પ્રાણદા ગુટી : બધી જાતના હરસની આયુર્વેદિક ઔષધિ. સૂંઠ 120 ગ્રામ, મરી 40 ગ્રામ, પીપર 60 ગ્રામ, ચવક 40 ગ્રામ, તાલીસપત્ર 40 ગ્રામ, નાગકેસર 20 ગ્રામ, પીપરીમૂળ 80 ગ્રામ, તમાલપત્ર 6 ગ્રામ, નાની ઇલાયચી 10 ગ્રામ, તજ 6 ગ્રામ, સુગંધી વાળો 6 ગ્રામ લેવામાં આવે છે. (નોંધ : હરસમાં જો કબજિયાત હોય તો સૂંઠને બદલે હરડે લેવી અને અમ્લપિત્ત માટે દવા વાપરવી હોય તો ગોળને બદલે સાકર લેવી.) આ તમામ દ્રવ્યોનું ચૂર્ણ કરી, તેમાં 750 ગ્રામ ગોળ મેળવી વટાણા જેવડી મોટી ગોળી બનાવાય છે.

તે 10 ગ્રામ જમ્યા પહેલાં કે પછી સૂપ, દૂધ કે પાણી સાથે અપાય છે. વાત – કફમાં ગરમ પાણી કે મધ સાથે, વાતજ પ્રકોપમાં માંસરસ સાથે, કફપ્રકોપમાં – પિત્તદોષમાં દૂધ અથવા સાદા પાણી સાથે અપાય છે.

આ ઔષધિ વિષમજ્વર, કૃમિ, ગોળો, શૂળ, મદાત્યય, મૂત્રકૃચ્છ્ર, શ્વાસ, વાતરોગ, ખાંસી, બધી જાતના હરસ, મંદાગ્નિ, પાંડુ અને હૃદયરોગમાં ઉપયોગી છે.

જયેશ અગ્નિહોત્રી