પ્રાકૃતપ્રકાશ : વરરુચિએ ઈ. પૂ. 1લી સદીમાં રચેલો પ્રાકૃત ભાષાઓનો વ્યાકરણગ્રંથ. આ ગ્રંથમાં 487 સૂત્રો બાર પરિચ્છેદોમાં વિષય મુજબ વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં 44, બીજામાં 47, ત્રીજામાં 66, ચોથામાં 33, પાંચમામાં 47, છઠ્ઠામાં 64, સાતમામાં 34, આઠમામાં 71, નવમામાં 18, દસમામાં 14, અગિયારમામાં 17 અને બારમામાં 32 સૂત્રો આપવામાં આવ્યાં છે. પ્રથમ પરિચ્છેદમાં સ્વરોના ફેરફારો વિશે, બીજા પરિચ્છેદમાં અયુક્ત વર્ણોના, ત્રીજા પરિચ્છેદમાં યુક્ત વર્ણોના, ચોથા પરિચ્છેદમાં સંકીર્ણ વર્ણોના, પાંચમા પરિચ્છેદમાં લિંગ અને વિભક્તિઓના, છઠ્ઠા પરિચ્છેદમાં સર્વનામોના, સાતમા પરિચ્છેદમાં કાળપ્રત્યયોના, આઠમા પરિચ્છેદમાં ધાતુઓના અને નવમા પરિચ્છેદમાં નિપાતોના ફેરફારો વિશે નિયમો આપવામાં આવ્યા છે. એ પછી દસમા પરિચ્છેદમાં પૈશાચિકી ભાષાના, અગિયારમા પરિચ્છેદમાં માગધી અને બારમા પરિચ્છેદમાં શૌરસેની ભાષાના વિશેષ નિયમો આપવામાં આવ્યા છે. આ રીતે મુખ્ય છ પ્રકારની પ્રાકૃત ભાષાઓમાંથી (1) મહારાષ્ટ્રી, (2) માગધી, (3) પૈશાચી અને (4) શૌરસેની – એ ચાર પ્રકારની પ્રાકૃત ભાષાઓ ‘પ્રાકૃતપ્રકાશ’માં વરરુચિએ ચર્ચી છે. અપભ્રંશ પ્રકારની પ્રાકૃત ભાષાની ચર્ચાનો સર્વથા અભાવ ‘પ્રાકૃતપ્રકાશ’ની પ્રાચીનતા સિદ્ધ કરે છે.

‘પ્રાકૃતપ્રકાશ’નાં 487 સૂત્રો પર સાતમી સદીમાં ભામહ નામના જાણીતા આલંકારિક આચાર્યે સંસ્કૃત ભાષામાં વૃત્તિ રચી છે. પ્રત્યેક સૂત્રમાં રહેલા નિયમની સ્પષ્ટ અને સરળ સમજૂતી ભામહે પોતાની વૃત્તિમાં આપી છે. પ્રાકૃત ભાષાના વ્યાકરણના સૌથી પ્રાચીન અને પ્રમાણભૂત ગ્રંથ તરીકે ‘પ્રાકૃતપ્રકાશ’ની પ્રતિષ્ઠા છે એ નોંધવું રહ્યું.

પ્ર. ઉ. શાસ્ત્રી