાર્થ આવેલો હોય છે અને આ સેરિસિનને લઈને ગૂંથવામાં આવતા રેસાઓ એકરૂપ થઈને તેમાંથી એક જ સામાન્ય તંતુ તૈયાર થાય છે. દરેક ફીરકી(reel)માં વીંટળાયેલા તંતુની લંબાઈ 300થી 600 મીટર જેટલી હોઈ શકે છે.

વૈજ્ઞાનિક પદ્ધતિ વડે રેશમ-કીડાનો ઉછેર કરવાની શરૂઆત જાપાને કરી હતી. આજે પણ જાપાનમાં રેશમનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. જોકે રેશમનું સૌથી વધારે ઉત્પાદન હાલમાં ચીનમાં થાય છે. રેશમનું ઉત્પાદન મોટા પાયા પર કરનાર અન્ય દેશોમાં ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને રશિયાનો સમાવેશ થાય છે. યુ.એસ. રેશમમાંથી વિવિધ બનાવટોનું નિર્માણ કરવામાં મોખરે છે.

ઉપત્વચા, બાહ્યક અને ઊન-તંતુની મજ્જા

ભારત અને ચીન દેશમાં રેશમના કીડાનો ઉછેર ઓકનાં વૃક્ષો પર પણ કરવામાં આવે છે. તેના રેશમને ટુસ્સા કહે છે. ટુસ્સાના તાંતણા રંગે બદામી કે ભૂરા હોવાથી તેનું વિરંજન (bleaching) બરાબર થતું નથી. ટુસ્સા રેશમનો ઉપયોગ મુખ્યત્વે અન્ય વસ્ત્રોના રેસાઓ સાથે સંમિશ્રણ (blending) કરવામાં થાય છે.

સસ્તનોના વાળની રચના : ત્વચાનું અધિચર્મ (epidermis) વાળનું ઊગમસ્થાન છે. ત્વચામાં આવેલા ભાગને મૂળ કહે છે, જ્યારે ત્વચામાંથી બહાર આવેલા ભાગને કાંડ (shaft) કહે છે. કાંડ ત્રણ ભાગોનો બનેલો છે. તેના મધ્યસ્થ ભાગને મધ્યક (medulla) કહે છે. આ ભાગ અંશત: પોલો હોય છે અને તે હવા અને કણિકાઓથી પુરાયેલો હોય છે. અત્યંત સૂક્ષ્મ વાળ મોટાભાગે મધ્યક વગરના હોય છે. મધ્યકની ફરતે આવેલો સ્તર જાડો હોય છે અને તેને બાહ્યક (cortex) કહે છે. બાહ્યકમાં આવેલા કોષો લાંબા હોય છે. ઊનમાં આવેલા આ કોષો ત્રાક (spindle) આકારના હોય છે. તેઓ દેખાવમાં સળંગ અથવા ખંડિત તંતુ જેવા હોય છે. બાહ્યકના કોષોમાં મેલામિન રંજક-કણો (coloured granules) પ્રસરેલા હોય છે. વાળના રંગનો દેખાવ મુખ્યત્વે મેલેનિનનું પ્રમાણ અને તેના કણના કદ પર આધારિત હોય છે. કાંડના બાહ્ય સ્તરને કેશ-ત્વચા (cuticle) કહે છે. કેશ-ત્વચાના કોષો પાતળા, ચપટા અને ભીંગડા જેવા આકારના હોય છે અને તે મુખ્યત્વે કેરાટિન રસાયણમાંથી બનેલા હોય છે. મુખ્યત્વે એમાઇનો-ઍસિડોનું બનેલું કેરાટિન વલયાકાર (spiral) હોય છે. તેના પાસે પાસેનાં વલયો એકબીજાં સાથે હાઇડ્રૉક્સિલ અને સલ્ફેટનાં બંધનો વડે જોડાયેલાં હોય છે. હાઇડ્રૉક્સિલ બંધનોને લઈને તે સારા પ્રમાણમાં પાણીને ચૂસતા હોય છે. બંધનો ઓછાં હોય તેવા વાળ પાણીને ખાસ ચૂસતા નથી અને તેથી તેને પાણી લાગે તો તે સહેલાઈથી ખેરવી શકાય છે. સીધા વાળમાં હાઇડ્રૉક્સિલ બંધનો વધારે હોય છે. વાંકડિયા વાળમાં બંધનોનું પ્રમાણ ઓછું હોય છે. ઊન આકારે તરંગિત (wavy) હોય છે. ઊનની ગુણવત્તા તેની તરંગપ્રકૃતિ (degree of crimp) અને વ્યાસ (જાડાઈ) પર અવલંબિત હોય છે. ઉચ્ચ કક્ષાનું ઊન પાતળું અને કરચલી-પ્રતિરોધી હોય છે અને તેના તંતુઓ પ્રમાણમાં લાંબા હોય છે. વધારામાં ઊન તાન-સામર્થ્ય (tensile strength) અને સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે. આ ગુણવત્તા ઊનના બાહ્યકમાં આવેલા ત્રાકતંતુઓને આભારી છે.

તૈલગ્રંથિ અને સ્વેદગ્રંથિ સાથેનો વિકાસ પામેલ અમજ્જિત ઊન-તંતુનો આયામ છેદ

રુવાંટી (fur) : સસલાં જેવાં પ્રાણીઓની રુવાંટીના વાળ બે પ્રકારના હોય છે. ઉપરની બાજુએથી દેખાતા વાળને રક્ષકવાળ (guard hair) કહે છે. તેઓ પાણીને ખસેડી ત્વચાને સૂકી રાખે છે. જ્યારે નીચલા ભાગમાં આવેલ (નિમ્ન) રુવાંટી-સ્તર ઉષ્મારોધક (insulating) સ્તર તરીકે કામ કરે છે અને તે પ્રાણીનું તાપમાન જાળવે છે.

આર્થિક રીતે વાળની ઉપયોગિતા : માનવીના વાળ : માનવીના વાળનો ઉપયોગ વિગ બનાવવામાં થાય છે. તિરુપતિ જેવા ક્ષેત્રમાં લાંબા વાળ ભગવાન આગળ ભેટ તરીકે પધરાવવામાં આવે છે. આ વાળની મોટા પાયા પર નિકાસ થાય છે. અને તેમાંથી જાતજાતની વિગો બનાવાય છે.

ઊન : ઊનનું મહત્વ તેના રેસાનાં વ્યાસ, લંબાઈ, રંગ, ચમક અને બંધારણાત્મક ઘટકોના આધારે કરવામાં આવે છે. ઊન જાડું હોય તો તેમાંથી મુલાયમ વસ્તુઓ બનાવવી લગભગ અશક્ય થઈ જાય છે. જ્યારે તાંતણા ઝીણા અને લાંબા હોય તો તેમાંથી સારું સૂતર બનાવી શકાય છે. ઊન ગુચ્છિત હોય તેવાં ઘેટાંની જાત સુધારવા તરફ પણ હવે વિશેષ ધ્યાન અપાય છે. સંકુચકતા સારા ઊનની એક અગત્યની લાક્ષણિકતા છે. કાચા માલ તરીકે એકત્ર કરવામાં આવેલા ઊનમાં ચીકણા પદાર્થો, પસીનો, ભેજ અને વાનસ્પતિક કચરા જેવા નિરુપયોગી ઘટકો પણ હોય છે, જેનું પ્રમાણ 30 %થી 80 % જેટલું હોઈ શકે છે. એકત્ર કરવામાં આવેલા ઊનમાં અનાવશ્યક વસ્તુઓનું પ્રમાણ ઓછું હોય તો તેની વધારે કિંમત ઊપજે છે. કેરાટિનમાં આવેલાં બંધનોને મુક્ત કરી ઊનને રંગવામાં આવે છે. તેથી કેરાટિનના વૈશિષ્ટ્યને આધારે પણ ઊનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઊનમાંથી કાપડ બનાવવામાં સારી જાતના ઊનનો અથવા તો તેના રેસાઓના સંશ્લેષિત રેસાઓ સાથે કરાયેલા મિશ્રણનો ઉપયોગ કરાય છે અને જાતભાતનાં વસ્ત્રો તૈયાર કરાય છે.

મેરિનો, મોહેર, કાશ્મીર, અંગોરા જેવાં ઘેટાંઓનું ઊન ઉચ્ચ કક્ષાનું ગણાય છે. લિયેસ્ટર, લિંકન, કાંકુળ જેવાંનું ઊન મધ્યમ ગુણવત્તાવાળું હોય છે અને તેમાંથી કાર્પેટ અને હાથસાળની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.

ભારતમાં ભરવાડ ઘેટાં-બકરાં સાથે સ્થળાંતર કરે છે અને ખેતરમાં કે ચરાણના વિસ્તારોમાં રોકાવાનું પસંદ કરે છે. સાથે સાથે તે પોતે મેળવેલા ઊનને કાંતીને તેના વણાટથી ધાબળા, કામળી જેવાં ઓઢવાનાં વસ્ત્રો પણ બનાવે છે.

રુવાંટી : કૃતંક (rodent – ઉંદર જેવાં પ્રાણી) કુળના સસ્તનોના વાળ રુંવાટી સ્વરૂપે મળે છે. જળાચારી બીવર, મસ્ક-ઉંદર, ચિંચિલા જેવા કૃતંકોની ત્વચા પર સારા પ્રમાણમાં રુવાંટી વૃદ્ધિ પામેલી હોય છે. વીઝેલ કુળના મિંક, સેબલ, પર્શિયન ઘેટાં જેવાં પ્રાણીઓની રુવાંટી આર્થિક રીતે કીમતી હોય છે. સ્કૂન, કોયોટ, શિયાળ, ખિસકોલી, મિંક, પર્શિયન ઘેટાં, સેબલ, મસ્ક-ઉંદર, ચિંચિલા જેવાંની રુવાંટીમાંથી બનાવેલા કોટ અત્યંત ફૅશનેબલ અને મોંઘા હોય છે. તેમની કિંમત સંયુક્ત અમેરિકા અને રશિયા જેવા દેશોમાં 200થી 20,000 ડૉલર જેટલી હોઈ શકે છે.

શિયાળ, મિંક, ચિંચિલા, પર્શિયન ઘેટાં જેવાં પ્રાણીઓનો ઉછેર વિવિધ દેશોમાં કરવામાં આવે છે. શિયાળ અને મિંકના ઉછેર માટે સંયુક્ત અમેરિકા, રશિયા અને કૅનેડા; પર્શિયન ઘેટાંના ઉછેર માટે અફઘાનિસ્તાન, નામિબિયા અને રશિયા; જ્યારે ચિંચિલાના ઉછેર માટે સંયુક્ત અમેરિકા, દક્ષિણ અમેરિકા, રશિયા અને ઝિમ્બાબ્વે પ્રખ્યાત છે.

મ. શિ. દૂબળે